Monthly Archives: ફેબ્રુવારી 2020

સફળ ફિલ્મોના લેખક સલીમ ખાન

સફળ ફિલ્મોના લેખક સલીમ ખાન
હિન્દી ફિલ્મોમાં લેખકોનું માન વધારનાર સલીમ ખાનનો ૮૪મો જન્મ દિન. ૨૪ નવેમ્બર, ૧૯૩૫ના રોજ ઇન્દોરમાં તેમનો જન્મ. ફિલ્મી લેખક હોવા ઉપરાંત તેઓ અભિનેતા પણ હતા. હિન્દી ફિલ્મોની સૌથી સફળ લેખક બેલડી સલીમ-જાવેદમાંના તેઓ સલીમ. વળી તેઓ અભિનેતાઓ સલમાન ખાન, સોહિલ ખાન અને આરબાઝ ખાનના પિતા અને સુશીલા યાને સલમા ખાન અને નૃત્યકાર અભિનેત્રી હેલેનના પતિ છે.
અલાકોઝાઈ પુસ્તુન પ્રજાતિના વારસદાર એવા ધનવાન પરિવારમાં ઇન્દોરમાં સલીમ ખાનનો જન્મ થયો હતો. તેમના પરદાદા ૧૮૫૦ના અરસામાં અફઘાનિસ્તાનમાંથી આવ્યા હતાં. સલીમના પિતા રશીદ ખાન ઇન્દોરના ડીઆઈજી હતા. સલીમ ૯ વર્ષના હતા ત્યારે માતાનું ટીબીમાં નિધન થયું હતું. તેઓ ૧૪ વર્ષના થયા ત્યારે પિતાનું પણ નિધન થયું હતું. ઇન્દોરમાં સ્કૂલ કરી હોલકર કોલેજમાં તેઓ જોડાયા અને બીએ થયા, એ જમાનામાં તેઓ કાર લઇને કોલેજ જતા. તેઓ ખેલ, ખાસ કરીને ક્રિકેટ સારું રમતા હતા, તેથી એમએ માં પણ પ્રવેશ મળ્યો હતો. તેમના દેખાવ અને સ્માર્ટનેસને લીધે મિત્રો તેમને ફિલ્મોમાં જવાનું કહેતાં. રાજેશ્રીના તારાચંદ બરજાત્યાના દીકરા કમલ બરજાત્યાના લગ્નમાં નિર્દેશક કે. અમરનાથે સલીમને જોઈ પોતાની ફિલ્મ ‘બારાત’માં સહાયક ભૂમિકા કરવાની રૂ. ૪૦૦ના માસિક પગારે ઓફર કરી હતી. સલીમ મુંબઈ આવ્યા અને માહિમની ખોલીમાં રહ્યા. જોકે ફિલ્મ નિષ્ફળ રહી.
સલીમે હવે સંઘર્ષ કરવાનો હતો. સારા દેખાતા સહાયક યુવાનની નાની નાની ભૂમિકા તેમને મળતી, જે છેલ્લે બી-ગ્રેડની ફિલ્મોમાં પરિણમી. એવી નજીવી બે ડઝન ભૂમિકાઓ તેમણે કરી. ૧૯૭૭ સુધી તેમણે નાની ભૂમિકાઓ કરી, જેમાં ‘તીસરી મંઝીલ’, ‘દીવાના’ જેવી ફિલ્મો હતી. ‘સરહદી લૂટેરા’ તેમના અભિનયવાળી છેલ્લી ફિલ્મ દરમિયાન સલીમ પહેલીવાર જાવેદને મળ્યા. ત્યારે જાવેદ પહેલાં ક્લેપર બોય અને પછી સંવાદ લેખક બન્યા હતા. એ ફિલ્મને લીધે તેમની દોસ્તી થઇ.
સલીમ ખાનને લેખક-નિર્દેશક અબરાર અલવીના સહાયકનું કામ મળ્યું, જેમાં તેઓ પટકથા અને સંવાદ ફાઈનલ કરતા. બરાબર એવું જ કામ જાવેદ અખ્તરને કૈફી આઝમી પાસે મળ્યું હતું. અલવી અને આઝમી પડોશી હતા, માટે સલીમ અને જાવેદ મળતાં રહ્યાં. એમાંથી સલીમ-જાવેદની જોડી બની. સલીમ વાર્તા અને પ્લોટ ઘડતા અને જાવેદ તેમાં સંવાદ ઉમેરતા, કયારેક ગીત પણ લખતા. જી.પી. સિપ્પીએ તેમને સ્ક્રીનલેખક રૂપે કામ આપ્યું. તેમાંથી અનેક સફળ ફિલ્મો આવી, જેવીકે ‘અંદાઝ’ (૧૯૭૧), ‘સીતા ઔર ગીતા’, ‘શોલે’ અને ‘ડોન’. ‘અંદાઝ’ તેમની પહેલી મોટી સફળતા હતી, પછી આવી ‘અધિકાર’, ‘હાથી મેરે સાથી’, અને ‘સીતા ઔર ગીતા’.
સલીમ-જાવેદની સફળ ફિલ્મોની યાદીમાં ‘યાદોં કી બારાત’, ‘ઝંજીર’, ‘હાથ કી સફાઈ’, ‘દીવાર’, ‘શોલે’, ‘ચાચા ભતીજા’, ‘ડોન’, ‘ત્રિશુલ’, ‘દોસ્તાના’, ‘ક્રાંતિ’, ‘મિ. ઇન્ડિયા’ ઉમેરાઈ. સલીમ જાવેદની જોડીએ ૨૬ ફિલ્મો લખી, જેમાં બે કન્નડ અને બે તેલુગુ ફિલ્મો પણ હતી. તેમાંથી ૨૧ ફિલ્મો હીટ ગઈ હતી. જે નિષ્ફળ ગઈ તે ફિલ્મોમાં ‘આખરી દાવ’, ‘ઈમાન ધરમ’, ‘કાલા પથ્થર’ અને ‘શાન’નો સમાવેશ થાય છે. તેમના અહમને લીધે તેઓ છુટા પડ્યા. તે પછી આવેલી તેમણે લખેલી ‘મિ. ઇન્ડિયા’ (૧૯૮૭) પણ સફળ થઇ હતી.
આ જોડી પહેલી હતી, જેણે કથા, પટકથા અને સંવાદ સાથે લખ્યાં. ૧૯૭૦ પહેલાં આવું નહોતું. અરે, લેખકોના નામ ફિલ્મોના ટાઈટલમાં પણ નહોતા આવતા. જુનિયર, સંઘર્ષ કરતા લેખકોને થોડી રકમ આપી ભૂલી જવાતા હતાં. આ સફળ જોડીએ ફિલ્મ લખવાના વધુ પૈસા માંગ્યા, તેમના નામ પોસ્ટરમાં લખાતા થયા, તેઓ ફિલ્મમાં કોને કલાકાર રાખવા તે સહિત સુચનો કરતા. તેમણે લેખકોને સ્ટાર સ્ટેટસ અપાવ્યું હતું.
જાવેદથી છુટા પડી સલીમ ખાને દસ ફિલ્મો લખી. જેમાં ‘મઝધાર’ અને સલમાન ખાનની ‘પથ્થર કે ફૂલ’ સામેલ છે. ‘પ્યાર કિયા તો ડરના ક્યા’ અને ‘ઔજાર’નું તેમના નાના દીકરા સોહિલ ખાને નિર્માણ કર્યું અને સલમાને તેમાં અભિનય કર્યો.
સલીમ-જાવેદને ‘દીવાર’ અને ‘જંજીર’ માટે કુલ પાંચ ફિલ્મફેર એવોર્ડ્સ મળ્યાં હતાં. સલીમ ખાનને નિર્માતાઓના મંડળ અપ્સરા દ્વારા ૨૦૧૪માં લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ અપાયો. ત્યારે જ સલીમ ખાનને પદ્મશ્રીની ઓફર થઇ તો તેમણે એવું કહીને ઇનકાર કર્યો હતો કે તેઓ ઓછામાં ઓછા પદ્મભૂષણના હકદાર છે.
(‘નવેમ્બરના સિતારા – નરેશ કાપડીઆ’ લિખિત પુસ્તક માંથી)

Image may contain: 1 person, closeup

Leave a comment

Filed under Uncategorized

૫૪ હજારથી વધુ રેડીઓ કાર્યક્રમો કરનારા ઉદઘોષક તો અમીન સાયની જ

૫૪ હજારથી વધુ રેડીઓ કાર્યક્રમો કરનારા ઉદઘોષક તો અમીન સાયની જ

રેડીયોના સૌથી લોકપ્રિય ઉદઘોષક અમીન સાયની ૮૭ વર્ષના થયા. ૨૧ ડીસેમ્બર, ૧૯૩૨ના રોજ તેમનો જન્મ. રેડિયો સિલોન પર ‘બિનાકા ગીતમાલા’ કાર્યક્રમનું વર્ષો સુધી સંચાલન કરીને અમીનજીએ દક્ષિણ એશિયામાં લોકપ્રિયતા મેળવી હતી. તેમની ‘ભાઈઓ ઔર બહેનો’ થી શરૂ થતી ઉદઘોષણા એટલી મશહુર થઇ કે આજે અમીનજી નવી પેઢીના ઉદઘોષકો પર સૌથી વધુ અસર ધરાવે છે. તેમના અવાજની સ્પષ્ટતા અને લહેકો સૌથી કર્ણપ્રિય અને લોકપ્રિય બન્યાં. છેક ૧૯૫૧થી અમીન સાયનીએ પોતાના નિર્માણ અને ઉદઘોષિત એવા ૫૪ હજારથી વધુ રેડીઓ કાર્યક્રમો અને ૧૯ હજાર જેટલાં સ્પોટ/જિંગલ કર્યા છે. આ હકીકતોને કારણે તેમનું નામ લીમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં પ્રગટ થયું છે.

તેમના ભાઈ હમીદ સાયની અમીનજીને ઓલ ઇન્ડિયા રેડીઓ પર લાવ્યા હતા. ત્યારે દસ વર્ષ સુધી અમીનજીએ અંગ્રેજી કાર્યક્રમો કર્યા હતા. પાછળથી અમીનજીએ ઓલ ઇન્ડિયા રેડિયોને પણ લોકપ્રિય બનાવ્યું. અમીન સાયની અનેક ફિલ્મોમાં ઉદઘોષક રૂપે દેખાયા, જેમાં ‘ભુત બંગલા’, ‘તીન દેવિયાં’, ‘બોક્સર’ અને ‘કત્લ’ને યાદ કરી શકાય.

