Daily Archives: જાન્યુઆરી 12, 2019

હું તો શમણાંનાં મેળે…યામિની વ્યાસ

1 ટીકા

by | જાન્યુઆરી 12, 2019 · 11:49 પી એમ(pm)

#દરેક દિવસ વિલક્ષણ / પરેશ વ્યાસ

#દરેક દિવસ વિલક્ષણ
જીવનમાં એક મંત્ર હોવો જોઈએ. એક થીમ, એક હેસટેગ, જે રોજ રોજ આપણી એક એક ક્ષણ વિલક્ષણ બનાવે. ખાસ કરીને જીવનસાથી મેઇડ ફોર ઈચ અધર હોય તો ક્યા બાત હૈ? અમને ગમ્યું, જ્યારે આનંદ આહુજા એમની ધર્મપત્ની સોનમ કપૂર પ્રત્યેનાં પ્રેમ અંગે, ઇન્સ્ટાગ્રામ ઉપર, પોતાની રોજનીશી દર્શાવતી છબીઓ મુકે છે. એનું શીર્ષક છે #એવ્રીડેઈઝફીનોમીનલ. ફીનોમીનલ તો આપ જાણો છો. અર્થ થાય વિલક્ષણ અથવા ચમત્કારી. આનંદ આહુજા અંગ્રેજ કવયિત્રી એમિલી ડિકિન્સનની કવિતાને મંત્ર બનાવીને ચાલે છે. પંક્તિઓ છે: ‘જેને સ્વર્ગ અહીં નીચે મળતું નથી, એ ઉપર જઈને પણ સ્વર્ગ મેળવવામાં નિષ્ફળ જાય છે. ભગવાનનું ઘર મારાં ઘરની બાજુમાં છે. અને એ ઘરનું ફર્નિચર પ્રેમ છે.’ #દરેક દિવસ વિલક્ષણ અંતર્ગત હમણાં જે છબી મુકાઈ છે એ મઝાની છે. બંને ઘરનાં ઉંબર પર ઊભા છે અને બંનેના જૂતા દેખાઈ રહ્યાં છે અને અહીં હોલીવૂડનાં લાઈફ કોચ ટોની રોબિન્સનું વિધાન છે. ‘એકમેકને જેમ વધારે નિહાળીએ છીએ, અમે વધારે ને વધારે સુરક્ષિત મેહસૂસ કરીએ છીએ. અમને લાગે છે કે અમે એકમેક માટે જ બન્યા છીએ. જેમ સાથ વધતો જશે, અમે સાથે કામ કરતાં જશું તેમ બહારની દુનિયાનો સામનો પણ આસાનીથી કરી શકીશું.’
ઠીક છે. પૈસા છે. પ્રેમ કરવો ય આસાન છે. બાકી સામાન્ય માણસ તો એનાં રોજનાં જીવનની ઘટમાળમાં અડધો થઈને રહી જાય છે. જાવેદ અખ્તર સાહેબનો શેર યાદ છે? नर्म आवाज़, भली बातें, मुहज़्ज़ब लहजे;
पहली बारिश ही में ये रंग उतर जाते हैं. ભાઈ આનંદ આહુજા, આ બધું નવું નવું છે. એવું ય આવશે કે દરેક દિવસ ભારરૂપ જશે. ર.પા.નાં શબ્દોમાં કહું તો ‘કપાયો? શું શું પતંગ? ના, દિવસ….’ અને આટલું નકારાત્મક વિચારવા છતાં ય મને લાગે છે કે બાતમેં કુછ અસ્થમા તો હૈ! ચાલો, આપણે શું કરી શકીએ આપણા દરેક દિવસને વિલક્ષણ બનાવવાં માટે. એવ્રીડેઈઝફીનોમીનલ કરવા પર કાંઈ પૈસાવાળા કે પ્રસિદ્ધિવાળાઓનો એકાધિકાર નથી. જાહેર જગ્યાએ એકમેકનો હાથ પકડીને ચાલીએ. પત્નીની પર્સમાં કે પતિનાં પાકીટમાં હળવેકથી ચોરીછૂપી એક નાની ચબરખી સરકાવી દેવી, જેની પર લખ્યું હોય: હું તને પ્રેમ કરું છું. દલીલમાં એને જીતવા દો. સાથે કંઈક નવું શીખો. શું શીખો? અરે ભાઈ, એ ક્યાં અગત્યનું છે? સાથે શીખવું અગત્યનું છે. તમારાં જીવનસાથીની પીઠ પર ક્યારેક વીસ મિનીટ મસાજ કરી શકો? પત્નીને ઇન્ડિયન આઇડોલ (અતિપ્રિય) ગમતું હોય પણ તમને આઈડલ (આળસ) ફીલ થતું હોય તો ય તેની સાથે જોવું એટલું જ નહીં પણ વખાણવું. બંને સાથે મળીને સવારનો નાસ્તો બનાવે તો કેવું? કોઈ દિવસ કામે અચાનક રજા પાડીને, પથારીમાં પડ્યા પડ્યા કાર્ટૂન જોઈ શકાય અને સાથે કટક બટક કૂડૂમ કૂડૂમ આરોગી શકાય. એક બીજાનાં વાળ ઓળી આપો. કોઈ પણ આયોજન વિનાનું વેકેશન લઇ શકાય. આ બેગમાં કપડાં ઠાંસીને થિયા હાલતા. કારમાં બેસીને, જીપીએસ બંધ રાખીને, અજાણ્યાં એરિયામાં સાથે ખોવાઈ જવું. આવું સ્કૂટરમાં પણ થઇ શકે. અને હા, સાથે મળીને વારાફરતી પુસ્તક વાંચી શકાય. બહારનાં કપડાં તો મેચિંગ બધા પહેરે તમે અંદરના કપડાં મેચિંગ પહેરો અને એ જાણો તમે બંને જ કે આપણું સઘળું મેચિંગ છે. લો બોલો! અચાનક ફોન કરીને આઈ લવ યૂ કહીને ફોન મૂકી દો. બાયડી એરોબિકસમાં ગઈ હોય ત્યારે ભાયડો ભાજીશાક લઇ આવે તો ય ચાલે. પાર્ટનર મોડે સુધી સૂએ તો એને સૂવા દો. મને કેમ ઊઠાડી નહીં કે ઊઠાડ્યો નહીં, તો કહી દેવું કે ઊંઘતા માણસને જગાડવું એ પાપ છે.
પતિ અને પત્નીની વિચારધારા એક હોય એ જરૂરી નથી. એમનાં શોખ, વૃત્તિ કે પ્રવૃત્તિ એક હોય એ જરૂરી નથી. પ્રેમ અને પ્રેમનાં રોજીંદા નાના નાના કાર્યક્રમ દરેક દિવસને વિલક્ષણ બનાવે છે. પ્રેમ હોવો જોઈએ અને એનો દેખાડો પણ હોવો જોઈએ. ઘણી વખત ખોટો ખોટો દેખાડો વારંવાર થાય તો એ સાચો થઇ જતો હોય છે. પ્રેમનું કસરત જેવું છે. થોડી કરો પણ રોજ કરો તો જ એનો ફાયદો. નહીં તો અસર ક્યાંથી થાય?

Image may contain: 2 people, people smiling, people standing and beard

1 ટીકા

Filed under ઘટના, પરેશ વ્યાસ