Daily Archives: જાન્યુઆરી 28, 2020

ન્યૂ ફોબિયા નામે ફૂડ નીઓફોબિયા/પરેશ વ્યાસ

ન્યૂ ફોબિયા નામે ફૂડ નીઓફોબિયા

હું ભોજન નહીં અન્ન કે ક્યાં છું ભોક્તા
ચિદાનંદ છું હું શિવોહમ શિવોહમ. –આદિ શંકરાચાર્ય(અનુ: ગૌરાંગ ઠાકર)

પણ ખાવું તો પડે. નહીં તો ચિત્તને આનંદ કઈ રીતે જડે? કેટલાંક લોકો ખાવા માટે જીવે છે! નવું નવું બજારમાં આવતું જાય છે. દેખાદેખીનાં રવાડે ચઢીને તેઓ સઘળું ઝાપટે છે. પિત્ઝા કે ગાંઠિયા, ડોનટ કે જલેબી- એવી કોઈ આભડછેટ એમને નથી. છોલેપૂરી કે મસાલા ઢોસા એવાં પંજાબી મદ્રાસી પ્રાંતિક ભેદભાવ એમની જીભ રાખતી નથી. હોટ અને કૂલ આજકાલ સમાનાર્થી શબ્દો છે. જેને તમે હોટ કહો એને એ જ અર્થમાં કૂલ પણ કહી શકો. કોફી કોલ્ડ હોય કે સ્ટીમિંગ હોટ, તેઓ બેઉનો સરખા પ્રસંશક હોય છે. તેઓ સર્વફૂડસમભાવમાં માને છે. થાળી હોય કે પ્લેટ, પતરાળી હોય કે થર્મોકોલ ડિસ, એમાં પીરસાયેલું ભાણું તેઓનાં થાબડભાણાં કરે છે. તેઓ બૂકડો ભરી લે છે. ફરીને ફરી તેઓ ડોઝરું ભરતા રહે છે. ડોઝરું એટલે? ગુજરાતી લેક્સિકોન અનુસાર ડોઝરું એટલે ‘હોજરું, પેટ (તિરસ્કાર કે તુચ્છકારમાં)’. કૌંસમાં લખેલા શબ્દો વધારે અગત્યનો અર્થ સૂચવે છે, જેની લાગતાવળગતાઓએ નોંધ લેવી. સ્વાદ તો જીભ લેતી હોય, વાંક બિચારા પેટનો આવે છે તો પણ કટક બટક ખાતા રહેવું, એ તેઓની સાહજિક પ્રવૃત્તિ છે. તેઓ ખાય નહીં તો બીજું કરે ય શું? પણ આજે એવાં લોકોની વાતો કરવી છે જે ફૂડ નીઓફોબિક છે. નીઓફોબિયા શબ્દ જેનરિક છે. નવી વાતનો, નવી અજમાઇશનો ડર. એવાં લોકો જે નવું ખાતા, અવનવું ખાતા ડરે છે એ ફૂડ નીઓફોબિક છે.

ફિનલેન્ડ દેશની એક યુનિવર્સિટીએ ૨૫થી ૭૪ વર્ષની વયનાં લોકોની ખાનપાન આદતો ઉપર રીસર્ચ કરી અને સાત વર્ષ સુધી ફોલોઅપ કર્યું. રીસર્ચનાં અંતે તેઓ ગયા મહિને એવાં તારણ ઉપર આવ્યા કે જે લોકો નવા નવા ખોરાક ખાવાથી ડરે છે, એમને ડાયાબિટીસ અને કાર્ડીઓવાસ્ક્યુલર રોગ થવાની શક્યતા વધારે છે. આ સમાચાર અમને વધારે કન્ફયુઝ કરી ગયા. પહેલાં ગાંઠિયા જલેબી ખાતા હવે પિત્ઝા બર્ગર ખાઈએ તો એ સારું? કે નઠારું? વડીલો કહેતા કે જે અન્ન કોઠે પડ્યું હોય એ સાચું. બાકીનું અન્ન નડે, નુકસાન કરે. પછી અમે રીસર્ચ વિષે વિગતે રીસર્ચ કર્યું અને જાણ્યું કે આ નવો ખોરાક એટલે નવો આરોગ્યપ્રદ ખોરાક. એટલે કે રેસાયુક્ત અને તેલમુક્ત કુદરતી ખોરાક. નવું રેઇનબો ફૂડ એટલે કે અવનવાં રંગબેરંગી ફળફળાદિનું સેવન કરવું. રાંધ્યા વિનાનો અથવા તો ઓછા તાપે બાફી શેકીને રાંધેલો ખોરાક, જેમાં પોષક તત્વો અકબંધ રહ્યા હોય એવો ખોરાક. જે લોકો આવા નવાં અવનવાં હેલ્ધી ફૂડથી ડરે છે, એ લોકો ફૂડ નીઓફોબિયાથી પીડાતા હોય છે. એવાં લોકો પછી એમનું વર્ષો જૂનું ખાંડ અને ચરબીયુક્ત ખાવાનું ખાતા રહે. એમને નવી હેલ્ધી લાઈફસ્ટાઈલ ડર લાગે. પરિણામે એવાં લોકો બીમારીને સ્ટેન્ડિંગ ઇન્વિટેશન આપે છે. એમણે તો હોસ્પિટલમાં પોતાનો ખાટલો પણ રીઝર્વ કરાવી રાખવો જોઈએ. ટ્રાવેલ એજન્સીઓ જેમ ઓનલાઇન હોટલ બુકિંગ કરે છે એમ ઓનલાઇન હોસ્પિટલ બુકિંગની વ્યવસ્થા પણ હોવી જોઈએ. એમાં ય ઓફસીઝન ડિસ્કાઉન્ટ મળવું જોઈએ. કેન્સલ થાય તો રીફંડની જોગવાઈ પણ હોવી જોઈએ.

હેલ્ધી લાઈફ સ્ટાઈલ જરૂરી છે. હેલ્ધી ફૂડ અત્યંત આવશ્યક છે. પણ હું ફૂડ નીઓફોબિયાથી પીડાઉં છું. હું ધારું તો ય પિત્ઝા બર્ગર કે ડોનટ ખાઈ શકતો નથી. પણ મને મારી પરંપરાગત પૂરણપોળી અને ઢોકળાં ભાવે છે. એમાં અનુક્રમે ઘી અને તેલ હોવું જરૂરી છે. થોડું બિનઆરોગ્યપ્રદ કહી શકાય પણ એ વાનગીઓમાં ઘીતેલનું સહેજ હોવું સહજ છે. પણ હું વધારે લેતો નથી. અન્ન બાબતે હું મર્યાદાપુરુષોત્તમ છું. ટીવી એડમાં હેલ્ધી બ્રેકફાસ્ટની એડ મને નીઓફોબિક કરે છે. કોર્ન ફ્લેક્સ શું કામ? એનાં કરતા તો મકાઈ શેકી કે બાફીને ન ખાઈ શકાય? ચોકોઝ કે વ્હિટ ફ્લેઈક્સ કરતા રોટલો કે દલિયાનું શીરામણ હું પ્રીફર કરું છું. મને ફૂડ નીઓફોબિયા છે. નવા ફૂડથી હું ડરું છું. કહો તમે જ કહો, મેરે ડરકે આગે જીત હૈ?

Image may contain: food

Leave a comment

Filed under ઘટના, પ્રકીર્ણ