Daily Archives: જૂન 24, 2019

The Monday ki Jai Ho Dance…/ પરેશ વ્યાસ

સ્મૃતિ ઈરાની એમનાં ઈન્સ્ટાગ્રામ પર વિડીયો અપલોડ કરે છે. એ વિડીયોમાં ચાર હાડપીંજર હાથમાં હાથ  પરોવીને નૃત્ય કરે છે. શીર્ષક છે : ‘ધ મન્ડે કી જય હો ડાન્સ’. પછી લખે છે કે જ્યારે તમે વધારે પડતા ખુશખુશાલ હોવ ત્યારે સમજી જવું કે એ સોમવાર છે. બે અઠવાડિયા પહેલાં ગેઈમ ઓફ થ્રોન ટીવી પ્રોગ્રામનાં એક ખલ પાત્રને ઘણાં લોકો તમાચો મારતા હોય એવો સંકલિત વિડીયો રજૂ કરીને સ્મૃતિબેને લખ્યું હતું કે સોમવાર જો માનવ રૂપ ધારણ કરે તો લોકો એને આ જ રીતે તમાચા મારીને નફરત કરે.

અને તે પહેલાંનાં કોઈ સોમવારે એમણે પોતાની ખડખડાટ હસતી તસ્વીર અપલોડ કરીને લખ્યું કે જ્યારે તમે અચાનક સોમવાર સાથે અથડાઈ જાવ ત્યારે? અહેમ… તું ફિર આ ગયા! એમની વાત સાચી છે કારણ કે સોમવાર એ અઘરો વાર છે. સ્મૃતિબેનનાં ‘મન્ડે બ્લૂ’ રીઅલ છે એવું અખબારો લખે છે.

અમારા કવિ મિત્ર મિલિંદ ગઢવી પણ આવનારાં સોમવારની ફેસબૂક ઉપર હ્યુમરસપ્રદ વધામણી કરે છે. કવિતાઓનાં રસાસ્વાદ ઉપરાંત એમનાં મન્ડે બ્લૂનાં આ હ્યુમરાસ્વાદ ગ.મિ. જાય તેવા છે. સોમવાર સવારની જે ઉદાસી છે એને હસી નાંખીએ તો સારું લાગે પણ આ વાત હસવામાં કાઢી નાંખવા જેવી નથી કારણ કે અખબારો લખે છે એમ ‘મન્ડે બ્લૂ’ (Monday Blue) રીઅલ છે. લોકો એની સાથે રીલેટ કરે છે. એમને લાગે છે કે હા, અમને પણ એવાં જ કુછ કુછ હોતા હૈ! 

અમે ‘મન્ડે બ્લૂ’ શબ્દની સંહિતા રચવા બેઠાં ત્યારે અમને પહેલાં થયું કે બ્લૂ રંગ તો કેવો મઝાનો રંગ છે.  બ્લૂ રંગ તો આકાશનો છે, દરિયાનો છે. બ્લૂ રંગ વિશાળતા સાથે, ઊંડાણ સાથે, શાંતિ સાથે સંકળાયેલો છે.  બ્લૂ રંગ પ્રેરણા સાથે, વફાદારી અને વિશ્વાસ સાથે, શ્રદ્ધા અને બુદ્ધિ સાથે, સ્થિરતા અને આત્મવિશ્વાસ સાથે તાદાત્મ્ય ધરાવે છે. બ્લૂ એ કોર્પાેરેટ કલર છે. ડાઇેનૅમિક કલર છે. ઘણાં શહેરોમાં ફાયર બ્રિગેડ અને પોલિસ પણ બ્લૂ કલરનો યુનિફોર્મ પહેરે છે.

આપણી તો ક્રિકેટ ટીમ જ મેન-ઇન-બ્લૂ તરીકે ઓળખાય છે. તો પ્રશ્ન એ થાય કે આવો ભવ્ય ભૂરો રંગ સોમવારની ઉદાસી સાથે શી રીતે જોડાયેલો હોઈ શકે? બ્લેક મન્ડે કે ગ્રે મન્ડે પણ કહી શકીએ. ઉદાસી તો કાળા કે ભૂખરાં કે રાખોડી રંગ સાથે સંકળાયેલી છે. મારા પ્રિય લેખક ઓ. હેન્રી જ્યારે જ્યારે પોતાનાં કોઈ પાત્રની ઉદાસી દર્શાવતા હતા ત્યારે બેક્ગ્રાઉન્ડમાં ગ્રે રંગનું વર્ણન ચોક્કસ કરતાં.

જેમ કે એમની પ્રસિદ્ધ વાર્તા ‘ગિફ્ટ ઓફ મેજાઈ’ની નાયિકા પાસે એનાં પતિને ક્રિસમસ ગિફ્ટ આપવા પૈસા નથી. એ ઉદાસ છે. ત્યારે બારીની બહાર નજર કરે છે તો એને ગ્રે બેકયાર્ડમાં, ગ્રે રંગની ફેન્સ ઉપર, ગ્રે રંગની બિલાડી ચાલતી દેખાય છે. યસ, ગ્રે રંગ ઉદાસીનો રંગ છે. તો પછી મન્ડે ગ્રે કેમ નથી? અથવા મન્ડે બ્લૂ કેમ છે?

બ્લૂ રંગનાં પણ અલગ શેડ્સ હોય છે. એમાં ય પ્રમાણભાન હોવું જરૂરી છે. ઘણો બધો ઘેરો રંગ નકારાત્મકતા અને ખિન્નતા લાવે છે. એવું હોય તો કોઈ બસ પોતાનાં જ વિષે વિચારે, પોતે જ સાચો છે એવું  દર્શાવે. એની સરખામણીમાં જ્યારે ખૂબ ઓછો અને આછો બ્લૂ રંગ હોય તો ઉદાસી આવે, શંકા-કુશંકા થાય, કાયરતા જન્મે. જ્યારે શરીરને શુદ્ધ લોહી ન મળે ત્યારે માણસ ભૂરો પડી જાય. આ ભૂરાશ ઉદાસીની સર્જક છે. અને એવું જ્યારે સોમવારે થાય ત્યારે એ મન્ડે બ્લૂ કહેવાય.

