Daily Archives: ડિસેમ્બર 12, 2018

દેશ રાજ્યની ચૂંટણી એક સાથે ? મારાં મનની વાત…- પરેશ વ્યાસ

મનની વાત કહી દેવી કે નહીં, એની અસમંજસ હોઈ શકે. મનની વાત મનમાં રાખવી, એની ય ગડમથલ હોઈ શકે. પણ, કવિ શ્રી મનોજ ખંડેરિયા સાહેબનાં શબ્દો ફેરફાર કરીને કહું તો…એમને શબ્દો મળ્યા આપણે નગર આવવાં, તેઓ ચરણ લઇ ચાલવાં બેસે તો વરસોનાં વરસ લાગે.

વિકાસ જો લક્ષ્ય હોય તો એને દેખાતા પણ વરસોનાં વરસ લાગે છે. કહે છે ને કે નવ સ્ત્રીઓ સાથે ગર્ભવતી થાય એટલે કાંઈ એક મહિનામાં બાળક ન જન્મે. સમય લાગે છે સાહેબ… પણ આપણે ત્યાં છાશવારે ચૂંટણીઓ આવતી રહે છે.

ચૂંટણી એટલે લોકોને ગમતી જાહેરાતો કરવાની મૌસમ. ગામેગામ સંપર્ક કરવાની મૌસમ. રસ્તા, ગટર, લાઈટ, પાણીની સુવિધા આપવાની/સમારકામ કરવાની મૌસમ. જાહેરાતો, જાહેરાતો, જાહોરાતો… ચૂંટણી આવે ત્યારે પ્રભુભક્તિનો મહિમા પણ વધે. ધર્મમાં આસ્થા વધે. સોશિયલ મીડિયા ઉપર ભક્તો સરકારની ભાટાઈ કરે.

અભક્તો સરકારની વગોવાઈ કરે. આંદોલનની મૌસમ તો જાણે ચૂંટણી માટે અનામત રાખી હોય એમ આવી ચઢે. ઉપવાસ, દેખાવ, ધરણા-ક્યારેક શ્રાવણ, તો ક્યારેક ભાદરવાનાં ભીંડાની જેમ ફાટી નીકળે છે. (ગુજરાતી લેક્સિકોન અનુસાર ‘ભાદરવાનો ભીંડો’ એટલે જુવાનીનો નવલોહિયો તોર અથવા તો થોડી પ્રાપ્તિથી છકેલો માણસ.) આંદોલન હિંસક બને, એમ પણ બને. આવું થાય ત્યારે સરકારી સંપત્તિઓ ઉપર પથ્થરાભિષેક થાય.

બારીનાં કાચ કચ્ચરઘાણ થાય. અને બિચારી સરકારી બસ, બસ અબ બસ કહે પણ… એને જીવતી સળગાવી દેવાય. અલબત્ત કેટલાંક આંદોલન જરૂરી પણ હોય. દબાણ હટાવો ઝુંબેશ કારધારકો માટે સારી. પ્રદૂષણ ઘટે. સમય બચે. પણ રસ્તે સસ્તુ વેચનારા ફેરિયાઓ બેરોજગાર બને. એમનાં વતી રજૂઆત કરનારા વિષે આંદોલન ક્યાં થાય છે ? ચૂંટણી આવે, આવતી રહે ત્યારે આવું બધું થાય. હવે ધારો કે પાંચ વર્ષે સઘળી ચૂંટણી એકી સાથે જ આવે તો ? સરકાર શાંતિથી કામ કરી શકે. વાયદાઓ નિભાવી શકે. પાંચ વર્ષે હિસાબ આપી શકે. ત્યાં સુધી લોકોને ય નિરાંત. સરકારને ય નિરાંત.

વડાપ્રધાન દેશ અને રાજ્યની એક સાથે ચૂંટણીઓની ચર્ચાનો ઉલ્લેખ એમનાં રેડિયો પ્રોગ્રામ ‘મનકી બાત’માં કરે છે. આ વિષયની ચર્ચા થાય એ તંદુરસ્ત લોકશાહી માટે જરૂરી છે, એવું તેઓ કહે છે. યાદ રહે કે રેડિયો પ્રોગ્રામ મોનોલોગ (એકોકિત) છે, ડાયલોગ (સંવાદ) નથી. ખુદ વડાપ્રધાન કહે છે કે આ વિષે ચર્ચા જરૂરી છે.

ધારો કે બધી ચૂંટણી જો પાંચ વર્ષે એક સાથે આવે તો ? દાખલા તરીકે મેડિકલ કે એન્જિનીયરીંગમાં એડમિશન મળે પછી પાંચ વર્ષે તેમની આખરી પરીક્ષા જ લેવાની. હેં ને ? આ બધી સેમેસ્ટર કે વાર્ષિક પરીક્ષાઓ શા માટે ? ઠોઠ નિશાળિયાને શાંતિ. ચાર વર્ષ જલસા.

ચૂંટણીનો કોઈ ચોક્કસ અભ્યાસક્રમ નથી. લોકો મૂલ્યાંકન કરે તો શી રીતે કરે ? અત્યારે છે એનાથી સારૂં એટલે સરકાર સારી ? ચાર વર્ષ રસ્તો બન્યો જ ન હોય અને પાંચમે વર્ષે રસ્તો બની જાય એટલે લોકોને થાય કે વાહ, ક્યા બાત હૈ ? વિકાસ એટલે શું ? તમારી પાસે નહોતું અને હવે છે, એનો અહેસાસ. અથવા તો કદાચ એમ કે આખો દિવસ ભૂખ્યાં રાખો અને રાત્રે ભોજન આપો એટલે સવારે થાય કે ભોજન તો મળ્યું. અથવા તો કદાચ એમ કે ચાર વર્ષ ખખડધજ સ્કૂટરથી ચલાવ્યા પછી પાંચમે વર્ષે નવીનક્કોર મોટરબાઈક આપે તો યાદ રહી જાય કે વાહ ! ક્યા બાત હૈ ! નહીં સાહેબ, ભલે ખર્ચ થાય, પણ ચૂંટણી તો વારંવાર આવવી જ જોઇએ. કારણ કે ચૂંટણી જ અમોઘ શસ્ત્ર છે.

દરેક યક્ષપ્રશ્નનો ઉત્તર ચૂંટણી જ છે. અલબત્ત ચૂંટણી એ સપનાં દેખાડવાની મૌસમ છે. વિખ્યાત હ્યુમરિસ્ટ એચ.એલ.મેન્કન કહેતા કે દરેક ચૂંટણી એ ચોરાયેલાં સામાનની આગોતરી હરરાજી છે. તેમ છતાં જે રાહત નાગરિકોને ચૂંટણી હોવાથી મળે છે, એ રાહત પછી ક્યારેય મળતી નથી. મારી તો ચૂંટણી પંચને વિનંતી છે કે ચૂંટણી એવી રીતે એક પછી એક ગોઠવવી જોઇએ કે દર વર્ષે એક ચૂંટણી આવે. વરસમાં એક દિવસ સામાન્ય નાગરિક પોંખાય એનાં જેવી રળિયામણી ઘડી બીજી કઈ હોઈ શકે ?

Leave a comment

Filed under ઘટના, પરેશ વ્યાસ, પ્રકીર્ણ

સાહિત્ય એટલે શું ? (પશ્ચિમાત્ય દૃષ્ટિએ)શ્રી જુગલકીશોર વ્યાસ .

(૧) સાહિત્ય એટલે શું ? (પશ્ચિમાત્ય દૃષ્ટિએ)

સંસ્કૃતમાં જેને ‘કાવ્ય’ અને અંગ્રેજીમાં ‘લિટરેચર’ કહેવાય છે તે સાહિત્ય શબ્દ એના શબ્દાર્થથી જ ઘણો વિશાળ છે. એને શબ્દાર્થથી સમજાવવો હોય તો, શબ્દનું અર્થ અને અર્થનું ચિત્ત સાથેનું સહિતત્વ એટલે  સાહિત્ય.

આ વ્યાખ્યાને જરા વિગતથી  જોઈએ:

લલિતકલાઓમાં સાહિત્ય કલાની ગણના વિશિષ્ટ છે. એનું કારણ બીજી કલાઓ કરતાં અભિવ્યક્તિ માટેનાં સૂક્ષ્મ ઉપાદાનો છે. અન્ય કલાઓમાં ઉપાદાન સાહિત્યના પ્રમાણમાં સ્થૂલ હોય છે. સાહિત્ય એ ભાષા દ્વારા અભિવ્યક્તિ કરે છે. અને ભાષા – શબ્દ – અત્યંત સૂક્ષ્મ સાધન છે. આ શબ્દ દ્વારા સર્જકની અનુભૂતિ પ્રકટ થાય છે. આ રીતે જોઈએ તો ‘‘સાહિત્ય એટલે વાણીમાં રસનું સર્જન.’’ વાણીને શબ્દ સાથે જે રીતે સંબંધ છે એ અંગ્રેજી શબ્દ ‘લિટરેચર’માં બતાવી શકાયો નથી.

લિટરેચર એ શબ્દ લેટર-વર્ણ ઉપરથી આવ્યો છે. એટલે લિટરેચર એ સાહિત્ય એવો લગભગ અર્થ થાય. એ પૂર્ણ અર્થ પ્રકટ કરતો નથી, કારણ કે ‘લખાયા વિના’, ‘શ્રૃતિ’ દ્વારા પણ આપણું સાહિત્ય સતત અવતરતું રહ્યું છે. વાણીને જ એટલે કે જીહ્વા અને કરણેન્દ્રિયને આપણાં સાહિત્યની પરંપરા ટકાવી રાખવાનાં સાધનો તરીકે રાખવામાં આવ્યાં હતાં. આ અર્થમાં આપણે વાઙમય શબ્દ પણ પ્રયોજ્યો છે.

