Daily Archives: જાન્યુઆરી 12, 2020

દિગ્ગજ સંગીતકાર સચિનદેવ બર્મન

દિગ્ગજ સંગીતકાર સચિનદેવ બર્મન

હિન્દી-બંગાળી ફિલ્મોના દિગ્ગજ સંગીતકાર સચિનદેવ બર્મનને આ જગતમાંથી વિદાય લીધાને ૪૪ વર્ષ થયાં. ૩૧ ઓક્ટોબર, ૧૯૭૫ના રોજ તેમનું નિધન થયું હતું. લતા, રફી, કિશોર કુમાર, હેમંત કુમાર, આશા ભોસલેને તેમના શ્રેષ્ઠ ગીતો આ સંગીતકારે આપ્યાં હતાં. તેમનું સૌથી મોટું પ્રદાન એટલે તેમના દ્વારા તૈયાર થયેલા અદભુત સંગીતકાર દીકરા રાહુલદેવ બર્મન.
૧ ઓક્ટોબર, ૧૯૦૬ના રોજ ત્રિપુરાના રાજવી પરિવારમાં સચિનદેવનો જન્મ થયો હતો. તેમનો જન્મ આજના બાંગલા દેશના કોમિલ્લા મુકામે રાજકુમારી નિર્મલા દેવી અને મહામાન્યબર રાજકુમાર નબદ્વીપચંદ્ર દેવ બર્મનને ત્યાં થયો હતો. માતા મણીપુરના રાજકુમારી અને પિતા ત્રિપુરાના મહારાજા ઈશાનાચન્દ્ર માનીકય દેવ બર્મનના રાજકુમાર હતા. સચિન પાંચ ભાઈઓમાં સૌથી નાના હતા. તેમના માતા-પિતાને કુલ નવ સંતાનો હતાં. સચિનની બે વર્ષની વયે માતાનું નિધન થયું હતું. રાજવી અને ધનવાન પરિવારોના સંતાનો માટેના અગરતાલાના કુમાર બોર્ડીંગમાં સચિનનો અભ્યાસ શરુ થયો હતો. મહારાજા પિતાજીને લાગ્યું કે ત્યાના શિક્ષકો શિક્ષણ કરતા કુંવરોને લાડ વધુ લડાવે છે, માટે ત્યાંથી ઉઠાડી સચિનને કોમિલ્લા જીલ્લાની શાળામાં દાખલ કરાયા હતા. જ્યાંથી મેટ્રિક થઇ સચિન વિક્ટોરિયા કોલેજ, કોમિલ્લામાંથી ૧૯૨૪માં બી.એ. થયા હતા. તેઓ એમ.એ. થવા કોલકાતા ગયા પણ સંગીતનો શોખ ફોર્મલ શિક્ષણથી આગળ નીકળી ગયો. સંગીતની પાંચ વર્ષની તાલીમ સંગીતકાર કે.સી. ડે પાસે મળી. પછી સારંગીના ઉસ્તાદ બાદલ ખાન, સારોદવાદનના ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાન પાસે પણ તાલીમ લીધી.
બંગાળી ફિલ્મોમાં સંગીત આપીને ૧૯૩૭માં તેમણે સંગીતકાર રૂપે કરિયર શરૂ કરી હતી. ૪૨ વર્ષની કરિયરમાં તેમણે સો જેટલી ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. તેમણે ઉપશાસ્ત્રીય અને લોકશૈલીમાં ૧૪ હિન્દી અને ૧૩ બંગાળી પ્રભાવિ ગીતો પણ ગાયા.
