Daily Archives: જાન્યુઆરી 31, 2019

સ્વ-અર્થ વિ. સ્વ-સંભાળ/ પરેશ વ્યાસ

P Selfish is considered to be a dirty word. Doing something for self is bad. It can never be a virtue even if Ayn Rand call it so. How about self-care?

સ્વ-અર્થ વિ. સ્વ-સંભાળ

સ્વાર્થી શબ્દ ટીકા છે, ગાળ છે. એ સૂરીલો બોલ નથી. સ્વાર્થી શબ્દ ભૂંડો બોલ ગણવામાં આવે છે. જાત માટે કાંઈ કરવું એટલે અન્ય માટે કાંઈ ન કરવું; એવું આપણા ચિંતકો આપણા મનમાં ખોટી રીતે ઠસાવી ગયા છે. આપણને પરોપકાર પાઠ ગળથૂથીમાં પાઈ દેવામાં આવ્યા છે. ન્યૂઝીલેન્ડનાં કોર્પોરેટ વેલબીઈંગ કોચ સારા મેકગીનેસ એક સરસ શબ્દ આપે છે. સેલ્ફિશ જો ખરાબ હોય તો હાઉ અબાઉટ સેલ્ફકેર? સ્વ-અર્થ નહીં પણ સ્વ-સંભાળ. જાતનું જતન કરવું એમાં કાંઈ ખોટું નથી. સ્વસંભાળનો શુભ દિવસ રવિવાર છે. પંચાંગમાં રવિવારે દિવસ રાતનાં બધા ચોઘડિયાં કાં તો અમૃત છે, શુભ છે કે પછી લાભ છે, એવું અમારું સચોટ તારણ છે. માટે હે પ. પૂ. ધ. ધૂ. પંચાંગવિદો, તમે રવિવારનું દિવસનું પહેલું ચોઘડિયું ‘ઉદ્વેગ’ દેખાડવાનું બંધ કરો. રવિવારે તો કોઈ ચોઘડિયું ઉદ્વેગ, કાળ કે રોગ હોઈ જ ન શકે. હા, ‘ચલ’ ચોઘડિયું ચાલુ હોવાથી ચલાવી શકાય. પણ આ શું? રવિવારે પણ રોગ અને કાળ? બહુત ના-ઇન્સાફી હૈ યે. રવિવારની હર એક ખટઘડી સ્વ-સંભાળ માટે અર્પણ કરવાથી સો તીર્થનું પુણ્ય મળે છે. આજે રવિવાર છે. સ્વ-સંભાળ માટે શું કરવું?
સો વાતની એક વાત. દર રવિવારે મોબાઈલ ફોનને ત્યજો. જાતવટો આપો. એક દિવસ માટે એને અસ્પૃશ્ય બનાવી દો. એક એવો ય જમાનો હતો જ્યારે રજસ્વલા નારીને જોઈ શકાતી હતી પણ અડી શકાતી નહોતી. આ આપણો મોબાઈલ ફોન દર રવિવારે રજસ્વલા થઇ જાય છે, એમ સમજવું. અત્યારે સંદેશા વ્યવહાર ઝડપી છે. દાસી જીવણનું ભજન ‘કેમ કરીએ રે અમે કેમ કરીએ, દવ લાગ્યો રે ડુંગરમાં અમે કેમ કરીએ’, આપને યાદ હશે. કેમ કરીએ?-એવો લિનિયર પ્રોબ્લેમ હવે નથી. હવે આ કરીએ કે પેલું? કે પછી વળી કાંઈ ત્રીજું જ? એવો વૈચારિક ગભરાટ થતો રહે છે. રવિવારે ધરતી ઉપર પગ રાખીને એનાં વિષે વિચારવાનું ટાણું છે. જે કામ આપણને પૈસાથી કે સમયથી પોષાય એ જ કરવું. દેખાદેખી છોડી દેવી. અદેખાઈ તો નહીં જ નહીં. પોતાનાં પરિવારજનો સાથે વાત શે’ર કરો તો તમારી ચિંતા ઘટે.
અને હા, રવિવારે રોજ કરતાં કાંઈ જુદું કરવું જરૂરી છે. રોજ વહેલાં ઊઠતાં હોય હોઈએ તો પથારીમાં પડ્યા પડ્યા ઓસ્ટ્રેલિયા-ઇન્ડિયાની ટેસ્ટ મેચ જોઈ શકાય. રોજ મોડા ઊઠતાં હોઈએ તો વહેલાં ઊઠીને વિવિધ ભારતી ઉપર ભૂલે બિસરે ગીત સાંભળતાં સાંભળતાં કૂંડામાં ઊગેલા છોડની ચોતરફ માટી ગોડી શકાય અને સૂકાયેલાં પાંદડાને કાતરથી કાપી શકાય. અત્યારે શિયાળો છે. એકાદ કુંડામાં ઊગેલા ડહાલિયા કે નાનકડી ક્યારીમાં ઊગેલા પીટૂનિયાનાં સીઝનલ ફૂલમાં ગંધ તો નથી પણ એનાં લાલ, પીળા અને જાંબલી રંગ મનને જલસો કરાવી જાય છે. કુદરત સાથે સમય વીતાવો. મન અને તન બંનેની શુદ્ધિ આપોઆપ થઇ જાય છે. રવિવારે મનનું સાંભળવું. કોઈ અણગમતું હોય, એને ના પાડવામાં જો તારીખ પે તારીખ પડતી રહેતી હોય તો આજે ના પાડી દેવી. ના પાડવામાં કોઈ નાનમ નથી. રવિવારે ગમતો શોખ ટ્રાઈ કરી શકાય. હસતાં રહેવું. હસવું ચેપી છે. સંગીતને સાંભળવું. સંગીત જોવાની જરૂર નથી. એટલે માત્ર ઓડિયો જ સારો. બીજું બધું કામ કરતાં ય સાંભળી શકાય. વિડીયોમાં એ ફેસેલીટી નથી. અત્યારે શિયાળો છે. શાકભાજી, ફળફળાદિ ભરપૂર છે. સમારીને ખાઈ શકાય. રાંધીને ખાઈ શકાય. આવું કામ સજોડે થાય તો તો કેવું સારું?! પાણી અમૃત છે. ખૂબ પાણી પીતા રહેવું હિતાવહ છે. અને હા, આપણા પોતાનાં અંગતને ભેટવું. ભેટતાં રહેવું. ગળે પડવું એનાં કરતાં ગળે મળવું સ્વ-સંભાળનું દ્યોતક છે. ભૂતકાળની અણગમતી વાતોને ગોળ ગોળ વાગોળવાનો કોઈ અર્થ નથી. ધારેલું થાય નહીં તો એને છોડી શકાય. મન પ્રફુલ્લિત રહે એ જરૂરી છે. આનંદ મળે ત્યારે માણી લેવો. આનંદની ઉજાણી પોસ્ટપોન કરવી નહીં.
સ્વ-સંભાળ જરૂરી છે. કહે છે કે ફાનસમાં તેલ ન હોય તો એ ઉજાસ ક્યાંથી આપે? સ્વ-સંભાળ એ તેલ છે, જેનાથી ફાનસની જ્યોત પ્રગટે છે. અજવાસ ફેલાય છે. જાતને જાળવો. કારણ કે એ જ તો છે, જે તમારી સાથે જીવનપર્યંત છે.

Image may contain: flower

Leave a comment

Filed under ઘટના, પરેશ વ્યાસ