આગળ જોયું કે વાણીમાં રસનું સર્જન એટલે સાહિત્ય. આ વ્યાખ્યામાં એક સૂક્ષ્મ પ્રક્રિયા જોવા મળે છે. આ પ્રક્રિયા સાહિત્યના અર્થ સાથે સંબંધ ધરાવતી હોવાથી એની ચર્ચા પણ અહીં લગભગ સ્વ–સ્થાને છે.હવે આ વાણીને સાહિત્યના ઉપાદાન તરીકે લઈએ ત્યારે તે ફક્ત ‘અવાજ’ ને ‘ધ્વનિ’ને જ પ્રકટ કરતી નથી. લિખિત એ પણ એમાં આવી જશે –

સર્જક નું ચિત્ત અતિ સૂક્ષ્મ સંવેદનોને ગ્રહણ કરે છે. (એટલે જ એને દૃષ્ટા કહ્યો છે.) સંવેદન એના ચિત્તને હલાવી મૂકે છે. અને સિસૃક્ષાની એક તીવ્ર ક્ષણે એ પોતાની અનુભૂતિને વ્યક્ત કર્યા વિના રહી શકતો નથી. પોતાની અનુભૂતિમાં જે એક અલૌકિક આનંદ રહેલો છે તેનુ કોઈ માધ્યમ દ્વારા પ્રાકટ્ય થાય છે ત્યારે ભાવકના ચિત્તમાં પણ આનંદ થાય છે. બંને પક્ષે આનંદપ્રાપ્તિ એ એક રસ જ છે. આની જ આપણે વાત કરીએ તો વાણી દ્વારા એ પ્રકટે છે. એટલે એને અમુક પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.

આ પ્રક્રિયા ૩-૪ તબક્કાઓમાં થાય છે :સૌ પ્રથમ સર્જકના ચિત્તમાં એક અનુભૂતિનો ઝબકારો થાય છે. એમાંથી એ પોતાની પ્રતિભા પ્રમાણે એક સ્પષ્ટ ‘આકાર’ આપે છે. જે આકાર ‘વસ્તુ’ બની રહે છે. સિસૃક્ષાને કારણે સર્જક એને અમુક પ્રતીકો દ્વારા રજૂ કરે છે. આમ અનુભૂતિની શબ્દ–પ્રતીકો દ્વારા અભિવ્યક્તિ થાય છે. આ સમયે એને માધ્યમ અને સાધનોની જરૂર પડે છે.

પરંતુ સાહિત્ય અર્થ આટલેથી જ સાર્થક થતો નથી. સર્જન થયા છતાં એ સાચું સાહિત્ય ગણાય નહિ જો એનું ભાવકચિત્તમાં પ્રત્યાયન Communication  ન થાય. Communication આ દૃષ્ટિએ અતિ મહત્ત્વ ધરાવે છે. સર્જકચિત્તનો આનંદ, સર્જન (કૃતિ)ના સેતુ દ્વારા ભાવકના ચિત્તમાં પ્રકટ થાય ત્યારે જ એ સાહિત્ય બને છે. આ પ્રત્યાયનની પ્રક્રિયાને અવગમન પણ કહે છે. એનાથી ભાવક પણ સર્જકને થયેલો આનંદ પ્રાપ્ત કરી શકે છે.સાહિત્ય એટલે શું ? એ બહુ વિશાળ પ્રશ્ન પણ છે. અને ઉત્તર પણ એટલો જ વિશાળ માગે છે. અહીં ફક્ત વાણીમાં સર્જન પામતી સર્જકની અનુભૂતિ ભાવક પાસે પ્રત્યાયનથી આનંદ પ્રાપ્તિ કરાવે એ પ્રક્રિયા જ વ્યાખ્યાના રૂપમાં આપવાનો પ્રયત્ન છે.

સંક્ષેપમાં ઉપરની વાતના મુદ્દા :

(૧) સર્જકતાનું સંચલન; (૨) સિસૃક્ષા; (૩) ઉપાદાન – માધ્યમ ની પસંદગી – તેમાં પ્રકટીકરણ.

(૪) માધ્યમ, માધ્યમ મટી જાય; વસ્તુ સાથે અદ્વૈત; (૫) ભાવક સુધી પ્રત્યાયન.

કવિતામાં અર્થ ઉપરાંત ઉચ્ચાર (ધ્વનિ) હોય છે. જે અન્ય કલાઓ કરતાં એને જુદી પાડે છે. શબ્દ : એની દૃશ્યતા અને શ્રાવ્યતા ઉપરાંત અર્થતા. (સાહિત્યમાં આત્મલક્ષિતા, પર–લક્ષિતાનું ધોરણ એની રજૂઆત ઉપરથી  કરી શકાય. પણ અનુભવની રીતે નહીં. કારણ કે બીજાની અનુભૂતિને પણ પોતાની કરીને પછી જ લેખક રજૂ કરી શકે; નહીં તો નહીં. એ ઉપરાંત પોતાની અનુભૂતિને બીજા બધાની કરીને જ  (સાધારણીકરણ) એ પહોંચાડી શકે; નહીં તો નહીં.

*****   *****   *****

‘‘ભાષામાં અભિવ્યક્તિ સાધવાની કલા તે સાહિત્ય.’’ લેખકે જોયેલ દેશની વિગત ઉપરાંત લેખકને આવેલ વિચાર ફક્ત કહેવાથી સાહિત્ય બનતું નથી. લેખકનો આખો ને આખો અનુભવ, (એ દ્દૃશ્ય ઉપરાંત થયેલી લાગણી બંને જોડાઈને એક થઈ ગયાં હોય તે) વાચકના ચિત્તમાં ઊભો કરે તે સાહિત્ય. સાહિત્યના વસ્તુ માટે આ ઉપરાંત બીજા કશાની જરૂર નથી પણ એથી લેશ પણ ઓછુંય ચાલે નહી. કોઈ પણ વસ્તુ સાહિત્યની કલા માટે અનુકૂળ હોઈ શકે, માત્ર શરત એટલી કે લેખકે તેને સ્વયંઆસ્વાદ્ય અનુભવ તરીકે સ્વીકારેલી અને એને એ જ રૂપે વાચકને ધરી હોવી જોઈએ. આ અનુભવ વાચકના ચિત્તમાં ખડો કરનારું તત્ત્વ કલ્પના છે. આથી અનુભવ કલ્પિત હોય કે ન હોય પણ ‘કલ્પનાશીલ’ જરૂર હોવો જોઈએ. છતાં એણે એવા શબ્દો વાપરવા જોઈએ કે જે વાચકની કલ્પનાને કાબુમાં રાખીને પોતાનો અનુભવ પમાડે. પોતાને જે અભિપ્રેત છે તે માટે તેણે શબ્દોને પ્રતીકરૂપ બનાવવા રહ્યા.

–    એબરક્રોમ્બી.

(૨) સંસ્કૃતમાં સાહિત્ય અને કાવ્યના અર્થો અને પ્રકારો

ગુજરાતીમાં જેને આપણે સાહિત્ય કહીએ છીએ, અંગ્રેજીમાં જે લિટરેચર શબ્દથી ઓળખાય છે તેને સંસ્કૃતમાં ‘કાવ્ય’ તરીકે વિશાળ અર્થમાં ઓળખવામાં આવે છે.

સાહિત્ય શબ્દનો ફક્ત અર્થ જ જોઈએ (શબ્દાર્થ) તો સહ એટલે કે સાથે ઉપરથી સહિત; એટલે સાથે હોવું અને એ ઉપરથી જેમાં બે વસ્તુ સાથેસાથે રહે છે તે, એવો અર્થ સ્પષ્ટ થાય છે.

આ શબ્દના વિશાળ અર્થમાં જોઈએ તો સાહિત્ય એટલે જીવનની સાથેસાથે જે રહે છે, જે જીવનમાંથી જ ઉદ્ભવે છે તે સાહિત્ય. કારણ કે સાહિત્ય અને જીવનને અભેદ્ય સંબંધ છે. જીવન વિના સાહિત્ય શક્ય જ નથી. એ બંનેનું સહિતત્ત્વ એ જ સાહિત્ય છે.સાહિત્યનો એક સંકુચિત અર્થ આ પ્રમાણે પણ ગણાય છે : કોઈ વસ્તુને લગતી સામગ્રી – સાધનો – એ તે વસ્તુનું સાહિત્ય કહેવાય. દા.ત. યજ્ઞનું સાહિત્ય જેમાં સમિધ વગેરે પણ આવી જાય.

જીવનની સાથે રહે છે એનો અર્થ એ થયો કે માનવીની અને માનવીના હૃદયની સાથેસાથે રહે છે તે. માનવના હૃદયની લાગણીઓને ઝીલીને જે સ્પષ્ટ આકાર આપે અને એમ માનવના હૃદયને એક અવર્ણનીય, અલૌકિક આનંદ આપે એ સાહિત્ય છે.

જીવનમાંની બધી લાગણીઓને વ્યક્ત કરવાનું કાર્ય સાહિયનું અલબત્ત નથી જ. માંદલી અને ક્ષુલ્લક લાગણીઓને સ્પર્શવાનું કાર્ય સાહિત્યનું નથી. અથવા જો સાહિત્ય એવી લાગણીઓને સ્પર્શે તો એ લાગણીઓને રૂપાંતરિત કરીને માનવહૃદય-ચિત્તને એનાથી દૂર કરવાનું કાર્ય સાહિત્ય કરે છે. આવી રીતે સાહિત્ય, પસંદગી કરીને માનવહૃદયની લાગણીઓ ઝીલે છે અને રજૂ કરે છે.સાહિત્યના આ અર્થને ખ્યાલમાં રાખીને જ સાહિત્યના ત્રણ પ્રકારો જોવા જરૂરી છે.

