Daily Archives: જૂન 2, 2020

તબલા નવાઝ ઉસ્તાદ ઝાકીર હુસૈન

તબલા નવાઝ ઉસ્તાદ ઝાકીર હુસૈન

તબલા પર આગની લપકની જેમ જેમના આંગળા ફરતા હોય છે અને તેમના પ્રસન્ન મુખ પર વાદળોના ઝૂંડ જેવા વાળ ઝૂલતા હોય છે એવા તબલા નવાઝ, સંગીત નિર્માતા, ફિલ્મ અભિનેતા અને સંગીતકાર ઝાકીર હુસૈન ૬૮ વર્ષના થયા છે. ૯ માર્ચ, ૧૯૫૧ના રોજ તેમનો જન્મ. આજે જેમનું ભારતીય શાસ્ત્રીય સંગીત, જાઝ ફ્યુઝન અને વર્લ્ડ મ્યુઝિકમાં મોટું નામ છે, તેવા ઝાકીર હુસૈનને ભારતીયો તેમની ‘વાહ તાજ!’ની અદાઓથી ઓળખે છે. તેમને ૧૯૮૮માં પદ્મશ્રી અને ૨૦૦૨માં પદ્મભૂષણના ઈલ્કાબથી નવાજાયા હતા. આવું સન્માન મેળવનારા તેઓ સૌથી યુવાન તબલાવાદક છે. સંગીત, નાટક અને નૃત્યની દેશની ટોચની સંસ્થા સંગીત નાટક અકાદમી દ્વારા ઝાકીરને પ્રતિષ્ઠિત અકાદમી એવોર્ડથી ૧૯૯૦માં સન્માનિત કરાયા હતા. ૧૯૯૯માં પારંપરિક કલાકારો અને સંગીતકારોને અપાતો અમેરિકાનો સર્વોચ્ચ એવોર્ડ નેશનલ એન્ડોવમેન્ટ ફોર ધ આર્ટસ નેશનલ હેરીટેજ ફેલોશિપથી વિભૂષિત કરાયા હતા.
દેશના મહાન તબલાવાદક અલ્લા રખા સાહેબને ત્યાં ૯ માર્ચ, ૧૯૫૧ના રોજ મુંબઈમાં ઝાકીર હુસૈન કુરેશીનો જન્મ થયો હતો. તેઓ માહિમની સેન્ટ મીચેલ્સ હાઈસ્કૂલમાં ભણી મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયા હતા. તેઓ માત્ર ત્રણ વર્ષના હતા ત્યારે જ તેમના મહાન પિતાએ હુસૈનને પખવાજ વગાડવાનું શીખવ્યું હતું. ૧૧ વર્ષની ઉમરથી તેઓ સંગીત પ્રવાસ કરતા થયા હતા. ૧૯૬૯માં અમેરિકા જઈ યુનિવર્સીટી ઓફ વોશિંગ્ટનથી તેમણે ‘ડોક્ટરેટ ઇન મ્યુઝિક’ યાને પી.એચડી. કર્યું હતું. ત્યાર બાદ તેમણે તેમની આંતરરાષ્ટ્રીય કરિયર શરૂ કરીને ૧૫૦થી વધુ કોન્સર્ટસ કરી છે, જે એક બહુ મોટી ઉપલબ્ધિ છે.
તેમનું પહેલું ‘પ્લેનેટ ડ્રમ’ આલબમ ૧૯૯૧માં રિકોડિસ્ક લેબલ સાથે આવ્યું અને તેમને એને માટે ૧૯૯૨નો ‘ગ્રેમી એવોર્ડ ફોર બેસ્ટ વર્લ્ડ મ્યુઝિક આલબમ’ મળ્યું, ત્યારે તે આ કેટેગરીનો પહેલો જ એવોર્ડ હતો. એને ખુબ ખ્યાતિ મળી. તેની ૧૫મી વર્ષગાંઠે આવ્યો ‘ગોલ્ડન ડ્રમ પ્રોજેક્ટ’ આલબમ અને ટુર, જેમાં મીકી હાર્ટ, ઝાકીર હુસૈન, સિકિરુ અડેપોજુ અને ગીઓવાની હિડાલ્ગો ફરીવાર ભેગા થયાં. એ આલબમને ૨૦૦૯માં ‘ગ્રેમી એવોર્ડ ફોર બેસ્ટ કોન્ટેમ્પરરી વર્લ્ડ મ્યુઝિક આલબમ’ મળ્યો.
૧૯૯૯માં જ મલયાલમ ફિલ્મ ‘વાનપ્રસ્થાનમ’માં ઝાકીરે સંગીત પણ આપ્યું અને અભિનય પણ કર્યો. એ ફિલ્મ કેન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં રજૂ થઇ અને લોસ એન્જેલીસના એએફઆઈ ફેસ્ટના ગ્રાન્ડ જ્યુરી પ્રાઈઝ માટે નામાંકિત થઇ. તેને મુંબઈ ફિલ્મ ફેસ્ટીવલ, ઈસ્તંબુલ ફિલ્મ ફેસ્ટીવલ ટર્કીમાં એવોર્ડ્સ મળ્યાં. એને ૨૦૦૦ નો ભારતનો નેશનલ ફિલ્મ એવોર્ડ પણ મળ્યો. ઝાકીર