Daily Archives: જાન્યુઆરી 23, 2020

વીતેલા જમાનાના સ્ટાર – પ્રદીપ કુમાર

વીતેલા જમાનાના સ્ટાર – પ્રદીપ કુમાર

હિન્દી અને બંગાળી ફિલ્મોના પ્રમુખ કલાકાર પ્રદીપ કુમારની આજે ૧૮મી પુણ્યતિથિ છે. ૨૭ ઓક્ટોબર, ૨૦૦૧ના રોજ ૭૬ વર્ષની વયે કોલકાતામાં તેમનું નિધન થયું હતું. અનેક મોટી ફિલ્મોના તેઓ મુખ્ય કલાકાર રહ્યા હતા. તેમણે રાજકુમાર કે રાજાના ઘણાં યાદગાર પાત્રો કર્યા છે.
તેમનું મૂળ નામ પ્રદીપ કુમાર બાતાબ્યાલ હતું. ૧૭ વર્ષની ઉમરે તેમણે નક્કી કર્યું હતું કે તેઓ ફિલ્મોમાં અભિનય કરશે. બંગાળી ફિલ્મોથી તેમણે શરૂઆત કરી હતી. દેબકી બોઝ નિર્દેશિત ‘અલકનંદા’ (૧૯૪૭)માં તેઓ નોંધનીય રહ્યાં હતા. પછી તેઓ મુંબઈ આવ્યા.
પચાસના દાયકામાં પ્રદીપ કુમારની યાદગાર ફિલ્મો ‘આનંદ મઠ’, ‘અનારકલી’, ‘અદાલત’, ‘અદલ-એ-જહાંગીર’, ‘બાદશાહ’, ‘દુનિયા ના માને’, ‘દુર્ગેશ નંદિની’, ‘ગેટવે ઓફ ઇન્ડિયા’, ‘ઘૂંઘટ’, ‘નાગિન’, ‘પટરાણી’, ‘સુબહ કા તારા’, ‘શીરી ફરહાદ’, ‘રાજહઠ’ રહી. સાંઠના દાયકામાં પ્રદીપ કુમાર અભિનીત ‘આરતી’, ‘અફસાના’, ‘બહુ બેગમ’, ‘ચિત્રલેખા’, ‘જબસે તુમ્હે દેખા હૈ’, ‘મહાભારત’, ‘મેરી સૂરત તેરી આંખેં’, ‘મોડર્ન ગર્લ’, ‘નૂરજહાં’, ‘રાખી’, ‘સંબંધ’, ‘સંજોગ’, ‘તાજમહાલ’, ‘ઉસ્તાદોં કે ઉસ્તાદ’, ‘વહાં કે લોગ’ જેવી ફિલ્મો આવી. તો સિત્તેરના દાયકામાં ‘અમર શક્તિ’, ‘ચૈતાલી’, ‘દો અંજાને’, ‘દૂર નહીં મઝિલ’, ‘હવસ’, ‘જલતે બદન’, ‘કાગઝ કી નાવ’, ‘કલાબાઝ’, ‘લોક પરલોક’, ‘મેહબૂબ કી મેહંદી’, ‘સમજૌતા’, ‘ખટ્ટામીઠા’માં પ્રદીપ કુમાર હતા.
પ્રદીપ કુમારે મીના કુમારી સાથે સાત ફિલ્મોમાં કામ કર્યું હતું, જેમાં ‘ચિત્રલેખા’, ‘બહુ બેગમ’, ‘ભીગી રાત’, ‘આરતી’ અને ‘નૂરજહાં’ યાદગાર હતી. તો માલા સિંહા સાથે તેમણે આઠ ફિલ્મો કરી હતી, જેમાં ‘નયા ઝમાના’, ‘હેમલેટ’, ‘બાદશાહ’, ‘ડિટેકટીવ’, ‘ફેશન’ કે ‘દુનિયા ના માને’ નોંધનીય હતી. આશા પારેખ સાથે ‘ઘૂંઘટ’ અને ‘મેરી સૂરત તેરી આંખે’ અને વહીદા રેહમાન સાથે તેમણે ‘રાખી’માં કામ કર્યું હતું.
૧૯૬૯થી પ્રદીપ કુમારે ચરિત્ર ભૂમિકાઓ સ્વીકારવા માંડી હતી. ‘સંબંધ’ કે ‘મેહબૂબ કી મેહંદી’ કે ‘જાનવર’ કે ‘રઝીયા સુલતાન’ (૧૯૮૩) સુધી તેઓ નાનીમોટી ભૂમિકામાં દેખાતા હતા. ૧૯૯૯માં તેમને લાઈફ ટાઈમ એચિવમેન્ટ કલાકાર એવોર્ડ અપાયો હતો.
પ્રદીપ કુમારનું નિધન ૨૭ ઓક્ટોબર, ૨૦૦૧ના રોજ કોલકાતામાં થયું હતું. પ્રદીપ કુમાર તેમની પાછળ દેબીપ્રસાદ નામના દીકરા અને દીકરીઓ રીના, મીના અને બિના મૂકી ગયા. બિના બેનરજી ફિલ્મો અને ‘ઉત્તરાન’ જેવી ટીવી શ્રેણીમાં ચરિત્ર ભૂમિકા કરતા હોય છે. બિનાજીના દીકરા સિદ્ધાર્થ બેનરજી ‘હાઉસફૂલ – ૨’ (૨૦૧૨) અને ‘હિમ્મતવાલા’ (૨૦૧૩)ના સહાયક નિર્માતા હતા.
પ્રદીપ કુમારના યાદગાર ગીતો: ઐસે તો ના દેખો કે અને દિલ જો ન કેહ સકા – ભીગી રાત, જાગ દર્દ-એ-ઈશ્ક જાગ – અનારકલી, ઝીંદગી કે દેનેવાલે – નાગિન, જિસ દિલ મેં બસા થા – સાહેલી, અબ ક્યા મિસાલ દુ – આરતી, હમ ઇન્તઝાર કરેંગે – બહુ બેગમ, જો વાદા કિયા વો – તાજ મહાલ, યે વાદા કરો ચાંદ કે સામને – રાજહઠ, દિલ લગા કર હમ યે સમજે – ઝીંદગી ઔર મોત, દીવાના કેહ કે આજ – મુલ્ઝીમ, આપને યાદ દિલાયા તો – આરતી, ઝમીં સે હમે આસમાં પર – અદાલત, એક મંઝીલ રાહી દો અને ભૂલી હુઈ યાદોં – સંજોગ, મન રે તું કાહે ના ધીર ધરે – ચિત્રલેખા, યે કિસને ગીત છેડા – મેરી સૂરત તેરી આંખેં, કહાં લે ચલે હો – દુર્ગેશનંદિની, યે મોસમ રંગીન સમાં – મોડર્ન ગર્લ, રાત ઔર દિન દિયા જલે – રાત ઔર દિન.
(ઓક્ટોબરના સિતારા – નરેશ કાપડીઆ – પુસ્તકમાંથી સાભાર.)

Image may contain: 1 person, child and closeup

1 ટીકા

Filed under Uncategorized