૧.      પ્રથમ પ્રકારનું સાહિત્ય આપણને ફક્ત જાણકારી જ આપે છે. એનાથી જ્ઞાનમાં કશો વધારો થતો નથી. આપણું માહિતી-જ્ઞાન થોડું તત્કાલ પૂરતું વધે છે. પરંતુ એને હૃદય-ચિત્ત સાથે કશો જ સંબંધ નથી હોતો. આ પ્રકારનું સાહિત્ય આગળ જોયેલી સાહિત્યની સંકુચિત વ્યાખ્યા પ્રમાણે ‘કોઈ પણ વસ્તુ વિશેની સામગ્રી’ જેવું હોય છે. નકશાપોથી, સમયપત્રકો વગેરે આ પ્રકારનું સાહિત્ય છે.

૨.      માહિતી ઉપરાંત આપણા મનમાં પ્રશ્નો પણ જગાડે, જિજ્ઞાસા ઉત્પન્ન કરે – વધારે જાણવાની ઉત્કંઠાથી પ્રશ્નો ઊભા કરે – એ સાહિત્ય બીજા પ્રકારનું છે. આયુર્વેદનાં પુસ્તકો, વનસ્પતીશાસ્ત્ર, અમુક અંશે ઇતિહાસ વગેરે આમાં આવે છે.૩.      આગળના બંને પ્રકારનાં સાહિત્ય બુદ્ધિથી આગળ જઈને અસર કરી શકતાં નથી. આ ત્રીજો પ્રકાર માનવ-હૃદય સાથે જ સીધો સંબંધ ધરાવે છે. લલિતકલામાંનું સાહિત્ય એ આ ત્રીજા પ્રકારની અંદર આવે છે.

આ પ્રકારનું સાહિત્ય, આગળ જોયેલા વિશાળ અર્થ પ્રમાણે માનવ હૃદયની સાથે રહીને માનવના સમગ્ર ચિત્તને – સમગ્ર ચેતનાને રસતરબોળ કરે છે.

જીવનમાંથી જ ‘વસ્તુ’ લેવાને કારણે ભાવકની સમક્ષ જે વાત સાહિત્ય મૂકે છે એનાથી ભાવકને પોતાની પરિચિત લાગણીઓ દિવ્ય સ્વરૂપે રજૂ થયેલી જોઈને નિરવધિ આનંદ પ્રાપ્ત થાય છે. આ આનંદ સર્જકને પણ મળે છે.

માનવની અમુક શાશ્વત લાગણીઓ કોઈ પણ કાળે કે કોઈ પણ સ્થળે સરખી જ હોવાની. એવી લાગણીઓને સાહિત્ય જ્યારે સરસ રજૂ કરે ત્યારે ભાવક એનાથી પૂર્ણ ભીંજાઈ જાય છે.આ રીતે – જેને ‘બ્રહ્માનંદ સહોદર’ કહ્યો છે એવો આનંદ ‘સાહિત્ય’ આપે છે.

આ રીતે સાહિત્યનો અર્થ અને તેના પ્રકારો, સાહિત્ય માનવ જીવનની સાથે રહેતું હોવાથી, સ્પષ્ટ રીતે સંકળાયેલા જોવા મળે છે.

કાવ્ય –

કાવ્ય શબ્દ ‘કવ’ એટલે ‘બોલવું’ એ ઉપરથી આવ્યો છે. આપણા ઋષિઓએ જે કહ્યું અને જેનાથી વેદ-પુરાણો સર્જાયાં એમને પણ કવિ કહેવાય છે.

આજે ફક્ત ‘ઉચ્ચારાતી જ કવિતા’ નથી રહી.આલંકારિકોએ જુદીજુદી આપેલી વ્યાખ્યાઓને વ્યવસ્થિત, ન્યાયી રૂપ આપીને મમ્મટ કહે છે કે, ‘‘જે દોષ વગરની છે, જે ગુણવાળી છે અને જેમાં જરૂર હોય ત્યાં અલંકારો છે એવી શબ્દાર્થ સહિતની રચના તે કાવ્ય છે.’’

એ રીતે કાવ્યના અંશો – દોષ રહિતતા, ગુણ અને જરૂર હોય તો અલંકાર વગેરે છે.

“શબ્દ સાથે અર્થનું અને અર્થ સાથે ભાવનું સહિતત્ત્વ” એ રીતે પણ કાવ્યને સમજાવવામાં આવે છે.

ભામહ “शब्दार्थौ सहितौ काव्यम् ।” કહે છે. શબ્દ અને અર્થ જેમાં સાથે જ રહેલા છે એ કાવ્ય.

આગળ જતાં એમ કહી શકાય કે કાવ્યની આકૃતિની સાથેસાથે જ કાવ્યનું ‘વસ્તુ’ સુશ્લિષ્ઠ રીતે ગૂંથાયેલું હોય છે. ભવભૂતિ કાવ્યને “આત્મસ્વરૂપ, આત્માની કલા અને વાગ્ દેવીનો અવતાર” એ રીતે ઘટાવે છે. એમની રીતે જોતાં કાવ્ય એ દિવ્યસ્વરૂપ છે. માનવ સર્જાયો ત્યાર પછી પ્રકૃતિના સુવ્યવસ્થિત અને દિવ્ય સ્વરૂપને જોઈને પ્રકૃતિના સંચાલક પ્રતિ પરમ અહોભાવ વ્યક્ત કરવાને જે ઉચ્ચારાયું હશે એ કાવ્ય જ છે. ક્રૌંચ પક્ષીને બાણ વાગવાથી અનુભવાયેલી વેદનાને વાચા અપાઈ એ કાવ્ય જ છે.

કવિ દૃષ્ટા અને સ્ત્રષ્ટા છે એ આ અર્થમાં સમજી શકાય એવું છે. ‘અદૃષ્ટ’ ને અનુભવવું એ દૃષ્ટા જ કરી શકે ! ‘અલૌકિક’ ને ‘અવર્ણનીય’નું સર્જન કરવું એ સૃષ્ટા જ કરી શકે !

સંસ્કૃત ‘કાવ્ય’ના મુખ્ય બે પ્રકારો છે :

૧. દૃષ્ય અને ૨. શ્રવ્ય.

દૃષ્યમાં નાટ્ય આવે છે. નાટ્ય પણ રૂપક, ઉપરૂપકના બે વિભાગોમાં વહેંચાય છે. જે અભિનય દ્વારા રજૂ કરી શકાય છે. તે નાટ્ય છે એમ આપણાં શાસ્ત્રો માને છે.

શ્રવ્યમાં ગદ્ય (કથા, આખ્યાયિકા), પદ્ય (ખંડકાવ્ય અને મહાકાવ્ય) તથા ચમ્પૂ (મિશ્ર)નો સમાવેશ થાય છે. કરી શકાય છે. તે નાટ્ય છે એમ આપણાં શાસ્ત્રો માને છે.

શ્રવ્યમાં ગદ્ય (કથા, આખ્યાયિકા), પદ્ય (ખંડકાવ્ય અને મહાકાવ્ય) તથા ચમ્પૂ (મિશ્ર)નો સમાવેશ થાય છે.

–––––––––––––––––

(૩) કલા એટલે શું ?

૧.      ‘‘કલા એટલે વસ્તુની તેના મનોગ્રાહ્ય સ્વરૂપમાં રજૂઆત.’’

૨.      ‘‘માનવની એક વિશિષ્ટ પ્રવૃત્તિ – તેનો એક વિશિષ્ટ આવિષ્કાર તે કલા.”

૩.      ‘‘કળા એ માનવની ઉચ્છિષ્ટ પ્રવૃત્તિ છે.’’ ટાગોર.

૪.      ‘‘સર્જકની અનુભૂતિ ભાવક પાસે જે દ્વારા પહોંચે તેનું નામ કલા.”

૫.      ‘‘સૌંદર્ય નિષ્પન્ન કરવાની શક્તિ એ કલા.”

૬.      ‘‘ક્ષણે ક્ષણે જે નવતા ધરે છે તે રૂપ જાણો રમણીયતાનું.’’ (કવિનામ યાદ નથી)

૭.      ‘‘ઝાલવા જાઉં છું સૌંદર્ય અને ઝલાઈ જાય છે શરીર.’’ ન્હાનાલાલ (એક નાટકમાં)

સાચો કલાકાર સહજ રીતે સર્જન કરી શકે છે. પરંતુ એ સર્જન કલા – ને આપણે જ્યારે વ્યાખ્યામાં બાંધવા બેસીએ છીએ ત્યારે ખૂબ જ મુશ્કેલી અનુભવાય છે. કલાને માણવી અઘરી નથી પરંતુ કલાને જાણવી, તેની છણાવટ કરવી અઘરી છે. એ પ્રમાણે કલાને ઓળખવા પ્રયત્ન કરીએ –સૌંદર્ય નિષ્પન્ન કરીને ભાવકના ચિત્તને આનંદ આપે છે તે કલા છે. આ વ્યાખ્યામાં સૌંદર્ય અને તેનાથી મળતો આનંદ મહત્ત્વના મુદ્દાઓ છે. સૌંદર્ય કે જે સત્ય-શિવનો જ અંશ છે એ સોંદર્ય મેળવવા કપરી સાધના જરૂરી છે. સાચો કલાકાર જ એ સૌંદર્યને જોઈ શકે છે અને અન્યને એનો આસ્વાદ કરાવી શકે છે. આ સૌંદર્યથી જે આનંદ મળે છે – કલાનો આનંદ – એને શાસ્ત્રોએ ‘બ્રહ્માનંદ સહોદર’ કહીને એનું મહત્ત્વ બતાવી આપ્યું છે. એ આનંદ અલૌકિક હોય છે.

ટાગોર કલા-પ્રવૃત્તિને માનવીની ઉચ્છિષ્ઠ પ્રવૃત્તિ ગણાવે છે. એ પણ એટલું જ સાચું છે.

