Daily Archives: મે 30, 2020

મ્યુઝિક-મસ્તી-મનોરંજન એટલે નાસીર હુસૈન

મ્યુઝિક-મસ્તી-મનોરંજન એટલે નાસીર હુસૈન

હિન્દી સિનેમામાં સતત કશુંક નવું કરી ટ્રેન્ડ સેટ કરી મનોરંજન પીરસનારા નિર્માતા-નિર્દેશક અને સિનેલેખક નસીર હુસૈનની ૧૮મી પુણ્યતિથિ. ૧૩ માર્ચ, ૨૦૦૨ના રોજ મુંબઈમાં ૭૫ વર્ષની વયે તેમનું નિધન થયું હતું. દાયકાઓ સુધી તેમની કારકિર્દી વિકસી હતી. તેઓ સતત નવું કરતાં, જેમકે ૧૯૭૩માં તેમણે નિર્દેશિત કરેલી ‘યાદોં કી બારાત’એ બોલીવૂડ મસાલા ફિલ્મોનો ટ્રેન્ડ શરૂ કર્યો હતો. જે સિત્તેર અને એંશીના દાયકા સુધી ચાલ્યો. ૧૯૮૮માં નાસીરે લખીને નિર્માણ કરેલી ફિલ્મ ‘કયામત સે કયામત તક’ દ્વારા ‘બોલીવૂડ મ્યુઝીકલ રોમાન્સ’નો ટ્રેન્ડ શરૂ કર્યો હતો જે નેવુંના દાયકામાં પ્રભાવી રહ્યો.
૧૬ નવેમ્બર, ૧૯૨૪ના રોજ ભોપાલમાં તેમનો જન્મ. નાસીર હુસૈન છેક ૧૯૪૮માં ફિલ્મીસ્તાનમાં જોડાયા હતા અને તેમણે એ.આર. કારદાર સાથે કાર્ય કર્યું હતું. ફિલ્મીસ્તાન માટે તેમણે લખેલી જાણીતી ફિલ્મો રૂપે ‘અનારકલી’, ‘મુનીમજી’ કે ‘પેઈંગ ગેસ્ટ’ને યાદ કરી શકાય. ત્યારે ફિલ્મીસ્તાન બોમ્બે ટોકીઝમાંથી છૂટી પડેલી કંપની હતી. તે મધ્યમ બજેટની ફોર્મ્યુલા ફિલ્મો બનાવી સ્ટાર અને મ્યુઝિક વેલ્યુ પર કામ કરતી હતી. શશધર મુખર્જીએ તે સમયે નાસીરને ‘તુમસા નહીં દેખા’નું નિર્દેશન સોંપ્યું હતું. એ ફિલ્મે શમ્મી કપૂરને સ્ટારડમ અપાવ્યું હતું. પછી ફિલ્મીસ્તાનમાંથી છુટા પડેલા ફિલ્માલય માટે શમ્મી કપૂર અને નાસીર હુસૈને ૧૯૫૯માં ‘દિલ દેકે દેખો’ આપી. એમાં આશા પારેખ આવ્યાં. જે નાસીર સાહેબની ફિલ્મોમાં ૧૯૭૧ની ‘કારવાં’ સુધી સાથે રહ્યાં. તેઓના મધુરા સંબંધો પણ રહ્યાં. આશાજીએ કહ્યું છે કે તેઓ નસીરનું ઘર ભંગાવવા નહોતાં માંગતા. નાસીર પરિણીત અને બે સંતાનો ધરાવતા હતા. ફિલ્મીસ્તાનમાં નાસીરને સહાયક કોરિયોગ્રાફર માર્ગારેટ ફ્રાન્સીના લેવિસ મળ્યાં હતાં, જેની સાથે નાસીરે લગ્ન કરીને તેમને આયેશા ખાન બનાવ્યા હતાં. લગ્ન પછી પણ નાસીરની કેટલીક ફિલ્મોમાં આયેશાએ નૃત્ય નિર્દેશન કર્યું હતું.
નાસીર હુસૈને ૧૯૬૦માં પોતાની નાસીર હુસૈન ફિલ્મ્સ કંપની બનાવીને નિર્માણ-નિર્દેશન શરૂ કર્યું. તેમણે જે સંગીતમય – મનોરંજક ફિલ્મો બનાવી તેમાં ‘જબ પ્યાર કિસીસે હોતા હૈ’, ‘ફિર વોહી દિલ લાયા હું’, ‘તીસરી મંઝીલ’, ‘બહારોં કે સપને’, ‘પ્યાર કા મૌસમ’, ‘કારવાં’, ‘યાદોં કી બારાત’, ‘આંગન’ અને ‘હમ કિસીસે કમ નહીં’ (૧૯૭૭) હતી.