સચિનદા પાસે પૂર્વોત્તરનું મધુર લોક સંગીત હતું અને બંગાળના રવીન્દ્ર સંગીતની સાદગી પણ હતી. તેઓ આસાનીથી શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, લોક સંગીત સાથે સંગીત નિયોજન કરતા. પારંપરિક વાદ્યો, જેવાંકે બાંસુરી, સિતાર, સંતૂર જેટલી જ સરળતાથી ગિટાર, સેક્સોફોન જેવા પાશ્ચાત્ય વાદ્યોનો પણ ઉપયોગ કરી શકતા. તેમની પાસે તાલ વાદ્યોનું અદભુત વૈવિધ્ય હતું.
એમના રાજવી પિતા અને સિતારવાદક નબદ્વીપચંદ્ર દેવ બર્મન પાસે સચિનદેવને શાસ્ત્રીય સંગીતનું જ્ઞાન મળ્યું હતું. પછી અન્ય પંડિતો-ઉસ્તાદો પાસે પણ શીખ્યા. કોલકાતા યુનિવર્સીટીમાંથી બી.એ. થયા બાદ ૧૯૩૮માં તેમણે ગાયિકા મીરાદેવી સાથે લગ્ન કર્યા હતા. તેના બીજા વર્ષે રાહુલદેવનો જન્મ થયો હતો. રાહુલ બાળપણથી જ સચિનદાના સહાયક રહ્યા, પરિણામે રાહુલને ભારતીય અને પાશ્ચાત્ય બંને સંગીતનો વારસો મળ્યો હતો. વળી એનો સુપ્રભાવ સચિનદાના ગીતોમાં પણ જોવા મળે છે. સચિનદા માનતા કે ફિલ્મ સંગીત એ શાસ્ત્રીય સંગીતનું કૌશલ બતાવવાનું માધ્યમ નથી. સચીનદેવે આરંભમાં રેડીઓ પર પૂર્વોત્તર લોક સંગીતકાર અને ગાયક રૂપે કામ કર્યું. ૧૯૪૪માં શશધર મુખરજીના આગ્રહ પર ઈચ્છા વિરુદ્ધ બે ફિલ્મો ‘શિકારી’ અને ‘આઠ દિન’ના સંગીત માટે મુંબઈ આવ્યા. ‘દો ભાઈ’, ‘વિદ્યા’ અને ‘શબનમ’ પછી પણ તેમની ઓળખ ન બનતા તેઓ પાછા કોલકાતા જવા માંગતા હતા, પણ અશોક કુમારે તેમને રોક્યા. પછી દેવ આનંદની ઘરેલું નિર્માણ સંસ્થા નવકેતનના ‘અફસર’થી નવી શરૂઆત થઇ. પછી દાદાએ પાછું વળીને જોયું નહોતું.
બર્મનદાદા જે ફિલ્મોના સંગીત માટે યાદ રહેશે તે ફિલ્મો: ‘દો ભાઈ’, ‘સઝા’, ‘બાઝી’, ‘જાલ’, ‘ટેક્સી ડ્રાઈવર’, ‘દેવદાસ’, ‘મુનીમજી’, ‘ફંટૂશ’, ‘પેઈંગ ગેસ્ટ’, ‘પ્યાસા’, ‘નૌ દો ગ્યારાહ’, ‘ચલતી કા નામ ગાડી’, ‘કાલા પાની’, ‘સુજાતા’, ‘કાલા બઝાર’, ‘બંદિની’, ‘મેરી સૂરત તેરી આંખેં’, ‘તેરે ઘર કે સામને’, ‘તીન દેવિયાં’, ‘ગાઈડ’, ‘જુવેલ થીફ’, ‘તલાશ’, ‘આરાધના’, ‘પ્રેમપૂજારી’, ‘ગેમ્બલર’, ‘શર્મીલી’, ‘તેરે મેરે સપને’, ‘અભિમાન’, ‘પ્રેમનગર’, ‘ચુપકે ચુપકે’, ‘મિલી’.