કલા–સર્જનની પ્રક્રિયાને લક્ષમાં રાખીને કહીએ તો સર્જકની અનુભૂતિ જે માધ્યમ દ્વારા અભિવ્યક્ત થાય છે તે કલા છે. આ કલા ભાવકના ચિત્તને પોતાના ઇન્દ્રિયગ્રાહ્ય સ્વરૂપથી જ પહોંચે છે,  ઇન્દ્રિયગ્રાહ્ય સ્વરૂપ પામે છે. તે પહેલાં જે તબક્કા પ્રમાણે સર્જક પાસેથી પસાર થાય છે તે પણ જાણવું જરૂરી છે –

સૌથી પ્રથમ, કલાકારનું ચિત્ત આ બાહ્ય જગતના વ્યવહારોમાંથી જ અનુભૂતિનો ઝબકારો પામે છે. અહીંથી કલાની શરૂઆત થાય છે. આ અનુભૂતિની ક્ષણ પસાર થયા પછી સર્જકના ચિત્તમાં તે આકાર પામે છે. સાથેસાથે જ સિસૃક્ષાને કારણે સર્જકને એ અનુભૂતિ અભિવ્યક્ત કરવાની તીવ્ર ઇચ્છા થાય છે. એ અભિવ્યક્ત કર્યા વિના રહી શકતો નથી. અને છેવટ કોઈ પ્રતીક રૂપે એને રજૂ કરે છે. આ પ્રતીકો ભાવકોની ઇન્દ્રિયો વડે જોઈ-જાણી શકાય એવાં હોય છે.

એ રીતે ચિત્તનું સૂક્ષ્મ સંવેદન સ્થૂળ રૂપમાં અવતરે છે. એને કલાકૃતિ ત્યારે જ કહી શકાય કે જ્યારે એ સ્થૂળ પ્રતીક સર્જકના ચિત્તની અનુભૂતિનું પ્રતિનિધાન કરતી હોય. અને જ્યારે એ પ્રમાણે શક્ય બને છે ત્યારે ભાવકની બાહ્ય ઇન્દ્રિયો દ્વારા, સર્જકની જ અનુભૂતિ ભાવકના ચિત્ત સુધી પહોંચે છે. અને સર્જકને જે આનંદ પ્રથમ અનુભૂતિની ક્ષણે થયો હતો એ આનંદ ભાવકને પણ થાય છે. આ રીતે કલાકૃતિ સર્જક–ભાવકના ચિત્તની વચ્ચે સેતુ બને છે.

સર્જક કલાકૃતિ રચતાં પહેલાં જે પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે તેને સ્પષ્ટ રીતે આ રીતે રજૂ કરી શકાય :

૧.      સર્જકના ચિત્તમાં થતું સંચલન. જે કલાકૃતિનું મૂળ છે. આ ચિત્ત–સંચલન આગળ જતાં ભાવકના પક્ષે પણ હોય છે. તેથી ભાવકને પણ આ પહેલા મુદ્દા સાથે સંબંધ છે.

૨.      સિસૃક્ષા – આ પ્રક્રિયા સર્જકના ચિત્તમાં જ થાય છે. સિસૃક્ષા સર્જક પાસે સર્જન કરાવે છે. ભાવકને પક્ષે એ નથી ૩.      માધ્યમ અને સાધનો – કલાકાર અભિવ્યક્તિ માટે સાધનો વાપરે છે. પીંછી, છીણી, રંગ, શબ્દ વગેરે એનાં સાધનો છે. એનાથી એ એક માધ્યમ દ્વારા પોતાની અનુભૂતિ વ્યક્ત કરે છે.

એક સ્પષ્ટતા એ જરૂરી છે કે માધ્યમ અને સાધનો જેમ વધુ સ્થૂળ હોય તેમ એ બંનેને જુદાં પાડી શકવા સહેલાં છે. શિલ્પ, ચિત્ર સુધી એ સ્પષ્ટ છે. પરંતુ સંગીતમાં અને ખાસ કરીને સાહિત્યમાં એ કાર્ય બહુ અઘરું છે.

૪.      કલાકાર કલાકૃતિ આપતાં પહેલાં એક કાર્ય કરે છે તે સાધનાનું છે. સાધનાથી જ કલા સફળ બને છે. સંગીતકાર રિયાઝ કરીને પોતાના સાધનને સાધન મટાડીને પોતાની અનુભૂતિનું એવું વાહન બનાવી દે છે કે એના મનમાં એનો ભેદ રહેતો નથી.

૫.      છેલ્લી પ્રક્રિયા સર્જનની છે. કલાકૃતિ દ્વારા સર્જક પોતાનાં ચિત્તની પેલી પ્રાથમિક ક્ષણોને રજૂ કરે છે. આટલા સમય સુધીમાં એ પ્રથમ અનુભૂતિ જોકે થોડીઘણી બદલાય છે. અને કૃતિ થતાં થતાંમાં ઘણી બદલાઈ પણ જાય છે. કારણ કે શેલી કહે છે તેમ અનુભૂતિ ૧૦૦% અભિવ્યક્તિ પામતી નથી. એમાં માધ્યમ અને સાધનોની મર્યાદાઓ, અનુભૂતિ અને સર્જન વચ્ચેનો સમયગાળો વગેરે ભાગ ભજવે છે.

કલાના સ્પષ્ટ બે ભાગ પાડવામાં આવે છે. ૧. લલિતકલા અને ૨. લલિતેતર કલા.

લલિતેતર કલામાં કારીગીરી, નકશીકામ વગેરે આવે છે. જેના સર્જનમાં આગળ જણાવેલી પ્રક્રિયાઓ ઉત્કટ રીતે થતી નથી. જીવનમાં વ્યવસ્થા, જરૂરિયાત વગેરે પૂરતી એ જરૂરી છે.

લલિતકલાના મુખ્ય બે ભાગ – ૧. આંખની કલા અને ૨. કાનની કલા. આંખની કલામાં સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર વગેરે ગણાવાય છે. જ્યારે સંગીત અને સાહિત્ય કાનની કલા ગણાય છે.

(લલિત-લલિતેતર અંગે ઉમેરણ :‘‘ગ્રીકોને મન પ્રવૃત્તિ એટલે કાંઈક કરવું કે કંઈક બનાવવું. કંઈ કરવામાં ખુદ કાર્યનો જ વિચાર કરવાનો હતો. અને કંઈ બનાવવામાં જે કંઈ બનાવવામાં આવ્યું હોય – જે સ્પર્શક્ષમ પદાર્થ બન્યો હોય તે ઉપરથી કાર્યનો વિચાર કરવાનો હતો. આ બીજા પ્રકારની પ્રવૃત્તિ તે કલા કહેવાતી.’’ – એબરક્રોમ્બી.
આ બીજા પ્રકારનું કાર્ય – કલા –માં ઘડો અને ચિત્ર કે કવિતા બંને આવે. ઘડા વિશે વિચારવું અઘરું નથી. ચિત્ર-કવિતા વિષે અઘરું છે. કવિતા વિષે વિચારતી વખતે તેનું મૂલ્ય સામગ્રી બને તે ઉપરથી અંકાતુ નહોતું. પરંતુ તે સામગ્રીની ગોઠવણી તે જે રીતે કોઈ વસ્તુનું પ્રતિનિધાન કરતી હોય તે રીતે મૂલ્યાંકન થતું.)   કલાઓમાં ઉપાદાનનો જથ્થો જેમ વધારે તેમ એની કક્ષા નીચી એમ માનીને હેગલ સ્થાપત્યને નીચી અને સાહિત્યને ઊંચી કલા ગણે છે. ઉપાદાન તો દરેક કલાનું અનિવાર્ય તત્ત્વ છે. પરંતુ કોઈ કલા ઉપાદાનને સ્થૂળ માધ્યમો રૂપે અને વધુ જથ્થામાં લે છે. જ્યારે ‘કાવ્ય’માં તે સૂક્ષ્મ રૂપે હોય છે.
ઉપાદાનના પ્રકારો પ્રમાણે કલાકારને તરકીબો પણ કરવી પડે છે. દા.ત. સ્થાપત્ય-શિલ્પમાં લંબાઈ-પહોળાઈ, જાડાઈ હોવાથી એને ઇન્દ્રિયગ્રાહ્ય રૂપ આપવામાં ઘણી સરળતા રહે છે. એ આબેહૂબ રૂપ આપી શકે છે. જ્યારે ચિત્રમાં ફક્ત ફલક જ હોય છે. એને લંબાઈ-પહોળાઈ સિવાયનું ત્રીજું પરિમાણ નથી. તેથી ભાવો સ્પષ્ટ કરવા માટે રંગ અને રેખાઓને જુદીજુદી રીતે જુદાજુદા રૂપે રાખવાં પડે છે. સંગીતમાં નાદને મલાવી મલાવીને જુદાજુદા રૂપે પ્રકટ કરી ભાવો વ્યક્ત કરાય છે. અને સાહિત્યમાં તો શબ્દ દ્વારા સ્પષ્ટ, કલ્પના જગાડીને ભાવ વ્યક્ત કરી શકાય છે.આમ કલાની ચર્ચા કરતાં માનવચિત્તની એક વિશિષ્ટ અને અતિ સુંદર પ્રવૃત્તિ તરીકે કલાને જાણી શકાય છે. એ જીવન માટે છે. એથી એની પ્રવૃત્તિ ખાસ ગણનાપાત્ર છે.

*****   *****

સ્થાપત્ય –      ગતિ સિવાય બધાં પરિમાણો, તરકીબની બીન જરૂરિયાત, સૌથી વધુ ઉપાદાન અને ભૌતિકતા પણ સૌથી વધુ છતાં દેવળ જેવાં સ્થાપત્યો પાવિત્ર્યના પ્રતિકરૂપે હોય છે. જેથી તેમાં ભૌતિક ઉપાદાનોનું ભાન રહેતું નથી.

