Daily Archives: જૂન 5, 2019

મોબાઈલ ફોન અને ઊંઘ…/ પરેશ વ્યાસ

મોબાઈલ ફોન અને ઊંઘ

એફબી પર જઈ અને સૂંઘી શકે છે સૌ ફૂલ જે ઘરથી હજારો ગાઉ આઘે છે હૂંફમાં પણ મેળવણ જેવી અસર છે કે?
ભાન ખોવાતું જતું ને ઊંઘ જામે છે – કુલદીપ કારિયા

માતા બનવું સહેલું નથી. અમેરિકાનાં ડો. પ્રીસીલા ચાન બે દીકરીઓની માતા છે. પોતે બાળકોનાં ડોક્ટર એટલે બાળઉછેર વિષે સારું જાણતા જ હોય. સૌથી અઘરી જવાબદારી છે બાળકોને સવારે જગાડીને નિશાળે મોકલવાની. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કોણ જાશે?…પણ ફોન અને ફેસબુકે ઘાણી કરી છે. રાત રાત ઝબકીને જાગવું, સ્માર્ટ ફોનમાં સમય જોવો. હજી સવાર પડવાને વાર છે. પછી સમયસર જાગવાનાં ટેન્સનમાં ઊંઘ આવતી નથી. આપણી રોજીંદી જિંદગી દોડો દોડો થઇ ગઈ છે. સ્માર્ટ ફોન અને ઈન્ટરનેટમાં ફસાઈ ગઈ છે જિંદગી. એકવાર ઊંઘ ઊડી જાય પછી પાછી આવતી નથી. અને આ અમેરિકા છે. સ્પેન, ગ્રીસ, દક્ષિણ ઇટાલી કે રાજકોટ નથી. અહીં બપોરે સૂઈ લેવાની, વામકૂક્ષી કરી લેવાની સુવિધા નથી. ડો. પ્રિસીલા ચાનની ડીસ્ટર્બ થતી ઊંઘથી ચિંતિત એમનાં પ્રેમાળ પતિએ ‘સ્લીપ-બોક્સ’ નામનું સાદું યંત્ર બનાવ્યું છે. એમાં ઘડિયાળ નથી કારણ કે એનાં ઉજાસમાં તો ઊંઘ ઊડી જાય. આમ અંધારિયું લાકડાનું ખોખું પણ સવારે છથી સાત વચ્ચે એ બોક્સમાં આછું આછું અજવાળું થાય. માતાની આંખ ખૂલે ‘ને અજવાળું થયું હોય તો પરોઢ થઇ ગયું સમજો. દીકરીઓને જગાડીને સ્કૂલે મોકલવાનું ટાણું થયું સમજો. માતા જશોદાને કયારેય પોતે જાગવાની ચિંતા નહોતી. ઇન ફેક્ટ, આજકાલ હોય છે એવી ચિંતાઓ ય ક્યાં હતી? બાળકૃષ્ણનાં પરાક્રમો અને ગોપીઓની રાવફરિયાદની ય ચિંતા ક્યાં હતી? પણ આજે મોબાઈલ ફોનનાં જમાનામાં ઊંઘ જામતી નથી. અને ભાયડાઓનું તો શું કહેવું? એફબી ઉપર ઓનલાઈન હજાર ગાઉનાં ફૂલો સૂંઘ્યા કરવાની વર્ચ્યુઅલ રાસલીલા ઊંઘને હરામ કરી નાંખે છે. શું કરવું? ફેસબૂક અને વોટ્સએપનાં કર્તાહર્તા સમાહર્તા માર્ક ઝુકરબર્ગ રસ્તો બતાવે છે. એટલે એમ કે માર્ક ઝુકરબર્ગ જ ડો. પ્રીસીલા ચાનનાં પતિ છે અને આ ‘સ્લીપ-બોક્સ’ પણ એમણે જ બનાવ્યું છે. ચાલો ઠીક થયું. તુમ હી ને દર્દ દિયા, તુમ હી દવા દેના.. હેં ને?
દુનિયાનાં ૭૧% લોકો મોબાઈલ ફોન સાથે એક પથારીમાં રાત ગાળે છે. આ ઉઘાડે છોગ થતું છિનાળું માણસ માત્રની ઊંઘને છિન્નભિન્ન કરી નાંખે છે. સ્માર્ટફોન એલાર્મ કલોક સાથે આવે છે. એટલે ફોનને શયનખંડમાં રાખવાની આપણને આદત છે. મોબાઈલ ફોન હમબિસ્તર છે, હાથવગો છે, એને પંપાળી શકાય છે. ફરી ફરીને એને જોઈ લેવાની પછી તો આપણને આદત પડી જાય છે. ફોનને વાંચો એટલે સારા સમાચાર ભેગા મોંકાણનાં સમાચાર પણ હોય જ. મનને માંડ શાંતિ મળી હોય ત્યાં કોઈ ટ્રોલ કરે અને નસ નસમાં ખુન્નસ આવી જાય. ઊંઘ તો પછી ક્યાંથી આવે? એક ટેકનિકલ કારણ પણ છે. મોબાઈલ ફોનમાં જે પ્રકાશ નીકળે છે એ ‘બ્લૂ લાઈટ’ છે. આપણું મગજ એને દિવસનું અજવાળું સમજે છે. એટલે ઊંઘવાની જગ્યાએ જાગી જવાય છે. મગજની પિનીઅલ ગ્રંથિમાં એક મેલાટોનિન નામનું હોર્મોન હોય છે, જે આપણી ઊંઘનું ટાઈમટેબલ (સર્કાડીયન રીધમ) નક્કી કરે છે. જ્યારે સૂર્યાસ્ત થાય ત્યારે મેલાટોનિનનું લેવલ કુદરતી રીતે વધે અને એટલે ઊંઘ આવે. પણ આ મોબાઈલ ફોનની બ્લૂ લાઈટ મગજનાં મેલાટોનિનનાં ફનાફાતિયા કરી નાંખે છે. આપણી કુંભકર્ણતા ત્રસ્ત થાય એટલે જાગી જવાય. અને પછી… જાગીને જુઓ તો આખું જગત દીસે. અને પછી તુરુરુ તુરુ રુરૂ, ઈન્ટરનેટ સર્ફિંગ શરૂ.. પણ પછી મારી આ લાખેણી ઊંઘનું શું?
એક કામ કરો. સંકલ્પ લો કે મોબાઈલ ફોન સાથે સહશયન કરશો નહીં. તમને અચ્છે દિનનાં સોગંદ. જાગવા માટે પેલી જૂની એલાર્મ કલોક લઇ લેવી. રાતે સૂતા પહેલાં ચાર પાંચ પવાલાં પાણી ય પી શકાય. નેચરલ એલાર્મ! સૂવાનાં એક કલાક પહેલાં ઘરમાં કલમ ૧૪૪ જાહેર કરી દેવી. મોબાઈલ કરફ્યુ, યૂ સી! મોબાઈલ ફોનને ગુનાની માફક સંતાડી દો. એની સાથે સંતાકૂકડી રમવાની સખ્ત મનાઈ રાખો. જીવનસાથીની હૂંફ લઈને પોઢવાનું રાખો. કવિ કહે છે એમ એ જ મેળવણ છે. ઊંઘ જામી જશે, સાહેબ…

Image may contain: one or more people and phone

Leave a comment

Filed under ઘટના, Uncategorized