Daily Archives: જાન્યુઆરી 16, 2019

બ્રહ્મસુત્રનું તત્વજ્ઞાન

 
A – BRAHM-SUTRA-NU TATVA-GNAAN – AMDAVAD, બ્રહ્મસુત્રનું તત્વજ્ઞાન – અમદાવાદ – જયભિખ્ખુ પ્રવચન પ્રસંગે – તમને કદી પણ એવો વિચાર આવે કે હિંદુ પ્રજા જનુની કેમ થતી નથી? માણસ જન્મજાત ઝનૂની નથી હોતો અને માણસ જન્મજાત આસ્તિક પણ નથી હોતો અને નાસ્તિક પણ નથી હોતો, માણસ તો માણસજ હોય છે, પણ એને બનાવવામાં આવે છે. જો આ વાત તમને સમજાય કે પ્રજા કેમ ઝનૂની નથી તો એનું મુખ્ય કારણ છે એના પોતાના શાસ્ત્રો. શાસ્ત્રો. શાસ્ત્રો છે, એક પ્રકારથી જન્માક્ષર છે, જનમ કુંડલી બરાબર છે. પોતાની પૂરી પ્રજા માટે એક ડીઝાઈન બનાવતા હોય છે. અને એ ડીઝાઇનમાં હિંદુ, જૈન અને બૌદ્ધ આ ત્રણે ધર્મોના જે શાસ્ત્રો છે, એમાંની કેટલીક ખાસિયતો છે, વિશેષતાઓ છે. એની એક વિશેષતા એ છે કે શ્રદ્ધાની સાથે બુદ્ધિને પણ એટલુંજ મહત્વ આપવાની તૈયારી છે. नहि श्रुती सहस्त्रमपी घटमपटैतुम इशते. બહુ મોટો ટીકાકાર વાચસ્પતિ મિશ્રનું આ વાક્યછે. એનો અર્થ છે કે એક હજાર વેદ આવે, એ ઘટ છે એ ઘટને પટ નહિ બનાવી શકે. એટલે હિંદુ, બૌદ્ધ અને જૈન આ ત્રણે પરંપરાઓના શાસ્ત્રોની વિશેષતાને સમજવા જેવી છે. કોઈ માણસ છે એને બિલકુલ તરતાં નથી આવડતું અને બહુ બીકણ છે, છતાં એને નદીમાં ન્હાવું છે. તો એ નદીના એકદમ કિનારે બેસી અને પોતાના ઉપર છબછબીયા કરશે. એક બીજો માણસ છે, એને તરતાં તો નથી આવડતું એ બીકણ નથી પણ થોડી હિંમત છે તો એ થોડો આગળ જશે અને કેદ જેટલા પાણીમાં જઈ, એ સ્નાન કરશે. એક ત્રીજા માણસમાં હિંમત પણ છે અને થોડું તરતાંએ આવડે છે, એ વધુમાં વધુ આગળ જશે, તરશે અને નીચેનો તાગ લાવવાનો પ્રયત્ન કરશે. શાસ્ત્રોની પણ આજ સ્થિતિ છે કે આપણે ત્યાં એક છબછબિયાં કરનારા શાસ્ત્રો છે,થોડાક ઊંડાણના શાસ્ત્રો છે અને એક અત્યંત ગહેરાઈના શાસ્ત્રો છે, જેનો તાગ બધા લોકો લાવી શકતા નથી. @5.06min. દુર્ભાગ્ય એ છે કે જે આ છબછબિયાં કરનારા શાસ્ત્રો છે એનુંજ લોકોએ પ્રચલન કર્યું, પેલા ઊંડાણના શાસ્ત્રો સુધી લોકોને પહોંચવાજ ન દીધા. ઉત્તરવર્તિ કાળમાં આખા ધર્મને આજીવિકાનું માધ્યમ બનાવી દેવામાં આવ્યું અને આજીવિકા છે એ આ છબછબિયાંમાંથી બહું મળતી હતી, એટલે જો પ્રજા ગહન ચિંતન કરતી થઇ જાય તો આખી આજીવિકા તૂટી પડતી હતી.ઉપનિષદની કથામાં એક પૈસોયે ન મળે અને ભાગવતની કથા કરો તો રોજ એક ભગવાનનો જન્મ થાય, એ ભગવાન પરણે, એને બાળકો થાય એમ બધું સાત દિવસ ચાલ્યા કરે અને જો બધું કરતાં આવડે તો પૈસાનો ઢગલો થઇ જાય. ઉપનિષદમાં એકજ નિરાકાર અજન્મા બ્રહ્મ, પરમેશ્વરનો ઉપયોગ કરવામાં આવ્યો એટલે એના તરફ લોકોએ ઉપેક્ષા કરી. અને આ માત્ર છબછબિયાંવાળા જે છે, એને એટલું મહત્વ આપ્યું કે જાને સંપૂર્ણ આમાં આવી ગયું. એમ આપણે ત્યાં પણ ત્રણ કક્ષાના શાસ્ત્રો છે. એકદમ છબછબિયાં કરનારા શાસ્ત્રો છે, એ બધા પુરાણો છે. એમાં માઇથોલોજી છે અને લોકોને એ ગમે છે, એ વિષે સાંભળો. આ પુરાણોને તમે માયથોલોજી સમજો, સ્વીકારો તો કશો વાંધો નહિ, પણ તમે એને સત્ય કરીને સમજો તો બહું મોટી ઉપાધી, ઝગડા થાય છે. પુરાણોની કુંભકર્ણ અને વાંદરાઓની માયથોલોજી સાંભળો. આખી દુનિયાના પ્રાચીન શાસ્ત્રોમાં એટલે પુરણ શાસ્ત્રોમાં આવી માયથોલોજી છે. ગ્રીકોમાં છે, જૈનોમાં, બૌદ્ધોમાં છે, બધેજ છે. પણ એને તમે માયથોલોજી સમજીને સ્વીકાર કરો તો કશો વાંધો નથી પણ તમે એને સત્ય કરીને સમજો છો, ત્યારે બહુ મોટી ઉપાધી થાય છે. ત્યારે ઝગડા ઉભા થાય છે. કુંભકર્ણ અને વાંદરાનું ઉદાહરણ સાંભળો. જો તમે એમાં તાર્કીકતા લગાવો તો રસભંગ થઇ જાય. આ તાર્કિકતાનું ક્ષેત્ર નથી. निरन्कुषा: कवय: કવિઓ નિરંકુશ હોય છે, એ બધ્ધુંય કરી શકે છે. તમે મીથને મીથ માનો એમાં કોઈ વાંધો નથી પણ તમે એને સત્ય માની લો છો તો તમે પરમ સત્ય સુધી પહોંચી નથી શકતા, અને છબછબિયાંના ક્ષેત્રમાંજ રહી જાવ છો. એટલે આપણે ત્યાં પુરાણો પછી થોડા મધ્યમવર્તી શાસ્ત્રો આવ્યા અને એનાથી પણ વધારે ઊંડાણ વાળા શાસ્ત્રો છે, તે સુત્ર ગ્રંથો છે. મૂળ રૂપમાં આખું બ્રહ્મસુત્ર ૭ થી ૮ પાનામાં આવી જાય છે અને સુત્ર તો ચાર પાનાંમાજ આવી જાય છે. અને યોગ સુત્ર તો એથીએ નાનું છે. @10.31min. એક સમય હતો, એ સમયે ઈ.