કમાલના કલાકાર કમલ હાસન

કમાલના કલાકાર કમલ હાસન

ભારતીય ફિલ્મોના અભિનેતા, નિર્દેશક, સ્ક્રીન લેખક, નિર્માતા, ગાયક અને ગીતકાર કમલ હાસનનો ૬૫મો જન્મ દિન. પાર્થસારથી શ્રીનિવાસન રૂપે ૭ નવેમ્બર, ૧૯૫૪ના રોજ મદ્રાસ રાજ્યના પરમકુડી મુકામે તેમનો જન્મ થયો હતો. મુખ્યત્વે તેઓ તમિલ ફિલ્મોમાં કામ કરે છે. તેમને શ્રેષ્ઠ અભિનેતાના ચાર નેશનલ એવોર્ડ મળ્યાં છે, જે કોઈ પણ ભારતીય અભિનેતાને મળેલા એવોર્ડ્સમા બીજા ક્રમે છે. તેમને ૧૯ ફિલ્મફેર એવોર્ડ્સ મળ્યાં છે. એમની નિર્માણ કંપની રાજકમલ ઇન્ટરનેશનલ દ્વારા તેમણે અનેક ફિલ્મોનું નિર્માણ કર્યું છે. તેઓ પોતાની ઘણી ફિલ્મોનું નિર્માણ, કથા લેખન, ગીત લેખન અને ગાયન પણ કરી ચુક્યા છે.
તેમણે સાંઠના દાયકામાં તમિલ ફિલ્મમાં બાળકલાકાર રૂપે પડદા પર આવવાની શરૂઆત કરી હતી, જેને માટે તેમને રાષ્ટ્રપતિ સુવર્ણ ચંદ્રક મળ્યો હતો. ૧૯૭૫માં કે. બાલાચંદર નિર્દેશિત ‘અપૂર્વ રાગનગાલ’માં તેઓ પહેલી વાર બાગી નાયક રૂપે આવ્યા જે તેમનાથી મોટી ઉમરની નાયિકાને પ્રેમ કરતાં હતાં. ૧૯૮૩ની ‘મુંદ્રમ પરાઈ’માં બાળક જેવી સ્મૃતિભ્રંશ નાયિકાની સંભાળ લેતાં સ્કૂલ શિક્ષકની ભૂમિકા માટે તેમને પહેલો નેશનલ એવોર્ડ મળ્યો હતો. એ ફિલ્મ હિન્દીમાં ‘સદમા’ રૂપે શ્રીદેવી સાથે આવી હતી. તેમના વખાણ મણી રત્નમની ‘નાયાગન’ અને શંકરની ‘ઇન્ડિયન’ માટે થયાં. ‘ઇન્ડિયન’માં તેઓ બાપ-દીકરાની બેવડી ભૂમિકા કરતા હતા. પછી તો તેમણે ‘હે રામ’, ‘વિરુમંડી’ કે ‘વિશ્વરુપમ’નું નિર્માણ કરી અભિનય કરતાં ખુબ સફળતા મેળવી. ‘દશાવતારમ’ (૨૦૦૮)માં હાસને દસ વિવિધ ભૂમિકાઓ કરી હતી. કમાલને ૧૯૭૯માં કલાઈમામાની એવોર્ડ અપાયો, તેમનું ૧૯૯૦માં પદ્મશ્રી અને ૨૦૧૪માં પદ્મભૂષણ તથા ૨૦૧૬માં ‘ઓર્ડર ડેસ આર્ટસ એટ લેટર્સ’ એવોર્ડથી સન્માન થયું હતું.
