Daily Archives: જાન્યુઆરી 8, 2019

તું જો બોલે હા તો હા… પરેશ વ્યાસ

તું જો બોલે હા તો હા…
લગ્નગાળો ચાલી રહ્યો છે. ક્યાંક ક્યાંક ચૂંટણીગાળો પણ ચાલી રહ્યો છે. બંનેમાં પ્રથમ પસંદગી અને પછી નિભાવ મરામત કરવું અઘરું છે. ચૂંટણીમાં તો પાંચ વર્ષે નવેસરથી પસંદગીની તક મળે. પણ લગ્નમાં એવું નથી. પડ્યું પાનું નિભાવી લેવું પડે. સેલેબ્રિટી પરણે ત્યારે ઘણાં સમાચાર આવતા રહે. કેવાં કપડાં પહેર્યા? કેવાં ગાણા ગાયા? કેવાં નૃત્યો કર્યા? જુમ્મા ચુમ્મા અને છૈયા છૈયા વગરે. તેઓ શું સ્ટેટમેન્ટ આપે છે?-એની ઉપર પણ પત્રકારોની નજર હોય છે. દાખલાં તરીકે રણવીર સિંઘે કહ્યું કે લગ્નજીવનની સફળતાની ચાવી એ છે કે પત્ની જે કહે એમાં હા પાડવી. એટલે….વટથી કહો કે અમે બૈરીનાં ગુલામ છીએ. ઇંગ્લિશમાં એને હેનપેક્ડ હસબંડ કહે છે. મરઘી પોતાની ચાંચથી મરઘાંને વશમાં રાખે, એવો અર્થ થાય. જો કે શરૂ શરૂમાં આવી હામાં હા જેવી સુફિયાણી વાતો થાય પણ પછી એ બધું ટકતું નથી. પત્નીની નામાં પણ હા પાડવી પડે છે. અથવા તણખાં ઝરે એમ પણ બને.
કોઈ પતિ એમ કહે કે હું હામાં હા પાડીશ તો પત્નીની જવાબદારી વધી જાય છે. જાણકારો કહે છે કે પતિઓ પાસે કેટલીક વસ્તુઓની અપેક્ષા પત્નીઓ મુકી દે તો લગ્નજીવન કુશળ મંગળ ચાલ્યા કરે છે. દાખલા તરીકે ૧. પતિને એની મા અને પત્ની વચ્ચે કોઈ એકની પસંદગી કરવાનું ન કહો. આમ પણ આ બેલન્સિંગ એક્ટ અઘરું છે. એને વધારે મુશ્કેલ ન બનાવો. ૨. તમારો પતિ તમારી સહેલી નથી. સહેલી સાથે તમે કોઈ પણ ક્ષુલ્લક વાતો વિગતે કરી શકો. પતિ પુરુષ છે. એનું મન, એની વિચારવાની રીત પણ અલગ છે. તમારી વાતોમાં એને રસ ન હોય એમ પણ બને. ૩. પતિને પોતાનો બચાવ કરવો પડે એવી સ્થિતિમાં ન મુકો. દાખલા તરીકે ગાડી ચલાવતી વખતે એને સરનામું ન મળે અને ગોળ ગોળ ફરવું પડે તો એને કહેવાની જરૂર નથી કે તમને કાંઈ ભાન પડતું નથી. આવા ટાણે ચૂપ રહેવું, કોશિશપૂર્વક ચૂપ રહેવું ઉત્તમ છે. ૪. પતિ માઈન્ડ રીડર નથી. કહ્યાં વિના પત્નીનાં મગજમાં શું ચાલે છે?-એની એને ખબર પડતી નથી. માટે કશું અગત્યનું હોય તો હળવેકથી કહી દેવું. ૫. ઘરકામ અગત્યનું છે પણ પતિ પહેલી પ્રાયોરીટી હોવો જોઈએ. પતિની રીતભાત અલગ હોય છે. ચોખ્ખી ચાદર પાથરી હોય તો ય એ અસ્તવ્યસ્ત સૂઈ જશે. એમાં કોઈ વાંધો નથી. ૬. સેક્સને બાર્ગેઈન કરવામાં ઉપયોગ ન કરો. પુરુષ સેક્સપ્રધાન છે. પત્નીને કાંઈ જોઈતું હોય એ મળે તો જ સેક્સ કરવા દેય એવું શું કામ? બિનશરતી પ્રેમ જેવું પણ કાંઈ છે. ૭. પતિ અન્ય સ્ત્રીઓ સામે જુએ પણ નહીં એવી શરત ઠીક નથી. યસ, મેન વિલ બી મેન. ક્યાંક હસી બોલી મજાક કરી લેય. અલબત્ત સાવ ઢીલ પણ ન દેવાય પણ બહુ ખેંચીને રાખીએ તો પતંગ કપાઈ જાય. ૮. તમારી સઘળી વાતો એને યાદ ન રહે તો કોઈ વાંધો નથી. પતિને ઉકેલમાં રસ હોય છે, વિગતમાં રસ હોતો નથી. ૯. પતિ પરફેક્ટ નથી. કોઈ બાળકોનાં બાળોતિયાં બદલે, કોઈ પંક્ચરવાળા ટાયર બદલે. કોઈ સારો સાંભળનારો હોય, કોઈ હંમેશ મજાકમસ્તી કરનારો હોય. સર્વગુણસંપન્ન પતિ જેવું કાંઈ નથી. ૧૦. પતિને એનો કોઈ શોખ કે રસનો વિષય છોડી દેવા મજબૂર ન કરો. એને ફોટોગ્રાફી ગમે છે? ભોમિયા વિના ડુંગરા ભમવા ગમે છે? વાંચવાનો બેફામ શોખ છે? તમને ભલે લાગે કે આ બધું કુંટુંબને ભોગે થાય છે. પણ એ એની ઓવરઓલ હેપ્પીનેસ માટે જરૂરી છે.
ઇંગ્લિશ કવિ, લેખક અને ફિલસૂફ જી.કે. ચેસ્ટરસન કહેતા કે લગ્ન એ એડવેન્ચર છે, જેમ કે યુદ્ધે ચઢવું. રણવીર જો કે ઘોડે ચઢતા પહેલાં જ હથિયાર હેઠાં મુકી દે છે. દીપિકાની જવાબદારી વધી જાય છે. એક બોસ હોય અને બીજો નિર્ણય લેનારો હોય એટલે બધું જુમ્મા ચુમ્મા અને છૈયા છૈયા…હેં ને?

Image may contain: 2 people, people smiling, people standing

1 ટીકા

Filed under Uncategorized