મહાત્મા ગાંધીના વિચારોથી પ્રેરિત થઈને અમીનજીના માતા કુલસુમ સાયનીએ ૧૯૪૦થી ૧૯૬૦ સુધી ‘રાહબર’ નામનું પાક્ષિક સામયિક નવ-શિક્ષિતોને વાચન તરફ વાળવા અને સારું સરળ વાચન મળી રહે તે હેતુથી ચલાવ્યું હતું; જેમાં સંકલન, પ્રકાશન અને પ્રિન્ટીંગના કાર્યમાં અમીન સાયની મદદરૂપ થતા હતા. હિન્દી, ઉર્દૂ અને ગુજરાતી દેવનાગરીમાં સરળ ભાષી સામયિક માટે દાયકાઓ સુધી કરેલા કાર્યનો અનુભવ અમીનજીને કોમર્શીયલ બ્રોડકાસ્ટિંગમાં ઉપયોગી થયો. તેમને હિન્દી ભવન, નવી દિલ્હી દ્વારા ૨૦૦૭માં પ્રતિષ્ઠિત ‘હિન્દી રત્ન પુરસ્કાર’ પણ આપવામાં આવ્યો.

અમીન સાયનીએ તાતા ઓઈલ મિલ્સમાં ૧૯૬૦થી ૧૯૬૨ દરમિયાન માર્કેટિંગ વિભાગમાં બ્રાન્ડ એક્ઝીક્યુટીવ રૂપે કાર્ય કર્યું હતું, જયારે તેઓ મુખ્યત્વે ‘હમામ’ અને ‘જઈ’ સાબુનો પ્રચાર કરતા હતા.

તેઓ જેનાથી સૌથી વધુ લોકપ્રિય થયા હતા તે ૧૯૫૧થી ચાલતો પહેલાં ‘બિનાકા ગીતમાલા’ અને પછી ‘સીબાકા ગીતમાલા’ પહેલાં રેડિયો સીલોન, પછી તેનું બદલાયેલું નામ શ્રીલંકા બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન અને પાછળથી વિવિધ ભારતી પર કુલ ૪૨ વર્ષો સુધી ચાલતો રહ્યો. પછી ચાર વર્ષના અંતરાલ બાદ તે ફરી શરૂ થયો, જે બે વર્ષ ‘કોલગેટ સીબાકા ગીતમાલા’ રૂપે ચાલ્યો. તે ઉપરાંત ‘એસ. કુમાર કા ફિલ્મી મુકદ્દમા’ અને ‘ફિલ્મી મુલાકાત’ વિવિધ ભારતી પર સાત વર્ષ સુધી ચાલ્યો હતો. જે એકાદ દાયકા બાદ ફરી પણ એક વર્ષ ચાલ્યો હતો. તો તેમનો ‘સેરિડોન કે સાથી’ ચાર વર્ષ સુધી ચાલ્યો હતો, જે આકાશવાણીનો પહેલો પ્રાયોજિત કાર્યક્રમ હતો. તેમના ભાઈ અને ગુરુ હમીદ સાયનીના ૧૯૭૫માં થયેલા મૃત્યુ બાદ તેમનો અંગ્રેજી કાર્યક્રમ ‘બોર્નવીટા ક્વિઝ કોન્ટેસ્ટ’ અમીન ભૈયાએ ઉપાડી લીધો હતો જે આઠ વર્ષ સુધી વિવિધ ભારતી પર ચાલ્યો હતો. અમીનજીએ સાત વર્ષ સુધી ‘શાલીમાર સુપરલેક જોડી’ કાર્યક્રમ પણ કર્યો. તો ‘મરાઠા દરબાર’ રૂપે ઓળખાતા ‘સિતારોં કી પસંદ’, ‘ચમકતે સિતારેં’, ‘મહકતી બાતેં’ જેવાં કાર્યક્રમો તેમણે ૧૪ વર્ષો સુધી કર્યા હતાં.

ટોચના ગાયકો, સંગીતકારો અને ગીતકારો વિશેની રોચક માહિતી મુલાકાતો અને કેરીયર આધારિત તેમનો કાર્યક્રમ છ વર્ષથી ‘સંગીત કે સિતારોં કી મેહફીલ’ રૂપે દેશ વિદેશના વિવિધ રેડિયો સ્ટેશન પંર વાગતા હોય છે. અમીનજીએ ૧૩ એપિસોડની રેડીઓ શ્રેણીનું નિર્માણ કર્યું હતું જે એચઆઈવી અને એઇડ્સના ખરા કેસ આધારિત હતી, જેમાં દેશના જાણીતા ડોક્ટરોની અને સામાજિક કાર્યક્રરોની મુકાલાતો હતી. ‘સ્વનાશ’ નામની આ શ્રેણી આકાશવાણી પર પ્રસારિત થઇ હતી અને તેની ઓડિયો કેસેટ્સ પણ વિવિધ એનજીઓ ને ઉપયોગી થાય તે માટે બનાવાઈ હતી.

અમીન સાયની સાહેબનું છેલ્લું મોટું કાર્ય અનેક કેસેટ્સ અને રેકોર્ડ્સ પરથી તૈયાર થયેલી ‘ગીતમાલા કી છાંઓ મેં’ છે, જેના પાંચ સીડીના એક એવા ૪૦ વોલ્યુમ છે. આ કાર્યને દેશમાં અને વિદેશમાં સારો આવકાર મળ્યો છે.

ઘણું જીવો અમીન સાયાની…

Image may contain: 1 person, smiling, eyeglasses and closeup

Leave a comment

Filed under Uncategorized

ધીરે ધીરે મચલ એ જીભ-એ-બેકરાર……/પરેશ વ્યાસ

ધીરે ધીરે મચલ એ જીભ-એ-બેકરાર……
ટ્રમ્પ સાહેબ કાલે અમદાવાદ પધારશે. અમદાવાદમાં ચણાતી એ દીવાલનો વિવાદ દિવસોનાં દિવસોથી ચાલી રહ્યો છે. કહે છે કે તંત્ર ગરીબી ઉપર ઢાંકપિછોડો કરી રહ્યું છે. ટીકાકારો તો આ તાયફામાં થનાર બેફામ ખર્ચની તરફ આંગળી ચિંધી રહ્યા છે. આંગળી કરી રહ્યા છે એવું ય કહી શકાય. જો કે આંગળી ચીંધવી અને આંગળી કરવી એ બેમાં તાત્વિક ફેર છે. સમર્થનકારો કહે છે કે મહેમાનગતિ એ આપણી સંસ્કૃતિ છે. આઈ મીન -સ્વર્ગ ભૂલાવું શામળા- એવું આપણે કહીએ છીએ. અમેરિકા ભૂલાવું ટ્રમ્પડા એવું કહેવું જો કે અજુગતું લાગે. પણ અમને ખાત્રી છે કે ટ્રમ્પની મુલાકાતથી ઘણું સારું ય થશે. ન્યુક્લીઅર પાવર પ્લાન્ટ માટે નવી ટેકનોલોજી અંગે સમજૂતી થશે. વ્યાપારધંધો તો વધશે જ. લાભ તો થશે જ. પણ અમે એની વાત કરવા માંગતા નથી. અમે તો એમ કહીએ છીએ કે આ ટ્રમ્પ સાહેબ આવશે તો શું ખાશે? શું પીશે? અમને જાણવા મળ્યું છે કે તેઓ ચા-કોફી પીતા નથી. દારૂને તો અડતા ય નથી. નશો એમને પસંદ નથી. પણ તેઓ ડાયેટ કોકનાં શોખીન છે. ચોવીસ કલાકમાં બાર બાટલી ય ગટગટાવી જાય! ફાસ્ટ ફૂડનાં તેઓ અપ્રતિમ ચાહક છે. એગ્સ બીકન બર્ગર કે મીટલોફ ઓહિયા કરી જાય છે. બટાકાની વેફર્સ એમને અતિ પ્રિય છે. તેઓ પિત્ઝા ખાય છે ત્યારે માત્ર એનું ટોપિંગ જ ખાય છે, નીચેનો પિત્ઝા રોટલો ખાતા નથી. ખાધા પછી મોઢું મીઠું કરવા ચેરી વેનિલા આઈસક્રીમ અને ચોકોલેટ કેક ખાવું એમને ગમે છે. ટૂંકમાં એમને ચા, કોફી, દારૂનું વ્યસન નથી (વેરી ગૂડ વેરી ગૂડ); પણ બાકી બધી ન ખાવા લાયક તમામ ચીજ વસ્તુઓ તેઓ ઝાપટે છે (વેરી બેડ વેરી બેડ). અને અમને એટલે જ મોદી સાહેબનાં આ ભાઈબંધ જરાય ગમતા નથી. હે મોદી સાહેબ, તમે ખાતાં નહીં અને એમને (આવું આવું) ખાવા દેતાં નહીં. અમારી આપને નમસ્તે ભરી અપીલ છે.
ફાસ્ટ ફૂડ શું કામ? સમય નથી. સમય કેમ નથી? કારણ કે દોડાદોડ છે. રોજની દોડાદોડમાં આપણે આપણી તંદુરસ્તી સાથે ખિલવાડ કરીએ છીએ. ધીમા પડો, સાહેબ. સ્લો કૂકિંગ એટલે? ઓછા તાપે રસોઈ બનાવવી તે. ખાદ્ય પદાર્થોનાં સર્વે પોષક તત્વો સલામત રહે અને સ્વાદ તો અપરંપાર. થોડી તૈયારી આગલાં દિવસે કરી રાખવી આવશ્યક છે. શાકભાજી સુધારી, ઢાંકીને ફ્રિજમાં મૂકી રાખી શકાય. કઠોળ કરવા હોય તો પલાળીને રાખી શકાય. ચણા, રાજમા કે મગ પછી ધીમે ધીમે વરાળથી બફાતા જાય. લીલો મસાલો જ્યાં સુધી ઉપલબ્ધ છે ત્યાં સુધી વાપરવો હિતાવહ છે. ઘરમાં માત્ર એકાદ વ્યક્તિ જ રાંધે એવું શું કામ? પતિ છાપું વાંચે અને પત્ની રાંધે, એવું શા માટે? ઝાઝા હાથ રળિયામણા. ઘરનો ધણી વટાણા શું કામ ન છોલી આપે? પણ મસાલો તો એક જ કરે તો સારું, નહીં તો ઝાઝા રસોઈયા રસોઈ બગાડે! અને આપણે રહ્યાં ગુજરાતી. તેલ વિના આપણને ન ચાલે. કોઈ ઓલિવ ઓઈલ જેવાં ફેન્સી તેલ શા માટે? એ ડાયેટિંગ માટે નથી. અને એને ગરમ કરીએ તો ઊલટાનું મુશ્કેલી વધે. આપણું શિંગતેલ સારું. પણ એક કંજુસની જેમ વાપરવું. રાંધવાની પેણીમાં ખાદ્ય પદાર્થ ચોંટે નહીં એટલું જ. મુશ્કેલી એ છે કે આપણી જીભને તેલનો જ સ્વાદ આવે છે. શાકભાજી કે અનાજનો ઓરિજિનલ સ્વાદ તો આપણે ભૂલી જ ગયા છે. આપણે ક્યાં હવે ચાવી ચાવીને ખાઈએ છીએ તે આપણે સ્વાદને પારખી શકીએ? રાંધેલું દિવસમાં એક જ વાર અને ફળફળાદિ દિવસમાં ઈચ્છો એટલી વાર. અને રાંધવા માટે રાઈસ કૂકર અમને હંમેશા હરફનમૌલા લાગ્યું છે. હરફનમૌલા એટલે દરેક કામમાં કુશળ. ક્રિકેટની ભાષામાં કહું તો ઓલરાઉન્ડર. ધીરજ રાખો તો રાઈસ કૂકરમાં સઘળું રાંધી શકાય. પ્રવાસમાં ય લઇ જઈ શકાય. કોઈ કોઈ મોંઘી હોટલ્સમાં હવે રસોઈ કરવાની પણ જોગવાઈ હોય છે. કેવું સરસ? પતિ પત્ની હનીમૂન માટે જાય તો રસોઈ કરતા કરતા અલકમલકની વાતો કરે અને પછી સાથે જમે.
અમેરિકન સમાજ નેતા અને લેખક જોએલ ઓસ્ટીન સરસ વાત કરે છે. તમારું સ્વાસ્થ્ય સારું હોય, પ્રેમ કરવા માટે તમારી પોતાની વ્યક્તિઓ તમારા જીવનમાં હોય તો તમે ભાગ્યશાળી છો. ધીમા પડો અને જીવનની નાની નાની વસ્તુઓનો આનંદ માણો. ઇતિ!