ફોજદારી ધારાશાસ્ત્રી ડી. શ્રીનિવાસન અને ગૃહિણી માતા રાજલક્ષ્મીને ત્યાં કમલ હાસનનો જન્મ થયો. તેમના ભાઈ અભિનેતા અને બહેન શાસ્ત્રીય નર્તકી છે. તેમનું પ્રાથમિક શિક્ષણ જન્મસ્થળ પરમકુડીમાં અને બાકીનું મદ્રાસમાં થયું હતું. પિતાજીએ તેને અભિનય અને લલિતકળા તરફ વાળ્યો હતો. બાળકલાકાર રૂપે આવ્યા પછી સાતેક વર્ષ બાદ કમાલ ડાન્સ આસીસ્ટન્ટ રૂપે ફિલ્મોમાં પરત થયા અને કોરિયોગ્રાફર થાકપ્પનના સહાયક બન્યા હતા. નૃત્યકાર રૂપે ભૂમિકાઓ કરી. પણ સિત્તેરના દાયકાના અંતે કમલ હાસન પાસે પ્રાદેશિક ફિલ્મોના છ શ્રેષ્ઠ અભિનેતાના ફિલ્મફેર એવોર્ડ્સ હતા.
હિન્દી ફિલ્મોમાં કમલ હાસન પહેલી વાર ‘એક દુજે કે લિયે’માં દેખાયા હતા. તે એમની તમિલ ફિલ્મનું હિન્દી રૂપ હતું. તેમના અભિનય વાળી ૧૦૦મી ફિલ્મ ‘રાજા પાર્વાઈ’ તેમના દ્વારા નિર્માણ થયેલી પહેલી ફિલ્મ હતી. ફિલ્મ બહુ સફળ ન થઇ પણ એક અંધ વાયોલીનવાદકની ભૂમિકા માટે તેમને વધુ એક ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. તેમની સફળ તમિલ ફિલ્મોને તેમણે હિન્દી ફિલ્મ રૂપે ‘યે તો કમાલ હો ગયા’ કે ‘જરા સી ઝીંદગી’ આપી. ૧૯૮૩માં તેઓ કે. વિશ્વનાથ નિર્દેશિત ‘સાગરસંગમમ’ માં આવ્યા અને વધુ એવોર્ડ્સ જીત્યા. પછી મલ્ટીસ્ટારર ‘રાજ તિલક’માં અને ‘સાગર’માં યાદગાર રીતે આવ્યા. ‘સાગર’ ૧૯૮૫ની ભારતની ઓસ્કાર એન્ટ્રી બની હતી. બીજે વર્ષે ‘સ્વાથી મુથ્યમ’ પણ ઓસ્કારની ભારતીય એન્ટ્રી બની. ‘ગિરફ્તાર’ અને ‘દેખા પ્યાર તુમ્હારા’ જેવી હિન્દી ફિલ્મો બાદ કમાલ જાપાની ફિલ્મ માટે ગયા, જે તેમની જ ૧૯૭૯ની ‘કલ્યાણરામન’ની સિક્વલ હતી.
૧૯૮૬માં ટેકનીકલી યાદગાર ‘વિક્રમ’નું સર્જન કર્યું. હવે એમની ફિલ્મો તમિલ ઉપરાંત તેલુગુમાં આંધ્ર પ્રદેશના વિશાળ દર્શક વર્ગ સામે પણ હતી. કમાલ હાસન પોતાને નીરીશ્વરવાદી ગણાવે છે. તેમણે ભગવાનના અસ્તિત્વ સામે ઘણીવાર પ્રશ્ન ઉઠાવ્યા છે, તેમની ફિલ્મોમાં પણ એ વિષય પર કામ કર્યું છે.
શું કમલ હાસન મુસ્લિમ છે? ના. સંસ્કૃતમાં તેમનું નામ કમલ એટલે કમળ અને અટક હાસન સંસ્કૃત શબ્દ હાસ્ય પરથી આવ્યો છે. તેમણે અનેક સફળ હાસ્ય ફિલ્મો કરી છે. તેમના વકીલ પિતા સંસ્કૃતના જાણકાર હતા. તેમના નામને મુસ્લિમ માનીને અમેરિકી કસ્ટમે તેમની પૂછપરછ પણ કરી છે. કમલે તેમના માતા-પિતાનાના ઉલ્લેખ તેમના કાર્યમાં કર્યા છે, ખાસ કરીને ‘દશાવતારમ’ ફિલ્મના એક ગીતમાં.

