Daily Archives: જાન્યુઆરી 30, 2020

લિંગભેદ મિટાવે એ શબ્દો સાચા…/ પરેશ વ્યાસ

લિંગભેદ મિટાવે એ શબ્દો સાચા

શબ્દ સૌ ઠાલા બની, મૌન થઈ બહેકે સખા! -‘ઊર્મિ’

તાજા સમાચાર છે કે અમેરિકાનું બર્કલી શહેર જેન્ડર ન્યૂટ્રલ (લિંગ તટસ્થ) શબ્દો અપનાવી રહ્યું છે. એક અધિનિયમથી એમણે એમનાં સરકારી નિયમ પુસ્તિકામાંથી લિંગવાદી શબ્દો દૂર કર્યા છે. ‘મેનહોલ’ (નરવિવર) હવે મેઇન્ટેનન્સહોલ (મરામતવિવર) છે. વિવર એટલે (ગટરમાં ઉતારવાનું) બાકું, દર, પોલાણ. ‘ફાયરમેન’ હવે ‘ફાયરફાઈટર’ છે. ‘મેનપાવર’ એટલે માત્ર પુરુષની શક્તિ? એવું કેમ? સ્ત્રીની શક્તિ પણ તો છે. જેઓ પુરુષ અને સ્ત્રીમાં નથી, તેઓની શક્તિ પણ છે. એટલે ‘મેનપાવર’ શબ્દ બદલાઈને ‘હ્યુમનએફર્ટ’ થયો છે. એફર્ટ એટલે સખત શ્રમ અથવા પ્રાયોજિત બળ. એ જ રીતે ‘મેનમેઈડ’ હવે ‘હ્યુમનમેઈડ’ થયું છે. આપણે તો પહેલેથી જ માનવસર્જિત કહી છીએ; પુરુષસર્જિત કહેતા નથી. આપણે ઘણાં આગળ છીએ. પણ એ જવા દો. બર્કલીની મ્યુનિસિપલ સરકાર તરફથી આ એક સંદેશ છે કે અમે સૌને સરખી સેવા આપીએ છીએ.
શું માત્ર શબ્દો બદલવાથી વર્તણુંક બદલાઈ શકે? ચોક્કસ બદલાઈ શકે. ભાષા અને ખાસ કરીને શબ્દ પ્રભાવશાળી હથિયાર છે. જ્યારે આપણે મેનપાવર એવો શબ્દ બોલીએ છીએ ત્યારે આપણા મનમાં પુરુષની શક્તિ એવો અર્થ ગર્ભિત રીતે અથડાયા કરે છે. મનમાં હોય એ બોલાતું રહે છે. પણ જ્યારે હ્યુમનપાવર (માનવશક્તિ) બોલીએ ત્યારે નર, નારી કે નાન્યતર સર્વેનો સમાવેશ થઇ જાય છે. જેન્ડર ન્યુટ્રલ શબ્દોથી આપણા વિચાર પણ બદલાય છે. ભેદભાવ ભૂંસાય છે. શબ્દો ભારે શક્તિશાળી છે, સાહેબ. હવે જુઓને… સાહેબ પણ સારો શબ્દ નથી કારણ કે એવું માનીએ છીએ કે સાહેબ પુરુષ જ હોઈ શકે. પણ સાહેબ, સાહેબ સ્ત્રી ય હોઈ શકે. ફીમેલ બોસ?!! કેટલાંક કામ તો જાણે સ્ત્રીઓ જ કરે દા.ત. નર્સ. એટલે કોઈ પુરુષ નર્સ બને તો એ મેઈલ નર્સ. એ જ રીતે લેડી ડોક્ટર, ફીમેલ જજ, મેઈલ મોડેલ. એક્ટર પુરુષ હોય પણ સ્ત્રી કલાકાર એક્ટ્રેસ કહેવાય. સ્ત્રી કોમેડિયન માટે ઇંગ્લિશમાં ‘કોમેડિએનન’ એવો શબ્દ છે પણ સામાન્ય રીતે બધા જ કલાકારો કોમેડિયન કહેવાય છે. આપણી સેન્સ ઓફ હ્યુમર જેન્ડર ન્યુટ્રલ છે.
