Daily Archives: જાન્યુઆરી 17, 2020

ગીતકાર સમીરના ગીતકાર પિતા અંજાન

ગીતકાર સમીરના ગીતકાર પિતા અંજાન

હિન્દી ફિલ્મોના ગીતકાર અંજાનનો ૮૯ મો જન્મ દિન. ૨૮ ઓક્ટોબર, ૧૯૩૦ના રોજ તેમનો જન્મ થયો હતો. લાલજી પાંડે તેમનું મૂળ નામ અને ‘અંજાન’ તેમનું તખલ્લુસ. તેમણે આપણને ‘ખાઈ કે પાન બનારસવાલા – ડોન’ કે ‘રોતે હુએ આતે હૈ સબ – મુકદ્દર કા સિકંદર’ જેવા જાણીતા ગીતો આપ્યાં હતાં. તેમના પછીની પેઢીના જાણીતા અને વિશ્વ વિક્રમી ગીતકાર સમીર તેમના દીકરા થાય.
ગીતકાર સમીરના જણાવવા મુજબ ૨૮ ઓક્ટોબર, ૧૯૩૦ના રોજ તેમનો જન્મ ઉત્તર પ્રદેશના ગામડામાં થયો હતો. અંજાને પ્રાથમિક શિક્ષણ ગામડામાં જ લીધું હતું. બનારસ હિંદુ યુનિવર્સીટીમાં તેઓ બી.કોમ. થયાં હતાં અને બનારસમાં જ રહીને તેઓ કવિ સમ્મેલનો અને મુશાયરાઓમાં જાણીતા બન્યા હતા. એક વાર ગાયક મુકેશ બનારસ હતા ત્યારે હોટેલમાં અંજાન તેમને મળ્યા હતાં અને તેમની કવિતાઓથી પ્રભાવિત થઈને મુકેશે તેમને મુંબઈ આવો તો મળજો એવું જણાવ્યું હતું. ખરેખર જયારે અંજાન મુંબઈ ગયા ત્યારે મુકેશે તેમનો પરિચય રાજ કપૂરને કરાવ્યો હતો. રાજ સાહેબે અંજાનને સ્પષ્ટ જણાવ્યું હતું કે આપ શુદ્ધ કવિ છો પણ ફિલ્મી ગીતકાર બનવાની કુનેહ કેળવવી પડશે. પછી દસેક વર્ષ સંધર્ષ અને ધીરજ રાખી શકો તો ફિલ્મી ગીતકાર બની શકાશે. અંજાનને અસ્થમાની બીમારી હતી અને તેમને દરિયા કિનારાના મુંબઈમાં રહેવાની તબીબી સલાહ મળી હતી. મુંબઈ આવીને આ કવિએ પોતાનું નામ અંજાન રાખ્યું હતું. પ્રમાણમાં તેમને વહેલી તક મળી, જયારે પ્રેમનાથે તેમની ફિલ્મ ‘ગોલકોંડા કા કૈદી’ (૧૯૫૪) માટે અંજાન પાસે ગીત લખાવ્યા હતાં. પછી પણ પંદર વર્ષના સંઘર્ષ બાદ અંજાનને કલ્યાણજી આનંદજીના સંગીતમાં ‘બંધન’ (૧૯૬૯)માં ગીત લખવા મળ્યાં. પછી ૧૯૭૮માં અમિતાભ અભિનીત ‘ડોન’ આવી. છેક ત્યાર બાદ ગીતકાર અંજાનને તેમણે ધરેલી સફળતા મળી હતી. આમ ખુદ અંજાન સંગીતકાર કલ્યાણજી આનંદજીને પોતાના ગોડફાધર માનતા હતા. સમીર યાદ કરે છે કે અંજાનના પિતા બેંકમાં હતા, તેમની ઈચ્છા દીકરા અંજાનને પણ બેંકમાં કામ કરે તેવી હતી પણ અંજાને ફિલ્મોમાં ગીતકાર બનવાની જીદ જારી રાખી હતી. અંજાને હિન્દી ગીતોમાં ભોજપુરી શબ્દોની મહેક જગાવી હતી.
