Daily Archives: જાન્યુઆરી 29, 2019

બહેરિન: રણમાં ‘સ્નેહની બહાર’નો અનુભવ!

Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice. 


 
‘26 નોર્થથી 50.33 ઈસ્ટવચ્ચે 750 સ્ક્વેર ફિટ કિલોમીટરનો એક દેશ જેની પાસે 161 કિલોમીટરનો દરિયાકિનારો છે. જેનું શિયાળાનું તાપમાન 15થી 25, સ્પ્રિંગનું 20થી 30 અને ઉનાળાનું ટેમ્પરેચર 31થી 42 સેન્ટિગ્રેડ રહે છે. વિમાનમાંથી જોઈએ તો આ દેશ રેતીને કારણે ભૂખરો દેખાય છે. વિશાળ પોર્ટની સાથે આ લાલ અને સફેદ રંગનો ઝંડો ધરાવતો, (લાલ રંગ એ અરેબિયન ગલ્ફનો ટ્રેડિશનલ રંગ છે અને સફેદ શાંત હોવાની નિશાની છે. એના પાંચ ત્રિકોણાકાર પિલર્સ ઇસ્લામના પાંચ સિદ્ધાંતોની વાત કરે છે.) દેશ સાઉદી અરેબિયા સાથે ચાલીસ કિલોમીટર લાંબા બ્રિજથી જોડાયેલો છે. દેશની કુલ વસ્તી ચૌદ લાખ કરતાં ઓછી છે.

 

જે રાષ્ટ્ર પોતાને ત્યાં હિન્દુ, જૈન મંદિરોને સન્માન આપે, આતંકવાદને મદદ કરતા દેશ સાથે સંબંધ તોડી નાખે એ રાષ્ટ્રને સાચા અર્થમાં સન્માન આપવું જોઈએ.

 

જેમાં ત્રણ લાખથી વધારે બિનનિવાસી લોકો છે. આટલા નાનકડા દેશની કરન્સી અત્યારે ડૉલરથી પણ ઉપર છે. ભારતીય એકસો સિત્તેર રૂપિયા બરાબર 1 દિનારની કિંમત છે. ગુજરાતી, કચ્છી, બોરી અને બાંગ્લાદેશીઓએ આ નાનકડા દેશને પોતાની કર્મભૂમિ બનાવી છે. યુ.એ.ઈ.ના દેશોની જેમ આ દેશ પાસે પણ તેલ છે, પરંતુ તેલના ઘટી રહેલા ભાવોની સાથે બીજા આરબ દેશોની જેમ આ દેશ પણ સમસ્યાનો સામનો કરી રહ્યો છે. વાત છે બહેરિનની!

 

ગુજરાતી સમાજ, બહેરિનના આમંત્રણથી ત્યાંના ગુજરાતીઓને મળવાનું થયું. ઓમાનની જેમ જ અહીંના ગુજરાતીઓ સત્તા અને સુલતાનનાં વખાણ કરે છે. અહીંનું જીવન બેટર છેએવું સ્વીકારે! અમે ભારતથી અમેરિકા જેટલા દૂર નથી. ઇચ્છીએ ત્યારે ઘરે જઈ શકીએ છીએ. અઢી કલાકની ફ્લાઇટ છે! બીજી મજાની વાત એ છે કે અમારી અહીંની જિંદગી અમેરિકા જેટલી મુશ્કેલ નથી. અમે બધા પેમ્પર અને સ્પોઇલ થયેલા ગુજરાતીઓ છીએ.તરલ પારેખે કહ્યું, જે ગુજરાતી સમાજના યુવા પ્રેસિડેન્ટ છે અને વિવાનામની ટેલિકોમ્યુનિકેશન કંપનીમાં કામ કરે છે. તરલભાઈ રાજકોટના છે. એમનાં પત્ની હેન્સી પણ રાજકોટના છે, યોગ ટીચર છે.

 

ભૂમિતભાઈ શાહ પણ છેલ્લાં કેટલાંય વર્ષથી બહેરિનમાં છે. એમણે એમના મિત્રો સાથે મળીને એક જ બિલ્ડિંગમાં એપાર્ટમેન્ટ્સ રેન્ટ કર્યા છે. સૌ સાથે મળીને રહે છે. એકબીજાનાં બાળકો સ્કૂલેથી આવી જાય તો ભારતની જેમ જ પાડોશી એની સંભાળ લે છે! જતીન કારિયા વાઇસ પ્રેસિડેન્ટ છે. આ યુવા ટીમે ઓક્ટોબરમાં જ ગુજરાતી સમાજનું ઇલેક્શન જીતીને પદ સંભાળ્યાં છે, પણ ઘણુંબધું નવું કરવાની એમની ઇચ્છા અને મહેનત છે. નાટકો, સુગમ સંગીત, ગરબા સિવાય કંઈક થવું જોઈએ એવું માનતી આ ટીમ નવા અને રસપ્રદ વિચારો કરે છે. ગુજરાતી ફૂડ ફેસ્ટિવલ અને ગુજરાતી સાહિત્યનો જલસો કરવાનો એમનો વિચાર દાદ માગી લે એવો છે.

