Daily Archives: ડિસેમ્બર 29, 2018

ટોક્ષિક: ઝેરીલી હવા, ઝેરીલાં સંબંધ, ઝેરીલું રાજકારણ વગેરેપરેશ વ્યાસ

ટોક્ષિક: ઝેરીલી હવા, ઝેરીલાં સંબંધ, ઝેરીલું રાજકારણ વગેરે

હવે થોડાં વરસ વિતાવવા છે મ્હેકની વચ્ચે,
હું ગૂંગળામણના ઝેરી શ્વાસમાંથી બહાર આવ્યો છું.
– મનોજ ખંડેરિયા

પ્રિય કવિ મનોજ ખંડેરિયા ઝેરી શ્વાસની ગૂંગળામણમાંથી બહાર આવીને થોડાં વર્ષો મહેક વચ્ચે વીતાવવાની ઈચ્છા જાહેર કરે છે. ઝેરી શબ્દ આજકાલ ઠેર ઠેર દેખાતો રહે છે. ગુજરાતી લેક્સિકોન અનુસાર ટોક્ષિક એટલે ઝેરી, ઝેરનું, ઝેરથી થયેલું, વિષમય. ઓક્સફોર્ડ ડિક્સનરીએ વર્ડ ઓફ ધ યર જાહેર કર્યો. જો કે આ વર્ષે આ શબ્દ ઝેર સિવાયનાં અર્થમાં પણ વપરાતો રહ્યો છે. દાખલા તરીકે #મી ટૂ મુવમેન્ટ ચાલે છે. સ્ત્રીઓ બોલી રહી છે. પુરુષો સામે અવાજ ઊઠાવી રહી છે. પુરુષોની મસ્ક્યુલાઈન ટોક્ષિસિટી છે. મર્દાનગી પણ ઝેરી હોઈ શકે. ટોક્ષિક એ વિશેષણ છે ખરેખર તો ટોક્ષિક એ વસ્તુઓ, સ્થિતિ, પરિસ્થિતિ, પ્રસંગનું સ્ટેટસ બતાવે છે. ઓક્સફોર્ડ ડિક્સનરીની વેબસાઈટ અનુસાર ટોક્ષિક શબ્દ વિષે જાણકારી મેળવવા માટેની શોધખોળમાં ઓણ સાલ ૪૫%નો વધારો જોવા મળ્યો છે. ટોક્ષિક શબ્દ સાથે રીલેશનશીપ, મસ્ક્યુલાઇન અને વેસ્ટ પણ જોડાયેલાં જોવા મળ્યા હતા. ઝેરીલી હવા હોઈ શકે. ઝેરીલો સંબંધ હોઈ શકે. ઝેરીલું રાજકારણ પણ હોઈ શકે. ઝેરીલો કચરો હોઈ શકે. મધ્ય સત્તરમી સદીમાં લેટિન શબ્દ ટોક્સિકમ એટલે ઝેર. ટોકસીકસ એટલે ઝેરીલું. આ શબ્દને તીર કામઠા સાથે સંબંધ છે. ઝેર પાઈને તૈયાર કરેલું તીર એટલે ટોક્ષિક. આમ તો ટોક્ષિક શબ્દનો અર્થ સાદોસીધો છે. પણ સમય જતા એનાં અનેક અર્થ થતાં રહ્યાં. અર્બન ડિક્સનરી લખે છે કે ટોક્ષિક માણસ એટલે નકારાત્મક માણસ. એની પાસે સારાઈની અપેક્ષા રાખવી નકામી. ઈચ્છો તો ય એ માણસ સારો ન થઇ શકે.
ઓક્સફોર્ડ ડિક્સનરીએ આ વર્ષે ટોક્ષિક શબ્દ પસંદ કર્યો એની પાછળ ખરેખર તો મસ્ક્યુલાઇન ટોક્ષિસિટી જવાબદાર છે. અહીં એ વાતની નોંધ લેવી જોઈએ કે મસ્ક્યુલાઇન એટલે કે મર્દાનગી સ્વયં પોતે ટોક્ષિક નથી. મર્દાનગી તો બાયોલોજીકલ છે. સાચી રીતે કરવામાં આવે તો એ બ્યુટીફૂલ છે. પણ આ એવી