શિલ્પ –        ગતિ નહીં, સ્પષ્ટ, સુરેખ આકાર, રંગ પણ લઈ શકાય, એમાંનાં ઉપાદાનની નક્કરતા-કઠોરતાને લીધે મોટા ભાગનાં શિલ્પ અર્ધનગ્ન હોય છે. એને પૃષ્ટભૂમિ નથી. પરંતુ ગમે ત્યાં ખસેડી શકાય છે.ચિત્ર –          ગતિ નહીં, એક જ પરિમાણ-સપાટી. દૂરતા વગેરે દર્શાવવા તરકીબો જરૂરી. તેમાં પણ એક ક્ષણની જ અનુભૂતિ આકાર પામી હોય છે. તેને શિલ્પની જેમ બધી બાજુથી પામી ન શકાય, ફક્ત સર્જકના જ એંગલથી જોઈ શકાય, સંપૂર્ણ દૃશ્ય પામી શકાય, એક સાથે સમગ્ર પામી શકાય, મનોગ્રાહ્ય સ્વરૂપનું પ્રાધાન્ય પ્રથમ બે કલાઓ કરતાં આમાં વધુ. ઓરડાની અંદરનો ભાગ પણ દર્શાવી શકાય
સંગીત –        નાદ માધ્યમ. આમાં ‘ગતિ’ આવે છે. ભગિનીકલા – કવિતા –નો સાથ (શબ્દનો) ફક્ત સંગીતમાં જ; એનો કલાકાર એની સાથે જ જોડાયેલો રહે છે. ઉપરાંત ફક્ત સંગીતમાં જ કલા રજૂ થયા પછી નાશ પામે છે, વિલીન થાય છે. ભાવ પ્રાક્ટયની સંદિગ્ધતા અમુક વિષયોનું એમાં પ્રતિનિધાન ન જ થઈ શકે. માનવ સિવાયની સૃષ્ટિને પણ તે અપીલ કરી શકે. કવિતા એનું સૌથી મોટું ઉપાદાન. સંગીતનો, લયનો ઉપયોગ. દર્શન–શ્રવણ બંને ઇન્દ્રિયોથી તે પમાય છે. ગતિ, તાદૃશ્યતા; તરકીબોની જરૂર નથી, કલ્પનાને અસર કરવા માટેનું સૌથી પ્રબળ સાધન; ભાષા, શબ્દનું ત્રિવિધ સ્વરૂપ – દ્દશ્ય, શ્રવ્ય અને અર્થ ત્રણે આપનાર.

“લયનું વર્ચસ્વ માત્ર સંગીત અને કાવ્ય ઉપર જ નહી, પણ તેને વિશાળ અર્થમાં લઈએ તો સ્થાપત્ય, શિલ્પ

અને ચિત્ર ઉપર પણ છે” – ઓટો બેન્શ.

કલાઓના સંદર્ભે મિત્રોના સ્વાધ્યાયોમાંથી કેટલુંક :

કલાકાર અહંને અનુભવે છે પણ સર્જનની ક્ષણે એ અહંને વિસ્તારી નાખે છે. અહં વિલિન થતો નથી પરંતુ પરિવર્તન (સ્વરૂપાંતર) પામીને ‘‘સાધારણ’’ બને છે. અહંનું વિસ્તૃતિકરણ – સાધારણીકરણ એ કલાનું મહત્ત્વનું તત્ત્વ છે. (પંકજ ભટ્ટ)

વ્યવહારનું સામાન્યમાં સામાન્ય તત્ત્વ કલામાં વિશિષ્ટરૂપે આવે છે…..કલામાં જ્ઞાન કલ્પનાને રોકનારું બનતું નથી બલ્કે જ્ઞાન કલ્પનાને વધુ તેજસ્વી બનાવે છે. કલા-નીતિ એ બંને તો સર્જનની ડાબી-જમણી આંખ છે. (ઈલાબહેન દેસાઈ)

કલા, કલાકાર અને ભાવક બન્નેને મુક્તિનો અનુભવ કરાવે છે. શ્રી અરવિંદ કહે છે, કલાના આનંદનું કારણ જે સૌંદર્ય છે તેને ગમે ત્યાંથી શોધી કાઢવું અને એના અંશને રજૂ કરી દેવો એ કામ કલાનું છે. (યોગેશભાઈ ભટ્ટ)

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

(૪) ટ્રેજડી 

 

ટ્રેજડીનું મૂળ ગ્રીકોની ધર્મક્રિયાઓની સાથે સંકળાયેલું જોવા મળે છે. ‘ટ્રેજડી’ શબ્દ, એના પ્રેક્ષકો માટેનો ‘ઓડિયન્સ’ શબ્દ, પ્રેક્ષકો માટેનો ‘એડિટોરિયમ’ શબ્દ અને ‘કેરેક્ટર’ (પાત્ર) શબ્દનું મૂળ પણ ગ્રીકો પાસેથી મળે છે.

ગ્રામદેવતાને રીઝવવા માટેનાં કૃષિગાન, કૃષિને નુકસાનકર્તા ઘેંટા-બકરાંનો વધ, એ વધનાં કરુણ પ્રસંગે ગવાતાં ગીતો વગેરે ટ્રેજડીના જન્મનાં પ્રતીક પગથિયાં છે. મેષગાન આગળ જતાં પુરોહિતના સંવાદરૂપ આગળ વધ્યું અને એ સંવાદમાંથી પછી ટ્રેજડીનું કાંઈક સ્પષ્ટ સ્વરૂપ બંધાયું.

આ વિકાસ બહુ ક્રમિક અને સ્પષ્ટ જોઈ જાણી શકાય એવો નથી. પેશનપ્લે તરીકેનું પ્રથમ સ્વરૂપ બહુ વિખ્યાત નથી અને એનો પરિચય પણ બહુ નથી એટલે ‘ડાયથેરેમ’નું સ્વરૂપ ટ્રેજડીના શરૂઆતના અંશરૂપ ગણાવી શકાય. મેષ-ગાન અને મુખ્યત્વે કરીને દેવતાઓનું સ્તુતિગાનનું આ સ્વરૂપ આરંભ કાળનું છે.થેસ્પીએ આ સ્વરૂપને સ્પર્શીને એને ટ્રેજડી સુધી પહોંચાડ્યું છે. એટલે થેસ્પિસ, ટ્રેજડીના મૂળમાં મહત્ત્વનો નાટકકાર ગણાય.

કૃષિ દેવતા કે ગ્રામ દેવતા ડાયોનિસસ સાથે શરૂઆતમાં સંબંધ ધરાવતું ટ્રેજડીનું સ્વરૂપ એસ્ક્રિલસ દ્વારા વિકસીને માનવીના જીવનને રજૂ કરતું બને છે. અને એ નાટકકારથી એનો વિકાસ થઈને સોફોક્લિસ દ્વારા તો એ સ્વરૂપની ટોચ જોવા મળે છે. આ ટ્રેજડીમાં મહત્ત્વનાં લક્ષણો જે જોવા મળે છે તેમાં પ્રથમ-સામાન્ય માનવીને ખૂબ મહત્ત્વ આપનારું સ્વરૂપ ટ્રેજડી છે. બીજું કોરસ (જે કથાને આગળ ચલાવવામાં, દોર સાંધી આપવામાં, કથા – ચાલુ કથા –ના પૂર્વનો ભાવ વર્ણવવામાં, ગીતમાં, માનવીના બાહ્ય અને આંતરિક સંઘર્ષોને રજૂ કરવામાં, લોકવાણીનો ‘પડઘો’ પાડવામાં ઉપયોગી થાય છે.) ત્રીજું લક્ષણ તે વાંસળીના સૂરથી શરૂ થતું અને ગીતો (કવિતા) દ્વારા ચાલતું ટ્રેજડીનું ખાસ લક્ષણ છે. ચોથું લક્ષણ તે ઓછાં પાત્રો, ઓછાં દૃશ્યો અને વધુ કથનો. કારણ કે સ્ટેજ અવિકસિત હતું અને દૃશ્યપલટા શક્ય નહોતા. આ કથન કોરસ કે કૂવચિત કોઈ પાત્રના મુખે (દા.ત. ‘એગેમેમ્નોન’નો સંત્રી) થાય. ભાષા (પદ્ય) મહત્ત્વનું માધ્યમ અને છેલ્લે નૃત્ય, સમૂહ, સ્વગતોક્તિઓ જેવાં સામાન્ય લક્ષણો પણ ખરાં. ટૂંકમાં કહેવું હોય તો ત્રણ અંગ્રેજી ડડ્ડા – ડીડ, ડાન્સ અને ડાયલોગ એ ટ્રેજડીનાં મહત્ત્વનાં અંગો.

આ ટ્રેજડી પાસેથી જે મહત્ત્વનાં જીવનસૂત્રો મળે છે તે ટૂંકમાં આ પ્રમાણે છે :

(૧) નિયતિનો ન્યાય – ‘ખાડો ખોદે તે પડે’ એ ન્યાય ટ્રેજડી દર્શાવે છે. બૂરું કરનારનું જ બૂરું થાય છે. (૨) વિશ્વ નિયમિત અને લયબદ્ધ છે અને હૃદયનો લય એની નિયમિત ગતિ, હૃદયનો સર્વાંગ સુંદર ભાવનાશાળી સંબંધ અને એનો સ્નેહદોર એ વિશ્વની લયબદ્ધતાના સૂચનરૂપ છે. (૩) દેવો માનવીને ઉત્તમ બનાવવા માટે, સફળ થવા માટે, ક્રિયાશીલ થવા માટે તક આપે છે –ચેતવે પણ છે. એ તક ઝડપવાનું કાર્ય માનવીનું છે. (૪) શક્તિ અને તેની મર્યાદાનું ભાન માનવીને હોવું જોઈએ. એ વિના અપાર-અસહ્ય વેઠવું પડે. ‘વિવેક’ મહત્ત્વની શીખ છે. (૫) ‘ઉત્તમ’ને પામવા માટે જીવનભર મથવું પડે અને મથે તે મરે પણ ખરો. પણ તે છતાં એ કાર્ય છોડાય નહીં. (૬) માનવી મહાન છે. માનવીની મહત્તા લોપી શકાય નહીં તેવી છે, એ કેન્દ્ર છે.
ટ્રેજડીના આટલા ઇતિહાસને જોયા પછી ખાસ કરીને એરિસ્ટોટલને મતે ટ્રેજડીને એક ‘‘કવિતા ના સૌથી વધુ પૂર્ણતાને પામેલા સ્વરૂપ’’ તરીકે તપાસવું જરૂરી છે. એ માટે સૌથી પહેલાં એરિસ્ટોટલની  ટ્રેજડીની વ્યાખ્યા જોવી જોઈએ. એ વ્યાખ્યાનાં જે અંગો છે એમાં આજ સુધી, સૂક્ષ્મ દૃષ્ટિએ, કશા ફેરફાર થયા નથી. એની માન્યતાઓમાં ફેરફાર હોઈ શકે પણ એરિસ્ટોટલને અભિમત એવા ટ્રેજડીના સ્વરૂપ વિષે આજ સુધી ખાસ ફેરફાર નથી.એની વ્યાખ્યા, એબરક્રોમ્બીના મત પ્રમાણે, કાંઈક આવી છે – ‘‘ કોઈ ગંભીર, સ્વયંસંપૂર્ણ અને અમુક પરિમાણ ધરાવતા પ્રસંગનું, કૃતિના દરેક અંશને ઉચિત આનંદ આપે એવી ભાષામાં વર્ણન નહિ પણ નાટકના રૂપમાં, દયા અને ભીતિ દ્વારા એવી લાગણીઓનું કેથાર્સિસ સાધતું અનુકરણ તે ટ્રેજડી.’’

