Daily Archives: ડિસેમ્બર 9, 2018

હલબલૂ એટલે કોલાહલ એટલે શોરબકોર/પરેશ વ્યાસ

અમે તો આજ કોલાહલ વચાળે મૌન થૈ બેઠા,

અખંડાનંદ જેવા ધ્યાનનું સગપણ ઘણું કહેશે.

  – દાન વાઘેલા

ઘણી વાર કોલાહલ વચ્ચે મૌન થઇ જાવ તો ય માઠી થઇ જાય.

જુઓને, સદીનાં મહાનાયક અમિતાભને એક પત્રકારે પૂછયું કે તમે આ જાતીય સતામણીનાં આરોપ વિષે શું માનો છો? તો અમિતાભે કહ્યું કે ‘ન મારું નામ નાના પાટેકર છે કે ન તનુશ્રી દત્તા. હું શી રીતે જવાબ દઉં તમને?’  આમ અમિતાભે પ્રતિક્રિયા  આપવાનું ટાળ્યું. કોલાહલ વચ્ચે મૌન રહ્યાં. એમણે તનુશ્રીનો પક્ષ ન લીધો. એટલે તનુશ્રી નારાજ થઈને ટ્વીટયાં કે ‘મને દુ:ખ થયું. આ લોકો સામાજિક જાગૃતિની ફિલ્મ્સ બનાવે છે પણ જે એમની નજરોની સામે બને છે એ બાબતે ઉડાઉ જવાબ આપે છે.’ લો બોલો! વાત જાણે એમ બની છે કે ફિલ્મ અભિનેત્રી અને એક સમયની મિસ ઇન્ડિયા તનુશ્રી દત્તાએ આરોપ મુક્યો કે દસ વર્ષ પહેલાં ફિલ્મ અભિનેતા નાના પાટેકરે એક ફિલ્મ ‘હોર્ન ઓકે.. પ્લીઝ’નાં શૂટિંગ દરમ્યાન એની પાસે એક ડાન્સ સિકવન્સમાં ઇન્ટિમટ ડાન્સ સ્ટેપ કરવાની માંગણી મુકી હતી.

ઇન્ટિમટ એટલે અંગત, રંગત, દિલોજાન. તનુશ્રીને લાગ્યું કે નાના મોટી જાતીય સતામણી કરી રહ્યાં છે અને એટલે એણે એ ફિલ્મ છોડી દીધી હતી. હવે દસ વર્ષે દમ બતાવીને તનુ શ્રીએ બગાવતનું હોર્ન ફૂંક્યું છે અને લાગે છે કે… એવરીથિંગ ઈઝ નોટ ઓકે…પ્લીઝ !  સત્ય શું હતું? દસ વર્ષ સુધી કેમ કાંઈ બોલ્યાં નહીં?

એની ચર્ચા ચાલી રહી છે. ફિલ્મી પત્રકારોને તો કામ મળી ગયું છે. જે મળે એને પૂછતાં ફરે છે કે આ વિષે તમે શું માનો છો? ઘણાં બોલિવૂડી સેલેબ્રીટી તનુશ્રીની તરફેણમાં ટ્વીટ કરી રહ્યાં છે. નારી સતામણી સામે અવાજ ઊઠાવવાની ઘણાંએ હિંમત કરી છે. તો નાના પાટેકરે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે ફિલ્મનાં સેટ ઉપર બસો માણસો હોય છે. બધાની હાજરીમાં સતામણી શી રીતે થઇ શકે?

સતામણીની તથાકથિત ઘટના અંગે સૌ કોઈ પોતાનાં અભિપ્રાયો આપી રહ્યા છે એ સમાચારમાં એક ઇંગ્લિશ અખબારે એનાં અહેવાલમાં હલબલૂ  (Hullabaloo)શબ્દ લખ્યો છે. અમને નથી લાગતું કે આ શબ્દ આ સમાચાર માટે યોગ્ય છે. પરંતુ છપાયો એટલે અમને લાગ્યું કે એ શબ્દની સંહિતા રજૂ કરવી જોઈએ.  ગુજરાતી લેક્સિકોન અનુસાર ‘હલબલૂ’  એટલે શોરબકોર, કોલાહલ. આપ તો જાણો જ છો કે કલશોર અને શોરબકોર વચ્ચે ઘણો ફર્ક છે.

પક્ષીઓનો મીઠો મધુરો ધ્વનિને કલશોર કહે છે, જ્યારે શોરબકોર એટલે સામાન્ય રીતે જથ્થાબંધ પરંતુ નકામા અથવા અનપેક્ષિત અવાજોનાં સમૂહ. કોલાહલમાં સઘળી બુદ્ધિગમ્ય ચર્ચા  ડૂબી જાય છે.