 

ગુજરાતી સમાજના જૂના-પુરાણા ઢાંચાને બદલે આ યુવા ટીમે બાળકોની વક્તૃત્વ સ્પર્ધા ગોઠવી. આમંત્રિત મહેમાન બોલે તે પહેલાં ગુજરાતી સમાજ પરિવારનાં બાળકો હિંમત કરીને સ્ટેજ પર આવે અને પોતાના વિચારો રજૂ કરે એ પ્રયાસ પણ સરાહનીય છે. હેત્વીએ ચણિયાચોળી પહેરીને શુદ્ધ ગુજરાતી ભાષામાં ભવાઈ ફોર્મમાં પોતાનું વક્તવ્ય રજૂ કર્યું. આદિત પારેખ અંગ્રેજીમાં બોલ્યો, પરંતુ એણે પોતાના વિચારો જે સ્પષ્ટતાથી રજૂ કર્યા એ સાંભળ્યા પછી એ નવ વર્ષનો છે એ વાત નવાઈ પમાડે તેવી હતી.

 

તરલ પારેખ મોડર્ન વિચારો ધરાવતા માર્કેટિંગ એક્ઝિક્યુટિવ છે. ગુજરાતથી આવેલા મહેમાનને લોકોના ઘર ગણાવવાને બદલે દેશ બતાવવો જોઈએ એમ માને છે! કાર્યક્રમની પહેલાં કોઈને પણ મળવું કે સ્પોન્સર્સને રાજી કરવાને બદલે વક્તાને આરામ મળવો જોઈએ એ વિચાર પણ મજા પડી જાય એવો જ હતો!

 

બ્રિજેશભાઈ અને એમનો પરિવાર પણ બહેરિનમાં ઘણાં વર્ષથી રહે છે. નવાઈની વાત એ છે કે અહીં રહેતા ઘણા ગુજરાતી પરિવારો શુદ્ધ શાકાહારી છે. બહેરિનમાં શુદ્ધ શાકાહારી રેસ્ટોરાંઝ છે. એટલું જ નહીં, ‘દેશી સ્પાઇસનામની એક રેસ્ટોરાંમાં ઊભા ઊભા પાણીપૂરી ખાવાની સગવડ છે. રવિકુમાર નામના વારાણસીના ચાટ સ્પેશિયાલિસ્ટઅહીં દસ વર્ષથી કામ કરે છે. રવિકુમારની પાણીપૂરી બહેરિનમાં જાણીતી છે. એસ હોટેલ્સ અને બીજી બે હોટેલ્સના માલિક હિમાંશુ ગાંધી છેલ્લા બે દાયકાથી બહેરિનમાં છે. એમનો પરિવાર કેનેડા શિફ્ટ થઈ ગયો છે, પણ હિમાંશુભાઈને બહેરિન સાથે પ્રેમ છે!

 

રોજ સવારે ચાર વાગ્યે ઊઠીને ચાલવા જવું, નિયમિત જિમ અને બાકીનો સમય હોટેલમાં રોકાયેલા ગેસ્ટ્સની સગવડ સાચવવાનું કામ હિમાંશુભાઈને ગમે છે. એ કહે છે, ‘બહુ કમાઈ લીધું. હવે મજા કરવી છે અને અહીં આવતા ગુજરાતી મિત્રોને મજા કરાવવી છે.ગોલ્ફ ક્લબમાં નાનકડી વિલામાં હિમાંશુભાઈ નેપાળી હોમમેનેજર સાથે રહે છે. એ નેપાળી છોકરી બાજરીના રોટલા અને ગુજરાતી ભોજન રાંધે છે. મને શું તકલીફ છે?’ હિમાંશુભાઈ કહે છે.

 

ગુજરાતી સમાજના ડિનરમાં સંપૂર્ણપણે કાંદા-લસણ વગરનું સ્વાદિષ્ટ ભોજન જમાડ્યા પછી બિલ લેવાની પણ ના પાડે એવા દિલદાર ગુજરાતીઓ બહેરિનને પોતાનો જ દેશ માનીને જીવે છે. અમીબહેન અને હર્ષદભાઈ જ્વેલરી ડિઝાઇન કરે છે. બહેરિનના એમ.એલ.એ અને રોયલ પરિવાર એમના ક્લાયન્ટ છે. હર્ષદભાઈને અરેબિક બોલતા સાંભળીએ તો આશ્ચર્ય થાય, છતાં એ ગુજરાતી બોલે તો અંગ્રેજી શબ્દોનો ઉપયોગ ઓછામાં ઓછો હોય!

