
This video was uploaded on YouTube before his tragic death:

Deepak Punjabi
પ્રજ્ઞાચક્ષુ સંગીતકાર રવીન્દ્ર જૈન
પ્રભુ જેને એક અંગની ખોટ આપે છે તેને અન્ય કુનેહ આપતા હોય છે, એવી વાયકા સાચી પાડતા પ્રજ્ઞાચક્ષુ સંગીતકાર રવીન્દ્ર જૈને એક એકથી ચડિયાતા ગીતો આપીને તેમના અંધત્વની ખોટ પુરી પાડી હતી. તેમને ૧૯૮૫માં શ્રેષ્ઠ સંગીતકારનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. સિત્તેરના દાયકામાં તેમણે ‘સૌદાગર’ (૧૯૭૦), ‘ચોર મચાયે શોર’, ‘ગીત ગાતા ચલ’, ‘ચિત્તચોર’, ‘દુલ્હન વોહી જો પિયા મન ભાયે’, ‘પહેલી’ (૧૯૭૭), ‘અખિયોં કે ઝરોખોં સે’, ‘રામ તેરી ગંગા મૈલી’, ‘હીના’ કે ‘નદિયા કે પાર’ જેવી ફિલ્મોમાં હીટ સંગીત આપ્યું હતું. ૨૮ ફેબ્રુઆરી, ૧૯૪૪ના રોજ તેમનો જન્મ દિવસ.
રવીન્દ્ર જૈન જન્મથી જ અંધ હતા. સંસ્કૃતના સ્કોલર અને આય્રુર્વેદાચાર્ય પંડિત ઇન્દ્રમણી અને માતા કિરણ જૈનને ત્યાં અલીગઢમાં તેમનો જન્મ થયો હતો. સાત ભાઈ-બહેનોમાં રવીન્દ્ર ત્રીજું સંતાન હતા. નાની ઉમરથી રવીન્દ્ર ગાયક બની ગયા હતા. તેઓ જાણીતા જૈન કવિઓના કાવ્ય અને જૈન ભજનો મંદિરોમાં ગાતા. મા-બાપે તેમને સંગીત શીખવવાનો નિર્ણય લીધો. ૧૯૬૦માં કોલકાતામાં રવીન્દ્ર ફિલ્મ સંગીત સાથે સંકળાયા હતા. દસ વર્ષ બાદ તેઓ મુંબઈ ગયા. ૧૯૭૨માં તેમણે પહેલું ગીત મોહંમદ રફી પાસે ગવડાવ્યું, જે ક્યારેય પડદે પહોંચ્યું જ નહીં. પણ પછી તેમણે આપેલા ગીતો લોકચાહના મેળવવા માંડ્યા. તેઓ ગીતોને સંગીતથી મઢવાની સાથે તેના શબ્દો લખતા પણ હતા. તેમના ઘણાં જાણીતા ગીતોના ગીતકાર પણ ખુદ રવીન્દ્ર જૈન છે.
રવીન્દ્ર જૈનનું સૌથી વધુ જાણીતું ગીત ‘અખિયોં કે ઝરોખો સે’નું શીર્ષક ગીત છે. રાજેશ્રી ફિલ્મ્સ ઉપરાંત રાજ કપૂરે તેમની ‘રામ તેરી ગંગા મૈલી’, ‘દો જાસૂસ’ અને ‘હીના’માં સંગીતકાર રૂપે લીધા હતા. બી.આર. ચોપ્રાની ‘પતિ પત્ની ઔર વોહ’ અને ‘ઇન્સાફ કા તરાઝું’ કે હૃષીકેશ મુખર્જીણી ‘કોતવાલ સાબ’માં પણ રવીન્દ્ર જૈનનું સંગીત હતું. તેમણે મલયાલમ, પંજાબી, હરિયાણવી, ભોજપુરી, બંગાળી, તેલુગુ, ઓરિયા, રાજસ્થાની કે ‘ગોમતીની સાખે’ કે ‘શ્રી કૃષ્ણ શરણં મમઃ’ જેવી ગુજરાતી ફિલ્મોમાં પણ સંગીત આપ્યું હતું. જોકે એંશી અને નેવુંના દાયકામાં જૈને મુખ્યત્વે ધાર્મિક ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. તેમના ખાનગી ભજનોના આલબમ પણ સફળ થયાં હતાં. આશા ભોસલેએ ગાયેલું ‘ઓમ નમો શિવાય’માં શિવ ભક્તિ હતી. ‘ગુરુ વંદના’માં ગુરુ મહાત્મ્ય હતું. હેમલતાના ‘સહજ ધારા’માં માતા ભક્તિ હતી.