Image may contain: 1 person

1 ટીકા

Filed under ઘટના, પરેશ વ્યાસ

નીરીશ્વરવાદી મહાન અભિનેતા ડૉ. શ્રીરામ લાગૂની આખરી એક્ઝીટ

નીરીશ્વરવાદી મહાન અભિનેતા ડૉ. શ્રીરામ લાગૂની આખરી એક્ઝીટ

હિન્દી અને મરાઠી રંગમંચના દિગ્ગજ કલાકાર અને ફિલ્મોના ચરિત્ર અભિનેતા ડૉ. શ્રીરામ લાગૂનું ૧૭ ડિસેમ્બરના રોજ પુણેમાં ૯૨ વર્ષની વયે નિધન થયું. તેઓ એએનટી સર્જન હતા. ફિલ્મોમાં તેમણે ભજવેલી ભૂમિકાઓને કારણે તેઓ જાણીતા હતા. તેમણે ૨૫૦થી વધુ હિન્દી-મરાઠી ફિલ્મોમાં અને અનેક હિન્દી-મરાઠી-ગુજરાતી નાટકોમાં કામ કર્યું હતું. વીસમી સદીના ઉત્તરાર્ધમાં મરાઠી રંગભુમી પરના મહાન અભિનેતાઓમાં ડૉ. લાગૂને યાદ કરાય છે. તેઓ પ્રગતિશીલ અને રેશનલ સામાજિક મુદ્દે બેધડક બોલતા પણ રહેતા. અન્ના હજારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનના સમર્થનમાં ડૉ. લાગૂ ઉપવાસ પર પણ બેઠા હતા. ‘ઘરોંદા’ ફિલ્મની તેમની ભૂમિકા માટે ડૉ. લાગૂને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. તેમની આત્મકથાનું નામ ‘લમાણ’ છે, જેનો અર્થ ‘માલવાહક વાહન’ થાય છે.
૧૬ નવેમ્બર, ૧૯૨૭ના રોજ સતારામાં શ્રીરામ લાગૂનો જન્મ બાલકૃષ્ણ ચિંતામણ લાગૂ અને સત્યભામા લાગૂને ત્યાં થયો હતો. તેમના ચાર સંતાનોમાં શ્રીરામ સૌથી મોટા હતા. તેઓ ભાવે હાઈસ્કૂલ અને પુણે યુનિવર્સિટીની ફર્ગ્યુસન કોલેજ, પુણે અને બી. જે. મેડીકલ કોલેજ, પુણેમાં ભણ્યા હતા. તેમણે એમબીબીએસ અને એમ.એસ.ની તબીબી ડીગ્રી મેળવી હતી.
મેડીકલ કોલેજના વિદ્યાર્થી રૂપે જ ડૉ. લાગૂ અભિનય કરતાં હતા. રંગભૂમિનો રંગ લાગ્યાં બાદ શ્રીરામ ‘પ્રોગ્રેસીવ ડ્રામેટીક એસોસિએશન’ (પીડીએ)ના નેજા હેઠળ રંગકર્મ કરતાં રહ્યા. તેમના જેવાં વિચાર ધરાવતા ભાલ્બા કેલકર જેવાં વરિષ્ઠો સાથે ડૉ. લાગૂએ જ તે નાટ્ય સંસ્થાની શરૂઆત કરી હતી. દરમિયાનમાં મુંબઈ યુનિવર્સિટીમાંથી ઈએનટી સર્જરીની ડીગ્રી મેળવીને ડૉ. લાગૂએ પુણેમાં છ વર્ષ સુધી મેડીકલ પ્રેક્ટીસ કરી અને ત્યાર બાદ વધુ તાલીમ માટે કેનેડા અને ઇંગ્લેન્ડ ગયા. પુણે ઉપરાંત ટાન્ઝાનિયાના તાબોરામાં પણ તેમણે મેડીકલ પ્રેક્ટીસ કરી. પણ તેઓ ભારતમાં રહ્યા તે દરમિયાન પુણેમાં પીડીએ અને મુંબઈમાં ‘રંગાયન’ નાટ્ય સંસ્થાઓ દ્વારા નાટકો કરતા રહ્યા. અંતે, ૧૯૬૯માં વસંત કનેટકર લિખિત ‘ઇથે ઓશાલાલ મૃત્યુ’ નાટકથી તેઓ મરાઠી રંગભૂમિના પૂર્ણસમયના અભિનેતા બની ગયા. કુસુમાગ્રજ (વિષ્ણુ વામન શીરવાડકર) લખિત ‘નટસમ્રાટ’ની શીર્ષક ભૂમિકા કરી અને તેનાથી કાયમી યાદ રહી ગયા. મરાઠી સિનેમામાં પણ તેમનું એક દિગ્ગજનું સ્થાન છે. તેમણે ત્યાં અનેક યાદગાર ભૂમિકાઓ કરી હતી, જેમાં ‘સિંહાસન’, ‘પીંજરા’ કે ‘મુક્ત’ જેવી મહાન સફળ ફિલ્મોનો સમાવેશ થાય છે.
શ્રીરામના પત્ની દીપા લાગૂ પણ રંગમંચ, ટીવી અને ફિલ્મોના જાણીતા અભિનેત્રી છે. તેમને બે દીકરાઓ અને એક દીકરી છે. ડૉ. લાગૂએ તેમના સળગત પુત્ર તન્વીરની યાદમાં પ્રતિષ્ઠિત ‘તન્વીર સન્માન’ શરુ કર્યું હતું, જે દેશના મહાન રંગકર્મીઓને આપવામાં આવે છે.

ડૉ. શ્રીરામ લાગૂની હિન્દી ફિલ્મોમાંની કેટલાક યાદગાર ભૂમિકાઓ યાદ કરીએ તો રાજેશ ખન્ના સામે ‘થોડીસી બેવફાઈ’, ‘મકસદ’, ‘સૌતન’, ‘નસીહત’ કે ‘અવામ’ યાદ આવે. તે ઉપરાંત ‘દેવતા’, ‘દેસ પરદેસ’, ‘લાવારીસ’, ‘મુકદ્દર કા સિકંદર’, ‘ઇનકાર’, ‘સાજન બિન સુહાગન’, ‘કિનારા’, ‘લૂટમાર’, ‘સૌ કરોડ’, ‘જ્યોતિ બને જ્વાલા’, ‘નિયત’, ‘નિશાના’, ‘સ્વયંવર’, ‘શ્રીમાન શ્રીમતી’ કે ‘સાદમા’ યાદ આવે.
ડૉ. લાગૂને ‘ઘરોંદા’ની ભૂમિકા માટે ફિલ્મફેરનો શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો. ૧૯૯૭માં તેમણે ‘કાલિદાસ સન્માન’ અપાયું, ૨૦૦૬માં તેમના ફિલ્મ અને રંગમંચ પરના પ્રદાન માટે તેમને ‘દીનાનાથ મંગેશકર સ્મૃતિ પ્રતિષ્ઠાન’થી સન્માનિત કરાયા હતા. ૨૦૦૭માં તેમને ‘પુણ્યભૂષણ’ (પુણેનું ગૌરવ) પુરસ્કાર અને ૨૦૧૦માં સંગીત નાટક અકાદમીની ફેલોશીપ અપાઈ હતી.
ડૉ. શ્રીરામ લાગૂ તેમના નિરીશ્વરવાદી, બિન-ધાર્મિક રેશનાલીસ્ટ રૂપે પણ જાણીતા હતા. મહારાષ્ટ્રમાં અંધશ્રદ્ધા વિરોધી આંદોલન સાથે તેઓ જોડાયા હતા. તેઓ તેમના પ્રવચનમાં કહેતા કે ‘ભગવાનનો ખ્યાલ પણ અંધશ્રદ્ધા જ છે.’ તેઓ ભગવાનના ખ્યાલને કવિની સુંદર કલ્પના કહેતા. તેઓ માનતા કે છેલ્લા પાંચ હજાર વર્ષોમાં ભગવાન હોવાના કોઈ પુરાવા મળતાં નથી. સંસ્કૃતિના ઉગામકાળમાં આ ખ્યાલ જરૂરી હતો પણ આજે જગતને તાર્કિક બુદ્ધિથી સમજવાની જરૂર છે, માટે ભગવાન (ના ખ્યાલ) ને નિવૃત્ત કરવાનો સમય આવી ગયો છે. ભગવાનના નામ પર ઇતિહાસમાં અનેક યુધ્ધો અને અત્યાચાર થયાં છે. માટે એ જરૂરી જ નહીં પણ આપણી ફરજ છે કે ભગવાનના ખ્યાલને જાકારો આપીએ અને માનવતા વિરુદ્ધના અન્યાયને ખતમ કરીએ.
અબ્રાહમ કોવૂરના એક પુસ્તકની પ્રસ્તાવના રૂપે ડૉ. લાગૂએ લેખ લખ્યો હતો, ‘પ્રભુને નિવૃત્ત કરવાનો સમય.’ આ લેખને લીધી ખુબ ચર્ચા જાગી હતી, જેમાં ડૉ. લાગૂએ તાર્કિક રીતે એવું તારણ કાઢ્યું હતું કે ભગવાનનો ખ્યાલ જ બિનકાર્યરત છે. જબ્બર પટેલના એક નાટકમાં તેઓ ભગવાન વિઠ્ઠલની મૂર્તિ સામે હાથ જોડીને ઊભા રહે તેવું દ્રશ્ય હતું. આ અંગે તેમને પૂછાયું હતું કે ‘તમે મૂર્તિ સામે ભક્ત રૂપે ઊભા હતા કે નાટકની જરૂરિયાત ખાતર?’ ડૉ. લાગૂએ જવાબ આપ્યો હતો, ‘હું પાંડુરંગ તરીકે ઓળખાતી પથ્થરની પ્રતિમા સામે ઊભો હતો.’
પુણેની એક ખાનગી હોસ્પિટલમાં ૧૭ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ ડૉ. શ્રીરામ લાગૂનું વૃદ્ધાવસ્થાને કારણે નિધન થયું હતું.

