Daily Archives: જૂન 17, 2019

બુરખો અને ઘૂંઘટ…/પરેશ વ્યાસ

 

બુરખો અને ઘૂંઘટ

घूँघट के पट खोल रे,
तोहे पिया मिलेंगे । -कबीर

બુરખા પર પ્રતિબંધ મુકવો જોઇએ એવું શિવસેનાએ કહ્યું. જાવેદ અખ્તરે કહ્યું સારી વાત છે પણ ઘૂંઘટ પર પણ પ્રતિબંધ મુકાવો જોઇએ. એમણે જ તો દીવાર ફિલ્મનો સંવાદ લખ્યો હતો. જાઓ, પહેલે ઉસ આદમીકા સાઈન લે કે આઓ…ટૂંકમાં પહેલાં ઘૂંઘટ પછી બુરખો. ઇરાન તો રૂઢિચૂસ્ત મુસ્લિમ દેશ છે. પણ ત્યાં પણ મોઢું ઢાંકવાનો રિવાજ નથી. તેઓએ કહ્યું કે આ તો સ્ત્રી સશક્તિકરણ વાત છે. પણ મૂળ વાત હતી આતંકવાદી વારદાતોની. કહે છે કે બુરખો પહેરીને આંતકવાદી હુમલા થાય છે, ઘૂંઘટ ઓઢીને થયા નથી. પણ એ જવા દો. આજકાલ વિવાદ પળમાં થઇ જાય છે. સંવાદ માટે અવકાશ હોતો નથી. ઘીનાં ઠામમાં ઘી પડતું નથી. અમથું અમથું ય કાંઈ કહો તો લાગણીઓ ભડકે બળે છે. એક અમેરિકન કહેવત છે. ‘માય વે ઓર હાઈ વે’. મતલબ કે હું કહું તેમ કર, નકર ખેર નથી. અમે અલબત્ત બુરખો અને ઘૂંઘટની તરફેણમાં છીએ. લો બોલો! બુરખો, ઘૂંઘટ ન હોત તો આપણને સરસ ગીતો કે ગઝલો ક્યાંથી મળત? તો ઠીક…
શરૂઆત કરીએ અમીર મીનાઈની ખૂબસૂરત ગઝલ…સરકતી જાયે હૈ રુખસે નકાબ આહિસ્તા આહિસ્તા, નિકલતા આ રહા હૈ આફતાબ આહિસ્તા આહિસ્તા…અહીં માહતાબ શબ્દ નથી. મતલબ કે પ્રેમિકાનો ચહેરો ચંદ્રમા જેવો નથી. સૂરજ જેવો છે. ચહેરા પરથી નકાબનું સરકવું એ સૂર્યોદય સમી ઘટના છે. અમને ક્યારેક ક્યારેક એવો વિચાર આવી જાય છે કે પછી એ સૂર્ય બપોરે માથે આવે ત્યારે તાપ કેવો હોય? પછી તો ઈ કરીને પ્રેમિકા માથે સવાર થઇ જાય. હેં ને?! હવે ઘૂંઘટની વાત. ગીતકાર સમીરે ફિલ્મ ‘હમ હૈ રાહી પ્યાર કે’ માટે લખેલું ગીત. ઘૂંઘટકી આડમેં દિલબરકા દીદાર અધૂરા રહેતા હૈ, જબ તક ના પડે આશિકકી નજર, શિંગાર અધૂરા રહેતા હૈ…આ તો વોટ્સ એપની બે કાળી લીટીનું ભૂરી થઇ જવા જેવું છે. તમે લખો અને મોકલો પણ એણે જોયું તો જ તો લખેલું લેખે લાગે. બાકી તો…શૃંગાર નકામા લગતા હૈ. હેં ને? આપણો આનંદ અન્યની એપ્રૂવલનો મોહતાજ છે. હવે આ પરાધીનતા સારી કે નઠારી એ તો રામ જાણે.
થોડી ગંભીર વાત કરીએ. ઝમીર કાસમી લખે છે કે છમ છમ કરકે કહેતે હૈ પાયલિયા કે બોલ, ઘૂંઘટકો મત ખોલ ગોરી, ઘૂંઘટ હૈ અનમોલ. સુંદરતાનું પોતાનું એક અનોખું તેજ છે, એને છૂપાવીને રાખવાની વાત શાયર કરે છે. આગળ કહે છે કજરે નૈનો કી નગરી યૂં હી સજાકે રખના. મિલનની ઋતુ છે. આ ઈશ્કે-મજાજી છે. આ દુન્યવી પ્રેમ છે. પણ પ્રેમનો આ આખરી મુકામ નથી. આ પૂલ છે. પૂલ પર કોઈ ઘર બનાવતું નથી. અહીંથી આગળ જવાનું છે. અનવર મીર્ઝાપુરીની ગઝલનો શેર સાકીને સંબોધીને છે. સાકી એટલે શરાબ પીવડાવે તે. રુખસે પરદા હટા દે જરા સાકિયા, બસ અભી રંગે મેહફીલ બદલ જાયેગા, જો બેહોશ હૈ હોંશમેં આયેગા, ગીરનેવાલા જો હૈ વો સંભલ જાયેગા. જ્યારે આપણે આપણી ખુદી છોડી દઈએ તો દરેક જગ્યાએ ખુદા છે, આપણો અહમ્ છોડી દઈએ ત્યાં ઈશ્વર છે. અમને નર્કની બીક નથી. સ્વર્ગની એહમિયત નથી. આ ઈશ્કે-હકીકી છે. સાચો પ્રેમ છે. અને પ્રેમ જ તો સુપ્રીમ છે. સાકીનો ચહેરો દેખાઈ જાય એટલે સઘળું બદલાઈ જાય. અને પછી જવાહર બક્ષી સાહેબ લખે કે રૂપ તારું કલ્પનાથી પણ વધુ આગળ ગયું, સ્વપ્નમાં જોયો તો જે ચ્હેરો, એ ઘૂંઘટમાં નથી. આગળ વધીએ ત્યારે નાટ્યકાર પ્રવીણ જોશીની લખેલી એક માત્ર કવિતા યાદ આવે. મારું જીવન તમારાથી જૂદું નથી, પણ મારો બુરખો તમારા બુરખા કરતાં જુદો છે.
આ જમાનો માર્કેટિંગનો છે. બોલે એનાં વિચાર વેચાય છે. આતંકવાદનું માર્કેટિંગ જબરજસ્ત છે. યુવાનો શા માટે આત્મઘાતી જિહાદ તરફ અગ્રેસર છે? સુફી પ્રેમનું માર્કેટિંગ કેમ નથી? ડર એ વિકલ્પ નથી. પ્રેમ જ એક માત્ર ઉકેલ છે.

Image may contain: one or more people

1 ટીકા

Filed under Uncategorized