સ. બુદ્ધનાથી પણ પૂર્વ કાળમાં અને બુદ્ધથી ઉત્તર કાળમાં આ સુત્ર ગ્રંથો રચાયા હતા, ત્યારે હસ્ત લિખિત પ્રથા શરુ થયેલી ત્યારે મહત્વના સિદ્ધાંતોને, મહત્વની ચર્ચાને યાદ રાખવા માટે ગુરુ આખો દિવસ સમજાવે, એ સિદ્ધાંતને ટૂંકો, નાનો કરી કરીને એક નાનું સુત્ર બનાવી દેવાનું. હોમીયોપેથીની ગોળીજ સમજી લો. આપણે ત્યાં એક બીજી માન્યતા પણ છે,अर्धमात्रा लागवेणा वैयाकरणा: पुत्रवधु उत्सवं मन्यन्ते.- વ્યાકરણ શાસ્ત્રનો જે ખરો જ્ઞાની હોય એ તો એક અર્ધી માત્રા પણ જો ઓછી થતી હોય, તો એને જાણે દીકરો જન્મ્યો હોય એટલો આનંદ થાય કે વાહ આટલી અર્ધી માત્ર કાઢી નાખું. એક વ્યાસ શૈલી છે અને બીજી એક સુત્ર શૈલી છે. વ્યાસ શૈલીમાં ફુલાવી ફુલાવીને મોટું મોટું કરીને વાત કહેવાની અને જે સુત્ર શૈલી છે એમાં જે મોટું મોટું છે એને નાનું નાનું કરીને કહેવાનું. વ્યાસ શૈલી સામાન્ય પ્રજા માટે છે જયારે સુત્ર શૈલી વિદ્વાનો માટે, જ્ઞાનીઓ માટે છે. એક સમય હતો જયારે સુત્રોનો પીરીયડ ચાલતો હતો. સુત્રોનો પીરીયડ પૂરો થયા પછી ભાષ્યનો પીરીયડ આવ્યો. અને ભાશ્યનો પીરીયડ પૂરો થયા પછી ટીકાઓનો પીરીયડ આવ્યો. આ ત્રણ કક્ષાઓ છે. જયારે સુત્રોનો પીરીયડ પૂરો થયો એટલે શંકરાચાર્ય, રામાનુજ, વલ્લભાચાર્ય, માધવાચાર્ય, નિમ્બાર્ક વિગેરે જે આચાર્યો થયા એમણે સુત્રો ઉપર ભાષ્યો લખવા માંડ્યા. અને ભાષ્યોનો પીરીયડ પૂરો થયો, એટલે એના ઉપર જાતજાતની ટીકાઓ લખવા માંડી. એટલે એક-એક ભાષ્ય ઉપર કેટલા-કેટલા પંડિતોએ ટીકા લખી. આ જે શાસ્ત્રો રચનારાના છે, ત્રણ ભેદો છે, તે ઋષીઓ, આચાર્યો અને પંડિતો છે. આ ત્રણેને કડી એક ના સમજી લેતા. ઋષિઓ રાગ દ્વેષથી મુક્ત હોય અને સિધ્ધાંત પ્રેમી હોય પણ સિદ્ધાંતનો ઝનૂની ન હોય. ગાંધીજી ધર્મપ્રેમી છે, ઝનૂની નથી એટલે કુરાનની આયાતો, નમો હરિ હંતાણમ, બુદ્ધં શરણમ ગચ્છામિ બોલી શકે છે. ધર્મને એલરજી હોયજ નહી. ઋષીઓ લખે છે ત્યારે રાગ દ્વેષથી પર લખે છે. @15.00min. તમે આખી ગીતા વાંચી જાવ, કોઈ જગ્યાએ દુર્યોધનને ગાળ આપવામાં નથી આવી. એવીજ રીતે તમે બુદ્ધનું ધમ્મપદ વાંચી જજો. બુદ્ધ સુધારક છે. ગાંધીજી પણ સુધારક છે. અંગ્રેજો માટે એક પણ વાક્ય ઘસાતું બોલ્યા નથી. ઋષિ જયારે લખે છે, ત્યારે બેલેન્સ પૂર્વક લખે છે એટલે એમની વાણી આપોઆપ અમર થઇ જાય છે. પંડિતની વાણી રાગ-દ્વેષાત્મક હોય છે. રાગનું લાકડું, દ્વેષના લાકડા વગર ઊભું રહી શકેજ નહિ, એટલે તમે નાસ્તિક સાથે બેસજો પણ કદી ચુસ્ત ધાર્મિક હોય એના પાસે ના બેસશો.ચુસ્તતાનો અર્થજ છે, અસહિષ્ણુતા. એટલે કેદીઓ ઉપર જે જુલમ થયા છે, એથી વધારે જુલમ ધાર્મિક ક્ષેત્ર્ન થયા છે. જૈનોનો સપ્ત્ભંગી ન્યાય એટલે સ્યાદ-વાદ વિષે સાંભળો. સ્યાદવાદની અસર નીચે વાણીયો કદી મગનું નામ પાડે નહિ. ઋષિ શું કહે છે કે “यध्य्द्विभूतिमतस्त्वं……मम तेजोङ्ग्शसंभवं”…..