Daily Archives: જાન્યુઆરી 16, 2020

ડ્રામેટિક: સાલા નૌટંકી!/પરેશ વ્યાસ

ડ્રામેટિક: સાલા નૌટંકી!

ગમા, અણગમા, સફળતા, નિષ્ફળતા
નિરાશા, આશા, અપેક્ષા
મંથન અને મૈથુન…
…બધું નાટકમાં ઓગળી ગયું છે.
મારું જીવન
તમારાથી જૂદું નથી,
પણ મારો બુરખો
તમારા બુરખા કરતાં જુદો છે. – પ્રવીણ જોશી

જીવનપર્યંત તેઓ નાટક જીવ્યા હતા. ગુજરાતી રંગભૂમિનાં દિગ્ગજ પ્રવીણ જોશીની આ એક માત્ર કવિતા છે. નાટક કે નાટકીય શબ્દને લાગે વળગે છે ત્યાં સુધી ડ્રામેટિક શબ્દનું અર્થઘટન સામાન્ય રીતે નકારાત્મક થતું હોય છે. શું નાટક કરે છે, ભાઈ? એનો અર્થ એવો આ ભાઈ ખોટાડો છે. ખોટો દેખાડો કરે છે. નાટક કરે છે એટલે એ સાચો નથી, સાચૂકલો નથી, એવું આપણે માનીએ છીએ. પણ આ અર્થઘટન સાચું નથી, એવી વાત અમે પહેલેથી જ સ્પષ્ટ કરી દેવા માંગીએ છીએ. અને એટલા જ માટે લેખનાં મથાળે, નાટક જેઓ આજીવન જીવ્યા છે, એમની કવિતા ટાંકી છે.
આજનો શબ્દ છે ડ્રામેટિક (Dramatic). ગુજરાતી લેક્સિકોન અનુસાર પણ એનો અર્થ હકારાત્મક જ છે. આમ તો આ જાણીતો શબ્દ છે. ‘ડ્રામેટિક’ એટલે નાટકનું, નાટકીય, નાટ્યમય, જોરદાર, ચિત્તવેધક. મૂળ પ્રાચીન ગ્રીક શબ્દ ‘ડ્રાઓ’ એટલે કે ‘મેં કર્યું’ અથવા ‘મેં પાર પાડ્યું’. એની ઉપરથી ડ્રામા એટલે નાટક. અને ‘ડ્રામાટિકોસ’ એટલે નાટકીય. આજે ડ્રામેટિક શબ્દને ૩૬૦ ડીગ્રી તપાસવાની ઘડી છે.

જુઓને, મહારાષ્ટ્રમાં જબરું નાટક ચાલ્યું. વહેલી પરોઢે જેઓએ શપથ લીધા’તા તેઓએ બે દિ’માં કહી દીધું કે જાઓ, નથી રમતા. હવે કહેવાતા સેક્યુલર અને મનાયેલા કોમ્યુનલ પરિબળો એકાકાર થવા જઈ રહ્યા છે. સત્તા શા માટે? અરે ભાઈ, તો જ તો સેવા થઇ શકે. સત્તાથી દૂર રહી ગયા છે એ બરાડા પાડે છે કે આ તેરે મેરે (ઔર ઉસકે) મિલનકી યે રૈના.. તો નાટક છે, નાટક. તો ભાઈ, પેલું વહેલી પરોઢે થિયું ઈ શું હતું? ઈ ય નાટક જ હતું. બસ, મુખવટો જુદો છે, મહોરું જુદું છે, બુરખો જુદો છે.
કશું ખોટું થાય છે. દાખલા તરીકે તમે દ્વિચક્રી વાહન પર સવાર છો પણ તમે મસ્તકરક્ષક કવચ અંગીકાર કર્યું નથી. ટ્રાફિક પોલિસ તમને રોકે છે. તમે દલીલ કરો છો કે અહીં ગલીને નાકે શાક લેવા જ તો ગયા હતા. પછી તમે ઝઘડો કરો છો. અવિનય કાનૂન ભંગ કરો છો. આખો રસ્તો માથે લો છો. આ બધું ડ્રામેટિક નથી તો બીજું શું છે? અર્બન ડિક્સનરી અનુસાર ડ્રામેટિક શબ્દનો અર્થ થાય છે: જવાબદારીમાં છટકવા કે પોતાની ભૂલ કે અપરાધ ભાવના ઉપર ઢાંકપીછોડો કરવા જે કાંઈ કરો છો, એ ડ્રામેટિક છે. સામા પક્ષે ટ્રાફિક પોલિસ તમને એમ પણ કહે કે નાટક બંધ કરો, દંડ ભરો. પછી તમે એમ બબડતા બબડતા દંડ ભરો કે આ ગડકરીએ તો ભારે ગડભાંજ કરી! પણ સાહેબ, તમારો અને ટ્રાફિક પોલિસનો મુખવટો જુદો છે, મહોરું જુદું છે, બુરખો જુદો છે.

