Daily Archives: ડિસેમ્બર 23, 2018

એમને કેવી મજા પડતી હશે…પરેશ વ્યાસ

 

એમને કેવી મજા પડતી હશે…

માર્ગીએ એ રાત્રે એની ડાયરીમાં એ વિષે લખ્યુંય ખરું. એ પાના પર જેના મથાળે તે દિવસની તારીખ લખી હતી: મે ૧૭, ૨૧૫૭. એણે લખ્યું, “આજે, ટોમીને એક રીઅલ ચોપડી મળી ગઇ!”
એ ખૂબ જ જૂની ચોપડી હતી. માર્ગીનાં દાદાએ એક વાર કહ્યું હતું કે એ જ્યારે સાવ નાના હતા ત્યારે એના દાદાએ એમને કહ્યું હતું કે એવો ય સમય હતો જ્યારે બધી જ વાર્તાઓ કાગળ પર છપાતી હતી!
તેઓએ પાના ફેરવ્યા, એ પાના જે પીળા હતા અને એમાં કરચલી પડી ગઈ હતી, અને એ બધું જબરું વિચિત્ર લાગતુ હતું કારણ કે એક વાર શબ્દો વંચાઇ ગયા પછી પણ એ શબ્દો ત્યાંનાં ત્યાં જ ઊભા હતા, સ્ક્રીન પર હોય તો એ શબ્દો આગળ જતા હોય છે, તમે જાણો છો એમ. અને પછી તેઓએ વાંચી લીધેલું પાનુ પાછું ફેરવ્યું તો ત્યાં એ જ શબ્દો ફરી વાંચવા મળ્યા, જે એમણે પહેલી વાર વાંચ્યા હતા.
“જોયું?” ટોમીએ કહ્યું, “ શું બિનજરૂરી વ્યવસ્થા છે. મને લાગે છે કે જ્યારે વંચાઇ જાય ત્યારે તે સમયે તેઓ ચોપડીને ફેંકી દેતા હશે. આપણાં ટેલીવિઝન સ્ક્રીન પર લાખો કરોડો પુસ્તકો છે અને બીજા પુષ્કળ પુસ્તકો સંઘરવાની વ્યવસ્થા પણ છે. હું તો કોઈ પુસ્તકને ફેંકી દેતો નથી.”
“મારું પણ એવું જ છે,” માર્ગીએ કહ્યું. એ અગિયાર વર્ષની હતી અને ટોમીએ જોયા હતા એટલાં પુસ્તકો એણે જોયા નહોતા. ટોમી તેર વર્ષનો હતો.
માર્ગીએ પૂછ્યું, “તને આ ચોપડી ક્યાંથી મળી?”
“મારા ઘરમાંથી.” એણે જોયા વિના દિશા ચીંધી કારણ કે એ વાંચવામાં વ્યસ્ત હતો. “માળિયામાં.”
“એ શેના વિષે છે?”
“સ્કૂલ”
માર્ગીને તિરસ્કારથી કહ્યું. “ સ્કૂલ? સ્કૂલ વિષે વળી શું લખવાનું? મને તો સ્કૂલ જરાય ગમતી નથી.”
માર્ગીને સ્કૂલ ક્યારેય ગમી નહોતી, પણ પહેલાં તો ય ઠીક હતું. એની સરખામણીમાં અત્યારે એ છોકરી પોતાની સ્કૂલને ભારોભાર ધિક્કારતી હતી. કારણ કે અત્યારે ભૂગોળ વિષયનો એનો યંત્ર શિક્ષક એક પછી એક, એમ અનેક વખત પરીક્ષા લઇ રહ્યો હતો અને માર્ગીનું પરિણામ ઉત્તરોત્તર ખરાબથી વધારે ખરાબ આવી રહ્યું હતું. આ સિલસિલો ત્યાં સુધી ચાલ્યો, જ્યારે એની માએ દુ:ખથી ડોકી હલાવી અને એ યંત્ર શિક્ષકને લઈને તેઓ કાઉન્ટી એજ્યુકેશન ઈન્સપેક્ટર પાસે ગયા.
એજ્યુકેશન ઇન્સ્પેક્ટર બેઠી દડીનો ગોળમટોળ માણસ હતો, એનો ચહેરો લાલાશ પડતો હતો અને એની પાસે જાત જાતનાં સાધનો હતા. આ સાધનો ઉપર ઘણાં ડાયલ્સ અને વાયર્સ પણ હતા. એણે માર્ગી સામે સ્મિત કર્યુ અને એને એક સફરજન આપ્યું, અને પછી એણે પેલાં યંત્ર શિક્ષકને ખોલી નાંખ્યો. માર્ગીને થયું કે આ ઈન્સપેક્ટર યંત્ર શિક્ષકને એક વાર ખોલ્યાં પછી ફરી પાછો જોડી જ ન શકે તો કેવું સારું! પણ ઇન્સ્પેક્ટર તો કારીગર હતો. એને બધી જ ખબર હતી કે યંત્ર શિક્ષકને કેવી રીતે ખોલવો, રીપેર