Daily Archives: જૂન 29, 2019

આ માણસ પુલો બનાવતો નથી, ઉગાડે

image.png

મોર્નિંગસ્ટાર, આ નામ

Article on WIKI

જરા અટપટું લાગે, પણ ખરેખર આ લેખ વાંચીને તમારી મોર્નિંગ ખરેખર સુધરી જશે, કારણ કે મુંબઇમાં રોજ અખબાર ખોલીએ તો ક્યાંકને ક્યાંક શહેરમાં બ્રિજ તૂટ્યાના, મરમ્મત કરવા માટે બંધ કરાયાના કે પછી ઑડિટમાં જોખમી પુરવાર થયાના સમાચાર જોવા મળે ખરાં. બીજી બાજુ મેઘાલયના કુદરતી પુલોનું આયુષ્ય જોઇને આપણને એમ થાય કે કાશ આવા દીર્ઘાયુ બ્રિજ શહેરમાં બનાવી શકાતા હોત તો કેવું સારું?

જોકે, આવા પુલ અત્યારે જોવા હોય તો તમારે મેઘાલયનો પ્રવાસ કરવો પડે. ત્યાંના જંગલોમાં સ્થાનિક પ્રજાને નદી-નાળા ઓળંગવા માટે ખૂબ ઉપયોગી આવા પુલો માટે નથી લોખંડ વપરાતું કે નથી સિમેન્ટ, છતાંય એમનેે આટલી મજબૂતી અને લાંબુ આયુષ્ય કેવી રીતે મળે છે એ જાણવું ખરેખર રસપ્રદ થઇ પડશે.

આવા કુદરતી પુલો બનાવવા માટે તમારે એક તો જોઇએ સોપારીના ઝાડના થડ અને બીજું રબર (ફાઇકસ ઇલેસ્ટિકા)નાં વૃક્ષોનાં જીવંત મૂળિયાં. સૌપ્રથમ નદીની ઉપર સોપારીના વૃક્ષોનું માળખું તૈયાર કરવામાં આવે છે. ત્યાર બાદ રબરનાં વૃક્ષોનાં મૂળિયાને આ ફ્રેમ સાથે વીંટાળવામાં આવે છે. આ જીવંત મૂળિયા વિકસતા વિકસતા એક છેડેથી બીજે છેડે પહોંચી જાય છે. સામે છેડે પહોેચીને પાછા જમીનમાં ખૂંપી જાય છે. સોપારીનું વાંસ જેવું થડ હોય કે રબરના આ મૂળિયા, બેઉના તાણાવાણાથી વણાયેલો આ પુલ પોતાની ઇલાસ્ટિસીટી (સ્થિતિ સ્થાપકતા)ના ગુણને લીધે ગમે તેટલું વજન ખમવા થતાંય ક્યારેય તૂટતો નથી. રબરનાં આ જીવંત મૂળિયાં ૧૦૦થી પણ વધુ ફૂટ સુધી આગળ વધી શકે છે. જે નદીઓના બેઉ કિનારાઓને જોડે છે. મેઘાલયના જંગલમાં આવો સૌથી મોટો પુલ ૧૭૫ ફૂટ લાંબો છે. જોકે, આવો પુલ કંઇ રાતોરાત નથી બની જતો તેને એક છેડેથી બીજે છેડે પહોંચતા અને સામેની જમીન સુધી પહોંચતા ૨૦-૩૦ વર્ષ તો લાગે છે. આ દરમ્યાન સોપારીના વૃક્ષના લાકડામાંથી જે ફ્રેમ બનાવેલી હોય છે તે બે-ત્રણ વર્ષે ભેજને કારણે કોહવાતી જાય ત્યારે તેને બદલતા રહેવું પડે છે. પણ એક વાર પેલા રબરના વૃક્ષોનાં મૂળિયાં સામે છેડે પહોંચી જાય પછી તો પાંચસો-છસો વર્ષ સુધી પોતાની માવજત પોતે જ કરતાં રહે છે. નવા મૂળ ફૂટતા જાય અને જૂના મૂળની જગ્યાએ ગોઠવાતા જાય. હવે આ પુલ પર લિટરલી તમારી સાત-સાત પેઢીઓ આરામથી ચાલી શકશે.

બસ, આવા પુલો બનાવવા અને તેનું સંવર્ધન કરતા રહેવા માટે જ મોર્નિંગસ્ટાર નામના ૨૩ વર્ષના આ યુવાને બીડું ઝડપ્યું છે અને લિવિંગ બ્રિજ ફાઉન્ડેશનની સ્થાપના કરી છે.