કમલના સૌથી મોટા ભાઈ ચારુહાસન પણ કમલની જેમ નેશનલ ફિલ્મ એવોર્ડ વિજેતા અભિનેતા છે, જેમણે કન્નડ ફિલ્મ ‘તબરાના કાથે’માં અભિનય કર્યો હતો. ચારુહાસ્નની દીકરી સુહાસિની પણ નેશનલ ફિલ્મ એવોર્ડ વિજેતા છે, જેમના લગ્ન એવો જ એવોર્ડ સાથે જીતનાર મણી રત્નમ સાથે થયાં છે. મણી રત્નમ કમલ હાસનની ૧૯૮૭ની ‘નાયકન’ સાથે સંકળાયા હતા. ચંદ્રહાસને કમલની અનેક ફિલ્મોનું નિર્માણ કર્યું છે. તેઓ રાજકમલ ઇન્ટરનેશનલના અધિકારી હતા. માર્ચ, ૨૦૧૭માં ચંદ્રહાસનનું નિધન થયું હતું. ચંદ્રહાસનના દીકરી અનુ હાસને અનેક ફિલ્મમાં સહાયક ભૂમિકા કરી છે, જેમાંની એક સુહાસિનીની ‘ઇન્દિરા’ હતી. કમલના બેન નલિની રઘુ શાસ્ત્રીય નૃત્યના ગુરુ છે. કમલે તેમનું નામ એક ઓડીટોરીયમ ‘નલિની મહલ’ સાથે જોડ્યું છે. નલિનીજીના દીકરા ગૌથમે ‘હે રામ’ માં કમલના પૌત્રની ભૂમિકા કરી હતી. આમ આ એક ફિલ્મી પરિવાર છે.
ભૂતકાળમાં કમલે અનેક ફિલ્મો અભિનેત્રી શ્રીવિદ્યા સાથે કરી હતી. સિત્તેરના દાયકામાં તેઓ પ્રેમમાં હોવાનું કહેવાતું હતું. તેમના સંબંધો આધારિત મલાયલમ ફિલ્મ ‘થીરક્કથા’ રંજીથે ૨૦૦૮માં બનાવી હતી, જેમાં અનૂપ મેનન કમલની અને પ્રિયમણી શ્રીવિદ્યાની ભૂમિકામાં હતાં. જયારે ૨૦૦૬માં શ્રીવિદ્યા મરણપથારીએ હતાં ત્યારે કમલ તેમને મળવા ગયા હતા. ૧૯૭૮માં ૨૪ વર્ષની વયે નૃત્યકાર કમલે વાણી ગણપથી સાથે લગ્ન કર્યા હતાં, જેના દસ વર્ષ બાદ તેઓ છૂટા પડયા હતાં. પછી કમલે અભિનેત્રી સારિકા સાથે ૧૯૮૮થી રહેવાનું શરુ કર્યું હતું, તેમની પહેલી દીકરી શ્રુતિ હાસનના ૧૯૮૬ના જન્મ બાદ તેઓ પરણ્યા હતાં. શ્રુતિ હાસન ગાયિકા છે અને ટોલિવૂડ-કોલીવૂડના અભિનેત્રી પણ છે. તેમની નાની દીકરી અક્ષરા ૧૯૯૧માં જન્મી અને ૨૦૧૩ની ‘વિશ્વરૂપમ’ના તેઓ સહાયક નિર્દેશિકા હતાં. સારિકાએ લગ્ન બાદ અભિનય કરવો બંધ કરી કમલના પહેલાંના પત્ની વાણી ગણપતિની જેમ કમલના ‘હે રામ’ના કોસ્ચ્યુમ ડીઝાઇનરની જવાબદારી લીધી હતી. ૨૦૦૨માં કમલ-સારિકાએ છૂટાછેડાની અરજી કરી, જે ૨૦૦૪માં મંજૂર થઇ. હવે કમલ એંશી અને નેવુંના દાયકાની તેમની સાથી અભિનેત્રી ગૌતમી સાથે સંકળાયા હતા. એ સંબંધ ૨૦૦૫થી ૨૦૧૬ સુધી ચાલ્યો. ગૌતમીએ તેમના બ્લોગમાં દુઃખ સાથે એવું જાહેર કર્યું હતું કે કમલ સાથેના ૧૩ વર્ષના સંબંધ પુરા થયાં હતાં. કમલ અને ગૌતમી સાથે શ્રુતિ, અક્ષરા અને ગૌતમીના દીકરી સુબ્બાલક્ષ્મી રહેતાં હતાં.
કમલ હાસન રાજકારણમાં આવશે તેવી ચર્ચા હતી, જે સાચી પડી છે. ૨૧ ફેબ્રુઅરી, ૨૦૧૮ના રોજ કમલ હાસને તેમના રાજકીય પક્ષ મક્કલ નિધિ મૈઅમ (પીપલ્સ જસ્ટીસ સેન્ટર)ની સ્થાપના કરી હતી. એ પક્ષના ધ્વજમાં એક લાલ અને એક સફેદ એવા છ હાથ એક વર્તુળમાં એકબીજા સાથે મળેલાં જોવા મળે છે, જેના કેન્દ્રમાં એક સફેદ તારો દેખાય છે. જેની પાશ્વભૂ કાળા રંગની છે.
કમલ પહેલાં એવાં તમિલ અભિનેતા છે જેમણે પોતાની ફેન-ક્લબ્સને કલ્યાણ કાર્ય કરનારી સંસ્થાઓમાં ફેરવી નાંખી હતી. એ સંસ્થાઓ સામાજિક કાર્યો કરે છે. જેમાં રક્ત અને ચક્ષુ દાન અને ગરીબ વિદ્યાર્થીઓના શિક્ષણનો સમાવેશ થાય છે. તે માટે પણ તેમને એવોર્ડ્સ મળ્યાં છે. તેમણે એચઆઈવી ગ્રસ્ત અનાથ બાળકો માટે ‘હૃદયરાગમ’ સંસ્થા સ્થાપી છે. પોતાની કમાણીનો એક હિસ્સો તેઓ તેમાં આપે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેમને સ્વચ્છ ભારત અભિયાનમાં જોડતા કમલે મદ્રાસનું માદામબક્કમ તળાવ સાફ કરવાની જવાબદારી લીધી હતી.
(” સિતારા – નરેશ કાપડીઆ’ પુસ્તકમાંથી)

Image may contain: 1 person, smiling

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.