Daily Archives: જૂન 14, 2020

સફળતાનું બીજું નામ હતું મનમોહન દેસાઈ

સફળતાનું બીજું નામ હતું મનમોહન દેસાઈ

કેટલાંક કલાકારો એવા હોય છે, જેમનું કાર્ય કદી ભૂલાતું નથી. અમિતાભ બચ્ચન જેમને ‘શો મેન’ કહેતાં અને તેઓ જેમને ‘મીસ’ કરે છે એવા મનમોહન દેસાઈ એવા કલાકાર હતાં. મનજીને આ દુનિયા છોડી ગયાને આજે પચીસ વર્ષ થયાં. અતિસફળ નિર્દેશક અને નિર્માતા મનમોહન દેસાઈએ ૧ માર્ચ, ૧૯૯૪ના રોજ આખરી એક્ઝીટ લીધી હતી.

હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં જેમનું ઘણું મોટું પ્રદાન છે એવા મનમોહન દેસાઈ ગુજરાતી હતા. તેમના પિતાજી કીકુભાઇ દેસાઈ ફિલ્મોના નિર્માતા હતા અને ‘પેરેમાઉન્ટ સ્ટુડીઓ’ જે પાછળથી ‘ફિલ્માલય’ તરીકે ઓળખાયો, તેના ૧૯૩૧થી ૧૯૪૧ સુધી માલિક હતા. પિતાજી પૂર્ણ રૂપે વેપારી હતા, દર્શકોને ગમે તેવી જ ફિલ્મો બનાવતા, મુખ્યત્વે સ્ટંટ ફિલ્મો તેમણે બનાવી હતી, જેમાં ‘સર્કસ ક્વિન’, ‘ગોલ્ડન ગેંગ’ કે ‘શેખચલ્લી’ જાણીતી બની હતી. મનજીના મોટા ભાઈ સુભાષ દેસાઈ પચાસના દાયકામાં નિર્માતા બન્યા અને મનમોહનને તેમની પહેલી હિન્દી ફિલ્મ ‘છલિયા’ (૧૯૬૦) માટે નિર્દેશનની તક આપી. રાજ કપૂર અને પ્રાણની તેમાં ટક્કર હતી. સર્વધર્મ સમભાવ અને છેતરપીંડી કરવા છતાં નૂતન સાથે રોમાન્સમાં દિલના ચોખ્ખા નાયક રૂપે રાજ સાહેબ અહીં દેખાતા હતા. સુભાષ-મનમોહનની જોડીએ વધુ મનોરંજક ફિલ્મો આપી, શમ્મી કપૂરની ‘બ્લફ માસ્ટર’, ધર્મેન્દ્ર-જીતેન્દ્રનો કોસ્ચ્યુમ ડ્રામા ‘ધરમ વીર’ કે અમિતાભની ‘દેશ પ્રેમી’ આ શ્રેણીમાં આવી.

મનમોહનની ફિલ્મોની ફોર્મ્યુલા રહેતી. એક્શન-ગીતો- નૃત્યો પારિવારિક મનોરંજન તેઓ કરતા. તેને ‘મસાલા ફિલ્મો’ પણ કહેવાઈ. તેમણે એ રીતે પોતાના પ્રેક્ષકોનો ટેસ્ટ ઘડીને સફળતા મેળવી હતી. તેમની સૌથી સફળ ફિલ્મ એટલે ‘અમર અકબર એન્થની’.

તેમણે અમિતાભ બચ્ચન સાથે સફળ ફિલ્મોની લંગાર લગાવી હતી. સિત્તેરના દાયકાથી એંશીના દાયકાના આરંભ સુધી આ જાદૂ ચાલતો રહ્યો. અમિતાભ બચ્ચનને પહેલાં સુપર સ્ટાર અને પછી મેગા સ્ટાર બનાવવામાં મનમોહનનો પણ ફાળો છે. એવા અન્ય નિર્દેશકો રૂપે યશ ચોપ્રા, પ્રકાશ મેહરા, રમેશ સિપ્પી કે હૃષીકેશ મુખર્જીને યાદ કરી શકાય. મનજી-અમિતજીની જુગલબંધી ‘અમર અકબર એન્થની’, ‘પરવરિશ’, ‘સુહાગ’, ‘નસીબ’, ‘દેશપ્રેમી’, ‘કુલી’, ‘મર્દ’ સુધી ચાલી પણ ‘ગંગા જમુના સરસ્વતી’માં તેમણે પણ નિષ્ફળતાનો સ્વાદ ચાખ્યો. મનજી એક એવા નિર્દેશક હતા જેઓ અમિતાભ બચ્ચન સાથે ખાસ સંબંધ ધરાવતા હતા, એ બંનેને એકબીજામાં અતૂટ વિશ્વાસ હતો. અમિતાભ તેમને ‘પોતાની રીતે વિચારીને દર્શકોને એજ રીતે વિચારતા કરતાં નિર્દેશક’ રીતે જોતા તો મનજી અમિતાભને માટે ‘પૂર્ણ રીતે નિર્દેશકનો અભિનેતા’ કહી નવાજતા. જરા ‘મર્દ’નું એક દ્રશ્ય યાદ કરો. અમિતાભ ટાંગેવાલા રૂપે દોડતી ઘોડાગાડી લઇને ગાડી સાથે સ્વિમિંગ પુલમાં ઝંપલાવે છે, અને એ તરણકુંડમાં પાણી જ હોતું નથી. આવું કેમ કરવું? એવો સવાલ આ નિર્દેશક-અભિનેતા એકબીજાને ક્યારેય પૂછતાં નહોતા.