 

બહેરિનમાં 200 વર્ષ જૂનું કૃષ્ણમંદિર છે. રોજ હવેલી સંગીત સાથે દર્શન ખૂલે અને કુમારભાઈના નામે ઓળખાતા એક ભાટિયા સજ્જન જેઓ મંદિરના ટ્રસ્ટી છે એ કહે છે કે રોયલ પરિવારમાંથી અવારનવાર અહીં મહેમાનો આવે છે. સામાન્ય રીતે આપણાં મનમાં અરબ કે મુસ્લિમ દેશો વિશે કેટલીક દૃઢ માન્યતાઓ છે. આપણે ધારીએ છીએ કે એ લોકો ઇસ્લામિક પ્રચારને મહત્ત્વ આપે છે. એમને ત્યાં બીજા કોઈ ધર્મને સ્થાન કે આદર નથી મળતા.

 

એની સામે ઓમાન, બહેરિન જેવા દેશોમાં મંદિરો છે અને મંદિરો માટે રોયલ ખજાનામાંથી મેઇન્ટેનન્સ સહિત નિયમિત ભેટ પણ પહોંચાડવામાં આવે છે. બહેરિનના સુલતાન હિઝ મેજેસ્ટિ કિંગ હમદ બિન ઇસા અલ ખલીફા પ્રજાવત્સલ અને સમજદાર કિંગ છે એવું વિદેશીઓ પણ સ્વીકારે છે. ક્રાઉન પ્રિન્સ હિઝ રોયલ હાઇનેસ પ્રિન્સ સલમાન બિન હમદ અલ ખલીફા ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર તરીકે સેવા બજાવે છે.

 

સાઉદી સાથે એમના સંબંધો સારા છે, દુબઈ સાથે પણ બહેરિન ઉષ્માપૂર્ણ સંબંધો ધરાવે છે, પરંતુ હાલમાં જ કતાર સાથે તમામ સંબંધો કાપીને આ ઇસ્લામિક રાષ્ટ્રએ પોતાની નિષ્ઠા પ્રસ્થાપિત કરી છે. માનવધર્મ એ પોતાના ધર્મ કરતાં ઉપર છે એમ માનતું આ રાષ્ટ્ર પોતાના રાષ્ટ્રધ્વજમાં ઇસ્લામના પાંચ મુદ્દાને મહત્ત્વ આપે છે, પરંતુ કતાર એક રાષ્ટ્ર તરીકે આતંકવાદની મદદ કરે છે એવી માહિતી મળતાં જ કતાર સાથેના તમામ સંબંધો કાપી નાખવામાં આવ્યા છે. દરિયાનો રસ્તો અને આકાશની સીમાઓ પણ હવે કતાર વાપરી શકે તેમ નથી. કતારના તમામ સપ્લાઇઝ તોડી નાખવામાં આવ્યા છે.

 

કેટલીક વાર આપણી માન્યતાઓ પૂરી માહિતી મેળવતા રોકે છે, એ સમજવું જોઈએ. જે રાષ્ટ્ર પોતાને ત્યાં હિન્દુ, જૈન મંદિરોને સન્માન આપે, આતંકવાદને મદદ કરતા દેશ સાથે સંબંધ તોડી નાખે એ રાષ્ટ્રને સાચા અર્થમાં સન્માન આપવું જોઈએ. 40 કિલોમીટરનો આ દેશ પ્રગતિ કરી રહ્યો છે, કારણ કે અહીં વસતા લોકોના મનમાં માનવતા અને સમજણ ધર્મથી ઉપર છે. છેલ્લા થોડા સમયથી તેલના ભાવ ઘટવાથી આર્થિક સંકટનો સામનો કરવો પડે છે છતાં આ નાનકડા દેશે પોતાના લોકોની સગવડોમાં કાપકૂપ કરી નથી. લગ્ન થાય એટલે કોઈ પણ બહેરિનીને ઘર આપવાનો કાયદો છે. મફત તબીબી સારવાર, બાળકોનું શિક્ષણ અને બીજી કેટલીય સગવડો આ દેશ પોતાના દેશવાસીઓ માટે પૂરી પાડે છે.

 

અહીં વસતા ગુજરાતીઓ બહેરિનને પોતાનો દેશ માને છે છતાં એ લોકો ભારતને પોતાના હૃદયમાં સંઘરીને બેઠા છે. એમનાં સંતાનોને ગુજરાતી શીખવવા કટિબદ્ધ છે. એમને માટે ગુજરાતથી આવતો દરેક મહેમાન એમની સાથે નાનકડું ગુજરાત લઈને આવે છે. એ સૌ ગુજરાતી મહેમાન માટે ઘર, હૃદય અને સ્નેહના દરવાજા ઉઘાડીને સતત પ્રતીક્ષા કરે છે. દેશની બહાર વસતા ગુજરાતીઓ કદાચ વધુ ગુજરાતી છે.

બહેરિન: રણમાં સ્નેહની બહારનો અનુભવ!
કાજલ ઓઝા વૈધ

1 ટીકા

Filed under ઘટના