(गीता 10-41). અર્જુન જ્યાં તને કોઈ જગ્યાએ તેજસ્વીતા દેખાય છે, એ મારુંજ રૂપ છે, એટલે હિન્દુઓ બધાને પગે લાગે છે. “एकम् सत विप्रा बहुधा वदन्ति” પરમ તત્વ પરમાત્મા એકજ છે, પણ વિદ્વાનો એને અનેક રૂપથી કહે છે, તે ઉદાહરણથી સમજો. @20.09min. તમે જરા વિચાર કરો કે એકજ કપડું હોત અને એનું બહુધા રૂપ ના હોત, તો આ ડ્રેસોની વેરાઈટીજ જોવા ના મળત. એજ વસ્તુ નરસિંહ મહેતાએ કહી કે “ઘાટ ઘડીઆ પછી નામ રૂપ જુજવાં, અંતે તો હેમનું હેમ હોયે” આના કારણે હિંદુ પ્રજા જનુની નથી બનતી, એટલે “हस्तिना ताडयमानोपि न गच्छेद जैन मन्दिरम” એ એક રીએક્શન છે તે વિષે અને જૈનોનું“तत्वर्थाभिगम” સુત્ર વિષે સાંભળો. સ્વામીજી એક જૈન આચાર્ય પાસે ભણવા ગયા. એમની સાથે ધર્મ સંબંધે ઘણી વાતો થઇ. પંડિતોનું કામ છે સૌને અલગ કરવાનું અને ઋષિ મુનીઓનું કામ છે અલગ થયેલાને ભેગા કરવાનું. એક વાર વાત-વાતમાં એમણે નિર્દોષ ભાવે મને કહી દીધું કે કૃષ્ણ તો સાતમી નારકીમાં ગયા છે. તો કોણ જોવા ગયું હતું? કોઈના હૃદયને આઘાત પહોંચાડવો એ પણ એક પ્રકારની હિંસાજ છે. એમને ભૂલ સમજાઇ એટલે તરતજ કાનની બુટ્ટી પકડી કે મને આ કદી વિચારજ ના આવ્યો. એક જૈન શિબિરમાં જઇ આવેલા છોકરાએ કહ્યું કે મને સાત દિવસ સુધી એકજ વસ્તુ સમજાવી કે કૃષ્ણ ભગવાન નથી. આ પંડિતો છે, રાગ-દ્વેષથી ભરેલા છે. બ્રહ્મસુત્રનું અધ્યયન કરો, તમારી પ્રિષ્ટભૂમિ હોય તો ઓછામાં ઓછું એક વર્ષ લાગે. એનું પહેલું સુત્ર છે“अथातो ब्रह्म जिज्ञासा” જેને બ્રહ્મ જીજ્ઞાસા હોય એને માટે આ ગ્રંથની શરૂઆત કરવામાં આવે છે. @24.57min. ૨૫૦૦-૨૭૦૦ વર્ષ પહેલાં મનુષ્યોના એટલે સમાજનો જે ક્રીમ વર્ગ છે એની પાસે વિચારવાના ત્રણ મુદ્દાઓ હતા, પહેલી જીજ્ઞાસા કે આ જગત શું છે? કોણે રચ્યું છે? ક્યારે રચ્યું છે? કેમ રચ્યું છે? ક્યાં સુધી ચાલશે? કેવી રીતે ચાલશે? વિગેરે. એટલે આ ભૌતિક જગત છે, એ ભૌતિક જગતની જીજ્ઞાસા છે, એ પહેલી જીજ્ઞાસા. બીજી જીજ્ઞાસા હતી, હું કોણ છું? શું છું? આ શરીર એજ હું છું કે આ શરીરથી અલગ કોઈ હું છું? અને છું તો મારું શું સ્વરૂપ છે? હું આવું છું, જાઉં છું, શું કરું છું, શું નથી કરતો? આ બીજી જીજ્ઞાસા હતી. ત્રીજી જીજ્ઞાસા પરમેશ્વર વિષે હતી. આ જે જગત અને આ જે જીવોનું આખું ટોળું છે, એ બેયના ઉપર કોઈ સુપર પાવર છે? કોઈ પરમ શક્તિ છે? અને છે તો કેવી છે? આ ત્રણેને હકારાત્મક અને નકારાત્મક બંને રીતે વિચારવામાં આવ્યું છે. બ્રહ્મ્સુત્યની આ ખાસિયત છે, કે વિરોધ પક્ષને પણ પ્રોત્સાહિત કરે છે. બ્રહ્મસુત્રના ચાર અધ્યાય છે. પ્રત્યેક અધ્યાયમાં ચાર-ચાર પાદ છે, એમાં સૌથી વધુમાં વધુ મહત્વનો દ્વિતિય અધ્યાયનો દ્વિતિય પાદ એટલે તર્ક પાદ છે. એમાં તાર્કોજ તર્કો છે, શાસ્ત્રો વચ્ચે નહિ લાવવાના. કોઈને પણ લાગે કે આટલા વર્ષો પહેલા આટલો ઊંડો વિચાર કરવામાં આવ્યો હતો? જગતની કોઈ સ્થિતિજ નથી, જગત જેવી કોઈ વસ્તુજ નથી. એવું વિજ્ઞાનવાદી બૌદ્ધ કહે છે. ना भाव उपलब्धे પેલો ઋષિ કહે છે આ જગતનો અભાવ નથી એની ઉપલબ્ધી છે. આ ઊંડાણને હવે જાતે સાંભળવું જરૂરી છે. બૌદ્ધોની ચાર ધારોમાંથી એક ધારા વિજ્ઞાનવાદી કહે છે કે વિજ્ઞાન સિવાય બીજી કોઈ વસ્તુનું અસ્તિત્વ નથી. આ જગત તો માત્ર તમારી કલ્પના છે, એમાંથી શંકરનું અદ્વૈત નીકળ્યું એમ લોકો માને છે પણ વાતો તો બંનેની સરખીજ છે. આ જે જગતના અસ્તિત્વને નહિ માનનારું દર્શન છે એ સ્વપ્નને વધુ મહત્વ આપે છે. આલોક્ભોગ્ય વિષય નથી. પેલો કહે છે, न अभाव उपलब्धे, એની ઉપલબ્ધી છે, એનો અભાવ નથી. અને એના ઉપર પછી ભાષ્યો લખાય છે. આ જે જગતના અસ્તિત્વને નહિ માનનારું જે દર્શન છે, એ સ્વપ્નને બહુ મહત્વ આપે છે. તરતજ એના ઉપર સુત્ર લખે છે, वैधरम्याच न स्वप्ना दिवत – આટલુંજ સુત્ર છે, એની વ્યાખ્યા કરો તો આખું પુસ્તક લખાય. સ્વપ્નના પદાર્થો છે અને જગ્રતના પદાર્થો છે, એમાં બહુ મોટું વૈધર્મ્ય છે. સ્વપ્નમાં કાંઈ વિલીન નથી થતું. જાગ્રત અવસ્થામાં વસ્તુ ત્યાંની ત્યાંજ રહે છે. ઉદાહરણ સાંભળો. એવીજ રીતે લગભગ એ સમયના બધા પ્રસિદ્ધ દર્શનો હતા એને તર્કના દ્વારા મુલવવામાં આવ્યા