મનમોહન એક જ અભિનેતાને તરત રીપીટ કરતાં પણ જોવા મળ્યા. ‘ભાઈ હો તો ઐસા’માંથી જીતેન્દ્રને લઇ ‘ધરમ વીર’ બનાવી. શત્રુઘ્નને ‘રામપુર કા લક્ષમણ’થી ‘આ ગલે લગ જા’થી ‘ભાઈ હો તો ઐસા’થી ‘નસીબ’માં લીધા. શશી કપૂરને ‘આ ગલે લગ જા’થી તરત ‘સુહાગ’માં લીધા. શમ્મી કપૂર જેમને ‘બ્લફ માસ્ટર’ બનાવેલા તેમને પિતાની ભૂમિકામાં ‘પરવરિશ’ (૧૯૭૭)માં લીધા. તો રણધીર કપૂરને ‘રામપુર કા લક્ષ્મણ’ પછી તરત ‘ચાચા ભતીજા’માં લીધા. રાજેશ ખન્ના સાથે તેમણે ‘સચ્ચા જુઠા’ અને ‘રોટી’માં જોરદાર સફળતા મેળવી હતી. ૧૯૭૭નું વર્ષ મનમોહન દેસાઈનું રહ્યું. તે વર્ષે તેમની ‘પરવરિશ’, ‘અમર અકબર એન્થોની’, ‘ચાચા ભતીજા’ અને ‘ધરમ વીર’ આવી, પહેલી બે અમિતાભની અને બીજી બે ધર્મેન્દ્રની, તેમણે એકબીજાની હરીફાઈ કરી અને બધી જ વિજેતા બની.

તેમની ૨૯ વર્ષની કરિયરમાં મનમોહને ૨૦ ફિલ્મોનું નિર્દેશન કર્યું, અને તેમાંથી ૧૩ તો ખુબ સફળ રહી! સતત નિષ્ફળતાના ફિલ્મ ઉદ્યોગમાં આ બહુ મોટી સફળતા ગણાય. જીવનપ્રભા દેસાઈ તેમના પત્ની હતા, જેઓ ૧૯૭૯માં મૃત્યુ પામ્યા. કેતન દેસાઈ તેમના પુત્ર, જેઓ પણ ફિલ્મો સાથે જોડાયા. કેતને શમ્મી-ગીતા બાલીની દીકરી કંચન કપૂર સાથે લગ્ન કર્યા છે. મનમોહને ૧૯૯૨માં નંદા સાથે વિવાહ કર્યા હતા, પણ ૧૯૯૪માં મનજીનું નિધન થયું. ૧ માર્ચ, ૧૯૯૪ના રોજ મનમોહન તેમની ગિરગાવની બાલ્કનીમાંથી પડી ગયા અને મૃત્યુ પામ્યા. તેમને પીઠનો સખત દુખાવો રહેતો હતો, તેમણે આપઘાત કરવાની પણ વાત ઉઠી હતી, જેનું કોઈ સમર્થન મળ્યું નહોતું.

મનમોહન દેસાઈના યાદગાર ગીતો: ડમ ડમ ડિગા ડિગા – છલિયા, ગોવિંદા આલા રે – બ્લફ માસ્ટર, કજરા મોહબ્બતવાલા – કિસ્મત, મેરી પ્યારી બહનીયા – સચ્ચા જુઠા, ગુમ હૈ કિસી કે પ્યાર મેં – રામપુર કા લક્ષ્મણ, વાદા કરો નહીં છોડોગે – આ ગલે લગ જા, યે પબ્લિક હૈ – રોટી, ઓ મેરી મેહબૂબા – ધરમ વીર, હોની કો અનહોની કર દે – અમર અકબર એન્થની, જ્હોન જાની જનાર્દન – નસીબ.
‘માર્ચ માસના સિતારા: નરેશ કાપડીઆ’ – પુસ્તકમાંથી

Image may contain: 1 person, smiling, eyeglasses

Leave a comment

Filed under Uncategorized