આ વ્યાખ્યાના દરેક અંશને સ્પષ્ટ કરવાથી ટ્રેજડીનો એરિસ્ટોટલનો ખ્યાલ સમજાય છે.

એની વ્યાખ્યામાં બે વિભાગ છે. પૂર્વ ભાગમાં ટ્રેજડીના સ્વરૂપનો-એની પ્રકૃતિનો ઉલ્લેખ છે અને ઉત્તર ભાગમાં ટ્રેજડીના કાર્યનો, એના ઉદ્દેશ્યનો ઉલ્લેખ છે. એટલે કે ટૂંકમાં – ટ્રેજડીએ ગંભીર, સ્વયંસંપૂર્ણ, અમુક પરિમાણ ધરાવતા પ્રસંગનું ઔચિત્યવાળું નાટ્યરૂપ અને તેનું કાર્ય તે નાટ્યરૂપ દ્વારા દયા અને ભીતિની લાગણીઓનું કેથાર્સિસ સાધવાનું. ‘અનુકરણ’ શબ્દ એના સ્વરૂપ-પ્રકૃતિ-સાથે સંબંધિત હોય એમ કહી શકાય. છતાં એના કાર્યની પ્રક્રિયામાં પણ લઈ શકાય તેમ છે.આ વ્યાખ્યાને વિગતવાર જોઈએ :

‘ગંભીર’ વિશેષણ દ્વારા ટ્રેજડીના લક્ષ્યનું સૂચન મળે છે. હમણાં જોયાં તે ટ્રેજડીમાંથી મળતાં સૂત્રોમાંનાં મોટા ભાગનાં સૂત્રો જે ટ્રેજડીમાંથી મળે છે તેનું વસ્તુ ગંભીર હોય એ મહત્ત્વનું અને અનિવાર્ય છે. કરુણ જન્માવનાર પાત્ર, પ્રસંગ કે સંવાદ હળવા હોય એ શક્ય જ નથી. પાત્રોના ચરિત્રમાં મળતી વિષમતા, પ્રસંગની વિચિત્રતા-સંઘર્ષ, સંવાદ દ્વારા રજૂ થતું કારુણ્ય ગંભીર ‘વસ્તુ’માં જ શક્ય છે.

‘સ્વયંસંપૂર્ણ’ શબ્દ દ્વારા ટ્રેજડીનાં ‘વસ્તુ’ (કે પ્રસંગ)નો ખ્યાલ આપવા પ્રયત્ન કર્યો છે. તે વસ્તુ (અથવા કાર્ય)ની અખિલાઈ અથવા સમગ્રતા દર્શાવે છે; અને ‘અમુક પરિમાણ ધરાવતું’ એ શબ્દ દ્વારા ટ્રેજડીના ‘વસ્તુ’ કે ‘કાર્ય’ની સંવાદિતા, ક્રમબદ્ધતાનો અને એના ઘાટીલાપણાનો તથા આકારની સુગઠિતતાનો ઉલ્લેખ પામી શકાય છે.ટ્રેજડીનું કાર્ય આખું હોય એટલું જ નહીં પણ ‘‘આખા તરીકે ગ્રહણ કરી શકાય એવું’’ હોય એ જરૂરી છે. (સાહિત્ય વિવેચનનાના સિદ્ધાંતો પૃ.૮૩) એ સાવ નાનું પણ ન હોય જેથી ગણના બહાર રહે અને એટલું મોટું પણ ન હોય જેને ગ્રહણ કરવું અશક્ય બને. ટૂંકમાં એ ‘ઉચિત’ હોય.
આ આખાપણામાંથી જ એક સિદ્ધાંત આવે છે અને તે એકતાનો સિદ્ધાંત. ગ્રીક ટ્રેજડીને ખ્યાલમાં રાખીએ તો સમયની, સ્થળની અને કાર્યની એકતા. આગળ જતાં સ્ટેજનો અને ખુદ ટ્રેજડીનો પણ વિકાસ થવાથી સ્થળ અને કાળની એકતા બાબત ઘણા વિચારફેર થયા અને એનું મહત્ત્વ કમ થયું; પણ કાર્યની એકતા મહત્ત્વની રહી જ. આદિ, મધ્ય અને અંત એ વસ્તુના આખાપણાનાં, પરિમાણતાનાં લક્ષણો બને છે. અને કાર્યની એકતાનાં પણ સૂક્ષ્મ દૃષ્ટિએ લક્ષણો બને છે.આ ઉપરાંત ટ્રેજડીનાં સ્વરૂપનો વિચાર કરતાં એરિસ્ટોટલના મતે ટ્રેજડીનાં બાહ્ય અંગો અને આંતરિક અંગો પણ જોવાં જોઈએ : બાહ્યાંગોમાં ગીત (કોરસ), દૃશ્ય અને શૈલી(કાવ્યબાની) તથા આંતરિકતામાં – વસ્તુ–સંકલના, પાત્ર (ચરિત્રચિત્રણ) અને રહસ્ય એ ત્રણ મહત્વનાં છે. આમાંનાં છેલ્લાં ત્રણ બાબતે આજ સુધીમાં ઘણી માન્યતાઓ બદલાઈ છે. એરિસ્ટોટલના મત પ્રમાણે એણે આપેલ ત્રણેના ક્રમ પ્રમાણે એમની મહત્તા દર્શાવે છે. અર્થાત્ એ પ્લોટને પ્રથમ, પાત્રને દ્વિતીય અને રહસ્ય, વિચાર વગેરેને તૃતીય સ્થાન આપે છે. જ્યારે શેક્સ્પિયર પાત્રને પ્રથમ તથા બર્નાડ શૉ જેવા રહસ્ય કે વિચારતત્ત્વને પ્રથમ સ્થાન આપે છે. પરંતુ તર્ક ખાતર કહી શકાય કે એરિસ્ટોટલના મતમાં આ બધાનો મત આવી જ જાય છે. છતાં પ્લોટ એ જ મહત્ત્વનો રહે છે કારણ કે પાત્રને તેમજ પાત્રના આંતરત્તત્વને પણ રજૂ કરનાર-એનું પ્રદર્શન કરનાર પ્લોટ જ હોય છે.

હવે જે બાકી રહે છે તે દયા અને ભીતિની લાગણી, કેથાર્સિર અને અનુકરણ જે વ્યાખ્યાના બીજા ભાગમાં ટ્રેજડીનાં કાર્યને રજૂ કરે છે.

ટ્રેજડી ફક્ત અંતથી જ કરુણા પ્રકટ કરે-કરાવે એવું નથી. આખા નાટક દરમ્યાન પણ કરુણા અને ભીતિ (જો કે ભીતિ દરેક કરુણ પ્રસંગે હોય જ એવું શક્ય નથી.) અસરકારક બની શકે છે. એરિસ્ટોટલને જે કહેવાનું છે તે ટ્રેજડીની રજૂઆતમાં – ખુદ નાટકમાં – પ્રકટતા કરુણ ઉપરાંત એના દ્વારા પ્રેક્ષકના મનમાં ઉત્પન્ન થતી કરુણા અને ભીતિની લાગણી એ ટ્રેજડીનું પ્રથમ લક્ષણ છે. પ્રેક્ષકના મનમાં ટ્રેજડીની રજૂઆત સાથે લાગણી જાગે એટલું પૂરતું નથી. પરંતુ એ લાગણીઓનો ભાર મનમાંથી નીકળી જાય અને દયા અને ભીતિનું નિરસન થાય એ જરૂરી છે. ટ્રેજડી એ કાર્ય કરી આપે છે.આગળ જોયાં તે ટ્રેજડીમાંથી મળતાં સૂત્રોમાં માનવીનાં મનને ધડો આપનાર જે શિખામણ આપોઆપ મળે છે તે કોઈ બોધ દ્વારા મળતી નથી. સદ્દગુણી પાત્રને પણ સહન કરવું પડતું દુ:ખ, નિયતિનો નિયમિત ન્યાય, મનુષ્યને માટે જરૂરી વિવેક એ ટ્રેજડીના પ્રેરક પ્રસંગોમાંથી આપોઆપ સ્ફૂરીને પ્રેક્ષકના મનમાં ભીતિ ઉપજાવીને એના અંતરને શુદ્ધ કરવાનું કાર્ય કરે છે. સહદેવના ત્રિકાળજ્ઞાનનો કોઈ ઉપાય કે ઉપયોગ થતો નથી; શકુન્તલાને એનો પરમ ચાહક જ પાછી કાઢે છે એવાં દૃશ્યો પ્રેક્ષકના મનને દયા અને ભીતિથી, એ બંને લાગણી જગાડીને એક સાચી દિશા બતાવે છે. હરિશ્ચન્દ્ર કે ધ્રુવને પડેલાં દુ:ખ જોઈને મોહનમાંથી મહાત્મા થઈ શકે એ કાંઈ નાનુંસૂનું કાર્ય નથી.