સચિનદા એક માત્ર એવા સંગીતકાર હતા, જેમણે રફી અને કિશોર કુમાર પાસે લગભગ સરખી સંખ્યામાં ગીતો ગવડાવ્યાં હતાં. તેઓ કિશોર કુમારને પોતાના બીજા દીકરા જેવા માનતા. કિશોર કુમારે કબુલ કર્યું છે કે તેમને પહેલી તક સચિનદા એ આપી હતી. ‘મિલી’ના ‘બડી સુની સુની હૈ’ ગીતની પ્રેક્ટીસ બાદ સચિનદા ને સ્ટ્રોકનો હુમલો થયેલો. ત્યારે તેમની સાથે હોસ્પિટલમાં જઈને કિશોર કુમારે કહ્યું હતું કે ‘દાદા, ચિંતા ન કરતા, રેકોર્ડીંગ ત્રણ દિવસ પછી છે, તે સારી રીતે થઇ જ જશે, પહેલાં તમે સારા થઇ જાવ.’ એ તેમના શ્રેષ્ઠ ગીતો પૈકીનું એક બની રહ્યું. સચિનદા મોડી રાત્રે કિશોર કુમારને ફોન કરીને બનાવેલી નવી ધૂન સંભળાવતા અને કિશોરને તે સાથે ગાવાનું પણ કહેતા. ભારતના મહાન ક્રિકેટર સચિન તેન્દુલકરનું નામ તેમના દાદાએ ‘સચિન’ રૂપે પાડ્યું હતું, જેઓ સચિનદાના ફેન હતા. સચિનદાની ગીતોની તર્જ બનાવવાની રીત નોખી હતી. જયારે ઘણાંખરા સંગીતકારો હાર્મોનિયમ કે પિયાના પર ગીતોની તર્જ બનાવતા ત્યારે સચિનદા તાલ વડે, તે પણ હાથની તાળી વગાડીને જ તર્જ બનાવતા. તેઓ પાનના શોખીન હતા. તેમના પત્ની તેમને માટે ખાસ ‘કેવડાના ફૂલ’વાળું પાન બનાવતા, જેની સુગંધથી તેઓ મઘમઘતા રહેતા. તેઓ પોતાના પાન ખૂટી પડવાના ડરે બીજા કોઈને પાન આપતા નહીં. તેમનું પહેલું જીવનચરિત્ર અંગ્રેજીમાં આવ્યું, ‘ઇનકમ્પેરેબલ સચિન દેવ બર્મન’, જે એચ.કયુ. ચૌધરીએ લખ્યું હતું અને ઢાકાના તોઇતૂમ્બર દ્વારા પ્રકાશિત થયું હતું.
એસ ડી બર્મનના યાદગાર ગીતો: મેરા સુંદર સપના બીત ગયા (દો ભાઈ), યે રાત યે ચાંદની (જાલ), જાયે તો જાયે કહાં (ટેક્સી ડ્રાઈવર), જીવન કે સફર મેં (મુનીમજી), દુઃખી મન મેરે (ફંટૂશ), છોડ દો આંચલ (પેઈંગ ગેસ્ટ), આંખો મેં ક્યા જી (નૌ દો ગ્યારાહ), જાને વો કૈસે (પ્યાસા), હમ બેખુદી મેં (કાલા પાની), હૈ અપના દિલ (સોલવા સાલ), સુન મેરે બંધુ રે, તુમ જીઓ હજારો સાલ (સુજાતા), વક્તને કિયા ક્યા હસીં (કાગઝ કે ફૂલ), હાલ કૈસા હૈ (ચલતી કા નામ ગાડી), ખોયા ખોયા ચાંદ (કાલા બઝાર), કાંટો સે ખીંચ કે, પિયા તોસે નૈના લાગે રે, દિન ઢલ જાયે (ગાઈડ), આસમાં કે નીચે (જુવેલ થીફ), પૂછો ના કૈસે (મેરી સૂરત તેરી આંખેં), ખ્વાબ હો તુમ (તીન દેવિયાં), દિલ કા ભંવર કરે (તેરે ઘર કે સામને), રૂપ તેરા મસ્તાના (આરાધના), ફૂલોં કે રંગ સે, રંગીલા રે, શોખીયો મેં ઘોલા જાયે (પ્રેમ પૂજારી), ખિલતે હૈ ગુલ, મેઘા છાયે આધી રાત (શર્મીલી), તેરે મેરે મિલન કી (અભિમાન).
(ઓક્ટોબરના સિતારા – નરેશ કાપડીઆ – પુસ્તકમાંથી)