શનિ-રવિ સામાન્ય રીતે રજા હોય પણ પછી સોમવારથી અઠવાડિયું શરૂ થાય. અગાઉ કહ્યું એમ બ્લૂ રંગ વફાદારી દર્શાવે છે. વફાદારી કોણ કરે? નોકરિયાત હોય એની પાસે વફાદારીની અપેક્ષા હોય છે. પણ સોમવારે કેટલું ય કામ ચઢી ગયું હોય. ટાર્ગેટ પૂરા કરો એવો બોસનો હઠાગ્રહ હોય. સહકર્મચારીઓ અસહકારનું આંદોલન છેડે.

ઉદાસી પીછો ન મેલે. અર્ધાંગ કે અર્ધાંગીનીએ ઘરનાં અનેક બાકી કામનું લિસ્ટ હાથમાં પકડાવી દીધું હોય. ચિંતાનું ચિંતન ચાલી રહ્યું હોય. આ મન્ડે બ્લૂ થવાનાં દ્યોતક છે. હવે પછી રજાનો દિવસ તો આઘે છે. ત્યાં સુધી પાંચ થી છ દિવસોનો ઢસરડો છે. ઘાણીનાં બળદની માફક ગોળ ગોળ ફરવાનું છે. ફરક એટલો કે અહીં તેલીબિયાં નહીં પણ જાત પિલાય છે અને આપણે મૂક પ્રેક્ષક બનીને જોયા કરવાનું છે.  

આમ એ કહેવાય મન્ડે બ્લૂ પણ શરૂ થઇ જાય સન્ડેની સાંજથી. વિચારી લેવું કે એ શું છે, જે ચિંતા કરાવે છે. વિચારશો તો ચિંતા નિવારણનાં વિકલ્પો મળી આવશે. મનને શાંતિ થશે. આવનારાં શનિ-રવિનો પ્લાન સોમવારથી જ બનાવી લેવો. મારું માનો તો ખરી મઝા એમાં જ છે. જગજીત સિંઘે ગાયેલી ફના નિઝામીની ગઝલનો શેર યાદ છે? वो मजा कहां वस्ल – ए- यार में, लुत्फ जो मिला इंतजार में.મિત્ર મિલન કરતાં એની રાહ જોવામાં વધારે મઝા પડે છે.

મિત્રો ભેગાં ફિલ્મ જોવી કે પછી ડીનર પાર્ટીનો પ્લાન અત્યારથી જ બનાવી શકાય. એવું પણ જરૂરી છે કે અઠવાડિયાનું કામ કશું પેન્ડિંગ ન રાખવું કે જેથી ઉઘડતી ઓફિસે એની તમને ચિંતા થવા માંડે. આ બોસ લોકો અઘરી માયા હોય છે. ઈ-મેઈલ કરીને ઘર બેઠાં હોમવર્ક પકડાવી દે છે. નેવર ચેક એ-મેઈલ ઇન ધ મોનગ. સોમવારની સવારે તો નહીં જ. રવિવારે મોડી રાતનાં ઉજાગરા ટાળવા. રવિવારની રાત પૂરતા વહેલાં સૂઈ જઈને સોમવારે સવારે વહેલાં ઊઠીને વીર થઇ જવું.

કસરત કરવી. સરસ નાસ્તો કરવો. અગાઉથી  ધોઈને ઈસ્ત્રી કરેલાં સારા કપડાં પહેરીને સોમવારે સવારે નોકરીએ જવું હિતાવહ. સંગીત સાંભળવું. જો કે દુ:ખિયારા ગીતોનો ત્યાગ કરવો. મનને ગમે એવું સંગીત મન્ડે બ્લૂ નિવારણ માટે અકસીર છે. સોમવાર છે તો થોડો ગુનો ય કરી શકાય. એકાદી ચોકલેટ ખાવાનો ગુનો…. અને સોમવારે કામ દરમ્યાન થોડાં નાના નાના બ્રેક લેવા જરૂરી છે.

અને હા, સ્મિત તો કરતાં જ રહેવું, જમણો હાથ છાતીની ડાબી બાજુ મુકી  ઓલ ઈઝ વેલ, ઓલ ઈઝ વેલ બોલતા રહેવું અને થેંક ગોડ, ઇટ્સ મન્ડે.. મંત્રનું રટણ કરતાં રહેવું. યાદ રહે મન્ડેનો કોઈ ઓપ્શન નથી. ર.પા.નાં શબ્દોમાં કહું તો આ પીડાની જાત્રા છે. એ ફન ટ્રિપ બને તો કુછ બાત બને.  હેં ને?

શબ્દ શેષ: ડીઅર મન્ડે, તારા શબ્દમાં ‘મન’ છે. ગુજરાતીમાં કહું તો મન એ લાગણીઓનું ઉદભવ સ્થાન છે. ફ્રેંચ ભાષામાં ‘મન’ એટલે મારો પોતાનો. તું મારો પોતાનો વાર છે યાર! તું વારંવાર આવે એવી મારી લાગણી છે.

લિ. તારો પોતાનો

હું.   

from Shatdal News – Gujarat Samachar : World’s Leading Gujarati Newspaper https://ift.tt/2Niy1K5

Leave a comment

Filed under ઘટના, પરેશ વ્યાસ