લો ઓફ બોઇંગ ૭૩૭ મેક્સ ટોઇલેટ પરેશ વ્યાસ

લો ઓફ બોઇંગ ૭૩૭ મેક્સ ટોઇલેટ
એક જમાનો હતો જ્યારે વિમાનમાં ઊડવું રોમાંચક અનુભવ હતો. બહુ થોડાં ધનવાન ઊડી શકતા. હવે તો પગમાં હવાઈ ચપ્પલ પહેરેલો માણસ પણ હવાઈ મુસાફરી કરી શકે છે. થોડું લાંબુ વિચારીએ તો લાગે કે સામાન્ય માણસને પણ અધિકાર તો હોવો જ જોઈએ ઊડવાનો. ઝટ દઈને, ફટ દઈને એક શહેરથી બીજે શહેર પહોંચી જવાનો. ઊડાન દરમ્યાન વાદળોનાં સફેદ ઝુંડ વચ્ચેથી ચળાઈને આવતાં સૂર્યપ્રકાશનો નઝારો લેવાનો…વાહ ક્યા બાત હૈ? આજકાલ સૌ કોઈ ઊડે છે. એરલાઈન્સ વચ્ચે સ્પર્ધા પણ હવે ગળાકાપ છે. સૌ પોતાનો નફો વધારવામાં વ્યસ્ત છે. પેહલાં વેપારી એવું લખતાં કે ગ્રાહકનો સંતોષ એ જ અમારો નફો. આ સ્ટેટમેન્ટ ખોટું હતું. સંતોષ ઉપરાંત નફો તો હતો જ. નફો તો હોય જ. પણ હા, ગ્રાહકનાં સંતોષ પર પણ પૂરતું ધ્યાન અપાતું. જેમ જેમ સ્પર્ધા વધે એમ એમ ગ્રાહકની સુવિધા વધારવી પડે. આજકાલ વિમાનમાં જઈએ તો કેવો અનુભવ થાય છે? જ્યાં જુઓ ત્યાં લાઈન. સિક્યોરીટી ચેક, લગેજ સ્ક્રીનિંગ, લગેજ ચેક-ઇન, બોર્ડિંગ કાર્ડ, ફરી સિક્યોરીટી ચેક-ઇન અને છેલ્લે બોર્ડિંગ માટેની લાઈન. ક્યારેક ફ્લાઈટ્સ મોડી પડી હોય તો બધાં પેસેન્જર્સ ભેગાં થઇ જાય, પછી સિક્યોરીટી હોલ્ડ એરિયામાં બેસવાની ય જગ્યા ન હોય. લાઈનમાં ન ઊભા રહેવું પડે એટલે ઘરે બેઠાં વેબ ચેક-ઇન કરી શકાય. ઘણી એરલાઈન્સમાં એ મફત હતું. હવે ઇન્ડિગો જેવી એરલાઈન્સે એની ઉપર પણ ચાર્જ લેવાનું શરૂ કર્યાનાં સમાચાર છે. પણ એ તો જાણે ઠીક છે.
કમાવાની લાયમાં ને લાયમાં અમેરિકાની ઘણી એરલાઈન્સે સંડાસ સાંકડા કરી નાખ્યાં છે. નવાં બોઇંગ ૭૩૭ મેક્સ વિમાનમાં સંડાસની પહોળાઈ માત્ર ૬૧ સે.મી. છે જે અગાઉનાં બોઇંગ ૭૩૭ કરતાં ૨૫ સે.મી ઓછી છે. માત્ર આ નાનકડાં ફેરફારને કારણે વિમાનમાં ૧૦ સીટ્સ વધી ગઈ છે. એરલાઈન્સને તો ફાયદો જ ફાયદો છે. આપણી મજબૂરી છે કારણ કે આપણને વિમાનમાં ઊડવાની આદત પડી ગઈ છે. જે જુલમ થાય તે સહન કરવા સિવાય કોઈ છૂટકો નથી. એરલાઈન્સ કહે છે કે લોકો વિમાનમાં ફરવા આવે છે, ઝાડે ફરવા આવતા નથી! થોડી તકલીફ સહેવી પડે. ઘરેથી જ પેશાબપાણી કરીને આવતા હોય તો? સોશિયલ મીડિયા ઉપર પેસેન્જર્સ બળાપો કાઢે છે કે વોશબેસીન એટલું નાનું છે કે હાથ ધોવા જતા પાણીનાં છાંટા ઊડે છે. જગ્યા પણ એટલી સાંકડી કે હાથ પણ એક પછી એક એમ વારાફરતી ધોવો પડે. અંદર ઘૂસ્યા પછી ગોળ તો ફરી જ ન શકાય.
સારી સુવિધા જોઈએ છે? તો પૈસા આપો. બીઝનેસ ક્લાસમાં ટ્રાવેલ કરો. પણ આપણે જો ઈકોનોમી ક્લાસમાં ગૂંદાણા હોઈએ તો તકલીફ તો પડે. પણ યસ, પહેલાંની સરખામણીમાં લોકોને જરૂરી તમામ સુવિધામાં સુધારો થયો છે. ખાનગી પેઢીઓ માર્કેટમાં આવી ગઈ છે. ટેકનોલોજી તો સતત નવી વર્ઝન લઈને આપણી જિંદગીને સુવિધાસભર બનાવે છે. ધીરે ધીરે આપણને એની આદત પડી જાય છે. પછી નવાં પ્રોબ્લેમ ઊભા થાય છે. સેવાનું સ્તર કથળતું જાય છે. સારી સેવા માટે વધારે પૈસા ખર્ચવા પડે છે. ખર્ચવા હોય તો કમાવા પડે…કાં લોન લેવી પડે. ઇએમઆઈ ભરવા ફરી વધારે મહેનત કરવી પડે. માણસ તૂટી જાય છે. જીવને સખ નથી. આપણે દેખાદેખીમાં મૂંડાઈ જઈએ છીએ. કાર, બંગલો, વેકેશન, હોટલ, રેસ્ટોરાં, ક્લબ, કાર્યક્રમો..ઇચ્છનીય હોઈ શકે પણ અનિવાર્ય નથી. જાવેદ અખ્તર સાહેબનો શે’ર છે કે સબ કા ખુશીસે ફાંસલા એક કદમ હૈ, હર ઘર મેં બસ એક હી કમરા કમ હૈ. ઘરમાં એક ઓરડાનું ન હોવું, નવાં લોન્ચ થયેલાં સ્માર્ટફોનનું આપણા હાથમાં ન હોવું, નવી કાર કે બાઈકનું ન હોવું, દેશ પરદેશમાં ફાઇવસ્ટાર વેકેશન પર ન જઈ શકવું……. શું ફેર પડે છે? ‘લો ઓફ બોઇંગ ૭૩૭ મેક્સ ટોઇલેટ’ યાદ રાખો. સંડાસનાં દરવાજાની પહોળાઈ ૮૬સે.મી હોય કે ૬૧ સે.મી., પેટ સાફ થઇ જાય એટલે ઘણું…સંકડાશથી દુઃખી શાને થાવું? દેખાદેખીની કબજિયાત કાયમ માટે ટાળો, ખુશ રહો
My Arvachintnam article as published today in Gujarat Samachar

Image may contain: 1 person

Leave a comment

Filed under ઘટના

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.