Daily Archives: જાન્યુઆરી 6, 2019

નો-પ્લેટફોર્મિંગ: મંચ દેવા માટે નનૈયો…/ પરેશ વ્યાસ

નો-પ્લેટફોર્મિંગ: મંચ દેવા માટે નનૈયો

Image result for no platforming

સિંગલ-યુઝ (કોલિન્સ ડિક્સનરી), ટોક્ષિક (ઓક્સફોર્ડ ડિક્સનરી), મિસઇન્ફર્મેશન (ડિક્સનરી ડોટ કોમ) શબ્દો વર્ડ ઓફ ધ યર-૨૦૧૮ જાહેર થયા. અમે એમની શબ્દસંહિતા રચી. હવે કેમ્બ્રિજ ડિક્સનરીએ નોમોફોબિયા (Nomophobia) શબ્દ વર્ડ ઓફ ધ યર ઘોષિત કર્યો અને અમે ચકરાવે ચઢ્યા. એક તો અમે આ શબ્દ વિષે ચાર વર્ષ પહેલાં લખી ચૂક્યા છીએ. ત્યારે આ શબ્દ ચલણમાં હતો. હવે આ શબ્દ એટલો બધો લોકપ્રિય કે લોકભોગ્ય અમને લાગતો નથી. જો કે કેમ્બ્રિજ ડિક્સનરીએ યુ.કે.નાં લોકોને પૂછ્યું અને મહત્તમ લોકોએ નોમોફોબિયા શબ્દ પર પસંદગીનો કળશ ઢોળ્યો એટલે નોમોફોબિયા શબ્દ ‘વર્ડ ઓફ ધ યર’ જાહેર થયો. આ શબ્દ ત્રણ ઇંગ્લિશ શબ્દો નો-મોબાઈલફોન-ફોબિયાનાં અક્ષરો લઈને બન્યો છે. ગુજરાતી લેક્સિકોન અનુસાર ફોબિયા એટલે વધુ પડતી ખોટી ભીતિ કે અભાવ, ત્રાસ, તીવ્ર અણગમો. મોબાઈલ ફોન ભૂલાઈ જાય, બેટરી ઊતરી જાય કે પછી ટાવર મળે નહીં ત્યારે જે ડર લાગે, ચિંતા થાય, પરસેવો વળી જાય તે નોમોફોબિયા. એવું થોડાં વર્ષો પહેલાં થતું; હવે ક્યાં થાય છે? હવે લોકો સમજે છે. એક તો ફોન ભૂલાતો નથી કારણ કે હવે ફોન એ આપણું ટેન્સન નથી પણ એક્સટેન્સન છે. બહાર જઈએ ત્યારે જેમ ચશ્માં, ચાવી કે રૂમાલ લઇ જઈએ એમ ફોન પણ લઇ જઈએ છીએ. બેટરી હવે વધારે કેપેસેટીવાળી આવે છે અથવા ડેશ-ચાર્જર આવી ગયા છે જે પંદર મિનીટમાંમાં બેટરી ચાર્જ કરી આપે છે. ટાવરનું ન મળવું હવે સહજ છે. લોકોએ ય સમજે છે કે લિફ્ટમાં હશે કે પાર્કિંગ બેઝમેન્ટમાં હશે એટલે ટાવર નહીં મળતો હોય. ફોન સંપર્ક ન થાય તો અભાવનો ભાવ હવે આવતો નથી. લોકો ય સમજે છે કે સામાવાળો ફોન નથી ઉપાડતો કારણ કે શક્ય છે કે એ દેવાલયમાં હોય, પ્રેમાલયમાં હોય કે પછી શૌચાલયમાં હોય અને ફોન એની પાસે ન પણ હોય કે બંધ હોય. હવે તો લોકો ફોનની આદતને ડીટોક્ષ પણ કરે છે. રજાનાં દિવસે ફોનને પણ રજા દઈ દે છે. કેવી શાંતિ લાગે જો કોઈની ખટખટ ન હોય, કોઈ ઓનલાઇન ખોટેખોટું સર્ફિંગ ન હોય, કોઈ સોશિયલ મીડિયા પર બિનજરૂરી જીભાજોડી ન હોય. અમને નોમોફોબિયા શબ્દ અત્યારે એટલો પ્રસ્તુત લાગતો નથી. હા, કદાચ નમોફોબિયા શબ્દ ચલણમાં હોઈ શકે ! નરેન્દ્ર મોદી ફોબિયા! પણ એ જવા દઈએ. અમને આજે જે શબ્દ ગમ્યો છે એ છે આ જ કેમ્બ્રિજ ડિક્સનરીનો રનર્સ અપ શબ્દ છે. વર્ડ ઓફ ધ યરનું બિરુદ ચૂકી ગયો છે આ શબ્દ પણ અમને એ ઘણો સાંપ્રત અને પ્રસ્તુત લાગે છે અને એ છે નો-પ્લેટફોર્મિંગ (No-Platforming).