હુસૈને દેશ વિદેશની અનેક ફિલ્મો માટે સાઉન્ડ ટ્રેક્સ બનાવ્યાં. જેમાં ‘ઇન કસ્ટડી’, ઈસ્માઈલ મર્ચન્ટની ‘માસેઉર’ નોંધપાત્ર બની. તેમણે ‘એપોકોલીપ્સ નાવ’, ‘લીટલ બુદ્ધા’ અને અન્ય ફિલ્મોના સાઉન્ડ ટ્રેક્સમાં તબલા વગાડ્યા છે. તો અનેક ફિલ્મોમાં ઝાકીર હુસૈન સોલો અને વિવિધ બેન્ડ સાથે તબલા વગાડતા જોવા મળે છે. જેમાં ૧૯૯૮ની ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘ઝાકીર એન્ડ હિસ્ ફ્રેન્ડ્સ’, કે ૨૦૦૩ની ‘ધ સ્પીકિંગ હેન્ડ: ઝાકીર હુસૈન એન્ડ ધ આર્ટ ઓફ ધ ઇન્ડિયન ડ્રમ’ જેવી ડોક્યુમેન્ટરી ફિલ્મ યાદગાર છે. જે બતાવે છે કે ભાવકોને ઝાકીર હુસૈનનું તબલા વાદન માત્ર સંભાળવું જ નહીં પણ જોવું પણ ગમે છે. ૧૯૮૩ની મર્ચન્ટ આઇવરી ફિલ્મ ‘હીટ એન્ડ ડસ્ટ’ માં તેઓ એસોસિયેટ સંગીતકાર પણ હતા અને ઇન્દર લાલ સાથે સહઅભિનેતા પણ હતા. બીલ લાસવેલના ‘વર્લ્ડ મ્યુઝિક સુપર ગ્રુપ્સ તબલા બીટ સાયન્સ’ના હુસૈન સ્થાપક સભ્ય છે.
૨૦૧૬નું વર્ષ પણ ઝાકીર હુસૈન માટે યાદગાર રહ્યું, જયારે વ્હાઈટ હાઉસની ઓલ-સ્ટાર ગ્લોબલ કન્સર્ટ માટે ‘ઇન્ટરનેશનલ જાઝ ડે, ૨૦૧૬’ નિમિત્તે પ્રતિષ્ઠિત જાઝ વર્લ્ડ અને ફ્યુઝન મ્યુઝીશિયન્સ રૂપે અમેરિકી પ્રમુખ ઓબામાએ ઝાકીર હુસૈનને આમંત્રિત કર્યા હતા.
ઝાકીર હુસૈને કથક નર્તકી અને શિક્ષિકા એન્તોનિયા મીનેકોલા સાથે લગ્ન કર્યા છે, જેઓ મેનેજર પણ છે. તેમને બે દીકરીઓ છે, અનીસા કુરેશી અમેરિકામાં ફિલ્મ મેકિંગ વિશે ભણ્યા છે અને ઈસાબેલા કુરેશી મેનહટનમાં નૃત્ય શીખે છે. ઝાકીર હુસૈન ૨૦૦૫માં પ્રીન્સેટોન યુનિવર્સીટીના સંગીત વિભાગના પ્રોફેસર હતા માટે ત્યાંના ઓલ્ડ ડોમિનિયન ફેલો તરીકે તેમને માન મળે છે.
ઝાકીર હુસૈનની ડિસ્કોગ્રાફી (આલબમ યાદી) ખુબ પ્રભાવક છે: ઇવનિંગ રાગાઝ, શાંતિ, રોલિંગ થન્ડર, શક્તિ, કરુણા સુપ્રીમ, હાર્ડ વર્ક, એ હેન્ડફૂલ ઓફ બ્યુટી, ડિગા, નેચરલ એલીમેન્ટ્સ, મોર્નિંગ રાગાઝ, હુઝ ટો નો, સોંગ ફોર એવરીવન, મેકિંગ મ્યુઝિક, એટ ધ એજ, માએસ્ટ્રોઝ ચોઈસ, પ્લેનેટ ડ્રમ, વ્હેન વર્ડ્સ ડીસઅપિયર, ફ્લાઈટ્સ ઓફ ઈમ્પ્રોવાઈઝેશન, સંગીત સરતાજ, ધ વન એન્ડ ઓન્લી, મ્યુક ઓફ ડેઝર્ટસ, કન્સર્ટ ફોર પીસ, વર્લ્ડ નેટવર્ક સીરીઝ, મિસ્ટ્રી બોક્સ, મેજીકલ મોમેન્ટ્સ, એસેન્સ ઓફ રીધમ, નાઈટ સ્પીનર, ફાયર ડાન્સ, સેવ અવર ચિલ્ડ્રન, સ્પીરીટ ઇન-ટુ સાઉન્ડ, ધ બીલીવર, તાલ મેટ્રીક્સ, સેટરડે નાઈટ ઇન બોમ્બે, સિલેક્ટસ, સમિટ, ઓવર ધ એજ એન્ડ બેક, એનર્જી, લાઈવ એટ માઈલ્સ ડેવિસ હોલ, લાઈવ એટ જાઝ ફેસ્ટીવલ, પંજાબી ધમાલ, સંગમ, સુખ, ગ્લોબલ ડ્રમ પ્રોજેક્ટ, મેલડી ઓફ રીધમ.

Image may contain: 1 person, sitting, playing a musical instrument and child

Leave a comment

Filed under Uncategorized