કરવો અને કેવી રીતે ફરીથી જોડી દેવો. એકાદ કલાકમાં તો એ યંત્ર શિક્ષક પાછો હતો તેવો થઇ ગયો, એવો જ મોટો, કાળો અને બેડોળ, એવા જ મોટા સ્ક્રીન સાથે, જેની પર બધા જ પાઠ હતા અને તે પછી ઘણાં બધા પ્રશ્નો પૂછાયેલા હતા. જો કે એ ભાગ એટલો ખરાબ નહોતો. માર્ગીને જે ભાગ જરાય ગમતો નહોતો, એ એવો સ્લોટ હતો કે જેમાં માર્ગીએ હોમવર્ક કરવું પડતું હતું અને પછીનાં ટેસ્ટ પેપર્સને પણ એ એટલી જ ધિક્કારતી હતી. એણે એ બધાનાં જવાબ એક પંચ કોડમાં આપવા પડતા, જેની સંકેત લિપિ એ છ વર્ષની હતી ત્યારે એને શીખવાડવામાં આવી હતી, અને દરેક પરીક્ષા પછી એ યંત્ર શિક્ષક એનાં માર્ક્સ તરત જ ગણીને એને કહી દેતો હતો. ટૂંકમાં પરીક્ષા અને પરિણામ વચ્ચે કોઈ સમયગાળો નહોતો.
રીપેર કામ પૂર્ણ કર્યા બાદ ઈન્સપેક્ટર હસ્યો, એણે માર્ગીને માથે પ્રેમથી હાથ ફેરવ્યો. પછી એણે એની માતાને કહ્યું, “આ નાનકડી છોકરીનો કોઇ વાંક નથી, મિસિસ જોન્‌સ. મને લાગે છે કે ભૂગોળ સેક્ટરનાં ગીયર્સ જરા વધારે સ્પીડ્માં સેટ કર્યા હતા. આવું ક્યારેક થતું હોય છે. મેં હવે એને દસ વર્ષનાં સ્ટુડન્‌ટસનાં લેવલ ઉપર સેટ કરી દીધા છે. માર્ગીનાં ઓવર ઓલ પ્રોગેસની પેટર્ન ખરેખર તો એકદમ સંતોષકારક છે.” અને એણે ફરીથી માર્ગીનાં માથે પ્રેમથી હાથ ફેરવ્યો.
માર્ગી નિરાશ થઇ ગઇ. એને તો એવી આશા હતી કે તેઓ આ યંત્ર શિક્ષકને પાછો લઇ લેશે. એ લોકોએ એક વાર ટોમીનાં શિક્ષકને રીપેર કરવા માટે એક મહિના સુધી રાખી લીધો હતો કારણ કે એનું ઇતિહાસ સેક્ટર સાવ બ્લેન્ક થઇ ગયું હતું.
તો માર્ગીએ ટોમીને પૂછ્યું, “ શા માટે કોઇ પણ વ્યક્તિ સ્કૂલ વિષે કાંઇ પણ લખે?”
ટોમીએ એક સીનિયરને છાજે એ નજરથી માર્ગી સામે જોયું. “કારણ કે એ આપણાં જેવી સ્કૂલ નહોતી, સ્ટુપિડ. આ તો પેલી જૂની ટાઇપની સ્કૂલ, જે સો અને સોથી પણ અનેક વધારે વર્ષો પહેલાં ત્યાં હતી.” પછી એણે ગૌરવપૂર્વક ખૂબ જ ધ્યાન રાખીને શબ્દનો ઉચ્ચાર કર્યો, “સદીઓ પહેલાં”
માર્ગીને માઠું લાગ્યું. “વેલ, મને ખબર નથી કે વર્ષો પહેલાં તે સમયે કેવી ટાઇપની સ્કૂલ્સ હશે.” ટોમી ચોપડી વાંચતો હતો તેમાં માર્ગીએ થોડીક વાર નજર કરી, પછી બોલી, “એ જે હોય તે, એમની પાસે શિક્ષક તો હતા.”
“ચોક્કસ, તેઓ પાસે શિક્ષક તો હતા જ, પણ એ અત્યારે હોય છે તેવાં શિક્ષક નહોતા. એ માણસ હતા.”
“એક માણસ? કોઇ માણસ શિક્ષક કઇ રીતે હોઇ શકે?”
“વેલ, છોકરાઓ અને છોકરીઓને તેઓ ઘણી બધી વાતો કહેતા, વાર્તાઓ કરતાં, ભણાવતાં અને પછી હોમવર્ક આપતા અને પછી પ્રશ્નો પૂછતા.”
“ કોઇ માણસ એટલાં સ્માર્ટ હોતા નથી.”
“ ચોક્કસ હોય છે. દાખલાં તરીકે મારા પિતા આ યંત્ર શિક્ષક જેટલું તો જાણે જ છે.”
“ એ ન જ જાણતા હોય. શિક્ષક જેટલું જ્ઞાન કોઇ માણસને હોઇ જ ન શકે.”
“ એ જાણે છે, લગભગ એનાં જેટલું જ, હું શરત લગાડવા તૈયાર છું.”