છે. પણ એનો આત્મા શું છે? એણે લખ્યું अथातो ब्रह्म जिज्ञासा. અને તરતજ કહ્યું બ્રહ્મ શું છે? એણે કહ્યું, जन्माद्यस्य्त: એટલે यत्: जन्मादि ततब्रह्म. @30.00min. જેનાથી આ સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય થતો હોય એનું નામ પરમાત્મા. એના માટે એક પ્રસિદ્ધ શ્રુતિ છે તે यतोवा इमानि भूतानि जायन्ते ये न जातानि जीवन्ति यत्परयत्यभिषत्ति तद्विजिज्ञासस्व तदब्रह्म આ ઈશ્વરની વ્યાખ્યા છે એને ટૂંકા અર્થમાં કહ્યું છે तज्जला જન્મ, સ્થિતિ અને લય આ ત્રણ પ્રક્રિયા જેના દ્વારા થતી હોય એનું નામ બ્રહ્મ. ઘણા લોકો એમ કહે છે કે એવું માની લો ને કે આ સૃષ્ટિ અનાદિ કાળથી ચાલી આવે છે અને અનંત કાળ સુધી રહેવાની છે. એ ઉત્પન્નએ નથી થઇ નથી અને એનો કદી નાશ પણ થવાનો નથી. બર્ટન રસેલે આજ પ્રશ્ન મુક્યો. એણે કહ્યું જો આ સૃષ્ટિનો ઉત્પન્ન કરનારો ભગવાન હોય તો પછી ભગવાનનો ઉત્પન્ન કરનારો કોઈ હોવો જોઈએને? જો ભગવાનનો ઉત્પન્ન કરનારો તમે માનો તો પછી એમાં અનવસ્થા દોષ આવે. પછી એનો ઉત્પન્ન કરનારો કોણ અને પછી એને…. એક પુરાણી બ્રાહ્મણ અને એક વ્હોરાભાઈ ટ્રેનમાં જતા હતા તેની વાત સાંભળો. આ અનવસ્થાની ચર્ચા ઉપનિષદમાં ગાર્ગીના પ્રશ્નો દ્વારા આવી છે તે સાંભળો. ટૂંકમાં બ્રહ્મ પોતે પોતાના આધારે છે.  @35.02min. એટલે વિષ્ણુસહસ્ત્ર નામમાં લખ્યું છે કે એ સર્વાધાર છે અને સ્વાધાર પણ છે. એટલે આપણે ત્યાં એક માન્યતા છે કે આ સ્વયંભુ શિવજી છે. પેલા જયપુરના ઘડેલા શિવજી નથી. અને જે સ્વયંભુ છે એનો કર્તા કોઈ ના હોય. એટલે  અહીં પેલા દાર્શનિક “બર્ટન રસલ” સાથે પ્રત્યક્ષનો વિરોધ આવે છે તે સાંભળો. ખંડ પ્રલય અને મહા પ્રલય – ચૌદ ખંડ પ્રલય અને એક મહા પ્રલય. એ ચૌદ જે ખંડ પ્રલય છે એને ચૌદ મન્વંતર કહેવામાં આવ્યા છે. આ સાતમો મન્વંતર ચાલે છે. પ્રત્યેક મન્વંતરના વર્ષો જો તમે નક્કી કરો તો ગણાવ્યા પ્રમાણે લગભગ બે અબજ વર્ષ ઉપર થાય સાત મન્વંતર સુધી અને આજે પણ ઘણા વૈજ્ઞાનિકો કહે છે કે આ સૃષ્ટિને બે અબજ વર્ષો થયાં છે. ચાર અબજ એનું પૂરું આયુષ્ય છે, પછી મહા પ્રલય થાય છે. ખંડ પ્રલય કેમ થાય છે, તે સાંભળો. આ પ્રલય પૌરાણિક પદ્ધતિમાં માછલીના શિંગડા ઉપર મનુએ નાવ બાંધી, એક એક બીજ લઇ નવી સૃષ્ટિ કરી એને મત્સ્યાવતાર કહેવામાં આવ્યો છે. ભાગવતનો પહેલો શ્લોક બ્રહ્મસુત્રના બીજા શ્લોક પરથી રચાયો છે, जन्माद्यस यतोन वयादितरत: सत्यम् परं धिमहि આ પહેલું સુત્ર મૂકી દીધું. એ જે પરમ સત્ય છે એનું અમે ધ્યાન કરવાના છીએ. પણ પ્રશ્ન એ થાય છે કે તમે તો એક વાંસળીવાળું, ગોપીઓના ચીર હરનારું, માખણ ખાનારું બ્રહ્મ લઇ આવ્યા અને એ બ્રહ્મ તો બ્રહ્મસુત્રમાં કોઈ જગ્યાએ નથી આવતું. એટલા માટેજ એ બિલકુલ નિરંજન, નિરાકાર બ્રહ્મ હતું એને વાઘા પહેરાવી, જામા પહેરાવી એ નિરાકાર બ્રહ્મને સાકાર બનાવી દીધું છે, આ પૌરાણિક કક્ષા છે, એનો વિરોધ નથી કે આ ખોટું નથી પણ મૂળ તત્વ એ પેલામાં છે એને ભૂલી જવું એ મોટો દોષ થઇ ગયો કહેવાય. ફરી મારી વાત મારે કહેવી ન જોઈએ કે જ્યારે હું કાશીમાં રહેતો અને બ્રહ્મસુત્રનું અધ્યયન કરતો, શાંકર ભાષ્ય મને મોઢે થઇ ગયેલું, મેં ત્રીસવાર ભણાવ્યું છે. @40.07min. બ્રહ્મસુત્રના પહેલાના ચાર સુત્રો અત્યંત મહત્વના છે, એના ઉપર બધા આચાર્યોએ લાંબા લાંબા ભાષ્યો લખ્યા છે. રામાનુજે ઘણું લાંબુ ભાષ્ય રચ્યું છે. એમાં રામાનુજે શંકરાચાર્યનું જોરદાર ખંડન કર્યું છે કે કોઇપણ વાંચનારને એમજ લાગે કે ઓહોહો શંકરાચાર્યના સિધ્ધાંત તો કંઈજ નથી. બીજા વૈષ્ણવાચાર્યો બધા શંકરાચાર્યના વિરોધમાં આવ્યા. બ્રહ્મસુત્રમાં ઠેઠ સુધી પરમાત્મા, જીવાત્મા અને સૃષ્ટિનો વિચાર કરવામાં આવ્યો. હવે अनावृत्ति: शब्दादनावृति:शब्दाद (अध्यय ४, पाद ४ – २२). આ એનું છેલ્લું સુત્ર છે. જે આ પ્રકારે સાધના કરે, ઉપાસના કરે, પછી એની આવૃત્તિ ના થાય, એનો ફરીથી જનમ ના થાય. એનો મોક્ષ થાય, એનું કલ્યાણ થાય. ત્રણે હિંદુ, બૌદ્ધ અને જૈનો, આ બધ્ધાના સુત્રો છે, અથવા શાસ્ત્રો છે અથવા ધાર્મિક, આધ્યાત્મિક ક્ષેત્ર છે એનું એક માત્ર પરમ લક્ષ્ય મોક્ષ છે અને એના કારણે મારી દ્રષ્ટિએ થોડો ફાયદો થયો અને ઘણું નુકશાન એ થયું કે આખા બ્રહ્મસુત્રમાં ક્યાંય રાષ્ટ્રની, સમાજની, ગરીબીની વાત નથી. વિધવાનો, ત્યકતાનો કે અસ્પૃશ્યતાનો પ્રશ્નજ નથી એટલે ભારતનું અધ્યાત્મ સમાજના પ્રવાહથી દૂર ખસી ગયું. કદી તમને વિચાર આવ્યો કે આ બધાં પ્રશ્નોને ટચ ન કરવાથી શું પરિણામ આવ્યું? એ સમાજના પ્રવાહથી દૂર ખસી ગયો. કોરું બની ગયું. ઇસ્લામ અને ક્રિશ્ચિઆનિટી દૂર ન ખસ્યા પણ સમાજની સાથેજ ચાલ્યા. સુઈગામથી બસમાં આવતી વખતે એક ફાધર સાથેની ધર્મ ચર્ચા સાંભળો. ક્રિશ્ચિઅનો પુનર્જન્મને માનતા નથી. હિંદુઓ પુનર્જન્મ તથા સત્કર્મો અને દુષ્કર્મોને માને છે. જેવા કર્મો એવી ગતિ થાય. તુકારામે કહ્યું છે, મારાં કર્મોજજો પરિણામ આપતા હોય તો મારે તારા ભજનની શી જરૂર છે? અને હું ખોટાં કર્મો કરીને પણ તારું ભજન કરું તો એના પરિણામ ન આવે તો મારે સારાં કર્મો કરવાની જરૂર શું છે? અને પછી પોતેજ જવાબ આપ્યો છે કે તું ખરાબમાં ખરાબ કર્મ કરે અને મારી પ્રાર્થના કરે તો હું તારો ઉદ્ધાર નહિ કરું. अवश्यमेव भोक्तव्यं कृतंकर्म शुभाशुभं, ना भुक्तं क्षियतेकर्म कल्पकोटि शतैरपि. તો પછી હું તમારી ઉપાસના કેમ કરું?@45.01min. એણે પોતેજ જવાબ આપ્યો, પ્રભુ, કર્મ મારે કરવા છે, પણ જે માર્ગ ઉપર હું ચાલુ છું એ ઢાળવાળો અને લપસણો છે. એટલે હું ઉપાસના તમારી એટલા માટે કરું છું કે મારા પગ જયારે આઘા-પાછા થતા હોય ત્યારે તમે મારું બાવડું પકડી રાખજો બાકી ચાલવાનું તો  મારેજ છે. એ હું જાણું છું. આ કર્મવાદ છે. ફાધર સાથેની ચર્ચા અહીંથી શરુ કે ઈસાઈ ધર્મ એવું મને કે જે બાળક જન્મતાની સાથેજ મારી જાય એ પણ સ્વર્ગમાંજ જશે. કારણકે એ તો શુધ્ધ, નિર્દોષ છે. તો સ્વામીજી કહે કે માનો કે એક દયાળુ માણસ એવો નીકળે કે આ બધાં મોટાં થશે અને પાપ કરશે, અનર્થો કરશે તો એનો અત્યારેજ નાશ કરી નાંખો. તો ફાધર કહે એ માણસ તો નર્કમાં જાય ને? સ્વામીજી કહે તો વિચાર કરો કે જે માણસે આવા નિર્દોષ લાખો બાળકોને સ્વર્ગમાં મોકલે તો એ માણસ નર્કમાં જાય ખરો?  ફાધર કહે તમે હિંદુઓ અમારું માથું ખાઈ જાવ છો. આખા બ્રહ્મસુત્રમાં આ ચર્ચા કરવામાં આવી કે આ કર્મ શું છે? જીવાત્માએ શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, એ બધી વાત ખરી, પણ મુશ્કેલી ક્યાં થઇ? હિંદુઇઝમનું અધ્યાત્મ સમાજના પ્રવાહથી દૂર ખસી જાય છે, એટલે લોકો હિમાલયમાં જાય છે, એકાંતમાં જાય છે, ગુફામાં જાય છે. હવે થોડે થોડે સાધુઓ સમાજમાં આવીને કામ કરવા લાગ્યા છે અને આ ક્રિશ્ચિયન ફાધરો અનાજ, દવા, કપડાં લઈને ઝૂંપડે ઝૂંપડે ફરે છે કે જેમને આપણે માણસ તરીકે સ્વીકાર્યાજ નથી. એમનો પ્રચાર થાય છે. આપણો આ એક મોટો દોષ છે કે જેમ જેમ તમારી અધ્યાત્મની કક્ષા ઊંચી થતી જાય છે એમ એમ તમે સમાજના, રાષ્ટ્રના અને બીજા પ્રશ્નોથી દૂર ખસી જાવ એટલે તમારા ચિંતનની અંદર પરલોક, આત્મા એ તો બધું આવે પણ સમાજ અને રાષ્ટ્રના પ્રશ્નો ન આવે. શ્રી મદ રાજચંદ્ર અને ગાંધીજીનું ઉદાહરણ સાંભળો. આ બંને સમકાલીન છે. એકજ કાળમાં હોવા છતાં ગાંધીજીએ ગોળીઓ ખાધી, લાઠીઓ ખાધી, જેલમાં ગયા. સંડાસ સાફ કર્યાં, વિધવાના, ત્યકતાના, હરિજનોના, બેકારીના એમ એકેએક પ્રશ્નોને અડયા પણ રાજચંદ્ર ના અડયા. એનું પરિણામ એ આવ્યું કે આખું અધ્યાત્મ એ કોરું અધ્યાત્મ થઇ ગયું.