૧૯૫૩ની પ્રેમનાથ પ્રોડક્શનની ફિલ્મ ‘ગોલકોંડા કા કૈદી’માં તેમણે પહેલી વાર ‘લહેર યે ડોલે, કોયલ બોલે’ અને ‘શહીદો અમર હૈ તુમ્હારી કહાની’ જેવાં ગીતોથી શરૂઆત કરી હતી. પછી તેઓ નાની ફિલ્મોમાં ગીતો લખતા રહ્યાં. ‘લંબે હાથ’ના ‘મત પૂછ મેરા હૈ મેરા કૌન વતન’ જેવાં ગીતો તેઓ સંગીતકાર જી.એસ. કોહલી માટે લખતા રહ્યાં. પ્રેમચંદની કથા પર આધારિત ‘ગોદાન’ ફિલ્મના રવિના સંગીતમાં તેમના ગીતો લોકપ્રિય પણ થયા. પછી ઓ.પી. નૈય્યરના સંગીતમાં ગુરુ દત્તની ‘બહારે ફિર ભી આયેગી’ કે જી પી સિપ્પીના ‘બંધન’ના ગીતોથી તેમને વધુ કામ મળ્યું. પછી કલ્યાણજી આનંદજીના સંગીતમાં ‘કબ કયું ઔર કહાં?’મા ઇન્દીવરની જેમ તેઓ લખતા થયા. શંકર જયકિશનના ‘ઉમંગ’, ‘રીવાજ’ કે ‘એક નારી એક બ્રહ્મચારી’મા અંજાનના ગીતો હતાં. રવિના સંગીતવાળી ‘વંદના’માં ‘આપ કી ઇનાયત આપ કે કરમ’ જેવું ગીત મળ્યું. તો તેમના રાહુલ દેવ બર્મનની ‘હંગામા’માં ‘સૂરજ સે જો કિરણ કા નાતા’ ગીતથી ઝીનત અમાનની કેરિયર શરૂ થઇ હતી.
છતાં અંજાનને સફળ ફિલ્મી ગીતકાર બનતા ઘણાં વર્ષો લાગ્યા. અમિતાભ બચ્ચનની કલ્યાણજી આનંદજીના સંગીતવાળી ફિલ્મોમાં અંજાન સહુથી વધુ લોકપ્રિય રહ્યાં. ‘દો અનજાને’ આવી, ‘હેરા ફેરી’, ‘ખૂન પસીના’, ‘મુકદ્દર કા સિકંદર’, ‘ડોન’, ‘લાવારીસ’ કે ‘જાદૂગર’ સુધી તેમની સફળતા જારી રહી. બચ્ચન સાહેબ માટે સંગીતકાર રાજેશ રોશનની ‘દો ઔર દો પાંચ’ કે ‘યારાના’, બપ્પી લાહિરીની ‘નમક હલાલ’ કે ‘શરાબી’ કે રાહુલ દેવ બર્મનની ‘મહાન’માં અંજાનના ગીતોએ ધૂમ મચાવી હતી. પ્રકાશ મેહરા સાથે તેઓ લાંબો સમય ગીતો લખતા રહ્યા. તેમણે મિથુન ચક્રવર્તીની ‘ડિસ્કો ડાન્સર’ કે ‘ડાન્સ ડાન્સ’ માટે પણ ગીતો લખ્યાં.
નેવુંના દાયકામાં તેમનું સ્વાસ્થ્ય જવાબ આપવા લાગ્યું. છતાં તેમણે ‘ઝીંદગી એક જુઆ’, ‘દલાલ’ કે ‘ઘાયલ’ના ગીતો લખ્યાં. ‘ગોરી હૈ કલૈયા’ ગીતવાળી ‘આજ કા અર્જુન’ અને ‘શોલા ઔર શબનમ’ (૧૯૯૨) તેમની છેલ્લી સફળ ફિલ્મો રહી. ૧૯૬૦ના દાયકામાં અંજાને અનેક ગેરફિલ્મી આલબમ માટે ગીતો લખ્યાં હતાં, જે રફી, મન્ના ડે તથા સુમન કલ્યાણપુરે ગાયા હતાં. ભોજપુરી ફિલ્મ ‘બાલમ પરદેશી’ના અંજાનના ગીતો પણ ખુબ સફળ થયાં હતાં.