એક વખત સ્કૂલમાંથી કાઢી મૂકાયેલો આ યુવાન અને અત્યારે ઉપરોકત ફાઉન્ડેશનનો માલિક મોર્નિંગસ્ટાર કહે છે કે,‘આ પુલમાં વપરાતા સોપારીના બાંબુ બે-ત્રણ વર્ષમાં જ કોહવાઇ જાય છે. આવા લાકડાને બદલતા રહેવું પડે છે. જો ફ્રેમવર્ક બનાવવા માટે વપરાતા આવા બાંબુને વધુ સમય સુધી ટકાવી શકાય એવી કોઇ પદ્ધતિ શોધાય તો ઘણો ફાયદો થાય. આવા પુલો ઝડપથી ઉગાડી શકાય.’

પૂર્વ ખસી હિલ્સ ડિસ્ટ્રિક્ટના પીનુર્સલા તાલુકાના રંગથિલિંગ ગામનો વતની મોર્નિંગસ્ટાર પોતાની જાતને લિવિંગ બ્રિજ એક્ટિવિસ્ટ તરીકે જ ઓળખાવે છે. છેલ્લા પાંચ વર્ષથી તે આ જ કામ કરે છે. ભવ્યતમ વારસા જેવા પુરાણા પુલોનું સમારકામ અને નવા પુલોને ઉગાડવાનું કામ તે ગામેગામ ફરીને કરે છે. પૂર્વજોની આ પુલ ઉગાડવાની કળાનું મહત્વ તે સ્થાનિકોને સમજાવે પણ છે અને શીખવાડે પણ છે. સિેમેન્ટ કોંક્રિટના પુલોના જમાનામાં આવા જીવંત પુલોનું મહત્ત્વ ઘટતું જાય છે, પણ આ યુવાન કોઇ પણ ભોગે પૂર્વજોનો પ્રાચીન વારસો ટકાવી રાખવા માગે છે. આ એક સારી બાબત છે. મુંબઇ જેવાં અનેક શહેરોમાં આધુનિક રીતે પુલો બાંધ્યા પછી પણ પચાસ કે સો વર્ષમાં તેમની હાલત કેવી મડદાલ જેવી થઇ જાય છે તે આપણને ખબર છે તેની સામે આવા છસો વર્ષ સુધી ટકી રહેતા પુલો ખરા અર્થમાં જીવંત લાગે છે. વળી, આધુનિક પુલો કરતાં આવા પુલો બનાવવાનું સોંઘુ પણ પડે. તેમાં જોઇતા બેઉ પ્રકારના વૃક્ષો સ્થાનિક જગ્યાએ ઉપલબ્ધ છે. દૂર દૂરના શહેરોમાંથી કશું જ મંગાવવું નથી પડતું. મોર્નિંગસ્ટાર જે ગામમાં રહે છે ત્યાં આવા જીવંત પુલોની સંખ્યા સૌથી વધુ ૨૦ જેટલી છે.

તમને એમ લાગતું હશે કે આવા વૃક્ષોનું જતન કરવાનો વિચાર તેને પોતાના ખેડૂત પિતા કે અન્ય સ્થાનિકો પાસેથી આવ્યો હશે, પણ એવું નથી. ૨૦૧૪માં એક અમેરિકન પ્રવાસી પેટ્રિક રોજર્સ મેઘાલયનો આ વિસ્તાર ખૂંદવા આવ્યો હતો, તેણે આવા પુલો જાળવવાની પ્રેરણા આપી અને પૂરતો સહકાર પણ આપ્યો.

શિલોંગમાં ભણતા આ યુવાને ૨૦૧૬માં શાળા છોડી દીધા પછી આ પૌરાણિક પરંપરાનું જતન અને સંવર્ધન કરવાનું કામ જ હોંશે હોંશે સ્વીકારી લીધું છે. તે કહે છે કે આ બાબતે ઘરમાં થોડો ખટરાગ પણ થયો હતો, પણ મને તો આ જ કામમાં રસ પડવા લાગ્યો છે. તે કહે છે કે, અમારા ગામના બી.એ. કે એમ. એ. ભણેલા યુવાનો પણ બેકાર ફરી રહ્યા છે. પૈસા કે મોટી લાગવગ ન હોય તો નોકરીઓ મળવી મુશ્કેલ છે.