Image may contain: 1 person, eyeglasses and beard

Leave a comment

Filed under Uncategorized

અપસાયકલિંગ: નકામની વસ્તુઓનો મૂલ્ય વર્ધિત પુન: ઉપયોગ

અપસાયકલિંગ: નકામની વસ્તુઓનો મૂલ્ય વર્ધિત પુન: ઉપયોગ

વર્ષ પૂરું થવામાં હોય એટલે વિવિધ ડિક્સનરીઝ આખા વર્ષમાં બહુ ચર્ચિત, બહુ બોલિત કે બહુ લિખિત કે બહુ સર્ફિત શબ્દને ‘વર્ડ ઓફ ધ યર’ તરીકે જાહેર કરે છે. આ એક શબ્દ આખા વર્ષની તાસીર, આખા વર્ષનો મૂડ બયાન કરે છે. શરૂઆત થઇ ચૂકી છે. કેમ્બ્રિજ ડિક્સનરી ‘અપસાયકલિંગ’ (Upcycling)ને વર્ડ ઓફ ધ યર-૨૦૧૯નો ખિતાબ આપે છે. આ શબ્દ ઓનલાઈન કેમ્બ્રિજ ડિક્સનરીમાં ઉમેરાયો ત્યારથી એ શબ્દ જોનારાઓની સંખ્યામાં ૧૮૧%નો વધારો જણાયો છે. ડિક્સનરીની પબ્લિશિંગ મેનેજર વેન્ડેલીન નિકોલસે કહ્યું કે આ શબ્દ પાછળનાં વિચારમાં એક હકાર છે. આ હકારાત્મકતા, આ પોઝિટિવિટી લોકોને અપીલ કરે છે. વાત સાચી છે. આપણે આપણી સગવડ વધારીએ એમાં વાતાવરણ બગડે છે. પ્રદૂષણનું દૂષણ ચારેકોર છે. શ્વાસ લેવાતો નથી, પાણી પીવાતું નથી, ખોરાક ખવાતો નથી. ઋતુ પણ માફકસર આવતી નથી. ટાઢ, તડકો કે વરસાદ સાવ ઓછાં કે પછી વધારે પડતા આવી પડે છે. મૂળ સ્થિતિ પાછી આવે તેવું લાગતું નથી એવામાં પ્રદૂષણ રોકી શકાય તો સારું. અપસાયકલિંગ શબ્દ એક એવાં જ ભાવને લઈને આવે છે. શું છે આ અપસાયકલિંગ?
ઘન કચરો એટલે એમ કે એવી સોલિડ વસ્તુઓ જેનો હવે આપણને ઉપયોગ નથી એટલે એને આપણે યુઝ એન્ડ થ્રો કરીએ છીએ. વાપર્યું કે ફેંક્યું. કેટલીક એવી વસ્તુઓ છે જે આપણે રી-યુઝ કરીએ છીએ. ફરીથી ઉપયોગ કરીએ છીએ. પછી છેલ્લે તો ફેંકવું જ રહ્યું. જ્યારે કેટલીક વસ્તુઓ રી-સાયકલ કરીએ છીએ. જેમ કે પાટલૂન ફાટે તો એની ચડ્ડી, પછી એનો થેલો, પછી હાથરૂમાલ અને પછી પોતું કે મસોતું. આવું રી-સાયકલિંગ ખરેખર ડાઉન-સાયકલિંગ છે. એટલે એમ કે વસ્તુનો બદલાતો ઉપયોગની સાથે એની કિંમત અને કક્ષા ઉતરતી જાય છે. સ્વાભાવિક છે કે સમયનો ઘસારો જેને લાગે એની કિંમત તો ઘટવાની જ છે. પણ કાંઈ એવું ય હોય કે જેની કિંમત વધે જ્યારે એનો ફરી ઉપયોગ થાય. વિકિપીડિયા અનુસાર અપસાયકલિંગ એટલે સર્જનાત્મક પુન:ઉપયોગ. એવી વિધિ કે જેમાં આડપેદાશ, નકામી પેદાશ કે બિનજરૂરી ચીજ વસ્તુઓને એવી વસ્તુઓમાં બદલવી કે જે