આવી સક્રિય અસર કરનારું જે ટ્રેજડીનું કાર્ય તે જ કેથાર્સિસ છે. એને વિરેચન કહીને પણ સારો અર્થ લઈ શકાય અને શુદ્ધિકરણ પણ કહીને ઓળખાવી શકાય ટ્રેજડી એ જીવનનું અનુકરણ કરે છે એ પ્રચલિત વાક્યને પોતાના વિશિષ્ટ દૃષ્ટિકોણથી સમજાવતો એરિસ્ટોટલ ટ્રેજડીના અનુકરણને સાચી રીતે ઓળખાવે છે. એની અનુકરણની વ્યાખ્યા ‘નકલ’ કરતાં ‘‘મૌલિકતા’’ તરફ વધુ છે. કવિ જે પ્રસંગ દ્વારા કુદરતનું અનુકરણ કરે છે તે પ્રસંગ ‘જેવો ને તેવો’ નકલરૂપ હોતો નથી. એમાં કવિનું વિશેષ દર્શન ભળ્યું જ હોય છે.

ટ્રેજડીમાં જેનું નિરૂપણ હોય છે એ ત્રણ રીતે હોય છે :

૧. કુદરતનું જેવું ને તેવું અનુકરણ. ૨. જેવું હોય તેના કરતાં ઉચ્ચ દર્શન અને ૩. જેવું હોય તેમાં નિમ્ન કોટિનું અનુકરણ-નિરૂપણ. આમાનાં પ્રથમને ટ્રેજડી તરીકે સ્વીકારવામાં  બહુ ઉચિતતા નથી. બીજું આદર્શ બતાવનારું છતાં મહત્ત્વનું છે. ત્રીજું વાસ્તવદર્શિતાનું એક લક્ષણ છે. જીવનમાં જેમ રામ હોય છે તેમ રાવણ પણ હોય છે. શિશુપાલ કે ઈયાગો પણ હોય છે એ જીવનનું એક સત્ય દર્શન છે.આમાંથી એક ચર્ચા નીકળે છે તે એ કે આવાં પાત્રોમાં ખરેખર ટ્રેજડી ક્યારે ઉત્પન્ન થાય ? ઈયાગોને કે શાઈલોકને શિક્ષા થાય એમાં કરુણનો ઉદ્દભવ નથી. પણ જુલિયટ, રોમિયો, ડેસ્ડીમોના, ઓથેલો વગેરેને જે સહન કરવું પડે છે એમાં ભીતિ અને કરુણા બંને છે. નિર્દોષ ડેસ્ડીમોનાનું એના જ પ્રિયતમના હાથે (જ્યારે પ્રિયતમ વહેમમાં અંધ હોય છે) ખૂન થાય છે એ ફક્ત ડેસ્ડીમોનાના કારણે જ નહીં ખુદ ઓથેલોના પ્રત્યે પણ કરુણા જગાડનાર પ્રસંગ છે.

ટ્રેજડીનું ઉત્તમ છતાં વિચિત્ર લાગે તેવું દૃષ્ટાંત શાકુન્તલના એક દૃશ્યમાં છે. શાપના કારણે અજ્ઞાન દુષ્યંત શકુન્તલાને પાછી કાઢે છે. એ વખતે પ્રેક્ષકને મન જેટલી દયાની લાગણી શકુન્તલા પ્રત્યે છે એટલી જ દુષ્યંત પ્રત્યે પણ છે. ટ્રેજડીનો કદાચ આ ઉત્તમ દાખલો છે. એમાં નાટકકારે વાપરેલી કુશળતા અદ્ભૂત છે.આ રીતે ટ્રેજડી એ કુદરતનું અનુકરણ કરે છે પણ તેનું ધ્યેય તો પ્રેક્ષકની લાગણીનું શુદ્ધિકરણ (કેથાર્સિસ) કરવાનું જ હોય છે.

મેષ-ગાનમાંથી વિકસીત થતો આવેલો આ સાહિત્યપ્રકાર પ્રેક્ષકને માટે સૌથી વધુ રુચિકર અને કવિને માટે સૌથી વધુ કસોટી કરનાર છે. એની સફળતાનો આધાર વસ્તુ, પાત્ર, સંઘર્ષ, વિચાર એ બધાં અંગો ઉપર છે. એને જેટલી ઉચિત અને વિશિષ્ટ રીતે આકાર આપી શકાય એટલી એની વ્યાખ્યા પ્રમાણે સફળતા પ્રાપ્ત થાય.

આમ, પ્રેક્ષકના ચિત્તમાં લાગણી (ભીતિ-કરુણાની) જગાડીને એ લાગણીનું કેથાર્સિસ સાધનાર અનુકરણ એ ટ્રેજડી એમ કહી શકાય. ગ્રીકોની પાસેથી મળેલ એ પ્રકાર આજે દુનિયાના સાહિત્યક્ષેત્રનો મુખ્ય પ્રકાર થયો છે એ એના સ્વરૂપ (પ્રકૃતિ) અને વિશિષ્ટ કાર્યને લીધે.

                               (૫) કાવ્ય અને પ્રતિભા

કવિતાનો જન્મ એ માનસિક પ્રક્રિયા છે. એને પાંચ ઇન્દ્રિયોમાંથી એક પણ જોઈ જાણી શકે નહીં. મનનો જ આ વ્યાપાર હોવાથી એને કલ્પના, તર્ક, શ્રદ્ધા, બુદ્ધિ વગેરેથી જ તપાસવાથી સમજી–પામી શકાય છે.

કવિતાની ઉત્પત્તિમાં કારણભૂત બનતાં બળો વિશે વિચાર કરતી વખતે જે ત્રણ બળો ખડાં થાય છે એ છે પ્રતિભા, વ્યુત્પત્તિ અને અભ્યાસ. આ ત્રણેને પ્રથમ સમજીને પ્રતિભાનું મહત્ત્વ કવિતાની ઉત્પત્તિમાં શું છે તે જાણી શકાય.

આપણા આલંકારિકો અને પશ્ચિમના વિચારકો પણ એક વાત એકી અવાજે વ્યક્ત કરે છે કે કાવ્યની ઉત્પત્તિમાં જે બળ મહત્ત્વનું ગણાય છે એ કોઈ અવર્ણનીય, લગભગ અજ્ઞાત, દૈવી કહી શકાય એવી શક્તિ છે. આ શક્તિને સંસ્કૃતિના ભેદને કારણે હિન્દુ આલંકારિકો પ્રતિભા કહેશે, દૈવીશક્તિ કહેશે તો પશ્ચિમના વિચારકો અદ્ભૂત, અદૃશ્ય શક્તિ કહેશે પરંતુ મૂળ વાત તો બધા સ્વીકારે જ છે કે એ પ્રયત્નથી ન મેળવી શકાય પરંતુ જન્મથી જ મળેલી કોઈ ઈશ્વરી દેન છે. જેનું કવિતામાં અનિવાર્ય સ્થાન છે.

કવિતામાં પ્રતિભાનું જે મહત્ત્વ છે અને એનાથી કાવ્યમાં જે કાવ્યત્વ ઊભું થાય છે એની ચર્ચા કરતાં પહેલાં પ્રતિભા એ શું છે એ પણ જાણવું જરૂરી છે.

પૂર્વજન્મમાં માનનારા આપણે એટલું તો અવશ્ય સ્વીકારીએ છીએ કે પૂર્વજન્મમાં કરેલાં કર્મો સંચિત થઈને પછીના જન્મમાં જે મૂડીરૂપે આવે એનું પ્રારબ્ધ બને છે. એને કવિતાના ક્ષેત્ર પૂરતું ગણવા માટે કવિની પ્રતિભા નામ આપી શકાય. આત્માના અનંત પ્રવાસમાં જન્મજન્મે મળતાં શરીર તો ઉપવસ્ત્ર જ છે. પરંતુ માનસિક તત્ત્વો બુદ્ધિ, મન વગેરેનું બનેલું સૂક્ષ્મ શરીર મરતું નથી અને નવેનવે જન્મે પોતે તો એ જ રહે છે. આમ દરેક જન્મે એ જે કર્મો બાહ્ય શરીર પાસે કરાવે એમાંથી એ એક પ્રતિભા ઘડે છે. આ પ્રતિભા કવિતાના ક્ષેત્રની પણ હોય અને વિજ્ઞાન કે સુથારી–લુહારી ક્ષેત્રની પણ હોય.
આમ પૂર્વ જન્મથી મળેલી દેન એ જ પ્રતિભા એમ આપણે સ્વીકાર્યું છે. હવે, જ્યારે કવિને આપણે આપણા સામાન્ય મનુષ્ય કરતાં જુદો, વિશિષ્ટ ગણ્યો છે ત્યારે તેની પાછળની ભાવનામાં જ આ પ્રતિભાનો સ્વીકાર આવી જાય છે. પોતાના જન્મજાત સંસ્કારોને કારણે એની આંખ, કાન વગેરે ઇન્દ્રિયો સામાન્ય માણસ કરતાં જુદી જ રીતે અનુભવ લઈ શકે છે. એની કાવ્યક્ષેત્રની પ્રતિભા દુનિયાનાં દૃશ્યો, દુનિયાના વહેવારોમાંથી નવી જ જાતનો અનુભવ વીણી લે છે. આ અનુભવ જેમ વિશિષ્ટ હોય છે એમ એક બીજી પણ પ્રક્રિયા (અનુભવ પછીની) સામાન્ય માનવી કરતાં વિશિષ્ટ હોય છે. તીવ્ર અનુભવનું પ્રાકટ્ય કર્યા વિના સામાન્ય માણસ પણ રહી ન શકે. પોતાના અનુભવને એણે બહાર કાઢવો જ પડે છે. સિસૃક્ષાનો આ ધક્કો માણસ પાસે અનુભવને વ્યક્ત કરાવે છે. કવિની પ્રતિભા આ પ્રકટીકરણમાં પણ જુદી તરી આવે છે. પોતાની અનુભૂતિને વ્યક્ત કરવા માટે જે માર્ગ એ અપનાવશે, એ માર્ગમાં જે સચોટતા, સુંદરતા, સરળતા-સહજતા ઉમેરશે એ કવિની પ્રતિભાને કારણે જ હોય છે.

