Daily Archives: જાન્યુઆરી 6, 2020

રીડ: વાંચો તો જાણો પરેશ વ્યાસ

રીડ: વાંચો તો જાણો

વાંચવું-લખવું અમારે નિત્યક્રમ જેવું જ છે,
એ ભજન જેવું જ છે ને એ ધરમ જેવું જ છે.
– ભરત ભટ્ટ ‘પવન’

શશી થરૂર થિરુવનંતપુરમનાં સાંસદ છે, ભાષાને ભણેલાં છે, શબ્દોને એમને સહજ રીતે જડેલા છે. ગયા અઠવાડિયે એમણે એક વિડીયો ટ્વીટ કર્યો, જેમાં એક દસમાં ધોરણનો વિદ્યાર્થી એમને કોઈ એક ઇગ્ઝૉટિક શબ્દ કહેવા કહે છે. ‘ઇગ્ઝૉટિક’ એટલે પરદેશમાંથી આયાત કરેલું, વિલાયતી, વિચિત્ર, ઓર તરેહનું. જવાબમાં કોઈ અઘરો શબ્દ આવી ચડશે એવી અપેક્ષા હતી પણ શશી થરૂરે એક જૂનો અને જાણીતો શબ્દ કહ્યો: ‘રીડ’. તેઓનાં મતે આ એક જ રીત હતી શબ્દકોશમાં પારંગત થવાની. કોઈને એવું લાગતું હશે કે આ માણસ રોજ રોજ ડિક્સનરી વાંચ્યા કરતો હશે. પણ એમણે ભાગ્યે જ ડિક્સનરી ખોલીને વાંચી છે. એમણે એક જ કામ કર્યું છે. એમણે વાંચ્યું છે. ભરપૂર વાંચ્યું છે. આ બધા શબ્દોનું જ્ઞાન, આ સાચો શબ્દ સાચી જગ્યાએ કહેવાનું જ્ઞાન, એમને એમનાં વ્યાપક વાંચન કરવાથી મળ્યું છે. અને વાંચવાનાં કારણમાં તો ભાઈ એવું કે તેઓ એવાં ભારતમાં રહેતા હતા કે જ્યાં ટેલિવિઝન નહોતું, કમ્પ્યુટર નહોતું, વિડીયો ગેમ્સ નહોતી, મોબાઈલ ફોન નહોતા. એક માત્ર હતું તે…પુસ્તકો, પુસ્તકો અને પુસ્તકો. વાંચવું હવે મુહાલ છે. માણસ એટલે બેહાલ છે. અમને મોદીસાહેબનો ‘વાંચે ગુજરાત’ અભિનવ ઉપક્રમ યાદ આવે છે. તે સમયે એવો જોક પણ પ્રચલિત થયો હતો કે આ તો ગુજરાતે વાંચવાનું છે, ગુજરાતીઓએ નહીં! આજે ‘રીડ’(Read)ની શબ્દસંહિતા રજૂ કરવાનું સદભાગ્ય મને મળ્યું, ધન ઘડી ધન ભાગ.
ગુજરાતી લેક્સિકોન અનુસાર ‘રીડ’ એટલે વાંચવું, વાંચતાં આવડવું, મનમાં કે મોટેથી વાંચવું, ભણવું, કોઈ વિષયનો અભ્યાસ કરવો, વાંચતાં અર્થ થવો, વાંચતા અર્થ બતાવવો, દૃક્ચિહ્નોનો અર્થ સમજવો (જેમ કે નકશો વાંચવો), આગાહી કરવી, ભાવી કહેવું, અટકળ બાંધવી, –નું મહત્ત્વ સમજાવવું, -નો અર્થ સમજાવવો. રીડ શબ્દનાં વિવિધ અર્થને ધ્યાનપૂર્વક વાંચીએ તો ખ્યાલ આવે કે માનવજાત માટે આ કેટલી ગહન વાત છે. અમે અક્ષર જ્ઞાનની વાત કરતા નથી. અમે શબ્દ જ્ઞાનની વાત કરીએ છે. લખતાં વાંચતાં આવડે એની વાત નથી. વાત એ છે કે વાંચવાની વૃત્તિ જોઈએ. ઘણું વાંચવાની પ્રવૃત્તિ જોઈએ. ઇંગ્લિશ લેખક, નિબંધકાર જોસેફ એડિશન (૧૬૭૨-૧૭૧૯) કહેતા કે વાંચવું મન માટે એવું જ છે જેવું વ્યાયામ તન માટે. વાત સાચી છે. વાંચશો નહીં તો મન માંદુ પડી જશે.
રીડ એક જટિલ મનન કે ચિંતનકારી વિધિ છે, જેમાં ભાષાનું જ્ઞાન અને જ્ઞાનનું આદાનપ્રદાન થાય છે. માહિતી અને વિચારો લોકો સુધી પહોંચે છે. ગમે ત્યાં રહીને વાંચી શકાય. ઘર કે ઘરની બહાર, સ્કૂલ કે કામકાજનાં સ્થળે વાંચવું હરદમ હિતકારી છે. તમે તમારી સાથે હો છો જ્યારે તમે વાંચો છો. સ્કૂલ કે નોકરીધંધામાં વાંચવું ભલે આનંદ ન પમાડે પણ હળવાશની પળોમાં, નવરાશની પળોમાં, વાંચો તો વાંચવું મજેદાર છે. અમેરિકામાં કુલ વયસ્ક લોકો પૈકી ૫૦% લોકો વર્ષમાં એક કે વધારે પુસ્તકો વાંચે છે. ૫% એવાં છે જે વર્ષમાં ૫૦થી વધારે પુસ્તકો વાંચે છે. વધારે ભણ્યાં હો, સરળતાથી વાંચવા સક્ષમ હોવ, શહેરમાં રહેતા હો અને સામાજિકઆર્થિક રીતે અગ્રેસર હોવ તો તમે વધારે વાંચો છો. ભાઈઓ કરતા બહેનો અક્સર વધારે વાંચતાં જોવા મળે છે. ના, ભારતનાં લોકો કેટલું વાંચે છે એનાં ઓથેન્ટિક આંકડા અમને મળ્યા નથી. પણ સ્થિતિ બહુ સારી નથી, એવું ધારી શકાય છે.