 

Leave a comment

Filed under અધ્યાત્મ

दोया: प्राजापत्या: देवासचासुरास्च…સ્વામી સચ્ચિદાનંદજી

 ઉદ્દઘોષક શ્રીનું અભિવાદન – કામળી બ્રહ્માણી માતાની દશાબ્દી પ્રસંગે આપેલું પ્રવચન – મારે જયારે અહીં આવવાનું થયું ત્યારે મેં તપાસ કરી કે આ બ્રહ્માણી માતા છે કોણ? હિંદુ ધર્મની પાસે અસંખ્ય દેવીઓ છે, અસંખ્ય દેવો છે અને હજુ નવા-નવા દેવો અને નવી-નવી દેવીઓ થયા કરે છે. પણ મને જે સમજણ પડી એ સમજણ આપવા પ્રયત્ન કરીશ. ઉપ્નીશાદ્માં એક બહુ સુંદર આખ્યાયિકા છે. दोया: प्राजापत्या: देवासचासुरास्च – @5.00min.પ્રજાપતિ બ્રહ્માના બે દીકરાઓ. એક દેવા અને બીજા અસુરા. આ બેય બ્રહ્માથી ચાલ્યા આવે છે. આ બેય પ્રકૃતિથી દેવ અને અસુર છે. જે દિવ્યતામાં રાચે એ દેવ કહેવાય અને જે પ્રકૃતિથી પાપમાં રાચે એને અસુર કહેવાય. આ દેવ અને અસુર પાહેલેથીજ ચાલ્યા આવે છે.અત્યારેએ ચાલે છે અને આગળએ ચાલવાના છે. કોઈને પ્રશ્ન થાય કે એકલાજ દેવોજ રચ્યા હોત તો? અથવા એકલાજ અસુરોજ રચ્યા હોત તો? તો સંસારમાં મજાજ ન આવત. એકલા રામ હોય અને રાવણ ન હોય તો રામાયણનું શું મહત્વ? રામની મહિમા તો રાવણથી વધે છે. કંસ ન હોય તો કૃષ્ણની મહિમા નહિ, એમ લોખંડ ના હોય તો સોનાની મહિમા નહીં. એટલે બ્રહ્માજીએ દેવો અને અસુરો એમ બેની સૃષ્ટિઓ કરી. પણ એમાં એક બહુ મોટો મુદ્દાનો ભેદ કર્યો કે દેવો થોડા અને અસુરો ઢગલાબંધ. જેવી રીતે આંબા ઓછા હોય અને કાંટાવાળા બાવળ ઢગલાબંધ. બાવળને ના ઉગાડવો પડે, ના પાણી પાવું પડે અને ના ઘેટાં-બકરાંથી રક્ષણ કરવું પડે, એ તો વધ્યાજ કરે. આંબાને ઉછેરવો પડે અને એનું રક્ષણ કરવું પડે. तत्र कनिय शाय देवा: जायान्साचासुराका । જેનું જૂથ ઘણું મોટું હોય અને આસુરી વૃત્તિવાળા હોય એ આપોઆપ દાદાગીરીથી જીવન જીવે. યાદ રાખજો, ચાર પ્રકારના રોટલા છે. ભિક્ષાવૃત્તિનો રોટલો એટલે સીધુ-દાન-દક્ષિણા, યજમાનવૃત્તિનો રોટલો. બીજો દાદાગીરીનો રોટલો એ કશું ના કરે, દાદાગીરીજ કરે. જેવી રીતે આખા દેશમાં નક્ષલવાદ પ્રસરેલો છે. ત્રીજો વર્ગ છે એ શ્રમનો, મહેનતનો રોટલો ખાય. અને ચોથો વર્ગ છે એ લુચ્ચાઈનો રોટલો ખાય છે.@10.05min. અને ખટપટો કરે છે. ગામમાં કેમ કોઈને લડાવવા, કોઈ તોડ લાવવો. આ ચાર આજીવિકાઓ છે. ભિક્ષાની વૃત્તિ સારી, એમાં કોઈ પાપ નથી. એટલું યાદ રાખજો, ભિક્ષા અને સ્વમાન બે સાથે નહિ રહી શકે. તમે હાથ લાંબો કરો અને માથું ઊંચું કરો એ બે એક સાથે ના બની શકે. પણ તમે દાદાગીરી કરો તો, રોટલો તો ઘી વાળો મળે પણ પરિણામે દશા રાવણ જેવી, કંસ જેવી થાય.તમે શ્રમનો રોટલો ખાવ એ ઊગી નીકળે. તમારા પૂર્વજોએ કાળી મજુરી કરી હતી એનો હું સાક્ષી છું. આ જે મહેનતના રોટલાના જે સંસ્કાર પડેલા એના આજે તમે પરિણામ ભોગવી રહ્યા છો. અસુરોને કાયમ ઝગડા કરવાનું મન થાય. વાત-વાતમાં ઝગડા કરે અને એ ઝગડામાં દેવો હારી જાય અને દેવોનું મોટું જૂથ નથી, થોડાજ છે. એવો એક સંગ્રામ થયો તે  देवासुर संग्राम એટલે સમુદ્ર મંથન થયું. દેવો અને અસુરો બહુ લડ્યા, બહુ લડ્યા પણ એક ત્રીજી શક્તિ છે, જે ઉપર બેઠી છે, એનું નામ બ્રહ્મ છે. ઉપનિષદ લખે છે, ब्रह्म ह देवेभ्यो विजिग्ये तस्य ह ब्रह्मणो विजये देवा अमहीयन्त । પેલા બ્રહ્મે જોયું કે આ દેવો બિચારા થોડા, એમની પાસે શસ્ત્રો નથી, કાંટા નથી અને આ બધા કાંટાવાળા છે અને ઘણાં છે. મારે તટસ્થ ના રહેવાય. મારે દેવોનો પક્ષ લેવો જોઈએ. આ મુદ્દો યાદ રાખજો, જયારે દેવો અને અસુરો લડતા હોય તો તટસ્થ રહેવાય નહીં. તટસ્થ રહેવું એ પણ એક કાયરતાજ છે. @15.00min. એટલે મારે ન્યાયવાળા અને સત્યવાળા હોય એનો પક્ષ લેવોજ જોઈએ. એટલે બ્રહ્મે દેવોનો પક્ષ લીધો. આજે સહસ્ત્રચંડી (સતચંડી) થઇ રહી છે, એમાં એક શ્લોક આવે છે, એ બહુ મહત્વનો શ્લોક છે. शत्रुनां बुद्धि नाशाय – શત્રુને જીતવો હોય તો એકજ ઉપાય છે કે એની બુધ્ધિ બગાડો. બાકી બધું કામ આપોઆપ થશે. બુધ્ધિ બગડે એટલે ખરું-ખોટું દેખાય નહીં. પછી એને શકુની વ્હાલો લાગે, સુર્પણખા વ્હાલી લાગે, મંથરા વ્હાલી લાગે. એટલે ગાયત્રી મંત્રમાં એકજ વાત કહી છે. धियो यो नः प्रचोदयात्। હે