આવી રીતે અનુભવ કરવામાં અને અભિવ્યક્તિમાં પણ પ્રતિભા કવિને વિશિષ્ટ સ્થાને મૂકે છે.

આ ઉપરથી જ બધાએ એકી અવાજે કાવ્યને ઊંચું સ્થાન આપતાંની સાથે જ પ્રતિભાને, એ કાવ્યનું મૂળ કારણ ગણીને, મુખ્ય સ્થાન આપી દીધું છે. આમ પ્રતિભા કાવ્યનું મૂળ કારણ ગણાયું.

આ પછી જે વાત આવે છે એ પ્રતિભાની સાથે જ ગણવામાં આવતાં અથવા પ્રતિભાને મદદ કરતાં બે તત્ત્વો વિશેની છે. આ બે તત્ત્વો તે વ્યુત્પત્તિ (નિપુણતા) અને અભ્યાસ. પ્રતિભાને મોખરાનું સ્થાન આપનારા વિચારકો આ બંને તત્ત્વોને પણ નકારી શકતા નથી. પ્રતિભાને અને નિપુણતા તથા અભ્યાસને જુદાં કરીને પાછલાં બંનેને બાદ કરી શકાતાં નથી. એનું કારણ એ બંને તત્ત્વોની અનિવાર્યતા કહી શકાય.આ બંને બળો માટે જે મતભેદ છે એ પ્રતિભા સાથે એ બંનેના સ્થાનનો, એ બંનેના સંબંધનો છે. એક વાદ પ્રતિભાને અને એ બંનેને એક સાથે જ ગણીને કાવ્યઉત્પત્તિના એક હેતુ તરીકે સ્વીકારે છે જ્યારે બીજો વાદ એ બંનેને પ્રતિભાને સંસ્કારનારાં ગણે છે. કોઈ એમ કહે છે કે પ્રતિભા અનિવાર્ય છે એવી જ રીતે મહાન કાવ્ય માટે નિપુણતા અને અભ્યાસ પણ અનિવાર્ય છે. જ્યારે કોઈ એમ કહે છે કે પ્રતિભા અનિવાર્ય પણ એને સંસ્કારવા, કાવ્યને ‘‘વધું સારું બનાવવા માટે’’નાં બળો તરીકે એ બંને જરૂરી છે. કાવ્યના જન્મમાં ‘અનિવાર્ય’ એને ન પણ ગણાય.
જોકે પ્રતિભાને જો પૂર્વજન્મનો સંસ્કાર ગણીએ તો એમાં પૂર્વજન્મનાં મેળવેલા વહેવારના, લોકશાસ્ત્રના અનુભવો તથા અભિવ્યક્તિનો અભ્યાસ એમાં આવી જ જાય છે. આ વાતમાંથી સ્પષ્ટ જોઈ શકાય છે કે કોઈ ‘કવિ’ એક જન્મે બનતો નથી. આ જન્મે જેણે ઉત્તમ કવિતા કમસે કમ સારી કવિતા – લખી એ માણસ ગયા જન્મે પણ એ વિશેના સંસ્કારો મેળવીને જ આવ્યો હશે. એક જન્મે મહાકવિ બનવા માટે ગમે તેટલા વ્યુત્પત્તિ અને અભ્યાસ હોય છતાં પ્રતિભા તો તેણે આગલા જન્મની જ લાવવાની છે ને ? કવિતાક્ષેત્રની પ્રતિભા જો પૂર્વજન્મનો જ સંસ્કાર હોય તો એ માન્યતામાં જ એવું આવી જાય છે કે પ્રતિભા આ જન્મે ઘડી ન શકાય અને ઘડી શકીએ તો તેનો ઉપયોગ તો આવતા જન્મે જ થઈ શકે. આમ આ જન્મનાં વ્યુત્પત્તિ અને અભ્યાસ સંપૂર્ણ હોય છતાં પ્રતિભા તો પૂર્વજન્મની જ મળતી હોવાથી શ્રદ્ધાથી,  કલ્પનાથી કે તર્કથી સ્પષ્ટ થાય છે કે કવિ એક જન્મે જ ‘સિદ્ધ’ ન થઈ શકે.
આ નાનકડા મતથી હવે વ્યુત્પત્તિનો અને અભ્યાસનો ઉપયોગ જે ખરેખર છે એ પણ આ પ્રમાણે કહી શકાય –પૂર્વજન્મના ‘પ્રયત્નો’થી મળેલી પ્રતિભામાં જ વ્યુત્પત્તિ અને અભ્યાસ હોય તો આ જન્મે વ્યુત્પત્તિ અને અભ્યાસની શી જરૂર ? આ જરૂર બે રીતે, બે કાર્ય માટે પડે છે:

૧. પૂર્વજન્મના સંસ્કારો પર જન્મના – સ્થૂળ શરીરના – બદલાવવાથી જે વિસ્મૃતિ થઈ હોય છે એને સતેજ કરવાનું કાર્ય વ્યુત્પત્તિ કરે છે. અભ્યાસનો પણ તેમાં હાથ હોય છે. કોઈ કોઈ બાળકો આપણને એવાં પણ જાણવા મળે છે જેને પૂર્વજન્મની સ્મૃતિ હોય. બધાંને આ શક્ય નથી. તેથી ‘પ્રયત્ન’થી આ જન્મે વિસ્મૃતિનાં પડળને હઠાવીને પૂર્વના અનુભવ, જ્ઞાન, અભ્યાસ વગેરેને  જાગૃત કરવાનું કાર્ય, આ જન્મની આપણે જેને વ્યુત્પત્તિ અને અભ્યાસ કરીએ છીએ, એ કરે છે. હેમચંદ્રાચાર્ય આજ વાત ‘‘પ્રતિભાને સંસ્કારવી’’ વાક્યથી કરે છે.

૨. બીજું મહત્ત્વનું કાર્ય આ જન્મનું  જ ખાસ છે. ગત જન્મમાં જે કવિતાનાં લક્ષણો ન હોય અને સાહિત્યનાં રૂપો, અંશો વગેરે બદલાઈ જવાથી પૂર્વજન્મમાં જે મળ્યું ન હોય તે મેળવી આપવાનું છે. નવાં પ્રતીકો, અલંકારો, રૂપકોનો જે ગત જન્મમાં કવિને અનુભવ ન હોય તેને આ જન્મના પ્રવાહથી ઘડવાનું કાર્ય વ્યુત્પત્તિ અને અભ્યાસ કરે છે. ગત જન્મમાં સંભવ છે કે રૉકેટથી કવિ અજાણ હોય તો આ યુગમાં રોકેટ પર કાવ્ય લખવા માટે એને એકલી પ્રતિભા કામમાં ન આવે. આ જન્મે એ પ્રતિભાને રોકેટનું કાવ્ય બનાવવા માટે વ્યુત્પત્તિની જરૂર  પડે જ પડે.

સમગ્ર વિચારણાના અંતે આટલું સ્પષ્ટ થાય છે કે કવિતાની ઉત્પત્તિમાં પ્રતિભા અનિવાર્ય છે. એને માટે કોઈ બે મત નથી. પ્રતિભા વિના કાવ્ય બને જ નહીં. જોડકણામાં પણ જો કંઈક સામાન્ય પણ ‘કવિતા’ હોય તો એ પ્રતિભાના કારણે જ છે.

બીજું સ્પષ્ટ થાય છે તે વ્યુત્પત્તિ અને અભ્યાસની જરૂર. (જેને માટે ટૂંકમાં સમજણ આ પ્રમાણે આપી શકાય કે જીવનનાં બધાં શાસ્ત્રોનું જ્ઞાન, ઉત્તમ કાવ્યકૃતિઓનું જ્ઞાન, એનો પરિચય હોવો એ વ્યુત્પત્તિ છે. જેને કારણે કવિમાં એક જાતની નિપુણતા આવે છે અને અભ્યાસ એટલે મહાવરો, સંગીતની પરિભાષામાં રિયાઝ; જે ગુરુ પાસેથી અને પોતાના પ્રયત્નથી સતત રીતે વધતો જ જાય.)

આ બંને બળોની જરૂર કોઈ મમ્મટ જેવા ‘પ્રતિભાની સાથે અભિન્ન’ ગણીને ગણાવે છે. તો હેમચંદ્ર જેવા પ્રતિભાને સંસ્કારનાર બળ તરીકે અલગ ગણીને ઘટાવે છે. પશ્ચિમના વિચારકો પણ ઉપર ગણાવેલું તારણ જ જુદીજુદી ભાષામાં, શૈલીમાં સમજાવે છે.

દંડિ જેવા કોઈક પ્રતિભાની ઓછી આવશ્યક્તા ગણાવે છે. પણ એને માટે ઘણો મોટો મતભેદ થશે. પ્રતિભાનું મુખ્ય કારણ તરીકે મહત્ત્વ કોઈ અસ્વીકારતું નથી.શ્રી અરવિંદની આ બાબતમાં માન્યતા જોવાથી સ્પષ્ટ ખ્યાલ આવે છે – એઓ જન્મજાત સંસ્કારોથી પ્રાપ્ત થયેલી શક્તિને કારણે રચાયેલી કવિતાને કાવ્ય ગણે છે અને એના કર્તાને જ કવિ કહે છે. જ્યારે પ્રયત્નથી જ કેવળ રચાયેલ કૃતિને પદ્ય કહે છે અને કર્તાને પદ્યકર્તા જ.

4 ટિપ્પણીઓ

Filed under Uncategorized