Daily Archives: ડિસેમ્બર 17, 2018

ભાવાત્મક ઉંમર એક ગરબડિયો વિચાર છે / પરેશ વ્યાસ

Image result for age

ભાવાત્મક ઉંમર એક ગરબડિયો વિચાર છે

કેટલી ઈચ્છાની ઉંમર ખૂબ મોટી થઈ હતી

એક-બે ઈચ્છાનું સગપણ થઈ ગયું તો શું થયું?

– ગુંજન ગાંધી

નેધરલેન્ડ દેશનાં તાજા ખબર છે કે એમાઈલ રાટેલબેન્ડ નામનાં એક ૬૯ વર્ષનાં યુવાને(!) સ્થાનિક અર્ન્હેમ શહેરનાં સત્તાધીશો સામે અદાલતમાં કેસ કર્યો અને માંગણી કરી કે એમની ઉંમર બદલીને આજથી ૪૯ વર્ષની કરી દેવામાં આવે.

ના, એમનો જન્મ ૧૧ માર્ચ, ૧૯૪૯નાં દિવસે જ થયો હતો. પણ તેઓ કહે છે કે મારે મારી ઉંમર બદલીને ૧૧ માર્ચ, ૧૯૬૯ કરી દેવી છે કારણ કે મારી વધતી ઉંમરનાં કારણે  મને ઘણી તકલીફ પડે છે.

ટીન્ડર નામની ડેટિંગ વેબસાઈટ ઉપર જાઉં છું તો મારી સાથે કોઈ ડેટિંગ કરવા તૈયાર થતું નથી. મારે ઘર ખરીદવું હોય છે તો કોઈ લોન દેતું નથી. નોકરી ય સારી મળતી નથી. ફ્રીડમ ઓફ ચોઈસ ઉર્ફે પસંદગીનો અધિકાર કેમ નથી? હું નામ ધારું તે રાખી શકું, જન્મ સમયે હું પુરુષ કે ી હોઉં પણ પછી એમ લાગે કે મારાં લક્ષણ જુદા છે તો હું મારું જાતિ પરિવર્તન પણ કરાવી શકુ છું.

તો ઉંમર પરિવર્તન કેમ નહીં? જો ઉંમર ઘટી જશે તો એમણે એમનું ૨૦ વર્ષનું પેન્સન પણ જતું કરવાની તૈયારી બતાવી છે. આ તો ઈચ્છા સ્વાતંત્ર્યની વાત છે. પહેલાં હિયરીંગમાં જજ સાહેબે પૂછયું કે કયા વીસ વર્ષ બાકાત કરવા? માબાપને કેવું લાગે કે એમણે વીસ વીસ વર્ષ સુધી કોને ઉછર્યાે હતો? એકાદ કલાક કોર્ટમાં દલીલો થયા બાદ આ કેસમાં હવે તારીખ પડી છે. ચાર અઠવાડિયામાં ચૂકાદો આવે તેવી સંભાવના છે.

સરકારી ચોપડે એક ઉંમર લખાયેલી હોય છે. પણ માણસની ભાવાત્મક ઉંમર (ઈમોશનલ એઈજ) તો કાંઈક જુદી જ હોય છે. એંસી વર્ષની ઉંમરે પણ કોઈ હંસી મજાક કરી શકે, કુદરતને માણી શકે તો એની ભાવાત્મક ઉંમર વીસની જાણવી એવું જાણકારો કહી ગયા છે.

ત્રીસ વર્ષની ઉંમરે જેને રોજની નોકરી કરવામાં કાંઈ મઝા આવતી નથી અને મઝા કરવામાં ય ઢસરડો કરવો પડે એવી લાગણી થતી હોય એની ભાવાત્મક ઉંમર સાઈંઠની જાણવી. શરીરની રીઅલ ઉંમર જો કે કોઈને છોડતી નથી.

બેંતાલીસનાં થયા કે બેતાલાં આવી જાય છે. વાંચવા માટે ચશ્માં જોઈએ છે. પછી પચાસ પછી ઘૂંટણ બળવો પોકારે છે. બાસઠ વર્ષે પ્રોસ્ટેટ ગ્રંથિ હાકોટા પાડે છે. સિત્તેર વર્ષે બચ્યા કુચ્યા સફેદ વાળ પણ ખરતાં જાય છે. દાંત તો હવે ચોકઠાંનાં સ્વાંગમાં ખેલ કરે છે. અને આપણે હજી ભાવાત્મક ઉંમરની ગાંડી ઘેલી વાતો કરીએ છીએ.

એક્ટ એઈજ. ઉંમર પ્રમાણે વર્તવું. ઘરડાં થયા એટલે સેન્સ ઓફ હ્યુમર છોડી એવી એવું ક્યાં છે? ફની મિનિયન્સ કહે છે કે ઉંમર થાય ત્યારે મલ્ટી-ટાસ્કિંગ વધી જાય છે. હસવું, છીંકવું, ખાંસવું અને મૂતરવું એક સાથે થઇ શકે! અને હા, મિત્રો તો હોવા જ જોઈએ. જેમની સાથે અકાળે વાતો કરી શકાય. જાતને વ્યસ્ત રાખવી.

કશુંક પરિણામલક્ષી કરતાં રહેવું. હવે ઓનલાઇનનો જમાનો છે એ ય અજમાવી શકાય. નવાં જમાનાની નવી વાતો જાણી શકાય. અને હા, એકનાં એક માણસને તમારાં ભવ્ય ભૂતકાળની એકની એક વાતો વારંવાર કહીને હેરાન કરવાનું ટાળીએ તો સારું.

તમારાં ભૂતકાળનાં પરાક્રમોની ડંફાસ સાચી હોય તો પણ અત્યારે એ અપ્રસ્તુત છે. અને સૌથી મહત્વની વાત, કોઈ તમને પૂછે એવી મમત છોડી દેવી. મિસ્કીન સાહેબનો શે’ર તમે વાંચ્યો કે સાંભળ્યો જ હશે. ખાંસે છે

વૃદ્ધ ફાધર એ ઓરડો જુદો છે, બેસે છે ઘરનાં મેમ્બર એ ઓરડો જુદો છે. આ પરિસ્થિતિ ખરેખર સારી છે. આપણી પાસે અલગ ઓરડો છે. ત્યાં આપણે ખુશીથી ખાંસી ખાઈ શકીએ છીએ.

આગલાં રૂમમાં જઈને ખાંસી ખાઈને, ઘરનાં બીજા મેમ્બરને ઇન્ફેક્શન લગાડવાની શી જરૂર છે? ફ્રેંચ એક્ટર, સિંગર અને એન્ટરટેઈનર મોરિસ કેવિલીયર કહેતા કે ઘડપણનો  વિકલ્પ મોત છે અને મોતની સરખામણીમાં આ ઘડપણનો વિકલ્પ મઝાનો છે. બસ એક બે કુંવારી ઈચ્છાનું સગપણ થઇ જાય એટલે ભયો ભયો. આપણું વર્તન સારું હોય તો ઉંમર પરિવર્તનની કોઈ જરૂર નથી, મી લોર્ડ…

Related image

2 ટિપ્પણીઓ

Filed under Uncategorized