Image may contain: 1 person, smiling, eyeglasses and closeup

Leave a comment

Filed under Uncategorized

અંતર્દૃષ્ટિના ગાયક-સંગીતકાર કે.સી. ડે

અંતર્દૃષ્ટિના ગાયક-સંગીતકાર કે.સી. ડે

ક્રિશ્ના ચંદ્ર ડે, જેમને આપણે કે.સી. ડે તરીકે ઓળખીએ છીએ તેમને આ જગતમાંથી વિદાય થયાને ૫૭ વર્ષ થયાં. ૨૬ નવેમ્બર, ૧૯૬૨ના રોજ તેમનું નિધન થયું હતું. તેઓ બંગાળી અભિનેતા, ગાયક, સંગીતકાર અને શિક્ષક હતા. તેમનું મહત્વનું પ્રદાન એ હતું કે તેઓ સચિનદેવ બર્મનના સિનેમા સંગીતના પ્રથમ શિક્ષક અને મેન્ટોર હતા. ૧૯૦૬માં માત્ર ૧૩ વર્ષની ઉમરે તેમણે આંખોની દ્રષ્ટિ ગુમાવી હતી અને સંપૂર્ણ અંધ બની ગયા હતા. મહાન ગાયક મન્ના ડે તેમના ભત્રીજા હતા. મન્ના ડે ને સફળ ફિલ્મી ગાયક બનાવવામાં તેમણે ઘણી મદદ કરી હતી.
અનેક નાટક મંડળીઓ સાથે કામ કર્યા બાદ કે.સી. ડે અંતે ૧૯૪૦માં ન્યુ થિયેટરમાં પહોચ્યા હતા. તેમના કીર્તન ગીતો માટે ડે ને આજે પણ યાદ કરાય છે. કે.સી. ડે એ છસો જેટલાં ગીતો રેકોર્ડ કર્યા હતા, જેમાં મુખ્ય રૂપે બંગાળી, હિન્દી, ઉર્દૂ, ગુજરાતી અને મુસ્લિમ ધર્મના ૮ ધાર્મિક ગીતો – નાત- ગાયા હતાં.
હિન્દી ફિલ્મો બોલતી થઇ કે તરત જ ડે ફિલ્મોમાં સંગીત આપવા માંડ્યા હતા. ૧૯૩૨થી ૧૯૪૬ સુધી તેમણે ફિલ્મોમાં સંગીત નિયોજન કર્યું હતું. ફિલ્મોમાં ભાગ લેવા માટે ડે છેક કોલકાતાથી મુંબઈ સુધી યાત્રા પણ કરતાં હતા. જોકે, ૧૯૪૨ પછી તો તેઓ મુંબઈમાં જ રહેવા લાગ્યા હતા. તેમના ગીતો અને સંગીતની ગુણવત્તા કથળતા અંતે ૧૯૪૬થી કે.સી. ડે એ ફિલ્મોમાં સંગીત આપવાનું બંધ કર્યું હતું.
અભિનેતા રૂપે કે.સી. ડે ચંડીદાસ (૧૯૩૨), મીરા, સાબીત્રી, પુરણ ભગત, નળ દમયંતી, શહર કા જાદૂ, ઇન્કિલાબ, ધૂપ છાંવ, દેવદાસ, ભાગ્ય ચક્ર, પુજારીન, માયા, મંઝીલ, ગૃહદાહ, વિદ્યાપતિ, ધરતી માતા, સપેરા, ચાણક્ય, તમન્ના, ઇન્સાન, પૂરબી, દ્રીષ્ટદન, પ્રહલાદ અને ભગવાન શ્રીકૃષ્ણ ચૈતન્ય (૧૯૫૪)માં દેખાયા હતા.
સંગીત ટુકડીમાં સાજીંદા રૂપે કે.સી. ડે ચંડીદાસ (૧૯૩૨), દેવદાસ, ભાગ્યચક્ર, વિદ્યાપતિ, ધરતી માતા, સપેરે, તમન્ના (૧૯૪૨)માં પ્રવૃત્ત હતા. ભગવાન શ્રીકૃષ્ણ ચૈતન્ય (૧૯૫૪)માં તેઓ ગાયક રૂપે પણ હતા. ફિલ્મોના સ્વતંત્ર સંગીતકાર રૂપે કે.સી. ડે શહર કા જાદૂ (૧૯૩૪), ચંદગુપ્ત, સુનેહરા સંસાર, સોનાર સંસાર, બાગી સિપાહી, અંબિકાપથી (પાશ્વ સંગીત), મિલાપ, શકુંતલા અને પૂરબી (૧૯૪૮) જેવી ફિલ્મોનું સગીત સર્જ્યું હતું.
ભારતીય સિનેમાના આરંભ કાળના એ પ્રજ્ઞાચક્ષુ કલાકારનું નિધન કોલકાતામાં ૨૮ નવેમ્બર, ૧૯૬૨ના રોજ થયું.
કે.સી. ડે ના જાણીતા ગીતો: દુનિયા રંગરંગીલી બાબા – ધરતી માતા, દુઃખ કે અબ દિન બીતત નાહી – દેવદાસ, બાબા મન કી આંખે ખોલ, તેરી ગઠરી મેં લાગા ચોર – ધૂપછાંવ, શ્રી રામ ભજો સુખમે દુઃખ મેં, જાઓ જાઓ એ મેરે સાધુ – પુરણ ભગત, આજ હોરી ખેલે કન્હૈયા (ગૈરફિલ્મી), ગોકુલ સે ગયા ગિરધારી, પનઘટ પે કન્હૈયા આતા હૈ – વિદ્યાપતિ, મને આપો આંખ મુરારી (ગુજરાતી ગૈરફિલ્મી).
(નવેમ્બરના સિતારા – નરેશ કાપડીઆ’ – પુસ્તકમાંથી)

Image may contain: 1 person, closeup

Leave a comment

Filed under Uncategorized

ના, આપણો દેશ બનાના રીપબ્લિક નથી, મિ. ગોપીનાથન.. /પરેશ વ્યાસ

An IAS officer who resigned in protest recently called UP a Banana Republic.
He is wrong. We are not. My republic day special published in Gujarat Samachar today.
ના, આપણો દેશ બનાના રીપબ્લિક નથી, મિ. ગોપીનાથન… (એક મેંગો-મેનનું આર્વાચીન ચિંતન!)

