Daily Archives: જાન્યુઆરી 22, 2020

પોર્નોગ્રાફી ગંદી બાત, ગંદી ગંદી ગંદી બાત…પરેશ વ્યાસ

પોર્નોગ્રાફી ગંદી બાત, ગંદી ગંદી ગંદી બાત…

કોઈ જાદુઈ જનાવર જેવું શરીર છે તારું
એક અંગ તૂટે અને સો નવાં અંગ જન્મે.
શયનખંડની છતમાં દેખાતી
તારાં નિતનવાં અંગોની સહસ્ત્ર રાશિઓ વચ્ચેથી
હું શોધું છું પ્રેમની રાશિને. –મનીષા જોષી

ગુજરાતી લેક્સિકોન અનુસાર અશ્લીલ કે બીભત્સ સાહિત્ય, કામચેષ્ટા અંગેનું સાહિત્ય એટલે પોર્નોગ્રાફી. ઓનલાઈન આસાનીથી ઉપલબ્ધ છે. આ સાહિત્ય (!) દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી જોવાતું રહે છે. મોબાઈલ ફોન ઉપર પણ હાથવગું છે. બેડરૂમ કે બાથરૂમમાં જ નહીં, ઘરની બહાર પણ આસાનીથી ઉપલબ્ધ છે. પોર્નોગ્રાફી પછી વ્યસન બની જાય છે. જોવું જ પડે અને પછી…આમ તો ભારતમાં એમ કરવા પર પ્રતિબંધ છે. પણ સરકાર કેટલાને રોકી શકે? આ મફત ડેટાએ દાટ વાળ્યો છે. વધતા પોર્નોગ્રાફી પ્રચાર પ્રસાર અને દેશમાં મહિલા ઉપર થતા બળાત્કાર વચ્ચે કોઈ સંબંધ જરૂર હોવો જોઈએ. સરકાર વિચારે ત્યારે વિચારે. કાયદા ય ઘડે. ન્યાય માટેની વિધિ અને અવધિ પણ નક્કી કરે. પણ બનાવો વધતા જ જાય છે.
પોર્નોગ્રાફીની માનવ મગજ ઉપર અસર વિષે કેનેડામાં થયેલા સંશોધનનાં સમાચાર ગયા અઠવાડિયે જ આવ્યા. તારણ એ છે કે પોર્નોગ્રાફીનું સેવન માણસની નિર્ણય લેવાની ક્ષમતાને નબળી પાડે છે. મગજનાં આગળનાં ભાગને પ્રી-ફ્રન્ટલ કોર્ટેક્સ કહે છે. માનવ મગજમાં મોરાલીટી (નીતિમત્તા), વિલ-પાવર (સંકલ્પશક્તિ) અને ઈમ્પલ્સ-કંટ્રોલ (લાગણી આવેગ નિયંત્રણ) આ જગ્યાએથી થાય છે. કેનેડાની યુનિવર્સાઇટ લાવલનાં રીસર્ચર રાચેલ એની બાર કહે છે કે જેઓ નિયમિતપણે પોર્નોગ્રાફી જુએ છે તેમના મગજનો આ અગ્રીમ ભાગ ડેમેજ થઇ જાય છે. માણસની મનન ચિંતનની ક્ષમતા ઘટી જાય છે. આમ આ છે તો વયસ્કો માટેનું મનોરંજન પણ વયસ્કોનું મગજ પછી કિશોર વયનું હોય, એવું થઇ જાય છે. પોતાની લાગણી ઉપર કોઈ નિયંત્રણ રહેતું નથી. સારાનરસાની સમજણ કે પરિણામનો વિચાર એને પછી આવતો નથી. પોર્નહબ સૌથી મોટી મફત પોર્નસાઈટ છે. આખી દુનિયામાંથી આ વેબસાઈટની મુલાકાતે આવનારા લોકોની સંખ્યા વર્ષ ૨૦૧૮માં ૩૩૫ કરોડ ઉપર પહોંચી ગઈ હતી. કર લો દુનિયા મુઠ્ઠીમેં..શું હાલી નીકળ્યા છો?