ઇંગ્લિશ ભાષામાં જો કે વર્ષો પહેલાં ‘મેન’નો અર્થ પુરુષ એવો નહોતો. પુરુષ માટે વેર (wer) અને સ્ત્રી માટે વિફ (wif) શબ્દો હતા. જ્યારે મેન (man) શબ્દ બંને માટે વપરાતો. પણ પછી કાળક્રમે મેન શબ્દ પુરુષ સૂચક થઇ ગયો અને એની સાથે જોડાયેલાં શબ્દો લિંગલક્ષી થવા માંડ્યા. સ્ત્રી માટે ફીમેઇલ અને પત્ની માટે વાઈફ શબ્દો આવી ગયા. સ્ત્રી પુરુષથી નીચ છે એવું સાબિત કરતા શબ્દોથી ભાષા ભ્રષ્ટ થઇ. હવે ફરીથી ભાષાનો લિંગભેદ મીટાવવાનો સમય આવી ચૂક્યો છે. પુરુષને સ્ત્રીસમોવડો બનાવવાનો સમય આવી ચૂક્યો છે. અપરિણિત સ્ત્રી માટે મિસ એવું સંબોધન છે પણ પુરુષ વાંઢો હોય તો પણ મિસ્ટર જ કહેવાય છે. એવું કેમ?
કયા શબ્દો વાપરવા એ માટે ‘કૃત્રિમ બુદ્ધિ’ હવે ધંધે લાગી છે. આર્ટીફિસિયલ ઈન્ટેલીજન્સ સોફ્ટવેર હવે સ્ત્રી અને પુરુષને સરખી તક આપતા શબ્દો સૂચવે છે. એવું તારણ છે કે સ્ત્રીઓ, નોકરીની જાહેરાતમાં પોતે ૧૦૦% ક્વોલીફાઈ હોય તો જ અરજી કરે છે પણ પુરુષ ૬૦% લાયકાત ધરાવતો હોય તો અરજી કરી નાંખે છે. જાહેરાતની ભાષાનાં શબ્દો એમાં મુખ્ય ભાગ ભજવે છે. ‘એક્સ્ટ્રાઓર્ડીનરી’ (અસાધારણ)ની જગ્યાએ ‘એક્ષ્સેપ્શનલ’ (અપવાદરૂપ) શબ્દનો ઉપયોગ કરો તો વધારે સ્ત્રી ઉમેદવાર અરજી કરે છે. ‘પ્રુવન’ (નીવડેલા) ઉમેદવાર એવું લખો તો સ્ત્રી ઉમેદવાર અરજી કરતા અચકાય છે. એવું કેમ છે? એ ખબર નથી. હવે તો માત્ર શબ્દો જ નહીં પણ વાક્ય કેવી રીતે લખાયું છે, એ પણ નક્કી કરે છે કે એમાં સ્ત્રી ઉમેદવાર અરજી કરશે કે કેમ? જો એવું લખો કે ‘અમારી’ ટીમ માટે એક હોંશિયાર સોફ્ટવેર એન્જિનિયરની જરૂર છે તો સ્ત્રી ઉમેદવારને અરજી કરવા માટે બળ મળે છે. ટૂંકમાં શબ્દ શસ્ત્ર છે, શબ્દ શાસ્ત્ર છે. ‘સખા’, ‘સખી’ હવે ‘સાથી’ થઇ શકે છે. લિંગભેદ દૂર કરવા શબ્દ સક્ષમ છે. પણ આપણે જાણીબુઝીને અભણ થઈએ તો એનો કોઈ ઈલાજ નથી.

Image may contain: one or more people, shoes and outdoor

1 ટીકા

Filed under ઘટના