આજે ૨૬મી જાન્યુઆરી એટલે કે રીપબ્લિક ડે છે. પ્રજાની સત્તા છે, સાહેબ. આજે પ્રજાસત્તાક દિવસ આપણે એથી તો ઉજવીએ છીએ…યૂ સી! દેશ આઝાદ તો થયો જ હતો પણ પછી રાજ કોનું? સર્વે લોકોનું… ‘રીપબ્લિક’નું મૂળ લેટિન શબ્દ ‘રેસ પબ્લિકા’ છે. અર્થ થાય છે લોકોની બાબતો, લોકોને લગત. અહીં કોઈ એકનું રાજ નથી. અહીં બે’ક લોકોનું રાજ પણ નથી. અહીં ચૂંનદા લોકોનું રાજ પણ નથી. અહીં રાજાનું રાજ નથી, અહીં રાજ આમ જનતાનું છે. આપણે ત્યાં આપણે ચૂંટેલા, આપણાં પૈકીનાં લોકોનું રાજ છે.
આજની પરિસ્થિતિ કેવી છે? ઘણું બધું નવું આવી ચૂક્યું છે. સરકાર નિર્ણાયક છે અથવા એમ કહીએ કે નિર્ણાયક સરકાર છે. વિકાસ ચોગરદમ છે. સફર હવે સરળ બની છે. ફ્લાઇઓવર્સ અને ફ્લાઈટ્સ વધતા જાય છે. ઇન્ફ્રાસ્ટ્રકચર વધ્યું છે. આપણાં સૈન્યનાં કરારા જવાબ પછી પાડોશી પાકિસ્તાનની વાંકી પૂંછડીનો વળ સીધો થતો જણાય છે. દેશમાં બળાત્કારની ઘટનાઓ અટકી નથી. દેશની દીકરીઓ નિર્ભય નથી, એ અનંત ચિંતાનો વિષય હતો અને છે. સામાન્ય માણસ માટે ભાવવધારો થાય છે. બીમારી પણ આવતી રહે છે. તબીબી સેવાઓ હવે ધંધામાં તબદીલ થઇ ગઈ છે. ધંધામાં અલબત્ત મંદી છે અને મંદીની બૂમરાણ પણ છે. રાજકારણમાં મંદી નથી. દેશમાં અલબત્ત જાહેર વિરોધનો માહોલ છે. પણ વિરોધ પક્ષમાં કોઈ અસ્થમા દેખાતો નથી. દમ! દમ બડો દમદાર શબ્દ છે. ગુજરાતી લેક્સિકોન અનુસાર દમ એટલે ઈંદ્રિયોના દમનની ક્રિયા, સંયમ, ઈંદ્રિયનિગ્રહ પણ… ‘દમ દેવો’ એટલે ધમકાવવું અને ‘દમ ઘૂંટાવો’ એટલે શ્વાસ રુંધાવો. સરકારનાં વિરોધીઓ કહે છે અમારો દમ ઘૂંટાય છે. સરકારી નીતિરીતિથી નારાજ થઈને નારાજીનામું આપી ચૂકેલાં આઈએએસ ઓફિસર કન્નન ગોપીનાથન માને છે કે એમનો અવાજ છીનવી લેવાયો છે. તેઓ કહે છે કે સરકાર પાગલ કૂતરાં જેવી છે, જે દોડતી કારની પાછળ દોડે છે. એટલે એમ કે સરકાર દોડતાં કૂતરાંનું જમઘટ છે અને તમે દોડતી કાર છો. ઈઝ ઈટ?!! ગયા અઠવાડિયે એમને યુપીનાં પ્રયાગરાજ એરપોર્ટ પર અટક કરીને રીટર્ન ફ્લાઈટમાં દિલ્હી પાછાં મોકલી દેવાયા ત્યારે એમણે ટ્વીટ કર્યું કે ‘ઇન્ડીપેન્ડન્ટ બનાના રીપબ્લિક ઓફ ઉત્તર પ્રદેશ મને વિમાનમાં બેસાડીને, દરેક વખતે મફતમાં દિલ્હી પાછો મોકલી આપે છે.’ પણ સાહેબ, અમે તો સ્પષ્ટ માનીએ છીએ કે આપણાં કોઈ રાજ્ય કે આપણાં દેશને આવી ઉપમા આપવી ઠીક નથી. આપણો દેશ જે હોય તે, પણ બનાના રીપબ્લિક નથી. હજી સુધી તો નથી જ. પણ આ બનાના રીપબ્લિક એટલે?
બનાના રીપબ્લિક એ રાજકીય રીતે ડગમગ હોય એવાં નાના દેશને કહે છે. એકાદી કુદરતી સંપત્તિ વિપુલ માત્રામાં હોય, જેનું બેફામ હનન કે ખનન થતું રહે. શાસન વ્યવસ્થા જેવું કાંઈ હોય જ નહીં. દેશ સાંગોપાંગ ભ્રષ્ટ, લોકો સર્વત: ત્રસ્ત, સરકાર સરમુખત્યાર અને કોર્પોરેટ બખિત્યાર…. (બખ્ત એટલે નસીબ. જેને ખોબે ખોબે બખાં થાય એ બખિત્યાર.). લોકોનું સાગમટે શોષણ થાય અને લોકોનો અવાજ તો જાણે કે છે જ નહીં. ઉંદરડી મૂતરે અને જે અવાજ થાય એટલો ય નહીં. પણ સાહેબ… ભારત દેશનાં નાગરિક કન્નન ગોપીનાથન છૂટથી સરકારની ટીકાને ટ્વીટી શકે છે એટલે એટલું તો ચોક્કસ કે આપણો દેશ રીપબ્લિક ઓફ ઇન્ડિયા (ભારત ગણરાજ્ય) છે; અને બનાના રીપબ્લિક (કેળાં ગણરાજ્ય) નથી જ નથી. અહીં બોલવાની આઝાદી છે. દરેક આઝાદીની માફક બોલવાની આઝાદીમાં પણ ‘શરતો લાગુ’ હોય છે. ‘બોલવું’ એટલે લોકોને ભરમાવવા, એવું નથી. હિંસા સર્જે એવી બોલીને અટકાવવી પડે. અને ભારત દેશમાં ભ્રષ્ટાચાર નથી જ, એવું નથી. પણ ભ્રષ્ટ આચારનો ડર હજી બકરાર છે. સામાન્ય માણસોનું શોષણ પણ થતું હોય છે પણ એ સર્વત્ર નથી. કોઈ દેશ બનાના રીપબ્લિક હોય તો એ દેશમાં સૈન્ય ભાડૂતી હોય છે, જે વિદેશી કોર્પોરેટનાં ઇશારે ચાલે છે. પોતાનાં નાગરીકો પૈકી જે શોષણનો વિરોધ કરે, એમની કત્લેઆમ થઇ જાય. ના સાહેબ, અહીં એવું નથી. આપણાં ઇન્ડિયા રીપબ્લિકનું સૈન્ય જાબાંજ છે. એ કોઈ કોર્પોરેટનાં ઇશારે નાચતું હોય એવો તો વિચાર પણ ન આવે. તમે ભારતને ‘બનાના રીપબ્લિક’ કહી કેવી રીતે શકો, મિ. ગોપીનાથન?
આપણાં રીપબ્લિક ડેનાં દિવસે આજે નોબેલ પારિતોષિક વિજેતા કવિ પાબ્લો નેરુદાની સ્પેનિશ કવિતા ‘યુનાઈટેડ ફ્રુટ કંપની’ પ્રસ્તુત છે કે જેમાં તેઓ ‘બનાના રીપબ્લિક’ની વાત કરે છે. એ યોગાનુયોગ છે કે આ કવિતા પણ ૧૯૫૦માં લખાઈ હતી, જે વર્ષે આપણાં રીપબ્લિક ઇન્ડિયાનો પણ જન્મ થયો હતો. કવિતામાં યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની એક કોર્પોરેટ ફ્રુટ કંપની હોન્ડુરાસ જેવાં લેટિન અમેરિકન દેશોમાંથી સસ્તે ભાવે કેળાં ખરીદે છે, એની વાત છે. જે તે દેશનાં સરમુખત્યાર નેતાઓ ઓચાઈ જાય ત્યાં સુધી એમને પૈસા ખવડાવાય છે. આ ફ્રુટ કંપની ભાડૂતી સૈનિકો ય રાખે છે. વિરોધીઓને મારી નાંખવા, એ એમને માટે રમત વાત છે. કવિતાની શરૂઆત થાય છે કે બ્યુગલ વાગ્યું અને ભગવાને ફોર્ડ મોટર્સ, કોકાકોલા, એનાકોન્ડા વગેરે મલ્ટી-નેશનલ કંપનીઓ પૃથ્વી ઉપર મોકલી. અમેરિકા ખંડનાં નકશાને એક નારી ગણો તો એનાં શરીરનો મધ્ય ભાગ શોષણ કરવા માટે યુનાઈટેડ ફ્રુટ કંપનીનાં ભાગે આવ્યો. જ્યાં ગુલામી અને બળાત્કારની ઘટનાઓ બેરોકટોક થતી રહી. બનાના રીપબ્લિક તરીકે ઓળખાતો લેટિન અમેરિકા દેશોનો સમૂહ એ હતો, જ્યાં કોફી અને ફળો, ખાસ કરીને કેળાંનો મબલખ પાક થતો હતો. આ દેશોનાં સરમુખત્યાર શાસકોને કવિતામાં એવી માખીઓ તરીકે વર્ણવ્યા છે, જે આ સ્વાદિષ્ટ રસદાર ફળોમાંથી રસ ચૂસતા રહ્યા. માખીઓ તો સડેલા ફળો પર પણ બણબણે અને માણસોની લાશ પર પણ ચોંટી રહે. આ ફ્રુટ કંપની પાસે સીઝરનો તાજ હતો, એવો ઉલ્લેખ પણ કવિતામાં છે. સદીઓ પહેલાં રોમ રીપબ્લિક દેશ હતો પણ પછી એનો એકહથ્થુ કબજો જમાવીને જુલિયસ સીઝર સમ્રાટ બન્યો હતો, એવો અહીં સંકેત છે. સ્થાનિક લોકોનું અનહદ શોષણ, બળાત્કાર, ખૂનામરકી અને વિદેશી કંપનીઓનો બેફામ નફો એટલે બનાના રીપબ્લિક. ના સાહેબ, મારો દેશ એવો નથી. મારો દેશ બનાના રીપબ્લિક નથી. આ સામાન્ય માણસોનો દેશ છે. આ આમ જનતાનો દેશ છે. આ મેંગો રીપબ્લિક છે. જયહિંદ.