માં તું અમને સદબુદ્ધિ આપજે. અમારી બુધ્ધિ બગાડવા ના દઈશ. એટલે જયારે પણ ભગવાન કોઈનો પક્ષ લેવા માંગે અને કોઈને હરાવવા માંગે તો પહેલા એની બુધ્ધિ બગાડે. એટલે અસુરોની બુધ્ધિ બગડી અને દેવોનો વિજય થયો. જયજયકાર થતો. યાદ રાખજો, વૈભવ અને વિજય પચાવવો બહુ અઘરું કામ છે. વૈભવ ન પચે તો ઝેર થઈને પ્રજડે. દેવો વિજયને ના પચાવી શક્યા. ઊંઝામાં ચૂંટણીમાં કોઈ જીતે ત્યારે ખુબ ફટાકડા ફૂટે છે અને ધુમાડો-ધુમાડો થઇ જાય. અમેરિકાનો પ્રમુખ જીતે ત્યારે કોઈ ફટાકડા ફોડતું નથી. એટલે દેવો ખુબ ફટાકડા ફોડવા લાગ્યા. નાચ-ગાન અને ન પીવાનું પીવા લાગ્યા. પેલા બ્રહ્મે ઉપરથી જોયું કે આ તો ઊંધા રવાડે ચઢી ગયા. એમને મેં વિજય અપાવ્યો, વૈભવ-સમૃદ્ધિ અપાવી, કીર્તિ અપાવી તો નમ્ર થવું જોઈએ એની જગ્યાએ આ તો હુળદંગ મચાવવા લાગ્યા. હવે એમણે ઠેકાણે લાવવા પડશે. જેમ બાળકની આંગળી પકડનાર એક દાદા જોઈએ, પત્નીનો હાથ પકડવા પતિ જોઈએ એમ તમારો પણ હાથ પકડનાર એક મર્દ માણસને રાખજો, ક્યારે હાથ પકડવાની જરૂર પડે એ કહી ન શકાય. @20.00min. જે બાળકને આંગળી પકડનાર દાદા નથી એ બાળક કેટલું ટળવળતું હોય છે અને જે પત્નીનો હાથ પકડનાર કોઈ પતિ નથી, એ અબળા છે, એના ઉપર ગમે તે નજર નાંખશે. ગમે એમ બોલશે. પણ રામના પાસે ધનુષ-બાણ છે અને રૂપ રૂપનો અંબાર એવી સીતા છે, પણ કોઈની તાકાત નથી કે સીતા ઉપર નજર નાંખી શકે. સીતા અને રામે ૧૪ વર્ષ વન ભોગવવું પડ્યું અને એમાં વનફળ, કંદફળ ખાવા, જંગલમાં રહેવું પણ સીતાજી આંખમાં એક આંસુએ ના લાવ્યા. પતિનો પ્રેમ એટલે બધું સુખ છે. પતી અઢળક પ્રેમ આપે છે. પતિ પ્રેમ ન આપે તો પત્નીની વફાદારી કદાચ ગુમાવી બેસે. કુતરું રોટલો આપનાર કરતાં હાથ પમ્પલનાર, વ્હાલ કરનાર પાસે પહેલું જશે. વ્હાલની વફાદારી સ્થાયી છે એટલે રામ સીતાજીને અઢળક પ્રેમ આપે છે. એટલે સીતાજીને એક શીલા ઉપર બેસાડ્યા અને રામ એનું માથું ઓળવા લાગ્યા. ચિત્રકુટમાં હજી પણ એ શીલા પડી છે, ગાઈડ તમને બતાવશે. પતિ-પત્ની એક-બીજા ઉપર નિર્દોષ વહાલ કરતા હોય તો એ દ્રશ્ય સ્વર્ગમાં દેવને પણ દુર્લભ હોય. બરાબર એજ સમયે ઇન્દ્રનો પુત્ર જયંત વિમાન લઈને ઉપાડ્યો અને ત્યાં આવ્યો. એ વગર કારણે બધે ફર્યા કરે, કારણકે વૈભવ પચતો નથી. એની નજર રૂપાળી સ્ત્રી સીતાજી અને રામ ઉપર પડી અને એ જોઇને એના વિકારને મોટો વેગ મળ્યો, એ વિકારી થયો. આગ ઉપર પેટ્રોલ નાખ્યું. @25.00min.  તમે એવા દ્રશ્યો ઊભાં ના કરો કે તમે બીજાના માટે પેટ્રોલ બની જાય. જો સારી રીતે જીવવું હોય તો મર્યાદામાં રહો. પેલા જયંતે જોયું કે ઓહોહોહો આવી સ્ત્રી તો મારાજ ઘરમાં હોવી જોઈએ. એણે તરતજ કાગડાનું રૂપ ધારણ કર્યું. કાગડો ગળફાજ ખોળે. એ બગીચામાં ના જાય. માણસોમાં પણ કાગડાઓ હોય છે. એ કાગડો બનેલો જયંત સડસડાટ આવ્યો અને સીતાજીના સ્તન ઉપર ચાંચ મારી, એની છેડતી કરી. રામે જોયું તો કાગડાએ ચાંચ મારી અને ધડ-ધડ-ધડ લોહી નીકળી રહ્યું છે. તરતજ રામે ધનુષ્ય ઉપર બાણ ચઢાવ્યું. કાગડો ભાગ્યો, કોઈએ એને શરણ ન આપ્યું. ત્યારે એને નારદજી મળ્યા. નારદ બધેજ છે. મેં જાણ્યું કે ઊંઝામાં પણ ઘણા નારદ છે. નારદને કહ્યું, મને બચાવો, મારી બુધ્ધિ બગડી. નારદે કહ્યું જે બાણ માર્યું એ પાછું નહિ જાય. તું એનીજ શરણમાં  જા, કારણકે જે મારનારો છે, એજ તારનારો છે. એ તારો ઉધ્ધાર કરી દેશે. એટલે કાગડો આવીને રામના ચરણમાં પડી ગયો અને કહ્યું મને માફ કરો, મારાથી મોટી ભૂલ થઇ ગઈ.રામે કહ્યું, મારું બાણ પાછું ના વળે પણ તું શરણે આવ્યો છે એટલે તને જાનથી તો નહિ મારું, પણ તારી એક આંખ ફોડી નાખીશ. એવું કહેવાય છે કે કાગડો ત્યારથી એક આંખવાળો થઇ ગયો. એટલે સમર્થ પુરુષના શરણે જાવ. @30.14min. એટલે પરમેશ્વરને કહ્યું છે કે पतित पावन सीताराम – તું પતિત થઇ જશે તોએ તું મારો રહેશે. કદાચ તું મને છોડી દે તો પણ હું તને નહિ છોડું. આ બે ભેદ સમજજો કે જીવનમાં પણ એવા કેટલાક માણસો હોય જે સંપત્તિના સમયમાં તમારો જયજયકાર કરે પણ જરાક આંચ આવે એટલે તરતજ છૂટા થઈને પાછા ઉપરથી દુશ્મન થઇ જાય. બ્રહ્મે વિચાર કર્યો કે આ ગાંડાઓ મારી મહિમાને