આ દલીલનો સામનો કરવાની માર્ગીની તૈયારી નહોતી. એણે કહ્યું, “કોઇ અજાણ્યો માણસ મારા ઘરે આવીને રહે અને મને ભણાવે એવું મને ન ગમે.”
ટોમી ખડખડાટ હસી પડ્યો. “તને વિગતે કાંઇ ખબર જ નથી, માર્ગી. શિક્ષકો કાંઇ વિદ્યાર્થીઓના ઘરે રહેતા નહોતા. એમને માટે સ્પેશ્યલ બિલ્ડિંગ્સ હતા અને બધા બાળકો એક સાથે ભણવા માટે ત્યાં જતા.”
“ અને બધા જ બાળકો એક્સરખું ભણતા?”
“ હા, ચોક્કસ.”
“પણ મારી મા તો કહે છે કે શિક્ષકે દરેક છોકરા કે છોકરીનાં મગજ પ્રમાણે એડજસ્ટ થવું પડે અને એ કે દરેક બાળકને ભણાવવાની રીત અલગ હોય.”
“હા એમ જ પણ તે વખતે તેઓ એવું કરતા નહોતા. તને જો એ ન ગમતું હોય તો તારે આ ચોપડી વાંચવાની જરૂર નથી.”
“મેં એવું ક્યાં કહ્યું કે મને એ ગમ્યું નહીં.” માર્ગીએ તરત જ જવાબ આપતાં કહ્યું. એને અલબત્ત એવી ‘ફની’ સ્કૂલ્સ વિષે વાંચવું હતું.
તેઓએ હજી ચોપડી અડધી પણ વાંચી નહોતી કે માર્ગીની માએ બૂમ પાડી, “ માર્ગી! સ્કૂલ!”
માર્ગીએ નજર ઊંચી કરી. “ ના, હમણાં નહીં.”
“ અત્યારે જ!” મિસિસ જોન્‌સે કહ્યું. “ અને કદાચ ટોમીને પણ એની સ્કૂલનો ટાઇમ થઇ ગયો હશે.”
માર્ગીએ ટોમીને કહ્યું, “ સ્કૂલ પછી તારી સાથે હું આ ચોપડી થોડી વધારે વાર વાંચી શકું?”
“કદાચ,” એણે બેપરવાઇથી કહ્યું. અને પછી એ જૂની ધૂળ ભરેલી ચોપડીને બગલમાં લઈ સીસોટી વગાડતો ત્યાંથી ચાલી ગયો.
માર્ગી એનાં સ્કૂલ રૂમમાં ગઇ. એનો સ્કૂલરૂમ એનાં બેડરૂમની બરાબર બાજુમાં હતો. ત્યાં યંત્ર શિક્ષક સ્વિચ ઓન હતો અને એની રાહ જોઇ રહ્યો હતો. એ દરરોજ આ સમયે સ્વિચ ઓન જ રહેતો સિવાય કે શનિવાર અને રવિવાર. કારણ કે માર્ગીની મા કહેતી કે નાની છોકરીઓ સારી રીતે શીખી શકે, જો એ નિયમિત રોજ એક જ સમયે ભણવા બેસી જાય. સ્ક્રીન પ્રકાશિત થયો, અને એ યંત્ર શિક્ષક બોલ્યો: “આજનો અંકગણિતનો પાઠ છે સમ અપૂર્ણાંકનો સરવાળો. મહેરબાની કરીને ગઈકાલનું હોમવર્ક પ્રોપર સ્લોટમાં ઇન્સર્ટ કરો.”
માર્ગીએ એક નિસાસો નાંખતા એમ કર્યું. એ જૂના જમાનાની સ્કૂલ્સ વિષે વિચારી રહી હતી કે જેમાં એનાં દાદાનાં દાદા ભણતા હતા. આખા વિસ્તારનાં બધા બાળકો ત્યાં આવતા, સ્કૂલનાં કમ્પાઉન્ડમાં જોરશોરથી હસતાં, ગાતા, ચિચિયારીઓ પાડતા, સ્કૂલ રૂમ્સમાં એક સાથે બેસતા અને દિવસ પૂરો થાય ત્યારે એક સાથે નીકળીને પોતપોતાના ઘરે પાછાં જતાં. તેઓ એક સરખાં વિષયો જ શીખતા, જેથી તેઓ હોમવર્ક કરવામાં એક બીજાની મદદ કરી શકે અને એ વિષે વાતો કરી શકે.
અને શિક્ષકો લોકો હતા…..
યંત્ર શિક્ષકનાં સ્ક્રીન ઉપર ફ્લેશિંગ થઇ રહ્યું હતું. “ જ્યારે આપણે ૧/૨ અને ૧/૪ અપૂર્ણાંકને ઉમેરીએ….”
માર્ગી વિચારી રહી હતી કે એ દિવસોમાં બાળકોને સ્કૂલ જવું કેવું ગમતું હશે. એ વિચારી રહી હતી કે એમને કેવી મજા પડતી હશે.

Image may contain: text

Leave a comment

Filed under ઘટના, પરેશ વ્યાસ, Uncategorized