મર્દાનગી છે જે ઝેરીલી છે. આપણે ત્યાં છોકરાઓને એવું શીખવાડવામાં આવે છે કે છોકરાં તો છોકરાં હોય. ધ્યાન છોકરીઓએ રાખવું જોઈએ. પુરુષો છેતરી જાય છે. છેતરવું એ પુરુષોનો સ્વભાવ છે. પુરુષો કાયમ સેક્સ વિષે વિચારતા હોઈ છે. આ રીતે આવું શીખી ચૂકેલાં છોકરાઓ જ્યારે મર્દ બને છે ત્યારે એમની મર્દાનગી ટોક્ષિક બની જાય છે. #મી ટૂ આંદોલનનાં સંદર્ભે ટોક્ષિક મસ્ક્યુલીટી આ વર્ષે ચર્ચાયેલો શબ્દ છે. ઇન ફેક્ટ, ઓક્સફોર્ડ ડિક્સનારીનું શબ્દ પસંદગી મંડળ તો ટોક્ષિક મસ્ક્યુલીટી શબ્દ વર્ડ ઓફ ધ યર ઘોષિત કરવા વિચારી રહ્યું હતું, પણ પછી એમને લાગ્યું કે ટોક્ષિક શબ્દનાં બીજાં અનેક સંદર્ભો છે. એટલે તેમણે ટોક્ષિક શબ્દ ઉપર પસંગીનો કળશ ઢોળ્યો.
ટોક્ષિક લોકોથી દૂર રહેવું સારું. પણ ટોક્ષિક લોકોને ઓળખવા શી રીતે? એવા લોકો જે કોઈનું ય સારું વિચારી કે બોલી ન શકે. સતત ટીકા કરવી એમનો સ્વભાવ હોય. તમારો સમય વેડફે. તમારું સારું થાય તો ઈર્ષ્યાથી બળી મરે. એને તમારી પડી જ ન હોય. બસ, પોતાનાં માટે જ જીવે, પોતાનાં માટે જ મરે. તમારી અપેક્ષા કાંઈ હોય પણ એ હંમેશા તમને નિરાશ કરે. ટોક્ષિક લોકોને તમારી લાઈફમાંથી દૂર કરો. કારણ કે એમ કરવું જરૂરી છે. જો તમે એમને દૂર ન કરો તમે તમારી જિંદગી પૂર્ણ રીતે માણી નહીં શકો. અને હા, ટોક્ષિક લોકોને લાઈફમાંથી દૂર કરવું અઘરું છે. પણ જરૂરી છે. એમ કરવા જતા જાતને ગિલ્ટી ફીલ ન કરો. જે સંબંધની બુનિયાદ જ ટોક્ષિક હોય એનાથી ઝટ દઈને છૂટી જવું એકદમ યોગ્ય જ છે. આગળ વધી જવાનો એક સાદો નિયમ છે. જે તમને પકડી રાખે છે, જે તમને જકડી રાખે છે એનાથી કાંઠો છટકાડવો. અને છેલ્લે, ડીઅર જિંદગી, ટોક્ષિક લોકો માટે તમારાં દિલનાં દરવાજા ફરી ખોલવાનું ટાળો. હવે તમે ટોક્ષિક સંબંધથી છૂટકારો મેળવ્યો છે. ધેટ્સ ગૂડ. પણ હવે એની પેટર્ન પણ તોડો. સારી શુદ્ધ જિંદગી પર તમારો જન્મસિદ્ધ અધિકાર છે.
શબ્દ શેષ:
“નકારાત્મક અને ટોક્ષિક લોકોને તમારાં દિમાગની જગ્યા ભાડેથી ન રાખવા દ્યો. ભાડું વધારી દો અને એમને લાત મારીને બહાર કાઢી મુકો.” –અજ્ઞાત .

Image may contain: text185432_900

3 ટિપ્પણીઓ

Filed under ગઝલ, પરેશ વ્યાસ