Daily Archives: જાન્યુઆરી 10, 2019

અંધ કન્યાનું ગીત/યામિની વ્યાસ

અંધ કન્યાનું ગીત

મારી દસે રે આંગળીએ બેઠી આંખ મારી સહિયરો
કઈ તે આંખ એ વખાણશે રે લોલ

મારાં ટેરવાં અડે તો ફૂટે પાંખ મારી સહિયરો
ક્યારે એ પાંખ પહેરી આવશે રે લોલ

મને અજવાળાં ભાસે બારે માસ મારી સહિયરો
ફાગણિયે માસ એ પધારશે રે લોલ

કાળા રંગમાં છે રંગ, બાકી રાખ મારી સહિયરો
બધી તે રાખ એ ઉડાડશે રે લોલ

હું તો ભૂલું ભૂલું ને આવે યાદ મારી સહિયરો
એવી કોઈ યાદથી રડાવશે રે લોલ

એક શમણું રોપું ને ઉગે લાખ મારી સહિયરો
બાગ એ લાખનો બનાવશે રે લોલ

આજ કંકુથાપાની પાડું છાપ મારી સહિયરો
એવી તે છાપ જોડે પાડશે રે લોલ

આખું આયખું ધરું ને કહું ચાખ મારી સહિયરો
પડઘાઓ ચાખ’ના લજાવશે રે લોલ

યામિની વ્યાસ

1 ટીકા

Filed under ગીત