Daily Archives: જૂન 30, 2019

બગાસું આવે તો સારું….Paresh Vyas

બગાસું આવે તો સારું….
બાપ દિવસે પાકિસ્તાનની પીટાઈ થઇ. યે તો હોના હી થા. વરસાદ વેરી થાય એવી વકી હતી, આવ્યો ય ખરો, પણ ડી/એલ પદ્ધતિથી પરિણામ આવ્યું. ભારત જીત્યું. સઘળું સરસ પણ અમને ગમ્યું જાહેરમાં ખાધું’તું એ બગાસું. વરસાદનાં બ્રેક પછી પાકિસ્તાનનાં કપ્તાન સરફરાઝ એહમદે વિકેટકિપીંગ કરતા ખાધું’તું એ બગાસું. ઈન્ટરનેટ ઉપર લોકોને પણ મઝા પડી. કોઈકે કહ્યું કે કાં તો એ રાતે ઊંઘી શક્યો નથી અથવા તો એણે રેઇન-બ્રેક દરમ્યાન વધારે પડતું ખાધું છે અને એટલે ઊંઘ આવે છે અથવા તો કંટાળો આવે છે. કોઈકે લખ્યું કે પાકિસ્તાનનાં વડાપ્રધાને કહ્યું’તું કે ટોસ જીતો, બેટિંગ કરો પણ ક્રિકેટ કપ્તાને જવાબમાં બગાસું ખાધું. અમને લાગ્યું કે બગાસું ખાધું તો ય પતાસું ન આવ્યું. વરસાદ જો ચાલુ રહ્યો હોત તો કદાચ એમ થાત. આ બગાસું સાલું છે શું?
ગુજરાતી લેક્સિકોન અનુસાર બગાસું એટલે ઊંઘ ભરાતાં કે કંટાળાને લીધે દીર્ધશ્વાસ લેતાં મોં ફાડવું તે; સુસ્તી કે ઊંઘથી એકાએક મોં ફાટવું તે; ઊંઘની તૈયારી ઉપર એકાએક રહી રહીને મોં ખેંચાઈ ઊઘડવું તે; મુખવિકાસ. બગાસું કુદરતી વેગ છે. તેને અટકાવવાથી ડોક ઝલાઈ જાય, અંગ ભાંગે, ચામડી શૂન્ય જેવી થાય, સાંધાઓ સંકોચાય તેમ જ આંખ, નાક, મોં અને કાનનાં દરદ ઉત્પન્ન થાય. આ ક્રિયામાં શ્વાસકેંદ્રના કાર્ય ઉપર મનુષ્યની લાગણીઓની અસર થાય છે. માણસ દિલગીરીમાં શાંત રીતે બેસી રહ્યો હોય અને તેના લોહીમાં કચરો વધ્યો હોય તો કુદરત તેને એક ઊંડો શ્વાસ લેવડાવે છે અને વધારે હવા અંદર મોકલી વધારે પ્રાણવાયુથી લોહી શુદ્ધ કરી નાખે છે. ભૂંડ, કૂતરાં, મગર, સર્પ, માછલી પણ બગાસું ખાતા હોય છે. એક બગાસું સરેરાશ ૬ સેકન્ડ્સ ચાલે છે. દાંત બંધ રાખીને બગાસું ખાઈ શકાતું નથી. બગાસું ખાવું મને ગમે છે, એવું ૧૦માંથી ૮.૫ લોકો કહે છે.
‘ફીઝીઓલોજી એન્ડ બિહેવીયર’ નામક સાયન્ટીફીક જર્નલમાં બગાસાં વિષે એક રીસર્ચ થયાનો તાજો અહેવાલ છપાયો છે. ૯૨ જેટલાં પૂર્વસ્નાતક વિદ્યાર્થીઓ પર કરવામાં આવેલાં પ્રયોગમાં એમને ગળા ઉપર અલગ અલગ પટો પહેરાવ્યો. કોઈકને ઠંડો (૪ ડીગ્રી સે.), તો કોઈને રૂમ તાપમાન (૨૨ ડીગ્રી સે.), તો કોઈને ગરમ ( ૪૬ ડીગ્રી સે.) પટો. એ અનુસાર મગજમાં લોહી લઇ જતી નસથી મગજની ગરમી ઘટી, એટલી જ રહી અથવા તો વધી. પછી એમને બગાસું ખાતા હોય એવા લોકોની વિડીયો દેખાડી. બગાસું હાસ્યની માફક ચેપી હોય છે. કોઈને બગાસું ખાતા જુઓ એટલે બગાસું આવે. પ્રયોગમાં પછી જોવા મળ્યું કે જેમનું મગજ ઠંડુ હતુ એમને ઓછા બગાસાં આવ્યા. એવું પણ જોયું કે ગરમ મગજનાં વિદ્યાર્થીઓએ બગાસું ખાધા પછી તેઓનાં મગજને પ્રાણવાયુ મળ્યો, ઠંડક વળી એટલે પછી એમને ઓછા બગાસાં આવ્યા. ટૂંકમાં બગાસું આવે તો ખાઈ લેવું. દિગ્ગજ કવિ રમેશ પારેખ ભલે કહે કે બગાસું ખાઉં તે પહેલા તું બીડી પાઇ દે, સાકી.! પણ મગજ તપતું હોય ત્યારે બીડી પીવા કરતાં બગાસું ખાવું સ્વાસ્થ્ય માટે હિતાવહ છે.
ડૉ. રાધિકા ટિક્કુનું એક અછાંદસ કાવ્ય- ‘સ્નેહવેલને નવપલ્લવિત કરવા જેવું હું જળ ઉમેરું છું ત્યાં જ તારા અપારદર્શક ચહેરા ઉપર બગાસું ઊગે છે’- ટેકનિકલી સાચું નથી. કારણ કે બગાસું એ એક્ચ્યુલી પ્રેમની નિશાની છે. અજાણ્યો જણ બગાસું ખાય તો સામું બગાસું કદાચ ન આવે પણ પ્રેમી કે ઓળખીતો જણ બગાસું ખાય તો સામું બગાસું જરૂર આવે છે. બગાસું મનનું સ્ટિમ્યૂલન્ટ છે. સ્ટિમ્યૂલન્ટ એટલે તાત્કાલિક માનસિક અને શારીરિક સ્ફૂર્તિ આણે એવો ઉદ્દીપક પદાર્થ. માટે ચા કોફીની જગ્યાએ બગાસું ખાવ તો મફતમાં સ્ફૂર્તિ મળી જાય. કાનમાં દુ:ખે છે? અસુખ લાગે છે? સાંભળવામાં તકલીફ પડે છે? બગાસાં ખાઓ. બગાસું ખાવાથી કાનમાં હવાનું દબાણ સમતોલ થાય છે એટલે રાહત મળે છે. લાફ્ટર (હાસ્ય) ક્લબની સાથે યોનિંગ (બગાસાં) ક્લબ પણ શરૂ કરવી જોઈએ એવું અમારું યોનજ્ઞાન કહે છે. બગાસું ખાવાથી લોહીમાં પ્રાણવાયુ ભળે, અંગારવાયુ ટળે, ટૂંકમાં.. મઝા પડે. હેં ને?

Leave a comment

Filed under ઘટના