પોર્ન જોવું ક્યારે આદત બની જાય? જ્યારે એ રોજીંદી જિંદગીને અસર કરે ત્યારે. સેક્સ લાઈફમાં સંતોષ ન મળે. લોકોને મળવામાં ખંચકાટ અનુભવાય. આમ ફુરસદનાં સમયનું કામ પણ એનું વ્યસન હોય તો એવો વ્યસની સઘળું કામ છોડીને પોર્ન જોવા વ્યાકુળ થઇ જાય છે. પોર્ન વ્યસન માનસિક રોગ છે, કોગ્નિટીવ બીહેવિયર થેરપીથી એનાં તજજ્ઞ એનો ઈલાજ કરી શકે. પણ માણસ પોતે પણ થોડી કાળજી લઇ શકે. ઈન્ટરનેટમાં પોર્નનાં બૂકમાર્ક ડીલીટ કરી દેવા. પોર્નની હાર્ડ કોપી જેવી કે સીડી કે પેન ડ્રાઈવ હોય તો એને નષ્ટ કરી એનું અસ્થિવિસર્જન કરવું આવશ્યક છે. ફોન કે લેપટોપમાં એન્ટી-પોર્ન સોફ્ટવેર કોઈ અન્ય પાસે નંખાવો, જેનો પાસવર્ડ તમને ખબર ન હોય. ઇન્ટરનેટ ઉપર અન્ય કોઈ ગમતી પ્રવૃત્તિ શોધો. નવરાશનો સમય એવી પોર્નમુક્ત પ્રવૃત્તિમાં જ વીતાવો. પોર્ન જોવાની આદત શેનાથી ટ્રીગર થાય છે. ક્યાં ઘોડો દબાય છે? અને ક્યાં ફૂટે છે? એને નિયંત્રણ કરો એટલે આદતને જાકારો આપી શકાય. એવાં મિત્રો કે સાથીદાર રાખો, જે પોર્નની આદત વિષે તમને રોકે, ટોકે. પોર્નની આદત બળાત્કારની પ્રેરક છે. એમાં ય ‘રેપ પોર્ન’ તો અતિ ખરાબ છે. જ્યાં પોર્ન જોવું ગેરકાયદેસર નથી એવાં દેશોમાં પણ રેપ પોર્ન પર પ્રતિબંધ છે. પણ એ પ્રતિબંધનો અમલ અઘરો છે.
પોર્ન જેવું જૂઠ અન્ય કોઈ નથી. પોર્ન પુરુષ સ્ત્રીનાં સાચા સંબંધથી સાવ ઊલટી વાત છે. પરસ્પર પ્રેમ, લાગણી અહીં નથી. અહીં સાથી ઉપર વર્ચસ્વ મેળવવું, એનો દુરુપયોગ કરવો, એને અપમાનિત કરવાની વાત છે. પોર્ન સ્વાર્થની પ્રવૃત્તિ છે. વિખ્યાત અમેરિકન સાયકોલોજિસ્ટ ફિલિપ ઝિમ્બાર્ડો કહે છે કે પોર્ન વ્યસન એવું છે કે જેમાં છોકરો સતત નવું માંગે છે. એને નોવેલ્ટી જોઈએ છે. સંબંધમાં સતત ઉત્તેજનાનો ઉશ્કેરાટ હોવો જોઈએ. રોમેન્ટિક રીલેશનશીપથી સાવ વિરુદ્ધની આ વાત છે. પોર્ન માત્ર ગંદુ જ નથી, પોર્ન સાવ જુઠ્ઠું છે. માટે હે ભારતનાં વીર ભાયડાઓ, સ્વચ્છ રહો, સત્યને સમજો. ઇતિ.

Image may contain: 1 person, sitting, screen and shoes

2 ટિપ્પણીઓ

Filed under Uncategorized