Daily Archives: જાન્યુઆરી 20, 2020

સુરક્ષાની દીવાલ…

સુરક્ષાની દીવાલ…

રમતાં-રમતાં બાળકે લીટા કર્યા,
હસ્તરેખા થઈ ગઈ દીવાલની !
– ભાવેશ ભટ્ટ
એક જમાનો હતો જ્યારે નાના બાળકને વડીલો અક્સર પોલિસનાં નામે બિવરાવતા કે દૂધ પી લે, કે લેસન કરી લે, કે…નહીંતર પોલિસ પકડી જશે. નાના બાળક માટે પોલિસ જાણે એક દીવાલ હતી. બાળકોનાં નાના નાના ગુનાની સજા જ્યાં મળે એ કેદખાનાની દીવાલ એટલે પોલિસ. પણ એક સારા સમાચાર આવ્યા. કેરળનો આબિન નામનો એક દસ વર્ષનો છોકરો કોઝિકોડે જીલ્લાનાં મેપ્પાયુર પોલિસ સ્ટેશનમાં આવ્યો અને પોતાની નોટબૂકમાંથી ફાડેલા કાગળ ઉપર મલયાલમ ભાષામાં સ્વહસ્તાક્ષરમાં લખેલી એક ફરિયાદ દઈ ગયો. લખ્યું કે સાહેબ, મેં અને મારા નાના ભાઈએ પાંચ સપ્ટેમ્બરનાં રોજ સાયકલ રીપેર કરવા આપી હતી. એ હજી રીપેર થઇ નથી. જ્યારે આપી ત્યારે દુકાનદારે બસો રૂપિયા ય લીધા હતા. હવે એ જવાબ દેતો નથી. ફોન કરીએ તો કહે છે કે થઇ જશે. દૂકાને જઈએ છીએ તો દુકાન બંધ મળે છે. તમે કાંઈ કરો જેથી અમને અમારી સાયકલ મળી જાય. હવે આ કામ કાંઈ પોલિસનું નથી. પણ પોલિસ હરકતમાં આવી. તપાસ કરી તો સાયકલ રીપેર ન થવાના કારણમાં એનાં દીકરાનાં લગ્ન અને પછી માંદગી હતા. પણ પોલિસ હસ્તક્ષેપથી બંને ભાઈઓને એમની સાયકલ પાછી મળી ગઈ. બાળકોએ પોલિસની દીવાલ ઉપર લીટા કર્યા અને દીવાલનું ભવિષ્ય લખાયું કે અમે પોલિસ છીએ પોલિસ, અમે રક્ષક છીએ. ડરવાનું કોઈ કારણ નથી.
ઇંગ્લિશ અક્ષર ‘પી’થી શરૂ થતી ચાર પ્રકારની હસ્તીઓ પર વિશ્વાસ ન મુકવો જોઈએ, એવું જાણકારો કહી ગયા છે. એ ચાર પી પૈકી એક પોલિસ છે. થોડાં વર્ષો પહેલાં દિલ્હીનાં મુખ્ય મંત્રી કેજરીવાલે પોલિસ માટે ‘થુલ્લા’ શબ્દ વાપર્યો હતો અને એનાં અનેક અર્થઘટન અને અનર્થઘટન થયા હતા. જ્યારે ટાઢ, તડકો કે વરસાદ વેઠીને ટ્રાફિકને મેનેજ કરતા પોલિસને જોઉં છું ત્યારે મને માન થાય છે. સોશિયલ મીડિયા ઉપર હેલમેટ દંડ બાબતે અનેક ટીપ્પણીઓ થાય છે. અલ્યા ભાઈ, કોઈ નિયમ જેવું છે કે નહીં? હમણાં અમદાવાદનાં એક પૉશ વિસ્તારમાં બે કરોડની પોર્શા કાર ઝડપાઈ, જેની નંબર પ્લેટ જ નહોતી, કોઈ કાગળો પણ નહોતા. પોલિસે પકડી અને આરટીઓએ ૯.૮ લાખનો દંડ કર્યો. અને તમે કહો છો કે પોલિસ નાના માણસોને જ પકડે છે. કોઈ જગ્યાએ ચોરી થાય ત્યારે પોલિસને આપણે જવાબદાર ઠેરવીએ છીએ. હમણાં સુરતનાં પાલનપુર પાટિયા પાસેથી ૧૦૦ રૂપિયે કિલોનાં ભાવનાં ૨૫૦ કિલો કાંદા ચોરાઈ ગયા. હવે કોઈ એફઆઈઆર ન નોંધાવે તો પોલિસ શું કરે? હમણાં પૂણેમાં દુકાનોમાંથી બ્રાન્ડ ન્યૂ ફોનનાં ચોરને એક બાતમીનાં આધારે પોલિસે પકડી પાડ્યાનાં સમાચાર છે. જ્યારે ગંભીર ગુના હોય, હિંસક ગુના હોય, મોટાં માથાની સંડોવણી હોય ત્યારે પોલિસ ઉપર ભીનું સંકેલી લેવાનો આક્ષેપ મુકાતો હોય છે. પણ તમે એ જાણ્યું છે ખરું કે પોલિસ કેવાં દબાણમાં કામ કરે છે? રાજકારણી પોલિસને હાથા બનાવતા હોય છે. પોલિસની હાલત એવી કે જીતી ય ન શકાય, બાજી ડ્રો પણ ન જાય અને રમત છોડી ય ન શકાય. રજા અને ફરજનાં કલાકોનાં કોઈ ઠેકાણાં નથી. એમાં વીઆઈપી બંદોબસ્ત ડ્યુટી તો છાશવારે આવતી જ રહે. માનસિક ત્રાસ છે આ. અને રોજ રોજ માણસોનાં દુ:ખ દર્દ અને ત્રાસ કે હિંસા સાથે જ પનારો હોય. એની માનસિક અસર પણ પોલિસ ઉપર થાય. હતાશા આવી જાય, સાહેબ. એમને ઈજા થવાનો કે જીવ જવાનો ખતરો ય ખરો જ. આ એક એવો વ્યવસાય છે જે સતત ચકાસણીને આધીન છે. પછી એની પર ચર્ચા થાય, વાતનું વતેસર થાય અને પછી વતેસરની વાત થાય!
પોલિસ રક્ષક છે. એ ન હોય તો સમાજ સુરક્ષિત ન રહે . પોલિસ સમાજને ઘડનારા પૈકીનાં એક છે. તેઓ દીવાલ છે પણ એ દીવાલ સુરક્ષાની દીવાલ છે. આપણે એની ઉપર લીટા કરીએ, એ હસ્તરેખા છે. આપણે ભવિષ્ય લખીએ છીએ. અલબત્ત કેટલાંક ફળ બગડેલા છે; એટલે આખો કરંડિયો બગડ્યો છે, એવું ન કહી શકાય. એક પોલીસમેનનાં સોશિયલ મીડિયાનું કેપ્શન હતું: તમે મને ગાળો દ્યો, ધિક્કારો, મારા મરી જવાની શુભકામના કરો પણ જ્યારે તમને જરૂર પડે ત્યારે હું તમારી પાસે હોઈશ જ…

Image may contain: one or more people and outdoor

Leave a comment

Filed under Uncategorized