સારી ગુણવત્તા ધરાવતી હોય અને જેનું પર્યાવરણ મૂલ્ય વિશેષ હોય. ટૂંકમાં ‘વર્સ્ટ ફ્રોમ ધ વેસ્ટ’ નહીં પણ ‘બેસ્ટ ફ્રોમ ધ વેસ્ટ’. એટલે એમ કે કોઈ પણ જડ વસ્તુ એનાં જીવનક્રમ પછી એનાં માલિક કે અન્ય કોઈને માટે પણ કલાત્મક કે પર્યાવરણની દ્રષ્ટિએ, વધારે સારી રીતે ઉપયોગમાં આવે, એ અપસાયકલિંગ કહેવાય.
આ શબ્દનો ઉપયોગ ૧૯૯૪માં પહેલી વાર થયો. જર્મનીમાં જૂનાં મકાન તોડ્યા તેનો કાટમાળ પડ્યો હતો. ઈંટ, પથ્થર, ટાઈલ્સ વગેરે. પછી રસ્તા બનાવવા માટે ઇંગ્લેન્ડથી નવો માલ આયાત કર્યો. સાલ્વોન્યૂઝમાં થોર્ટન કેએ લખ્યું કે બધું તોડીને ભૂકો કરીએ છીએ અને ફેંકી દઈએ, એનાં કરતા એનો ઉપયોગ એવો હોવો જોઈએ કે એનું મૂલ્ય વધે. નવાં કાચા માલની જરૂરિયાત પછી ઘટે અને પર્યાવરણ બચે. આ જેને આપણે અપસાયકલિંગ કહીએ છીએ એનો મહત્તમ ઉપયોગ કલા ક્ષેત્રમાં છે. પેરિસ કલાનું ધામ છે, જ્યાં પ્રસિદ્ધ ચિત્રકાર, શિલ્પકાર પાબ્લો પિકાસોની કૃતિઓનું મ્યુઝિયમ છે. એમાં એક ‘બુલ્સ હેડ’ (આખલાનું માથું) એવું શિલ્પ છે. એ ખરેખર તો સાયકલની સીટ અને હેન્ડલમાંથી બન્યું છે. સને ૧૯૪૩માં પાબ્લો પિકાસોએ ફોટોગ્રાફર જ્યોર્જ બ્રાસાઈને કહ્યું હતું કે ‘એક દિવસ હું એક ભંગારનાં ઢગલો જોઈ રહ્યો હતો. એમાં એક સાયકલની સીટ હતી અને એની બાજુમાં સાયકલનું કાટ ખાઈ ગયેલું હેન્ડલ હતું. એક ચમકારો થયો અને મારા મગજમાં એ બંને નકામી વસ્તુઓ જોડાઈ ગઈ અને એક શિલ્પ બની ગયું. હું કાંઈ વિગતે વિચારું તે પહેલાં જ બુલ્સ હેડનું શિલ્પ મારા દિમાગમાં બની ચૂક્યું હતું. હવે મારે ફક્ત વેલ્ડિંગ કરીને એ બે વસ્તુઓને જોડાવાની હતી. જો તમે આ શિલ્પ જુઓ અને તમને એમાં સાયકલની સીટ અને હેન્ડલ ન દેખાય અને માત્ર આખલાનું માથું જ દેખાય તો આ શિલ્પની અસર ઓછી છે, એવું હું માનું.’ આજે ‘બુલ્સ હેડ’ પાબ્લો પિકાસોની અમર કૃતિઓ પૈકીની એક છે અને એ ચાઈલ્ડલાઈક (બાળસહજ) અને સોફિસ્ટિકેટેડ ઇન ઇટ્સ સિમ્પ્લિસિટી (વ્યવહારદક્ષ સાદાઈ) તરીકે ઓળખાય છે. આ જ રીતે સંગીત ક્ષેત્રે પણ અપસાયકલિંગ જોવા મળ્યું. ભંગારનાં ડબ્બા કે ધાતુનાં ટૂકડામાંથી સંગીતનાં સાધનો બનાવીને ઉપયોગ કરી શકાય. પેરાગ્વેમાં એક ઓરકેસ્ટ્રા બન્યું જેનાં બધા સાધનો કચરાનાં ઢગલાંમાંથી બન્યા હતા. નામ આપ્યું: સાઉન્ડ ઓફ અર્થ (પૃથ્વીનું સંગીત).
