Daily Archives: ડિસેમ્બર 11, 2018

શાબ્દિક ટાંટિયાખેંચ છોડો, વાત પોતાની કરો..પરેશ વ્યાસ

…ગુજરાતની ધરતીનાં બંને મોહન યુગને પલટાવી ગયા. દુનિયાને રસ્તો દેખાડતાં ગયા. એક મોહન સુદર્શન ચક્રવાળા અને બીજા મોહન ચરખા ચક્રવાળા. એક હિંસક હથિયાર. બીજું નિતાંત અહિંસક

કવિ શ્રી રાહુલ ગાંધી કવિતા ટ્વીટે છે કે સાહેબકા કમાલ દેખો, રાફેલકા ઘોટાલ દેખો, રુપયેકી ટેઢી ચાલ દેખો, તેલમેં ઉછાલ દેખો. વાત સાચી છે. આ કવિતા ફિલ્મ ‘ગોલીઓ કી રાસલીલા, રામલીલા’ના એક ખૂબ જાણીતાં ગીત રામજીકી ચાલ દેખો-ની હમરદ્દીફ છે.

સિદ્વાર્થ-ગરિમાએ લખેલાં આ ગીતમાં બીજું ઘણું દેખવાનું ઈજન છે. દા.ત. આંખોકી મજાલ, રગોમે ઉબાલ, તેવરકી તલવાર, પ્રેમકી યે ઢાલ વગેરે વગેરે. આ ગીત પ્રેમનું, પ્રેમનાં પૌરુષત્વનું છડેચોક એલાન છે.

એની સાપેક્ષ રાહુલ ગાંધીનું ટ્વીટ-એ-શેર-એ-ગઝલ દેશની, દેશનાં લોકની હાલત ઉપર સિલેક્ટીવ બયાનબાજી છે. ‘દેખો’ એનો રદ્દીફ છે. દેશનો મેંગો મેન કન્ફ્યુઝડ છે. મેંગો મેન? ‘આમ આદમી’ શબ્દ પોલિટિકલ પાર્ટી છે એટલે… મેંગો મેન! એવું લાગે છે કે રોજેરોજ એકમેક પર શાબ્દિક હૂમલો કરતાં આપણા રાજનેતા કે એમનાં પ્રવક્તા પ્રતિપક્ષની ટીકાનાં સ્થાને પોતાની વાત કરે તો સારું. તેં આવું કર્યું તો સામે કહે કે તેં ય આવું જ કર્યું’તું. તું ક્યાં દૂધે ધોયો છે? વગેરે વગેરે. પોતાની લીટી મોટી કરો, સામાવાળાની લીટી નાની શીદને કરો મારાં વહાલાં?

ચૂંટણી આવી રહી છે. એકબીજાં ઉપર આરોપ પ્રત્યારોપ વધશે. બાપે માર્યા વેર હોય એ રીતે ટીકા કરવાની જગ્યાએ બીજું કાંઈ થઈ શકે? રાહુલ ગાંધીએ સંસદમાં ભેટવાની કે આંખ મારવાની કઢંગી કોશિશ તો કરી હતી. પણ જામ્યું નહીં. બીજું શું થઈ શકે? બેન્જામીન ફ્રેન્કલીન એવું કહેતા કે તમારાં પ્રતિદ્વંદીને પ્રેમ કરો કારણ કે એ જ તો તમારું ધ્યાન દોરે છે કે તમે ક્યાં ભાંગરો વાટયો? કઈ કૂલડીમાં જઈને ગોળ તમે ભાંગ્યો? ક્યાં ખાધી તમે થાપ?

તમારો થપ્પો કોણ રે મૂકી ગયા આપ? તમને ખબર તો પડે કે તમે ક્યાં ભૂલ્યાં અને ફરી ક્યાંથી ગણવું? પ્રતિદ્વંદીનાં વખાણ તમે કરી શકો. વખાણ સામાવાળાને ઓફ-બેલેન્સ કરી નાંખે છે. એમને મન એમાં કે બધું સમું સૂતરું છે. એમને આત્મવિશ્વાસ આવી જાય. કોન્ફિડન્સ સારો પણ ઓવર-કોન્ફિડન્સ ઘાતક.

નેપોલિયનનાં મતે રાજકારણમાં ક્યારેય પીછેહઠ કરવી નહીં, કહેલી વાતને ક્યારેય પાછી ખેંચવી નહીં… અને કરેલી ભૂલને તો સ્વીકાર? કદી નહીં. ક્યારેક સ્વીકાર કરી લઈએ કે મિત્રો, ચાંદતારા તોડી લાવીશું પણ એમ થયું નહીં. ઇટ્સ ઓકે. અમારી નિષ્ઠા પર શંકા ન કરો. અમે દેશ સેવા માટે જાતને હોમી છે. રાષ્ટ્રીય સ્વાહા.

ગાંધીની સાદાઈને આત્મશ્લાઘી આવકારાની ઝાકઝમાળથી આંજીને નમો રાજકોટ આવ્યા અને આવીને કહી ગયા કે ગુજરાતની ધરતીનાં બંને મોહન યુગને પલટાવી ગયા. દુનિયાને રસ્તો દેખાડતાં ગયા. એક મોહન સુદર્શન ચક્રવાળા અને બીજા મોહન ચરખા ચક્રવાળા. એક હિંસક હથિયાર. બીજું નિતાંત અહિંસક. પણ લોકકલ્યાણ બંને ચક્રનાં કેન્દ્રમાં રહ્યું. સુદર્શન એટલે સારું દર્શન. અને ચરખો એટલે સૂતર કાંતવાનું ચક્ર.

ગુજરાતી લેક્સિકોન અનુસાર ચરખો ચલાવવો એટલે એકધ્યાનથી સતત કામે લાગવું. મોહન અને મોહનદાસ, ચક્ર અને ચરખો વિષે સરખામણી સરસ થઈ. પણ એ પછી કોંગ્રેસનું નામ લીધા વિના એની આડકતરી ટીકા કરવી જરૂરી હતી? ટાંટિયા ખેંચ કરવા કરતાં પોતાનો પગ આગળ મુકીને કહીએ કે આવો મારી સાથે, આપણે સૌને સાથે લઈને આગળ વધી જઈએ. અમેરિકન લેખક અને મોટીવેશનલ સ્પીકર ઝિલ ઝેગલરનાં મતે બીજાને ફટકો મારવા કરતાં પોતાની સારી વાતને આગળ કરતાં રહો. આ વાત સત્તાપક્ષ અને વિરોધપક્ષ બંનેને લાગુ પડે છેૅૅ.

ઘણાં કહે છે કે હા, આ અમને ગમતાં નથી. હવામાં વાતો કરે છે. સ્વમાં રાચે છે. જમીન સ્થિતિ કાંઈ જુદી છે. પણ એ વિચારો કે સામે તો તકસાધુઓનાં ગઠબંધનની વાતો છે. એમાં કેટલાંક તો ગઠિયા છે. મેંગો મેન પાસે અન્ય વિકલ્પ નથી. હાલત ત્રિશંકુ છે. દશા માઠી છે. પણ ચૂંટણી આવી રહી છે. સમય વર્તે સાવધાન, આ મેંગો મેન જ નક્કી કરશે કે ઓછો ખરાબ કોણ છે?

Leave a comment

Filed under ઘટના, પરેશ વ્યાસ