ગાંધીજીની શિખામણ આધારિત રવીન્દ્ર જૈનનું આલબમ ‘ટાઈમલેસ મહાત્મા’માં ૨૦૧૧માં આવ્યું જે દક્ષિણ આફ્રિકામાં પ્રદર્શિત થયું હતું. ૨૦૧૪માં રવીન્દ્ર જૈનના ‘કાશી પુષ્પાંજલિ’ અને ‘મિશન બોધગયા’ આલબમ આવ્યાં હતાં. રામાયણની કથાને સરળ હિન્દી ગીતો દ્વારા જાણીતા ગાયકો પાસે ગવડાવીને તેમણે સંગીતમય ‘સંપૂર્ણ રામાયણ’ આપ્યું હતું. સપ્ટેમ્બર, ૨૦૧૬માં અનુપ ઝલોટાએ જૈનનું ‘ચાહે રામ ભજો, ચાહે શ્યામ ભજો’ રજૂ કર્યું હતું. તે ઉપરાંત તેમના ઘણાં જૈન આલબમ પણ છે. તો સુરેશ વાડેકરના ગઝલ આલબમ ‘ધ મોર્નિંગ સન’, ‘કહાની બાંટ લે’માં પણ રવીન્દ્ર જૈને સંગીત આપ્યું હતું. વડાપ્રધાન અટલ બિહાર બાજપેઈનું જીવંત રેકોર્ડીંગ ‘કદમ મિલકર ચલના હોગા: સ્વર્ણ જયંતિ સંગીત સંધ્યા’નું સંગીત પણ તેમનું જ હતું. ટેલીવિઝન પર અનેક શ્રેણીઓનું સંગીત તેમણે આપ્યું, ખાસ કરીને સાગર ફિલ્મ્સની ત્રણેક દાયકાની ટીવી શ્રેણીઓ ‘દાદા દાદી કી કહાનિયાઁ’, ‘રામાયણ’ અને ‘લવ કુશ’નું સંગીત તેમનું હતું. હેમા માલિનીની ‘નૂપુર’ અને ‘વુમન ઓફ ઇન્ડિયા – ઉર્વશી’ શ્રેણીનું સંગીત આપવા ઉપરાંત હેમાજીની નૃત્ય નાટિકાઓ ‘મહાલક્ષમી’, ‘દુર્ગા’, ‘નૃત્ય મલિકા’, ‘રામાયણ’, ‘કૃષ્ણ બલરામ’ અને ‘રાધા કૃષ્ણ’નું સંગીત પણ રવીન્દ્ર જૈને આપ્યું હતું. નર્તકી-અભિનેત્રી જયા પ્રદાની નૃત્ય નાટિકા ‘આમ્રપાલી’માં પણ જૈનનું સંગીત હતું. સંજય ખાનની ટીવી શ્રેણી ‘જય હનુમાન’ કે ‘મહાકાવ્ય મહાભારત’નું સંગીત હોય કે સાગર આર્ટસનું ‘સર્વોપરી શ્રી સ્વામીનારાયણ ભગવાન’નું સંગીત પણ તેમનું હતું. તાજી શ્રેણી ‘ભારત કે મહાન સંત’, ‘દ્વારકાધીશ – ભગવાન શ્રી કૃષ્ણ’, ‘શોભા સોમનાથ કી’ માં રવીન્દ્ર જૈનનું સંગીત હતું.
એક સમારોહમાં રવીન્દ્ર જૈન તેમના સાસુ નિર્મલા જૈનને મળ્યાં ત્યારે જ તેમની દીકરી દિવ્યા જૈને નક્કી કર્યું હતું કે તેઓ પરણશે તો રવીન્દ્ર જૈનને જ. તેમને આયુષ્યમાન જૈન નામનો દીકરો છે. ફિલ્મ ‘સૌદાગર’ના સંગીતનું રેકોડિંગ ચાલતું હતું ત્યારે રવીન્દ્રને તેમના પિતાજીના મૃત્યુના સમાચાર મળ્યા હતા, જોકે તેમણે સમગ્ર રેકોર્ડીંગ પુરું કર્યું પછી જ ઘરે ગયા હતા. રવીન્દ્ર જૈનનું નિધન મુંબઈની હોસ્પિટલમાં ૯ ઓક્ટોબર, ૨૦૧૫ના રોજ ૭૧ વર્ષની વયે મલ્ટીપલ ઓર્ગન ફેલીયોરથી થયું હતું.
રવીન્દ્ર જૈનના જાણીતા ગીતો: સજના હૈ મુઝે સજના કે લીયે, હર હસી ચીજ કા, દૂર હૈ કિનારા, તેરા મેરા સાથ રહે (સૌદાગર), દિલ મેં તુઝે બીઠાકે (ફકીરા), મંગલ ભાવન અમંગલ હારી ચોપાઈયાં (દુલ્હન વોહી જો પિયા મન ભાયે), ઘૂંઘરું કી તરહા, એક ડાલ પર તોતા બોલે, લે જાયેંગે, (ચોર મચાયે શોર), જબ દીપ જલે આના, ગોરી તેરા ગાંવ બડા પ્યારા, તુ જો મેરે સૂર મેં (ચિત્તચોર), આજ સે પહલે, બડે બડાઈ ના કરે, અખિયોં કે ઝરોખો સે (શીર્ષક), એક મીરા એક રાધા, હુસ્ન પહાડો કા, સુન સાહિબા સુન, રામ તેરી ગંગા મૈલી હો ગઈ (શીર્ષક), અનાર દાના (હેના), મુઝે હક હૈ – વિવાહ.
‘ફેબ્રુઆરીના સિતારા – નરેશ કાપડીઆ’ – પુસ્તકમાંથી