આમ વીસેક વર્ષો સુધી અંજાન સફળ ગીતકાર રહ્યાં. તેમના ગીતો ભોજપુરી છાંટ સાથે આવ્યા. તેમના ગીતકાર દીકરા સમીરના કહેવા મુજબ તો જ તેઓ ‘ખઈ કે પાન બનારસવાલા’ કે ‘બિના બદરા કે બિજુરિયા કૈસે ચમકે’ જેવાં ગીતો લખી શક્યા. સમીરે પિતા માટે કહ્યું કે ‘પિતા અંજાન ખુશ નહોતા. તેમણે તેમના સાહિત્યિક પ્રદાનમાં સમાધાન કરીને ફિલ્મી ગીતો લખ્યાં હતાં. જોકે પાછળથી અંજાનને સમજાયું હતું કે ફિલ્મી ગીતકાર રૂપે તેમને જે જોઈતું હતું તે મળ્યું હતું. ફિલ્મોએ તેમને જે જોઈતું હતું તે આપ્યું હતું.’
સફળ ગીતકાર સમીરે તો એવું પણ કહ્યું કે પિતા ગીતકાર પિતા અંજાનને દીકરો પણ ગીતકાર બને તે ગમતું નહોતું. સમીર ૧૯૮૩માં મુંબઈ આવ્યા હતા, પિતાના આવ્યાના ૩૦ વર્ષ બાદ. છેલ્લા બે દાયકામાં પોતે ચારેક હજાર ગીતો લખ્યાં છે, એવું જણાવનાર સમીરે કહ્યું કે પંદર વર્ષના કઠીન સંઘર્ષ બાદ કયા પિતા દીકરાને ફિલ્મી ગીતકાર બનાવવા માંગે? જોકે, સમીરે એ પણ નોંધ્યું કે આટલાં વર્ષોમાં કોઈ એક પણ વ્યક્તિએ તેમના પિતા વિષે ખરાબ કહ્યું નથી, જે ખૂબ મોટી વાત છે અને તેનો લાભ દીકરા સમીરને પણ મળ્યો જ છે. તેમના મતે કવિ અંજાન ફિલસૂફ હતાં અને તેમના દરેક ગીતમાં એક સંદેશ રહેતો અને કહેવાની રીત જુદી રહેતી. તેઓ સામાન્ય ગીતકાર કરતા આ રીતે અલગ પડતા, જેનું સૌ સન્માન કરતા.
બે દાયકા સુધી હિન્દી ફિલ્મોમાં ભોજપુરીની છાંટ સાથેના યાદગાર ગીતો લખનારા ગીતકાર અંજાનના ૧૩ સપ્ટેમ્બર, ૧૯૯૭ના નિધનના થોડા માસ પૂર્વે જ તેમના એકમાત્ર કાવ્ય સંગ્રહ ‘ગંગા તટ કા બંજારા’નું વિમોચન અમિતાભ બચ્ચને કર્યું હતું.
ગીતકાર અંજાનના ટોપ ટેન ગીતો: આપ કે હસીં રુખ પે આજ – બહારે ફિર ભી આયેગી, ખઈ કે પાન બનારસવાલા – ડોન, દિલ તો હૈ દિલ, રોતે હુએ આતે હૈ સબ, ઓ સાથી રે, પ્યાર ઝીંદગી હૈ – મુકદ્દર કા સિકંદર, મંઝીલે અપની જગહ હૈ, લોગ કેહતે હૈ – શરાબી, છૂ કર મેરે મન કો – યારાના, પગ ઘૂંઘરું બાંધ, રાત બાકી બાત બાકી – નમક હલાલ.
(ઓક્ટોબરના સિતારા – નરેશ કાપડીઆના પુસ્તકમાંથી)

Image may contain: 2 people, closeup

Leave a comment

Filed under Uncategorized