વાંચવાની અનેક પદ્ધતિઓ છે. તમે વાંચતી વખતે મનોમન, શબ્દો કે વાક્યોનું રટણ કરતા જાઓ, જાણે કે તમે બોલી રહ્યા છો, એ પદ્ધતિને સબવોકલ (ગૌણઉચ્ચારણ) કહેવાય છે. આ પદ્ધતિમાં વાંચવાની ઝડપ ઓછી હોય છે પણ પુસ્તક અઘરું હોય તો સમજવું અને યાદ રાખવું સરળ થઇ જાય છે. બીજી પદ્ધતિ સ્પીડરીડિંગ (વેગવાંચન) છે. જરૂરી શબ્દો તારવીને, બાકી બધું ગપચાવીને વાંચી કાઢવું. લેખકો ય આજકાલ એકની એક વાત લંબાણપૂર્વક લખે છે. પાનાઓનાં પાનાં વાંચીએ પણ વાર્તા ત્યાં જ અટકીને (કે લટકીને!) પડી હોય છે. ત્યારે વાંચન કૂદકો મારવો લાઝમી છે. ત્રીજી પદ્ધતિ છે ઇન્ક્રીમેન્ટલરીડિંગ (વાર્ધિકવાંચન). કોઈ વાત જે તમે લાંબા સમય સુધી યાદ રાખવા ઈચ્છતા હો તો એ લખાણનાં અગત્યનાં હિસ્સાઓ અલગથી તારવીને છૂટક છૂટક અનેક વાર વાંચવું, જેથી યાદ રહી જાય. આપણી દેશી ભાષામાં તમે એને સમજીને કરેલી ગોખણપટ્ટી કહી શકો! ચોથી પદ્ધતિ છે: પ્રૂફરીડિંગ (ખરડોવાંચન). છપાતા પહેલાં જોડણી ભૂલો કે વાક્ય રચના ભૂલો સુધારવા વાંચવું તે. અહીં વાંચવાનો હેતુ જ્ઞાનપ્રાપ્તિ નથી પણ ભૂલસુધાર છે. અને છેલ્લે રી-રીડિંગ (પુનઃવાંચન). પુસ્તકને એકથી વધારે વાર વાંચવું તે. પહેલી વાર વાંચો તો વાર્તાનું માળખું અને એની ઘટના જ સમજાય. પણ બીજી વાર વાંચો તો એની સાથે તમે વધારે ઈમોશનલી કનેક્ટ કરી શકો. તમે એને સમજી શકો, જાણી શકો, જીવનમાં ઉતારી શકો. જાણીતા લેખક વ્લાદામિર નોબાકોવ કહેતા કે પુસ્તકને તમે રીડ ન કરી શકો, તમારે એને રી-રીડ જ કરવું પડે. તમે કહેશો કે આ તો બહુ કરી. અહિંયા એક વાર વાંચવાનો ટેઈમ નથી ત્યાં એકનું એક ફરી વાંચવા કહે છે. પણ સાહેબ, આપને હાથ જોડીને વિનંતિ છે કે આપ વાંચજો.
જો ભગવાન મને પૂછે કે તું હવે રીટાયર થયો છે, તને એક મનોરોગ આપવો છે. પણ રોગની પસંદગી તું કર. તો હું તરત કહું કે ભગવાન, મને એબિબ્લિઓફોબિયા(Abibliophobia) નામક રોગ દેજે. ફોબિયા એટલે ડર. મને હંમેશા બીક લાગે કે મારે વાંચવું છે પણ ઘરમાં પુસ્તકો જ નથી. છે એ બધા હું રીડ અને રી-રીડ કરી ચૂક્યો છું. રાત પડી ગઈ છે. બૂકશોપ બંધ થઇ ચૂકી છે. હું ઈ-પુસ્તક ઓનલાઈન ખરીદી શકું પણ વાઈફાઈ કામ કરતુ નથી. હું શું વાંચું? પેટમાં ભૂખ નથી. વાંચવાની ભૂખ લાગી છે. મગજનો ખાડો પૂરવા બે ટંક (ટ્રંક!) પુસ્તકો તો જોઈએ ને? ટીવી મને ગમતું નથી. એકતા કે અર્નબ મને એકનાં એક લાગે છે. હું શું કરું? ક્યાં જાઉં? કોને કહું?

શબ્દશેષ:

“ટેલિવિઝને મને ઘણી વિઝન્સ (દૂરદૃષ્ટિ) આપી હતી. પણ હું મારી પોતાની કોઈ વિઝન સર્જી શક્યો નહોતો જ્યાં સુધી હું વાંચક નહોતો બન્યો.” -લેખક શિક્ષક બેરી લેઈન

Image may contain: 1 person, sitting and shoes

Leave a comment

Filed under પરેશ વ્યાસ