નાસીરે નિર્માણ કરીને એક મ્યુઝીકલ હીટ વિજય આનંદને નિર્દેશિત કરવા આપી હતી. ‘તીસરી મંઝીલ’ નામની એ ફિલ્મમાં દેવ આનંદ અભિનય કરવાના હતા પણ નાસીર સાથે અનબન થતાં શમ્મી કપૂરને લેવાયા. મજરૂહના ગીતો અને ત્યારે નવાસવા રાહુલદેવ બર્મનના સંગીતે તેમાં એવી ધૂમ મચાવી કે નાસીર હુસૈનની ત્યારબાદની ૧૯૮૫ની ‘ઝબરજસ્ત’ના ૧૯ વર્ષ સુધીની ફિલ્મોના સંગીતકાર આર.ડી. બર્મન રહ્યા. નાસીરની ‘યાદોં કી બારાત’ સલીમ-જાવેદે લખી. એ જ લેખકોએ તેજ વર્ષે ‘ઝંજીર’ પણ લખી. બંને ફિલ્મોના નાયક તેમના પિતાના મૃત્યુનું વેર વસુલ કરતાં હતાં. બંનેમાં ખલનાયક અજીત હતા. આમ ‘યાદોં કી બારાત’એ મસાલા ફિલ્મોનો ટ્રેન્ડ શરૂ કર્યો હતો.
પછી આવી નિષ્ફળતા. ‘ઝમાને કો દિખાના હૈ’, ‘મંઝીલ મંઝીલ’ અને ‘ઝબરજસ્ત’ નિષ્ફળ રહી. નાસીરના દીકરા મન્સૂર ખાને નિર્માણ કંપનીની દોર સંભાળી. છતાં, નાસીર હુસૈને ફિલ્મોની કથા-સંવાદ લખવાનું ચાલુ રાખ્યું. જેમાંથી ‘કયામત સે કયામત તક’ આવી, જેમાં નાસિરના ભત્રીજા આમીર ખાનને હીરો બનાવાયા. એ ફિલ્મે ફરી ટ્રેન્ડ બદલી મ્યુઝીકલ રોમાન્સનો પાયો નાખ્યો. તરત તેમની ‘જો જીતા વોહી સિકંદર’ આવી. આમીર ખાન આજના દૌરમાં સૌથી સારી ફિલ્મો આપી રહ્યા છે, તેઓ કહે છે કે તેઓ કાકા નાસીર પાસે ખુબ શીખ્યા છે.
નાસીર હુસૈનને ‘કયામત સે કયામત તક’ની પટકથા લખવા માટે અને ‘જો જીતા વોહી સિકંદર’ના નિર્માણ માટે ફિલ્મફેર એવોર્ડ્સ મળ્યાં, તો ૧૯૯૬માં તેમના સિનેમામાં પ્રદાન માટે સ્પેશિયલ ફિલ્મફેર એવોર્ડથી તેઓ નવાજાયા.
એક મુલાકાતમાં આશા પારેખે જણાવ્યું હતું કે ‘નાસીર સાહેબના નિધનના એક વર્ષ પહેલાં તેઓ તેમને મળ્યાં નહોતાં. પત્નીના નિધન બાદ નાસીર એકલા પડી ગયા હતા.’ ૧૩ માર્ચ, ૨૦૦૨ના રોજ મુંબઈમાં તેમને હૃદય રોગનો હુમલો આવ્યો અને ૭૬ વર્ષની વયે તેમનું નિધન થયું. તેમના ફિલ્મી કાર્ય પર અક્ષય માલવાનીએ લખેલાં પુસ્તકનું નામ છે, ‘મ્યુઝિક, મસ્તી, મોડેર્નીટી: ધ સિનેમા ઓફ નસીર હુસૈન’.

નાસીર હુસૈનના યાદગાર ગીતો: યું તો હમને લાખ હસીં દેખે હૈ (તુમસા નહીં દેખા), દિલ દેકે દેખો, બોલો બોલો કુછ તો બોલો (દિલ દેકે દેખો), યે આંખે ઉફ યું મ્મા, સૌ સાલ પહલે (જબ પ્યાર કિસી સે હોતા હૈ), બંદા પરવર (ફિર વોહી દિલ લાયા હું), આજા પિયા તોહે પ્યાર દુ (બહારોં કે સપને), ઓ હસીના જુલ્ફોવાલી જાન-એ-જહાં (તીસરી મંઝીલ), તુમ બિન જાઉં કહાં (પ્યાર કા મૌસમ), કિતના પિયા તું અબ તો આજા, પ્યારા વાદા હૈ (કારવાં), ચુરા લિયા હૈ તુમને જો દિલ કો અને યાદોં કી બારાત નીકલી હૈ (શીર્ષક).

Image may contain: 1 person, eyeglasses and closeup

Leave a comment

Filed under Uncategorized