સમજતા નથી અને अस्माक्मेवायं महिमा अस्माक्मेवायं विजयએમ કહીને બધા છડી રહ્યા છે એટલે આમણે પાછા ઠેકાણે લાવવા જરૂરી છે. તમે જો હંમેશાં ઠેકાણેજ રહો તો ભગવાનને ટીપવા ના પડે. બ્રહ્મે વિચાર કર્યો કે આ તો પાછા ગાંડા થઇ ગયા છે અને એમણે ભાન કરાવીને ઠેકાણે લાવવું છે. તો એને કેવી રીતે ઠેકાણે લાવવા? આ સંદેશ પેપરને ઘણા લોકો બેસણાનું એટલેકે સ્મશાનનું પત્ર મને છે. એમાં દેસાઈઓ (રબારીઓ) તો ખાસ હોય. એટલા માટે નહિ કે કોઈ તમારો સગો વ્હાલો હોય, પણ એટલા માટે કે આટલી રૂપાળી બહેન, આટલો રૂપાળો પુરુષ મરી ગયો, એમ તમને વિચાર આવે. તમે સ્મશાનમાં જાવ, ત્યારે તમારું રૂપ જુદું હોય, વ્યહવાર જુદો હોય અને હવે તો ગોર મહારાજ નથી કરાવતા પણ વિડીઓવાળા લગ્ન કરાવે છે. લગ્નમાં દારૂ પીને બધા  @35.00min. કુદી કુદીને નાચતા હોય. આ બધા ભાન ભૂલેલા માણસો છે. સ્મશાનયાત્રામાં ભાન ઠેકાણે આવી જાય. ભળ-ભળ ચિતા બળતી જોઈ ભાન ઠેકાણે આવી જાય. એટલે બ્રહ્મે વિચાર કર્યો કે આ બધાને મારે ભાન કરાવવું છે. એટલે દૂર જઈને એક ન ઓળખાય એવું કંઈક રૂપ લઈને ઉભું રહ્યું. બધાની નજર પડી કે  किमिदं किमिदं – આ શું છે? આ શું છે? પેલો કહે તું જોઈ આવ. પછી અગ્નિને કહ્યું કે જા તું જોઈને આવ કે એ કોણ છે? એટલે અગ્નિ ગયો અને પૂછવાની તૈયારી કરે ત્યાં તો સામેથીજ યક્ષે પ્રશ્ન પૂછ્યો કે તું કોણ છે? कस्त्वं? હું અગ્નિ છું. તારામાં પરિબળ શું છે? તાકાત શું છે? सर्वं दहेयं – હું તો બધું બાળીને ખાક કરી નાખું. એના આગળ એક તણખલું મુક્યું અને કહ્યું, તું આ તણખલાને બાળ. આ તુચ્છ તણખલું? અગ્નિએ જેટલી તાકાત હતી એટલી બધી લગાવી દીધી, પણ તણખલું ના બળ્યું. લાચાર અને શરમિંદો થઇ ગયો. હવે બીજા દેવ વાયુને મોકલ્યો. ઘુઘવાટા કરતો આવ્યો. પહાડના પહાડ ઉખેડી નાંખે એવો શક્તિશાળી. પાછું એને પેલું તણખલું આપ્યું કે લે આને ઉડાડ. એ તણખલું ના ઉડાડી શક્યો, હારી ગયો,થાકી ગયો. એમ બધા દેવો થાક્યા. પછી ઇન્દ્ર પોતે, જાતેજ ગયો એટલે પેલું બ્રહ્મ હતું એ લુપ્ત થઇ ગયું. પછી ઉપર જઈને બોલ્યું, મૂર્ખાઓ, હું બ્રહ્મ છું. મારી મહિમામાં તમારી મહિમા છે.મારા વિજયમાં તમારો વિજય છે. તમે આ બધો જે જયજયકાર કરો છો, એ તમારો નથી પણ મારો છે.તમે ભાન ભૂલ્યા છો ત્યારે એને ભાન થયું કે વાત તો સાચી છે. ઉપનિષદ કહે છે, જે ઉપર જઈને કલ્યાણી બોલી એ બ્રહ્માણી કન્યા હતી. એ જે બ્રહ્મની દીકરી છે એ દેવોને ભાન કરાવવા માટે બ્રહ્માણીનું રૂપ લઈને આવી અને કહ્યું, તમે ખુબ વિજયી બનો, ખુબ વૈભવી બનો પણ ભાન ના ભૂલો, તમારી ઔકાત ના ભૂલો.પોતાની અસ્મિતાને સાચવી રાખો. તમારો જયજયકાર કરો પણ પહેલો જયજયકાર મારો કરો. સજ્જનો કામળી ગામ એક પ્રાચીન ગામ છે. સુખી અને સમૃધ્ધ ગામ છે. પાટીદારોના પૂર્વજોનું તપ જાગ્યું અને ઊંધું નાંખો તો એ સવળું થાય એટલે પૈસાના ઢગલાજ ઢગલા. @40.00min. અને પાટીદાર પાસે પૈસો આવે ત્યારે જેમ માણકી ઘોડીને પકડી રાખવી પડે એમ પાટીદારને પકડી રાખવો પડે. બે-ત્રણ દિવસથી અહીંયા બ્રહ્માણી માતાનો દશાબ્દી વર્ષ ઉજવાય છે અને આટલી ભવ્યતા બીજી કોઈ જગ્યાએ ઉજવતા લોકોને જોયા નથી. અઢારે નાતને ત્રણે ટાઇમ જમવાનું અને ત્રણે દિવસ જમવાનું, આખું ગામ હિલોળે ચડ્યું છે. અહીં ત્રણે દિવસ ભેટો આપી બહુમાન કરવાના છો. પટેલની દીકરીને પટેલ આપે એ તો બને પણ અહિયાં હરિજનની દીકરી હોય, વાળંદની દીકરી હોય અને ગામની કોઇપણ દીકરી હોય, એ પટેલની દીકરી છે, એમ સમજી અઢારે અઢાર ન્યાતનું તમે સન્માન કરો છો. આ પ્રવૃત્તિ તમારી, ધન્યવાદને પાત્ર છે. માં બ્રહ્માણીના તમારા ઉપર ચારે હાથ છે. તમે ગામનું ભલું કરજો, એકતા કરજો, હળીમળીને સંપીને રહો, વડીલોનું માન રાખજો, એ રીતે આપણી સંસ્કૃતિનું રક્ષણ કરજો. માં બ્રહ્માણી સૌનું ભલું કરે, સૌનું મંગલ કરે, સૌનું કલ્યાણ કરે, આભાર, ધન્યવાદ, હરિ ॐ તત્સત. @44.49min. સંત ચરિત્રમાંથી एक भक्तिर् विशिष्यते વિષય ઉપર સાંભળો. 
 
http://sachchidanandji.org/cgi-bin/playlect.cgi?../SATLECT/mp3ss1145.htm:SATLECT   9

Leave a comment

Filed under અધ્યાત્મ