Image may contain: 1 person, food

Leave a comment

Filed under Uncategorized

સુરીલા સંગીતકાર ચિત્રગુપ્ત

સુરીલા સંગીતકાર ચિત્રગુપ્ત

હિન્દી ફિલ્મોના પીઢ સંગીતકાર ચિત્રગુપ્ત અગર જીવતા હોત તો આજે ૧૦૨ વર્ષના થાત. ૧૬ નવેમ્બર, ૧૯૧૭ના રોજ બિહારના છપરા મુકામે તેમનો જન્મ થયો હતો. તેમની અનેક સુરીલી ધુનો કાળની ગર્તામાં ધૂંધળી થઇ ગઈ છે, પણ જયારે તે કાને પડે છે ત્યારે તેમણે કરેલા કાર્ય માટે મનમાં માન જન્મે છે.
ફિલ્મી સંગીતકાર બનતા પહેલાં ચિત્રગુપ્ત શ્રીવાસ્તવ પટણામાં અધ્યાપક હતા. અર્થશાસ્ત્ર અને પત્રકારત્વના બેવડા અનુસ્નાતક થયેલા ચિત્રગુપ્ત કદાચ આપણા સૌથી વધુ ભણેલા સંગીતકાર હશે. પ્રોફેસરમાંથી સંગીતકાર બનેલા મહાનુભાવ પણ કદાચ તેઓ એકલા હોય.
મુંબઈ આવીને તેઓ સંગીતકાર એસ.એન. ત્રિપાઠીના સહાયક બન્યા. ચાળીસના દાયકામાં ત્રિપાઠી લોકપ્રિય હતા. ચિત્રગુપ્તને સ્વતંત્ર સંગીતકાર બનવાનો મોકો ‘તુફાન ક્વિન’ (૧૯૪૬)માં મળ્યો પણ ફિલ્મ નિષ્ફળ ગઈ. ફરી વર્ષોના સંઘર્ષ બાદ ‘સિંદબાદ ધ સેલર’ (૧૯૫૨)માં તેમને સફળતા મળી. રફી-શમશાદનું યુગલ ગીત ‘અદા સે ઝૂમતે હુએ’ હીટ થયું. પછી સંગીતકાર સચિનદેવ બર્મને ચિત્રગુપ્તનું સંગીત લેવા માટે એવીએમ કંપનીને સમજાવી અને ‘શિવ ભક્ત’ ઉપરાંત ‘મૈ ભી લડકી હું’, ‘બરખા’, ‘મૈ ચૂપ રહુંગી’ અને ‘ભાભી’ સુધી સંબંધ જળવાયો.
શમશાદ બેગમથી અનુરાધા પૌડવાલ સુધીના તમામ ટોચના ગાયકોએ ચિત્રગુપ્તના સંગીત નિર્દેશનમાં ગીતો ગાયાં. તેજ રીતે ત્યારના ટોચના તમામ ગીતકારોના ગીતોને તેમણે સ્વરથી મઢ્યા હતાં. ગુરુ એસ.એન. ત્રિપાઠી સાથે પાશ્ચાત્ય સંગીત અંગે મતભેદ પણ થયાં. સારા સંગીતકાર હોવા ઉપરાંત ચિત્રગુપ્ત સારા ગાયક અને ગીતકાર પણ હતા. પોતે સ્વરબદ્ધ કરેલા ઘણાં ગીતો તેમણે લખ્યાં હતાં, તો પોતાના ૩૦ જેટલાં ગીતો ગાયા પણ હતાં.
ચિત્રગુપ્તની વાસના, અપલમ ચપલમ, એક રાઝ, બડા આદમી, ઓપેરા હાઉસ, ઊંચે લોગ, ઝબક, ભાભી જેવી ફિલ્મોની ધુનો યાદગાર છે. તેમણે હિન્દી ઉપરાંત ભોજપુરી, ગુજરાતી અને પંજાબી ફિલ્મોના ગીતો પણ રચ્યાં હતાં.

૧૯૬૮માં આવેલા હૃદય રોગના હુમલાથી ચિત્રગુપ્ત ધીમા પડ્યા અને ૧૯૭૪માં તેમને લકવો થયો હતો, પણ તેઓ સાજા થયાં અને ફરી ફિલ્મોનું સંગીત સર્જ્યું. ‘ઇન્સાફ કી મંઝીલ’ (૧૯૮૮) તેમના સંગીતવાળી આખરી ફિલ્મ આવી હતી. ‘ભાભી’ ફિલ્મમાં ‘ચલી ચલી રે પતંગ મેરી ચલી રે’ જેવું યાદગાર ગીત બનાવનાર આ સંગીતકાર ઉતરાણના દિવસે જ ૧૪ જાન્યુઆરી, ૧૯૯૧ના રોજ મૃત્યુ પામ્યા. પણ તેમનો વારસો તેમના આઠ વર્ષ સુધી સહાયક રહેલાં હોનહાર દીકરાઓ આનંદ અને મિલિંદે જાળવ્યો છે.
સંગીતકાર ચિત્રગુપ્તના યાદગાર ગીતો: ચલ ઊડ જા રે પંછી, ચલી ચલી રે પતંગ (ભાભી), અગર સુન લે, પાયલવાલી દેખ ના (એક રાઝ), દિલ કા દિયા જલા કે ગયા, મુઝે દર્દ-એ-દિલ કા પતા ન થા (આકાશદીપ), તેરી દુનિયા સે દૂર ચલે હો કે મજબૂર (ઝબક), ચાંદ જાને કહાં ખો ગયા, ખુશ રહો એહલે ચમન, તુમ્હી હો માતા, મૈ કૌન હું (મૈ ચૂપ રહુંગી), દેખો મૌસમ ક્યા બહાર હૈ, ન મિલતે હમ તો કહો (ઓપેરા હાઉસ), હાય રે તેરે ચંચલ નૈનવા, જાગ દિલ-એ-દીવાના, આજા રે મેરે પ્યાર કે રાહી (ઊંચે લોગ), યે પર્બતો કે દાયરે, ઇતની નાજુક ના બનો (વાસના), જોડી હમારી જમેગા કૈસે (ઔલાદ), રંગ દિલ કી ધડકન ભી, તેરી શોખ નઝર કા ઈશારા (પતંગ), દર દર કી ઠોકરો (મેરા કુસૂર ક્યા હૈ), દિલ કો લાખ સંભાલા જી (ગેસ્ટ હાઉસ), અખિયન સંગ અખિયાં લાગી, અગર દિલ કિસીસે લગાયા ન હોતા (બડા આદમી), સુબહા હોતી હૈ, શામ હોતી હૈ (અપલમ ચપલમ), સુખ દુઃખ જિનમેં રહતે હૈ જીવન હૈ વો ગાંવ, (કભી ધૂપ કભી છાંવ), મુફ્ત હુએ બદનામ (બારાત), લાગી છૂટે ના, દગા બગા વૈ વૈ (કાલી ટોપી લાલ રૂમાલ), એક રાત મેં દો-દો ચાંદ ખિલે (બરખા).

સંગીતકાર ચિત્રગુપ્તના કેટલાયે સુરીલા ગીતો આપણી સ્મૃતિમાંથી સરી ગયા છે. એકાએક તે સંભાળતા જૂની યાદો તાજી થઇ જાય છે.
પુસ્તક: ‘નવેમ્બરના સિતારા’ – નરેશ કાપડીઆ’ માંથી સાભાર

Image may contain: 3 people, people smiling, child and text

Leave a comment

Filed under Uncategorized

હિન્દીના પ્રસિદ્ધ કવિ હતા હરિવંશરાય બચ્ચન

હિન્દીના પ્રસિદ્ધ કવિ હતા હરિવંશરાય બચ્ચન
આજે હિન્દી ભાષાના પ્રસિદ્ધ કવિ અને લેખક હરિવંશરાય બચ્ચનની ૧૬મી પુણ્યતિથિ છે. ૧૮ જાન્યુઆરી, ૨૦૦૩ના રોજ તેમનું મુંબઈમાં નિધન થયું હતું. ‘મધુશાલા’થી તેઓ ખુબ જાણીતા બન્યા હતા. તેઓ અમિતાભ બચ્ચનના પિતા હતા એવું કહેવાને બદલે એક કહીએ કે અમિતાભ હરિવંશરાયના સંતાન છે, અમિતજીને પણ તે ગમશે.
૨૭ નવેમ્બર, ૧૯૦૭ના રોજ ઈલાહાબાદમાં તેમનો હિંદુ કાયસ્થ પરિવારમાં જન્મ થયો હતો. તેઓ પ્રતાપ નારાયણ શ્રીવાસ્તવ અને સરસ્વતી દેવીના મોટા દીકરા. તેમને બાળપણમાં ‘બચ્ચન’ કહેતાં, જેનો અર્થ ‘બચ્ચા અથવા સંતાન’ થાય. પછી તો ‘બચ્ચન’ હરિવંશરાયનું તખલ્લુસ બની ગયું. ૧૯ વર્ષની ઉમરે તેમનો વિવાહ શ્યામા સાથે થયો, જયારે તેઓ ૧૪ વર્ષના હતા. દસ વર્ષ બાદ શ્યામાજીનું ટી.બી.ને કારણે મૃત્યુ નીપજ્યું. તેના પાંચ વર્ષ બાદ ૧૯૪૧માં પંજાબના તેજી સૂરી સાથે લગ્ન થયાં, જેઓ રંગમંચ અને ગાયન સાથે સંકળાયા હતાં. તેજી બચ્ચને હરિવંશરાય દ્વારા અનુવાદિત શેક્સપિયરના અનેક નાટકોમાં અભિનય કર્યો હતો. તેમને બે સંતાન, અમિતાભ અને અજીતાભ. હરિવંશરાયે અલ્હાબાદ અને કેમ્બ્રિજ યુનિવર્સીટીમાં શિક્ષણ લીધું હતું. તેઓ ઉર્દૂ શીખ્યા અને અલ્હાબાદ યુનિવર્સીટીમાંથી અંગ્રેજી સાથે એમ.એ. કર્યું અને કેમ્બ્રિજમાંથી પીએચડી કર્યું. પછી અનેક વર્ષો સુધી તેઓ અલ્હાબાદ યુનિવર્સીટીમાં પ્રાધ્યાપક રહ્યા. થોડો સમય આકાશવાણીમાં સાહિત્યિક કાર્યક્રમો પણ કર્યા. ૧૯૫૫માં તેઓ વિદેશ મંત્રાલયમાં હિન્દીના તજજ્ઞ બનીને દિલ્હી ગયા. ૧૯૫૨-૫૪ દરમિયાન કેમ્બ્રિજમાં જઈને કવિ યીટ્સ પર શોધ નિબંધ લખીને પ્રસંશા અને ડોકટરી મેળવી.
બચ્ચનની કવિતાની લાક્ષણિકતા તેમની લોકપ્રિયતા છે. માત્ર હિન્દીના જ નહીં, દેશના સૌથી લોકપ્રિય કવિઓની યાદીમાં બચ્ચનનું સ્થાન હોય. બચ્ચનની કવિતા છાયાવાદના અતિશય સુકુમાર્ય અને માધુર્યથી, તેમની અતીન્દ્રિય અને સૂક્ષ્મતાથી છવાયેલી રહી. એ સમય હિન્દી કવિતા જનમાનસ અને જનરુચિથી ખુબ દૂર હતી. બચ્ચને સીદી, સદી, જીવંત ભાષા અને સર્વગ્રાહ્ય, ગેય શૈલીમાં કવિતા કરી અને હિન્દી ભાવકોને લાગ્યું કે આ તો એમના જ દિલની વાત છે.
૧૯૩૫માં તેમના પહેલાં કાવ્ય સંગ્રહ ‘મધુશાલા’થી જ બચ્ચન ખુબ લોકપ્રિય બન્યા. ‘મધુબાલા’, ‘મધુશાલા’ અને ‘મધુ કલશ’ એક પછી એક આવ્યા અને તેમને જબ્બર લોકપ્રિયતા મળી. પછી ‘નિશા નિમંત્રણ’ (૧૯૩૮) તથા ‘એકાંત સંગીત’ જેવી બચ્ચનની શ્રેષ્ઠ કવિતા રૂપે આવી. તેમની લોકપ્રિયતાનું મુખ્ય કારણ તેમની સહજતા અને સંવેદનશીલ સરળતા રહ્યું.
હરિવંશરાયની ૧૯૬૬માં રાજ્યસભામાં નિયુક્તિ થઇ હતી. ત્રણ વર્ષ બાદ સરકારે તેમને સાહિત્ય અકાદમી એવોર્ડ આપ્યો. હિન્દી સાહિત્યના તેમના પ્રબળ પ્રદાન માટે ૧૯૭૬માં તેમને પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા. તેમની ચાર ભાગની આત્મકથા માટે તેમને ‘સરસ્વતી સન્માન’ પણ મળ્યું. એ ચાર ભાગ છે, ‘ક્યા ભૂલું ક્યા યાદ કરું’, ‘નિદા કા નિર્માણ ફિર’, ‘બસેરે સે દૂર’ અને ‘દસદ્વાર સે સોપાન તક’. તેમને સોવિયેત લેન્ડ નેહરુ એવોર્ડ અને આફ્રો-એશિયન રાઈટર્સનો લોટસ એવોર્ડ પણ અપાયો. પણ તેમને અગર તેમનો પરિચય પૂછાતો તો હરિવંશરાય બચ્ચન કહેતાં, ‘મીટ્ટી કા તન, મસ્તી કા મન, ક્ષણભર જીવન –મેરા પરિચય’.
૧૮ જાન્યુઆરી, ૨૦૦૩ના રોજ ૯૫ વર્ષની જૈફ વયે શ્વાસની અને વિવિધ તકલીફોને કારણે હરિવંશરાય બચ્ચનનું નિધન થયું અને તેના પાંચેક વર્ષ પછી ડીસેમ્બર, ૨૦૦૭ માં તેજી બચ્ચનનનું પણ ૯૩ વર્ષની વયે નિધન થયું હતું.
જાન્યુઆરીના સિતારા – નરેશ કાપડીઆના પુસ્તકમાંથી