પ્લેટફોર્મ શબ્દ આપણે જાણીએ છીએ. ગુજરાતી લેક્સિકોન અનુસાર પ્લેટફોર્મ એટલે ચોતરો, ઓટલો, મંચ, વ્યાસપીઠ, પડથાર, ઓટલો, રાજકીય પક્ષની જાહેર કરેલી નીતિ. લોકશાહીમાં પ્લેટફોર્મનું હોવું આવશ્યક છે. નો-પ્લેટફોર્મિંગ પણ જો કે એ જ લોકશાહીમાં જરૂરી છે. જ્યાં તાનાશાહી છે ત્યાં પ્લેટફોર્મ શબ્દ જરા પણ સુસંગત જ નથી. કોઈને કંઈક કહેવું હોય તો લોકશાહીમાં એ કહી શકાય છે. પણ એવું પણ છે કે કેટલીક જગ્યાએ કેટલાંક સંગઠનોને તેમને ઈચ્છા પડે તેમ બોલવા માટે મનાઈ ફરમાવવામાં આવી હોય છે. એને કોઈ પ્લેટફોર્મ આપવામાં આવતું નથી કે જ્યાં જઈને એ પોતાનાં મનનો બળાપો કાઢી શકે. દેશની વિરુદ્ધ કોઈ વાત કરે, કોઈ આંતકવાદી કે નક્સલવાદી વિચારને રજૂ કરે તો એને એમ કરવા માટે પ્લેટફોર્મ અપાતા નથી. અપાવા પણ ન જોઈએ. કોઈ રંગભેદ કે ધર્મ કટ્ટરવાદની વાતો કરે, લોકોને ભડકાવે એ તો શી રીતે ચાલે? કારણ એ છે કે આપણે બધાં આમ તો ઘેંટા છીએ. ગાડરિયા પ્રવાહમાં તણાઈ જવાની આપણી તાસીર છે. નો-પ્લેટફોર્મિંગ સામાન્ય રીતે યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ માટે વધારે લાગુ પડતો શબ્દ છે. વિદ્યાર્થીઓ યુવાન હોય છે. મનમાં અનેક વિચારો લઈને આવતા હોય છે. કેટલાંક સંગઠનો હોય છે જે યુવાનો પર પોતાનાં વિચારો થોપવા માંગે છે. રાહત ઈંદૌરી સાહેબનો એક મસ્ત શેર છે उसकी महफ़िल में वही सच था वो जो कुछ भी कहे, हम भी गूंगों की तरह हाथ उठा देते थे. આપણી ઘણી યુનિવર્સિટીઓમાં પ્લેટફોર્મ અપાતા હોય છે અથવા પ્લેટફોર્મ બળજબરીથી કે ચોરીછૂપીથી મેળવી લેવાતા હોય છે. જેએનયુ (જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી) આ માટેનો એક ક્લાસિક દાખલો છે. જેમણે ભારતની સંસદ પર હૂમલો કર્યો હતો એ અફઝલ ગુરુને હીરો બનાવવા માટે જે તે છાત્ર સંઘને જેએનયુમાં ભારત વિરોધી પ્લેટફોર્મ મળ્યું હોવાનો વિડીયો જાહેર થયો હતો; જેમાં કાશ્મીરની આઝાદી અને ભારતની બરબાદીના નારા બોલાઈ રહ્યાં હતા. ભારતમાં રાહત દરે ભણવું અને ખાઓ એનું ખોદવું, એ તો કેમ ચાલે? તો એની સામે તાજા સમાચાર છે કે એ જ જેએનયુમાં રામમંદિર માટે રેલી નીકળી હતી. તેની તરફેણમાં એબીવીપીનાં સૌરભ શર્માએ કહ્યું કે રામ સંકલ્પ યાત્રા લોકતાંત્રિક અધિકાર છે. અરે સૌરભભાઈ, તમારી વાત સાચી છે પણ જેએનયુમાં શા માટે? યુનિવર્સિટી ભણવા માટે છે. યુનિવર્સિટી જો રાજકારણનો અખાડો બની જાય તો નો-પ્લેટફોર્મિંગ એક માત્ર વિકલ્પ છે. યુનિવર્સિટીની પણ એ જ પોલીસી છે પણ બધું ગેરકાયદેસર રીતે થઇ જાય છે અને આંખ આડા કાન, નાક અને ગળું કરી દેવાય છે અથવા ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવાનો પ્રકલ્પ હાથ ધરાતો રહે છે.
લોકશાહીમાં નો-પ્લેટફોર્મિંગ મનને કઠે એવો શબ્દ છે. પણ મનઘડંત કે મનસ્વી વાતો કરનારાઓ, ધર્મ કે જાતિનાં નામે વિખવાદનાં ફેલાવનારાઓ અને દેશનાં હિતથી વિરુદ્ધ વાતો કરનારાઓ માટે નો-પ્લેટફોર્મિંગ જરૂરી છે. નો-પ્લેટફોર્મિંગ અને સેન્સરશિપ બે જુદી વાત છે; એ પણ સમજી લેવું જરૂરી છે. ઇતિ.
શબ્દ શેષ:
“ફ્રી સ્પીચ (મુક્ત સંભાષણ) અને હેઇટ સ્પીચ (તિરસ્કાર સંભાષણ) વચ્ચે બારીક ભેદ છે. ફ્રી સ્પીચથી મુક્ત ચર્ચા થાય છે જ્યારે હેઇટ સ્પીચ હિંસામાં પરિણમે છે.” –કમ્પ્યુટર વૈજ્ઞાનિક અને લેખક ન્યૂટન લી

Image may contain: night and indoor

Leave a comment

Filed under ઘટના, પરેશ વ્યાસ