પણ જુઓને, આ તનુશ્રી અને આ નાનાનાં વર્ષો. પહેલાનાં કિસ્સામાં શોરબકોર વધતો જાય છે. જેને કાંઈ નથી કહેવું, એનાં મોઢામાં આંગળા નાંખીને બોલવા આગ્રહ કરાય છે. એ ખબર નથી કે આ બાબતે કાંઈ કશું નક્કર થશે કે કેમ? પરંતુ ભવિષ્યમાં  પ્રત્યેની પુરુષની વર્તણુંકમાં સુધારો થાય તો આ હલબલૂ લેખે લાગશે. પણ અમે તો હલબલૂ શબ્દની વાત કરતાં હતા.

હલબલૂ ઓનામેટોપોઇક એટલે કે રવાનુકારી શબ્દ છે. ઓનામેટોપોઇક એટલે અવાજ જે શબ્દ બની જાય. જેમ કે ધડામ, ધડાક, તડાક, તબડાક, ફટાક, કલકલાટ, સુસવાટા વગેરે. હલબલૂ શબ્દની વ્યૂત્પત્તિ પાછળ એવું મનાય છે કે જેમ કોઈનું ધ્યાન ખેંચવા કે કોઈને બોલાવવા આપણે  ‘એ…….હલો, કહીએ છીએ, એ રીતે ઘણાં બધા એકસાથે અથવા તો સાગમટે હલો હલો કરીને હલ્લો કરે તો એ થાય હલબલૂ. ખાસ કરીને શિકાર કરતી વખતે સાથી શિકારીનું ધ્યાન ખેંચવા હલ્લૂ બલ્લૂ એવો પોકાર થતો હતો.

જોરદાર, જબરી કે તોફાની પ્રવૃત્તિ માટે ઇંગ્લિશ ભાષામાં હર્લી-બર્લી શબ્દ ઈ.સ. ૧૫૪૦થી વપરાય છે. શેક્સપીયરનાં નાટક ‘મેકબેથ’ની શરૃઆતમાં ત્રણ ડાકણો આવે છે અને બોલે છે : વ્હેન ધ હર્લી-બર્લી ઈઝ ડન, વ્હેન ધ બેટલ ઈઝ લોસ્ટ એન્ડ વન..(જ્યારે કોલાહલ શમી જાય, જ્યારે યુદ્ધ હારી કે જીતી જવાય…).

હર્લી શબ્દ હર્લ પરથી આવ્યો છે. હર્લ એટલે જોરથી ફેંકવું. પણ બર્લ જેવો કોઈ શબ્દ નથી. એવું મનાય છે કે હર્લી સાથે પ્રાસ મેળવીને બર્લી શબ્દ રચાયો છે. દિલ-બિલ, પ્યાર-બ્યાર જેવું કંઈક. આજનો આપણો હલબલૂ શબ્દ આ હર્લી-બર્લી શબ્દ પરથી આવ્યો હોવાનું મનાય છે.

હલબલૂમાં જે થાય એ કાંઈ સમજી ન શકાય. ઘણાં બધા એકસાથે ઘણું બધું બોલે તો કશું ય ન સમજાય. માત્ર શોરબકોર કે કોલાહલ હોય તો એમાં સાચી વાત પ્રગટ ન થાય. હલબલૂ શબ્દમાં વક્રોક્તિનો આડકતરો ઈશારો છે. આ શબ્દ ત્યારે વપરાય છે જ્યારે કોઈ કોલાહલ ઉપર કટાક્ષ કરવામાં આવે. આ શબ્દ વપરાય ત્યારે એનો અર્થ એવો થાય કે આ કોલાહલ નકામો છે. એનાથી કોઈ ફાયદો થાય તેમ નથી. એટલે જ મારાં પ્રિય શાયર દુષ્યંત કુમારે કહ્યું છે सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं,सारी कोशिश है की ये सूरत बदलनी चाहिए।   તનુશ્રી દત્તા બોલે છે એનો હેતુ હલબલૂ નથી.

પણ કામની જગ્યાઓએ સ્ત્રી ઓની જાતીય સતામણીની કોશિશ બંધ થવી જોઈએ, એવા મકસદથી એ બોલે છે. મને લાગે છે કે એ ઇંગ્લિશ અખબારનવીશે એનાં સમાચારમાં ‘હલબલૂ’ની જગ્યાએ ‘આઉટક્રાય’ (કશાકનાં વિરોધમાં પોકાર) શબ્દ વાપર્યો હોત તો વધારે યોગ્ય ગણાત. શબ્દની ય કોઈ તાસીર હોય છે, ભાઈ!

શબ્દ શેષ

‘શાંત ખૂણાવાળી એકાદી જગ્યા ય જ્યાં ન હોય એ દુનિયામાં, એનાં ઈતિહાસથી કે પછી એની હલબલૂ (શોરબકોર) કે પછી એની વિક્ષુબ્ધ કરી મુકે એવી ધાંધલથી બચીને, આસાનીથી છટકી શકાય એમ નથી.’

– જાણીતા, કંઈક અંશે વિવાદાસ્પદ નવલકથાકાર સલમાન રશ્દી

    T

 

Leave a comment

Filed under ઘટના, પરેશ વ્યાસ