ડ્રામેટિક શબ્દ અગાઉ કહ્યું એમ નકારાત્મક જ છે, એવું નથી. દેખાવે જે પ્રભાવશાળી હોય અથવા એમનાં કામની અસર એવી કે પરિવર્તન અથવા તો વિકાસ આંખે ઊડીને દેખાય તો કહેવાય કે એ બદલાવ પણ ડ્રામેટિક છે. અસર એવી કે તમે થ્રિલ(રોમાંચિત) થાવ, તમે ચિલ (વિશ્રાંત) થાવ. દાખલા તરીકે તમે દ્વિચક્રી વાહન પર સવાર છો પણ મસ્તકરક્ષક કવચ અંગીકાર કર્યું નથી. ટ્રાફિક પોલિસ તમને રોકે છે. તમે દલીલ કરો છો કે અહીં ગલીનાં નાકે પાન ખાવા જ તો નીકળ્યા છીએ. તમે ઝઘડો કરવા તત્પર હો પણ પોલિસ તમારો મોબાઈલ નંબર પૂછે. એમનાં કમ્પ્યુટરમાં એ નંબર નાંખે. પછી એણે ખબર પડે કે તમે કઈ હસ્તી છો. એ પણ ખબર પડે કે વાહન કાયદેસર તમારું જ છે. સડક નિયમ પાલન વિષે તમારો ઈતિહાસ અળવીતરો નથી. અને પછી એ તમને કહે કે જવા દો. તમારી પાસે કોઈ ઉપર કે નીચે-ની દંડની રકમની માંગણી કરે જ નહીં તો? તો તમને લાગે કે આ તો સાલો, ડ્રામેટિક ચેન્જ છે. યસ, એવું જ છે. કારણ કે તમારો અને ટ્રાફિક પોલિસનો મુખવટો જુદો છે, મહોરું જુદું છે, બુરખો જુદો છે.

તમારે ડ્રામેટિક બનવું છે? દેખીતી શરીર ચેષ્ટા કરવી, હાથ ઊંચા નીચા કરવા. આંખો પટપટાવી. જોરથી હસવું. હા હા હા.. અટ્ટહાસ્ય ડ્રામેટિક છે. તો રોવું ય એટલું જ ડ્રામેટિક છે. ઇન્ડિયન આઇડોલની જજ નેહા કક્કડને જોઈ છે? ઈને વાતેવાતે રોણું આવે છે. હો ને? અને હા, નખરાં કરવા પણ ડ્રામેટિક ગણાય છે. વસ્ત્રો એવાં પહેરો, એવાં પહેરો કે લોકો જોયા જ કરે. લાલી લિપસ્ટિક જેવી સજ ધજ ડ્રામેટિક છે. જે સામે ન હોય એની વાતો મીઠું મરચું ભભરાવીને જ નહીં પણ રાઈ કે જીરુંનો વઘાર કરીને કરવી એ વાત ડ્રામેટિક છે.

તમારે ડ્રામેટિક બનતા અટકવું છે? તો આટલું કરો. તમે ઓવરએક્ટિંગ કરી રહ્યા છો, એનું તમને જ્ઞાન અને ભાન થવું જોઈએ. દરેક વાતે તમને વાંકુ પડે, એ ન ચાલે. વિચાર બદલો. અને સાહેબ, સ્વાભિમાન સારું, મિથ્યાભિમાન ખોટું. કોઈ ડ્રામા કરે તો એમાં જોડાઈ ન જાઓ. બોલતા પહેલાં વિચારો. સૌની સાથે નહીં પણ માત્ર અંગત અને ગણ્યાગાંઠ્યા મિત્રોને મનની વાત કહો. આપણે નમો નથી કે રેડિયો ઉપર દેશ આખાનાં લોકોને આપણાં મનની વાત કહેતા ફરીએ. હેં ને? અને અગાઉનાં ફકરામાં લખ્યું છે એ બધું ન કરો એટલે ભયો ભયો. તમારા પ્રોબ્લેમ્સનું વાર્ષિક લવાજમ ભરવાનું છોડી દો.

અને આમ જુઓને સાહેબ તો મારા અને તમારામાં, અમિત કે શરદમાં, ઉદ્ધવ કે દેવેન્દ્રમાં, સુપ્રિયા કે અજીતમાં કાંઈ પણ તાત્વિક ફેર નથી. તમને જો મહારાષ્ટ્રની થઇ ગયેલી અને થનારી ઘટનાઓ ડ્રામેટિક લાગતી હોય તો એનું કારણ એ કે દરેકનો બુરખો દરેકનાં બુરખા કરતાં જુદો છે.

શબ્દશેષ:
“કોઈને કાંઈ પડી હોતી જ નથી, સિવાય કે કાંઈ ડ્રામેટિક થઇ જાય.” –અજ્ઞાત

No photo description available.

Leave a comment

Filed under ઘટના, પરેશ વ્યાસ, પ્રકીર્ણ