Image may contain: 1 person, eyeglasses

1 ટીકા

Filed under Uncategorized

મનોરંજનનું બીજું નામ હતું નાસીર હુસૈન

મનોરંજનનું બીજું નામ હતું નાસીર હુસૈન

હિન્દી સિનેમામાં સતત કશુંક નવું કરીને ટ્રેન્ડ સેટ કરી મનોરંજન પીરસનારા નિર્માતા-નિર્દેશક અને સિને લેખક નસીર હુસૈનનો ૯૫મો જન્મ દિન. ૧૬ નવેમ્બર, ૧૯૨૪ના રોજ ભોપાલમાં તેમનો જન્મ. દાયકાઓ સુધી તેમની કારકિર્દી વિકસી હતી. તેઓ સતત નવું કરતાં, જેમકે ૧૯૭૩માં તેમણે નિર્દેશિત કરેલી ‘યાદોં કી બારાત’એ બોલીવૂડ મસાલા ફિલ્મોનો ટ્રેન્ડ શરૂ કર્યો હતો. જે સિત્તેર અને એંશીના દાયકા સુધી ચાલ્યો. ૧૯૮૮માં નાસીરે લખીને નિર્માણ કરેલી ફિલ્મ ‘કયામત સે કયામત તક’ દ્વારા ‘બોલીવૂડ મ્યુઝીકલ રોમાન્સ’નો ટ્રેન્ડ શરૂ કર્યો હતો જે નેવુંના દાયકામાં પ્રભાવી રહ્યો.
નાસીર હુસૈન છેક ૧૯૪૮માં ફિલ્મીસ્તાનમાં જોડાયા હતા અને તેમણે એ.આર. કારદાર સાથે કાર્ય કર્યું હતું. ફિલ્મીસ્તાન માટે તેમણે લખેલી જાણીતી ફિલ્મો રૂપે ‘અનારકલી’, ‘મુનીમજી’ કે ‘પેઈંગ ગેસ્ટ’ને યાદ કરી શકાય. ત્યારે ફિલ્મીસ્તાન બોમ્બે ટોકીઝમાંથી છૂટી પડેલી કંપની હતી. તે મધ્યમ બજેટની ફોર્મ્યુલા ફિલ્મો બનાવી સ્ટાર અને મ્યુઝિક વેલ્યુ પર કામ કરતી હતી. શશધર મુખર્જીએ તે સમયે નાસીરને ‘તુમસા નહીં દેખા’નું નિર્દેશન સોંપ્યું હતું. એ ફિલ્મે શમ્મી કપૂરને સ્ટારડમ અપાવ્યું હતું. પછી ફિલ્મીસ્તાનમાંથી છુટા પડેલા ફિલ્માલય માટે શમ્મી કપૂર અને નાસીર હુસૈને ૧૯૫૯માં ‘દિલ દેકે દેખો’ આપી. એમાં આશા પારેખ આવ્યાં. જે નાસીર સાહેબની ફિલ્મોમાં ૧૯૭૧ની ‘કારવાં’ સુધી સાથે રહ્યાં. તેઓના મધુરા સંબંધો પણ રહ્યાં. આશાજીએ કહ્યું છે કે તેઓ નસીરનું ઘર ભંગાવવા નહોતાં માંગતા. નાસીર પરિણીત અને બે સંતાનો ધરાવતા હતા. ફિલ્મીસ્તાનમાં નાસીરને સહાયક કોરિયોગ્રાફર માર્ગારેટ ફ્રાન્સીના લેવિસ મળ્યાં હતાં, જેની સાથે નાસીરે લગ્ન કરીને તેમને આયેશા ખાન બનાવ્યા હતાં. પછી પણ નાસીરની કેટલીક ફિલ્મોમાં આયેશાએ નૃત્ય નિર્દેશન કર્યું હતું.
નાસીર હુસૈને ૧૯૬૦માં પોતાની નાસીર હુસૈન ફિલ્મ્સ કંપની બનાવીને નિર્માણ-નિર્દેશન શરૂ કર્યું. તેમણે જે સંગીતમય – મનોરંજક ફિલ્મો બનાવી તેમાં ‘જબ પ્યાર કિસીસે હોતા હૈ’, ‘ફિર વોહી દિલ લાયા હું’, ‘તીસરી મંઝીલ’, ‘બહારોં કે સપને’, ‘પ્યાર કા મૌસમ’, ‘કારવાં’, ‘યાદોં કી બારાત’, ‘આંગન’ અને ‘હમ કિસીસે કમ નહીં’ (૧૯૭૭) હતી.
નાસીરે નિર્માણ કરીને એક મ્યુઝીકલ હીટ વિજય આનંદને નિર્દેશિત કરવા આપી હતી. ‘તીસરી મંઝીલ’ નામની એ ફિલ્મમાં દેવ આનંદ અભિનય કરવાના હતા પણ નાસીર સાથે અનબન થતાં શમ્મી કપૂરને લેવાયા. મજરૂહના ગીતો અને ત્યારે નવાસવા રાહુલદેવ બર્મનના સંગીતે તેમાં એવી ધૂમ મચાવી કે નાસીર હુસૈનની ત્યારબાદની ૧૯૮૫ની ‘ઝબરજસ્ત’ના ૧૯ વર્ષ સુધીની ફિલ્મોના સંગીતકાર આર.ડી. બર્મન રહ્યા. નાસીરની ‘યાદોં કી બારાત’ સલીમ-જાવેદે લખી. એ જ લેખકોએ તેજ વર્ષે ‘ઝંજીર’ પણ લખી. બંને ફિલ્મોના નાયક તેમના પિતાના મૃત્યુનું વેર વસુલ કરતાં હતાં. બંનેમાં ખલનાયક અજીત હતા. આમ ‘યાદોં કી બારાત’એ મસાલા ફિલ્મોનો ટ્રેન્ડ શરૂ કર્યો હતો.
પછી આવી નિષ્ફળતા. ‘ઝમાને કો દિખાના હૈ’, ‘મંઝીલ મંઝીલ’ અને ‘ઝબરજસ્ત’ નિષ્ફળ રહી. નાસીરના દીકરા મન્સૂર ખાને નિર્માણ કંપનીની દોર સંભાળી. છતાં, નાસીર હુસૈને ફિલ્મોની કથા-સંવાદ લખવાનું ચાલુ રાખ્યું. જેમાંથી ‘કયામત સે કયામત તક’ આવી, જેમાં નાસિરના ભત્રીજા આમીર ખાનને હીરો બનાવાયા. એ ફિલ્મે ફરી ટ્રેન્ડ બદલી મ્યુઝીકલ રોમાન્સનો પાયો નાખ્યો. તરત તેમની ‘જો જીતા વોહી સિકંદર’ આવી. આમીર ખાન આજના દૌરમાં સૌથી સારી ફિલ્મો આપી રહ્યા છે, તેઓ કહે છે કે તેઓ કાકા નાસીર પાસે ખુબ શીખ્યા છે.
નાસીર હુસૈનને ‘કયામત સે કયામત તક’ની પટકથા લખવા માટે અને ‘જો જીતા વોહી સિકંદર’ના નિર્માણ માટે ફિલ્મફેર એવોર્ડ્સ મળ્યાં, તો ૧૯૯૬માં તેમના સિનેમામાં પ્રદાન માટે સ્પેશિયલ ફિલ્મફેર એવોર્ડથી તેઓ નવાજાયા.
એક મુલાકાતમાં આશા પારેખે જણાવ્યું હતું કે ‘નાસીર સાહેબના નિધનના એક વર્ષ પહેલાં તેઓ તેમને મળ્યાં નહોતાં. પત્નીના નિધન બાદ નાસીર એકલા પડી ગયા હતા.’ ૧૩ માર્ચ, ૨૦૦૨ના રોજ મુંબઈમાં તેમને હૃદય રોગનો હુમલો આવ્યો અને ૭૬ વર્ષની વયે તેમનું નિધન થયું. તેમના ફિલ્મી કાર્ય પર અક્ષય માલવાનીએ લખેલાં પુસ્તકનું નામ છે, ‘મ્યુઝિક, મસ્તી, મોડેર્નીટી: ધ સિનેમા ઓફ નાસીર હુસૈન’.