આ ઉપરાંત ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ અપસાયકલિંગને હવે ગંભીરતાથી લેવામાં આવે છે. વેસ્ટ મટીરીયલ્સને પ્રોસેસ કરીને નવી વસ્તુઓ બનાવવામાં આવે છે જે પર્યાવરણની દ્રષ્ટિએ હિતકારી હોય. કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિકસમાં જૂનાં સામાનમાંથી રી-મેન્યુફેક્ચરિંગ (ફરીથી બનાવવું) કે રી-ફર્બીશિંગ (ઘસી કે સાફ કરીને નવાં જેવું કરવું) અપસાયકલિંગ છે. આ અપસાયકલિંગમાં મૂળ કિંમત કરતા એની કિંમત અલબત્ત ઓછી હોય પણ નવી વસ્તુની બનાવવા કરતા ખર્ચ ઓછો અને નવાં જેવી જ ફીલિંગ આવે એટલે એ અપસાયકલિંગ કહેવાય. એ રીતે ખોરાક કે વસ્ત્રો પણ વધે કે નકામાં થઇ જાય તો એને સારી રીતે અન્ય ઉપયોગમાં કે અન્યને ઉપયોગમાં આવે, એ રીતે અપસાયકલિંગ કરી શકાય.
આપણે કોઇ પણ બિનવપરાશી વસ્તુઓને લઇને અપસાયકલિંગ કરી શકીએ. જૂતા, બોતલ્સ, બલ્બ્સ, સીડી, ટાયર, ડબ્બા, સૂટકેસ, પુસ્તકો કાંઇ પણ. થોડી ક્રિએટિવિટી અને થોડી મહેનત. જૂનું ટીવી માછલી ઘરનું કવર થઇ જાય. અને સાયકલનું વ્હીલ ઘડિયાળ બની શકે. બોતલ્સનાં ઢાંકણમાં મીણ ભરો તો મીણબત્તી થઇ જાય. કમ્પ્યુટરનું કવર ઘરની ટપાલપેટી બની જાય. કન્સ્યૂમરિઝમ (ઘરાકોનું હિતરક્ષણ કે સંવર્ધન, માલનો ધૂમ વપરાશ, તેને ઇષ્ટ માનનાર)નાં પ્રખર વિરોધી અમેરિકન લેખિકા એની લિયોનાર્ડ કહે છે કે ‘દૂર’ જેવી કોઇ વસ્તુ જ નથી. તમે જેને દૂર ફેંકી દો છો એ ક્યાંક તો જાય છે. અપસાયકલિંગ આ સૃષ્ટિને ટકાવી રાખવાનાં ભગીરથ કર્મમાં એક નાનકડી પણ અગત્યની ભૂમિકા ભજવે છે. ઘન કચરા વ્યવસ્થાપનમાં અપસાયકલિંગની ભૂમિકા છે જ. રંગોળી, ચિત્રકામ, નિબંધલેખન, વકૃત્વ જેવી ચીલાચાલુ સ્પર્ધા બહુ થઇ. હવે સ્વચ્છ ભારત મિશન હેઠળ ‘બેસ્ટ અપસાયકલિંગ’ની સ્પર્ધા થવી જોઇ. હેં ને?
શબ્દ શેષ:
“જો તમે એને રીડ્યુસ, રી-યુઝ, રીપેર, રીબિલ્ટ, રીફર્બિસ, રીફિનિશરીફિનિશ, રીસેલ, રી-સાયકલ ન કરી શકો, અપસાયકલ પણ નહીં કે પછી છેલ્લે એનું સેંદ્રિય ખાતર પણ ન બની શકે તો એવી ચીજ બનાવવાની જ બંધ થવી જોઇએ.” – લોક ગાયક અને આંદોલનકારી પીટ સીગર

Image may contain: 1 person, plant, shoes, flower, nature and outdoor

 

Leave a comment

Filed under Uncategorized