હાલમાં થઇ રહેલી ડિજિટલ ક્રાંતિથી મોર્નિંગસ્ટારના આ કાર્યને હવે વેગ અને પ્રસિદ્ધિ બેઉ મળી રહ્યા છે. પોતાના સ્માર્ટફોનની મદદથી એ સોશિયલ મીડિયા અને ફેસબુક દ્વારા આ પદ્ધતિનો પ્રચાર કરતો રહે છે. ૨૦૧૬માં જ્યારે તેણેલિવિંગ બ્રિજ ફાઉનેડેશનની સ્થાપના કરી. ત્યારે તો તે એકલો હતો, પણ આજે તેમાં ૧૦ જણા જોડાઇ ચૂક્યા છે. ૨૦૧૫માં તો આ વિસ્તારોમાં ટુરિઝમનો વિકાસ થાય અને સહેલાણીઓ આવે તેમની સગવડતા માટે કોંક્રિટની દીવાલો બનવા લાગી હતી. જોકે, આવા કોંક્રિટના સ્થાપત્યથી રબરના વૃક્ષોને પૂરતું પાણી પણ ન મળે અને મુરઝાય પણ જાય. ખાસ તો ટૂરિઝમના નામે અહીંનો ભવ્ય વારસો નાશ ન પામે તે માટે એ હવે ઝુંબેશ ઉપાડી રહ્યો છે અને ગામે ગામ ફરીને વૃક્ષોના પુલોની મહત્તા સમજાવી રહ્યો છે. મોર્નિંગસ્ટાર જે જે ગામમાં જાય છે ત્યાંના સ્થાનિક રહેવાસીઓ તેને આ કાર્યમાં ખૂબ મદદ કરે છે. અત્યારે તો ઘણી જગ્યાએ પાકા પુલ આવી ગયો છે. પણ અંતરિયાળ ભાગોમાં આવા પુલોનો આજે પણ ઉપયોગ થઇ રહ્યો છે. ગામડાઓના અમુક વરિષ્ઠ નાગરિકોને તો ઘણી વાર આ યુવાનને આવા જીવંત પુલો પર કામ કરતો જોઇ એવી પણ શંકા આવી હતી કે આ માણસ આ બધા પુલો તોડીને અહીં સિમેન્ટનો પુલ બનાવવા આવ્યો છે, પણ જ્યારે તેણે સ્પષ્ટતા કરી કે તે પુલ તોડવા નહીં પણ તેનું સમારકામ કરીને બચાવવા આવ્યો છે ત્યારે આ વડીલો ખૂબ ખુશ થઇ ગયા હતાંં અને ખૂબ સાથ-સહકાર આપવા લાગ્યા હતાં.

કોઇ વૃદ્ધ અત્યારે આંબો વાવે , પણ તેના ફળ તેના દીકરાને ચાખવા મળે. એમ મોર્નિંગસ્ટાર કહે છે કે અત્યારે હું જે ઝાડનાં મૂળિયાના પુલો ઉગાડી રહ્યો છું તેને પરિપૂર્ણ થતાં વીસ વર્ષ તો લાગશે. આ મારા માટે નથી પણ ભવિષ્ય માટે છે. પર્યાવરણના રક્ષણ માટે છે. તેના સંવર્ધન માટે છે એમ તે ગર્વથી કહે છે.

જોકે હવે તો માત્ર પુલ જ નહીંં પણ રબરવૃક્ષનાં મૂળિયાઓની આ વિશેષતાનો ઉપયોગ કરીને એ નિસરણી, દાદરાઓ, ઝૂલાઓ, બેસવાના મજાના બાંકડાઓ પણ બનાવી રહ્યો છે. મોર્નિંગસ્ટાર તો આને જીવંત સ્થાપત્યનું નામ આપે છે. સિમેન્ટ કોંક્રિટના બનેલા મુંબઇના સ્થાપત્યો જોઇને કંટાળ્યા હો તો મોઘાલયમાં આ જીવતા સાધનો જોઇ આવજો. અહીં આવતા સહેલાણીઓનો ગાઇડ બનીને ફરે છે કે ક્યારેક આ જીવંત પુલોની માવજત માટે ડોનેશન મળી રહે છે એ જ એની કમાણી છે. જોકે, તેને અત્યાર સુધી સરકારી ધોરણે કોઇ મદદ મળી નથી, પરંતુ ઘણી યુનિવર્સિટીમાં આ પદ્ધતિ વિશે સમજાવવા આમંત્રણ મળતાં થયાં છે.

આ વીસમી જુલાઇએ લિવિંગ બ્રિજ ફાઉન્ડોશનનો સ્થાપના દિવસ છે, એ દિવસે આ ફાઉન્ડેશન અહીંના જે જે સ્થાનિકોેએ તન-મન-ધનથી આ વારસો જાળવવા માટે મદદ કરી છે તેનું સન્માન કરવા ઇચ્છે છે. મોર્નિંગસ્ટારની તો ઇચ્છા છે કે આ પદ્ધતિ ફક્ત મેઘાલય પૂરતી સીમિત ન રહેતાં એ ભારતના બીજા રાજ્યોમાં પણ વિકસે.

વાહ, સોંઘામાં સોંઘી અને પર્યાવરણની રક્ષક એવી પુલો ઉગાડવાની પદ્ધતિ શહેરોમાં પણ ઉપલબ્ધ કરાવી શકાય એવી ટેકનિક મળી આવે તો કેવું સારું.

Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.

આ માણસ પુલો બનાવતો નથી, ઉગાડે છે!

Courtesy Pravin Kumar Patel <mapleview41@yahoo.com> wrote:

Leave a comment

Filed under ઘટના, પ્રકીર્ણ