નાસીર હુસૈનના યાદગાર ગીતો: યું તો હમને લાખ હસીં દેખે હૈ (તુમસા નહીં દેખા), દિલ દેકે દેખો, બોલો બોલો કુછ તો બોલો (દિલ દેકે દેખો), યે આંખે ઉફ યું મ્મા, સૌ સાલ પહલે (જબ પ્યાર કિસી સે હોતા હૈ), બંદા પરવર (ફિર વોહી દિલ લાયા હું), આજા પિયા તોહે પ્યાર દુ (બહારોં કે સપને), ઓ હસીના જુલ્ફોવાલી જાન-એ-જહાં (તીસરી મંઝીલ), તુમ બિન જાઉં કહાં (પ્યાર કા મૌસમ), કિતના પિયા તું અબ તો આજા, પ્યારા વાદા હૈ (કારવાં), ચુરા લિયા હૈ તુમને જો દિલ કો અને યાદોં કી બારાત નીકલી હૈ (શીર્ષક).
(પુસ્તક ‘નવેમ્બરના સિતારા – નરેશ કાપડીઆ’માંથી)

Image may contain: 3 people, people smiling, eyeglasses and closeup

Leave a comment

Filed under Uncategorized

કેન્સલ કલ્ચર: છપાક…/ પરેશ વ્યાસ

કેન્સલ કલ્ચર: છપાક…

હવે ખુલાસો. આ લો મારું નામ લખ્યું કાગળ પર, તેને ચૂમો. નહિતર કેન્સલ વ્હોટ ઈઝ નોટ એપ્લીકેબલ.
– ઉદયન ઠક્કર

‘એક પ્રશ્નપત્ર’ શીર્ષક ધરાવતા આ પ્રેમકાવ્યમાં ઉપર ટાંક્યો છે એ આઠમો અને આખરી પ્રશ્ન છે. એમાં જે કાગળમાં પ્રેમીએ પોતાનું નામ લખ્યું હોય એ કાગળને ચૂમવાનું પ્રેમિકાને ઇજન છે. પણ કોઇ દબાણ નથી. ન ગમે, ઠીક ન લાગે તો ચૂમવાનું કેન્સલ. ‘કેન્સલ’ આમ તો હવે ગુજરાતી શબ્દ છે. ભગવદ્ગોમંડલ અનુસાર કેન્સલ એટલે કાઢી નાંખવું કે રદ કરવું. જો લાગુ ન પડે, જો લગાવ ન હોય તો પ્રેમનો પ્રસ્તાવ રદ. તંઇ શું? પણ એનું આજે શું?
આજનાં શબ્દસંહિતા માટે અમે અમેરિકન ડાયલેક્ટ સોસાયટી દ્વારા ‘વર્ડ ઓફ ધ ડીકૈડ’ (દસકનો શ્રેષ્ઠ શબ્દ) ડીકલેર થાય એની રાહ જોતા હતા. એ જાહેર થયો પણ ખરો પણ એ હતો લિંગ નિરપેક્ષ એકવચન શબ્દ ‘ધે’ કે જેના વિષે તો અમે ગયા મહિને જ લખી ગયા છીએ. ઇન ફેક્ટ,અમે આ સ્પર્ધામાં રહેલાં અન્ય શબ્દો જેમ કે ‘ઓકે બૂમર’, ‘બ્લેક લાઇવ્સ મેટર’, ‘મી-ટૂ મૂવમેન્ટ’ વિષે પણ લખી ગયા છીએ. પણ આ સ્પર્ધામાં રહેલો એક શબ્દ વાંચ્યો ત્યારે અમને એ શબ્દ આપણા દેશમાં અત્યારે જે થઇ રહ્યું છે એ સમાચારો સાથે તાલમેલ ધરાવતો હોય એવો લાગ્યો. એ શબ્દ હતો કેન્સલ કલ્ચર (Cancel Culture). કાંઇ રદ કરવાની ય સંસ્કૃતિ હોય?!!!!
હા, આજકાલ ભારત દેશમાં કેન્સલ કલ્ચર જોરમાં છે. દીપિકા જેએનયુનાં વિદ્યાર્થીઓને મળી એટલે હવે છપાક..એની ફિલ્મનો બહિષ્કાર. કોઈ પણ માણસ જેની પાસે વોટ્સએપ, ટ્વીટર , ફેસબૂક કે ઇન્સ્ટાગ્રામ હોય એ એલાન કરી શકે. દીપિકા ૨૩ બીઝનેસ બ્રાન્ડ્સની જાહેરાતો કરે છે. કેટલીક જાહેરાતો તો ટીવી પરથી કામચલાઉ ધોરણે અદ્રશ્ય પણ થઇ ગઈ છે. જે ધંધો કરે છે એ તમામ બીઝનેસ લોકોની લાગણીનાં ખેલ ઉપર નિર્ભર છે. ક્યાંક ટીવી ઉપરની જાહેરાતમાં દીપિકાને જુએ અને પછી કોક ભડવીર ઓનલાઇન એલાન કરી દેય કે ચાલો, આ બ્રાન્ડનો આજથી બહિષ્કાર. કોને ખબર, લોકો તનિષ્ક, લોરીઅલ કે વિસ્તારાનો વિસ્તારથી બહિષ્કાર કરી ય નાંખે? લોકોનો કોઈ ભરોસો નથી. ભવિષ્યમાં હવે એડવર્ટાઈઝમેન્ટ માટે કોન્ટ્રાક્ટ થશે ત્યારે એમાં શરત હશે કે જે તે સેલેબ્રીટીએ જેએનયુમાં જવું નહીં. જો જેએનયુ સાથે સીધો કે આડકતરો નાતો રાખશે તો એમનાં સિક્યુરીટી ડીપોઝીટનાં રૂપિયા જપ્ત થઇ જશે અને કોન્ટ્રાક્ટ કેન્સલ થઇ જશે. આ તો ઓલ્યા એસિડ એટેક જેવું જ છે. છપાક…
કેન્સલ શબ્દ વર્ષોથી છે. વરસાદ પડે તો કાર્યક્રમ કેન્સલ થાય. પરીક્ષાનું પેપર ફૂટી જાય તો પરીક્ષા રદ થાય. દિલ્હીથી મીટીંગમાં આવનારા સભ્યો ફ્લાઈટ ચૂકી જાય તો મીટીંગ કેન્સલ થાય. કોઈ ઓર્ડર દઈએ અને પછી મન બદલાય તો રેસ્ટોરાંમાં ડીશનો ઓર્ડર કેન્સલ થાય. અરે, પ્રેમમાં પણ ભંગાણ પડે અને સાથ જીએંગે, સાથ મરેંગે-વાળા લાગણીનાં દસ્તાવેજ કેન્સલ થાય. પણ આ કેન્સલ કલ્ચર નહોતું. જ્યારથી આ સોશિયલ મીડિયાએ આપણાં જીવની ફરતે ભરડો લીધો છે ત્યારથી કેન્સલ હવે કલ્ચર બની ગયું છે. અલબત્ત આ શબ્દની અસર ફક્ત સેલેબ્રીટી પૂરતી મર્યાદિત છે. સેલેબ્રીટી એટલે ખ્યાતિ, કીર્તિ, નામના, ઇજ્જત, આબરૂ, સુપ્રસિદ્ધ માણસ, પ્રતિષ્ઠા, પંકાયેલી વ્યક્તિ. એ તો એમ કે જેનું નામ હોય એને જ તમે બદનામ કરી શકો. કોઈ જાણીતી જાહેર જીવનની વ્યક્તિ કોઈ વિવાદાસ્પદ અભિપ્રાય આપે કે કોઈ પ્રવૃત્તિ કરે, જે ભક્તોને ન ગમે તો.. ચણભણ શરૂ થઇ જાય. વગોવણી કરવાની લોકોને મઝા પડતી હોય છે. આ તો પેલાં ફિલ્મી હીરો જેવું છે. આપણે વિલનને ન મારી શકીએ પણ પેલો હીરો ઢિસૂમ ઢિસૂમ કરે એટલે આપણે રાજી રાજી. લોકોને પછી સેલેબ્રીટીને ઓનલાઇન કેન્સલ કરવાની ચળ ઉપડે, એ ચળ જે પછી ચળવળમાં તબદીલ થઇ જાય. સેલેબ્રીટીની તરફેણમાં પણ કેટલાંક લોકો અલબત્ત ઊભા રહે પણ જ્યારે બહિષ્કારનો પ્રવાહ શરૂ થાય ત્યારે ખબર નથી કે ક્યાં જઈને એ અટકે? આમ પણ સામાન્ય લોકોને પોતાનાં મોબાઈલ ફોન કે લેપટોપથી ખ્યાતનામ હસ્તીઓને ઓનલાઇન ખતમ કરી દેવામાં અપાર આનંદ મળતો હોય છે. ઉસકી સાડી મેરી સાડીસે સફેદ કૈસે-વાળી ઈર્ષ્યા તો આપણી અંદર હોય જ છે.
કેન્સલ કલ્ચર જો કે બધું જ ખરાબ નથી. સ્ત્રી શોષણ સામે અવાજ ઉઠાવાયો, એ # મી-ટૂ મૂવમેન્ટ પણ કેન્સલ કલ્ચરની દ્યોતક છે. એક રીઆલીટી મ્યુઝિક શો-માંથી જાણીતા સંગીતકાર અનુ મલિકની બાદબાકી થવી, એને તમે કેન્સલ કલ્ચરની પોઝિટીવ ઈફેક્ટ ગણી શકો. અલબત્ત સેલેબ્રીટી માટે સાચું ખોટું પુરવાર કરવાની અહીં ગુંજાઈશ નથી. પણ એમ કે ભવિષ્યમાં કોઈ પણ પ્રસિદ્ધ વ્યક્તિ ક્યાંક કેન્સલ થઇ જવાની બીકે કોઈ સ્ત્રીનું શારીરિક શોષણ કરતા બે વખત વિચાર કરશે.
સેલેબ્રીટીનો ધંધો શેની ઉપર ચાલે છે? તેઓ લોકોની નજરમાં રહેવા જોઈએ. લોકોનું ધ્યાન એમની ઉપર છે તો એમનો ધંધો ચાલે છે. લોકોનું ધ્યાન હઠ્યું કે એમનું પત્યું. લોકોને ભૂલવાની ભારી બીમારી છે. સેલેબ્રીટી માટે લોકો ગ્રાહક છે. એ જો કેન્સલ કરી નાંખે તો..ડરના જરૂરી હૈ..હેં ને?
શબ્દ શેષ:
“આખરે તો ગ્રાહક શું માને છે એ જ સત્ય છે.” –અમેરિકન લેખિકા અને બીઝનેસ ટ્રેનીંગ વર્કસ પ્રેસિડેન્ટ કેઈટ ઝેબ્રેસ્કી

Image may contain: one or more people and people standing

Leave a comment

Filed under Uncategorized