Daily Archives: જાન્યુઆરી 7, 2020

લાયે સંજીવન લખન જિયાયે- પણ સોનાક્ષીને એ ખબર નથી.

લાયે સંજીવન લખન જિયાયે- પણ સોનાક્ષીને એ ખબર નથી.

રમેશજીનાં ઊડી ગયા ફુરચા – ફુરચા
જ્ઞાન ખાબક્યું જાત વિશે લશ્કરની જેમ – રમેશ પારેખ

કેબીસીમાં સોનાક્ષી સિંહાનાં ફુરચા ઊડ્યા. સોનાક્ષી સ્યોર નહોતી કે હનુમાનજી પર્વત ઊંચકીને લાવ્યા એની ઉપરની જડીબુટી કોને વાસ્તે હતી? કોણ હતું જે બેહોશ હતું અને જેને માટે સંજીવની સારવાર જરૂરી હતી? પણ જુઓને….હનુમાનજી ય સ્યોર નહોતા. એટલે જ તો આખો પર્વત ઉપાડી લાવ્યા હતા. અમિતાભ બચ્ચને બિચારી સોનાક્ષીને ખોટો ટોણો માર્યો કે તમારા કાકાબાપાનાં નામ રામ ફેમિલી ઉપરથી છે. તમારું ઘરનું નામકરણ રામાયણ છે. અને તમને આટલી ય ખબર નથી? સોનાક્ષી ‘ડમ્બ’ છે એવી મજાક થઇ રહી છે. ડમ્બ એટલે ડોબું, મંદબુદ્ધિ. શું સોનાક્ષી ડોબી છે?. સોનાક્ષીએ જો કે ઓનલાઈન ટ્રોલનો સરસ જવાબ આપ્યો. મારી મજાક ઊડાવો, ઔર ટોણા મારો. પાયથાગોરસ થીયોરમ મને યાદ નથી, મર્ચન્ટ ઓફ વેનિસ વિષે હું કાંઈ જાણતી નથી, અકબરનો બાપ હુમાયું? કે હુમાયુંનો બાપ અકબર?- એ મને ખબર નથી. અરે, શું યાદ નથી, એ પણ યાદ નથી…. અમને એમ કે સોનાક્ષી એમની મજાક ઊડાવનારાઓ પર ગુસ્સે થશે, એમને માબહેનની(કે બાપભાઈની) સંભળાવશે. પણ સોનાક્ષીએ અક્કલથી કામ લીધું. મજાકસે ડર નહીં લગતા સાહેબ..પ્યારસે લગતા હૈ…
વાંક અમિતાભનો છે. ટ્રોલ તો એમને કરવા જોઈએ. અમિતાભ બચ્ચનને એ સાદી સીધી વાત ખબર નથી કે આજની પેઢી ઉર્ફે મિલેનિયલ્સને કશું યાદ નથી. કશું યાદ રહેતું નથી. કશું યાદ રાખવાની જરૂરિયાત નથી. ગૂગલ છે ને? મગજ કસવાની જરૂર નથી. ફોન હાથવગો છે. ઈન્ટરનેટ વાઈફાઈવગુ છે. ફટ દઈને ‘હનુમાન’ કે ‘સંજીવની’ ટાઈપ કરો કે સટ દઈને ઉત્તર મળી જાય કે મૂર્છિત હતા એ લક્ષ્મણ હતા. સોનાક્ષીની પેઢીનાં યુવક યુવતી કહે છે કે અમને ખબર એટલે નથી કારણ કે એમ કરવાની જરૂર હવે નથી. કહે છે કે માણસને પહેલાં પૂંછડી હતી પણ કાળક્રમે એની જરૂરિયાત ન રહેતા હવે એ ઘસાઈ ગઈ. હવે માણસો બાંડાં પેદા થાય છે અને એની કોઈને નવાઈ નથી. બસ એમ જ કે હવે યાદ રાખવાની જરૂરિયાત નથી. ટેકનોલોજી આપણી જિંદગીનું આમૂલ પરિવર્તન કરી રહી છે, કરતી રહેશે. જો કે આપણે એ માટે સજ્જ થવાની જરૂરિયાત છે.
મગજ કસવું પડશે. જો તમે એનો ઉપયોગ નહીં કરો તો એ કામ કરવાનું બંધ કરી દેશે. આપણે કસરત શું કામ કરીએ છીએ? કારણ કે શરીરનાં સ્નાયુઓને ટેવ પડે કે દોડવાનું છે, વળવાનું છે, પકડવાનું છે, હલવાનું છે. બેઠાડું જીવન થઇ જાય તો શરીરની સ્ફૂર્તિ ય જતી રહે. મગજનું પણ એવું જ છે. જો તમે એને કસવાનું છોડી દેશો તો એની ય સ્ફૂર્તિ જતી રહેશે. એટલે વખતો વખત બિન-ગૂગલ હરકત કરતા રહેવું આવશ્યક છે. લેખક વિલિયમ પાઉન્ડસ્ટોનનાં એક પુસ્તકનું શીર્ષક છે: ‘હેડ ઇન ધ કલાઉડ: વ્હ્યાય નોઈંગ થિંગ્સ સ્ટિલ મેટર્સ વ્હેન ફેક્ટસ આર ટૂ ઇઝી ટૂ લૂક અપ’. યસ, આખી પેઢીનું માથું વાદળમાં છે અને આ વાદળું ઈન્ટરનેટનું છે. પણ શીર્ષકમાં જ તેઓ કહે છે કે તેમ છતાં જાણવું જરૂરી છે. આ પુસ્તક વાંચવા જેવું છે. યસ, ઈન્ટરનેટ તો છે પણ તમને એ તો ખબર હોવી જોઈએ ને કે ગૂગલ ખૂલે ત્યારે શું લખવું? ગૂગલ તો જ્ઞાનની દીવાલ છે. ‘હનુમાન’ કે ‘સંજીવની’ને તમે એ દીવાલની ઈંટ કહી શકો. પણ રામાયણ શું છે? એની તો ખબર હોવી જ જોઈએ. મગજ જે જાણતું નથી એ સામે હોય તો પણ આંખ એને જોઈ શકતી નથી. અને એ પણ તો છે કે ઘણી વાતો ઈન્ટરનેટ પર છે, જે માત્ર અભિપ્રાય છે. સત્ય કાંઈ જુદું જ છે. કોઈ અભિપ્રાય રીપીટ થયા કરે તો એ સત્ય બની જાય. હા, કદાચ આવું હોય પણ ખરું! અને આપણે બધું તો ન જ જાણી શકીએ. પણ કેટલુંક બેઝિક જ્ઞાન હોવું જરૂરી છે. રામાયણ શું છે? એ વિષે સોનાક્ષી જો બે વાક્યો બોલી શકે તો સોનાક્ષીનાં જ્ઞાનમાં કોઈ ખામી નથી. ઈન્ટરનેટનાં ટ્રોલિયાઓએ એ સમજવું જોઈએ. ખામોશ….!

Image may contain: 2 people, eyeglasses

Leave a comment

Filed under ઘટના, પરેશ વ્યાસ, પ્રકીર્ણ