Daily Archives: જૂન 18, 2020

પ્રભાવશાળી ચરિત્ર અભિનેતા ઈફ્તેખારની શતાબ્દી

પ્રભાવશાળી ચરિત્ર અભિનેતા ઈફ્તેખારની શતાબ્દી

હિન્દી ફિલ્મોના નાના-મોટા પાત્રોના જેમના અભિનયથી આપણે પ્રભાવિત થયા છીએ તેવા ચરિત્ર અભિનેતા ઈફ્તેખારનું મૂળ નામ સયાદ્દાના ઈફ્તેખાર અહમદ શરીફ હતું. ૨૨ ફેબ્રુઆરી, ૧૯૨૦ના રોજ પંજાબના જલંધરમાં જન્મેલા ઈફ્તેખાર અગર જીવતા હોત તો તેમની શતાબ્દી ઉજવાત. તેમણે ઘણી વાર પોલીસ અધિકારીની ભૂમિકાઓ ભજવી હતી.
ચાર ભાઈઓ અને એક બહેનમાં તેઓ સૌથી મોટા હતા. તેમનો મેટ્રીક સુધીનો અભ્યાસ પુરો કર્યા બાદ ઈફ્તિખારે પેઈન્ટીંગનો ડીપ્લોમા કોર્સ લખનૌ કોલેજ ઓફ આર્ટસમાંથી કર્યો હતો. તેમને ગાવાનો શોખ હતો અને તેઓ કુંદનલાલ સાયગલના પ્રસંશક હતા. યુવાન વયે ઈફ્તેખાર સંગીતકાર કમલ દાસગુપ્તાએ એચએમવી માટે યોજેલા ઓડિશન માટે કોલકાતા ગયા હતા. દાસગુપ્તા ઈફ્તેખારના વ્યક્તિત્વથી એટલાં પ્રભાવિત થયા હતા કે તેમણે ઈફ્તેખારનું નામ એક અભિનેતા તરીકે એમ.પી. પ્રોડક્શનને સૂચવ્યું હતું. છેક ૧૯૪૪માં ઈફ્તેખાર પહેલી વાર પડદા પર ‘તકરાર’ નામની ફિલ્મમાં દેખાયા હતા. ઈફ્તેખારના ઘણાં નજદીકી સગાં અને તેમના માતા-પિતા-ભાઈ-બહેનો પણ દેશના ભાગલા વખતે પાકિસ્તાન જઈ રહ્યાં હતાં. પણ ઈફ્તેખાર ભારતમાં રહ્યાં, જોકે કોમી હુલ્લડથી બચવા માટે તેમણે કોલકાતા છોડી દેવું પડ્યું હતું. તેઓ તેમના પત્ની અને દીકરી સાથે મુંબઈ ગયા પણ ગુજરાન ચલાવવું ખુબ મુશ્કેલ હતું. કોલકાતામાં ઈફ્તેખારને એકવાર અશોક કુમારને મળવાનું થયું હતું. તેઓ મુંબઈમાં અશોક સાહેબને મળવા ગયા. અશોક કુમારે માત્ર તેમને ઓળખી જ ન કાઢ્યા પણ બોમ્બે ટોકીઝની ફિલ્મ ‘મુકદ્દર’ (૧૯૫૦)માં ભૂમિકા પણ અપાવી. બસ, પછી તો ઈફ્તેખારની અભિનય યાત્રા ચાલી નીકળી, જે નેવુંના દાયકાના આરંભ સુધી વિસ્તરી. તેમણે ચરિત્ર અભિનેતા રૂપે ૪૦૦થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો.
અનેક ચરિત્ર અભિનેતાઓની જેમ ઈફ્તેખારે પણ ચાળીસ અને પચાસના દાયકાઓમાં હીરોની ભૂમિકા કરી હતી. તેમના વ્યક્તિત્વને અનુરૂપ ઈફ્તેખારને પોલીસ અધિકારી, તેમાંયે પોલીસ કમિશ્નરની કે અદાલતના વકીલ કે જજ કે ડોક્ટરની ભૂમિકા વારંવાર મળી હતી. તે ઉપરાંત તેઓ નાયક કે નાયિકાના પિતા, કાકા, દાદા જેવી ભૂમિકાઓ કરતા રહ્યા. જે ફિલ્મોમાં ઈફ્તેખાર નકારાત્મક ભૂમિકામાં દેખાયા તેમાં ‘બંદિની’, ‘સાવન ભાદો’, ‘ખેલ ખેલ મેં’ કે ‘એજન્ટ વિનોદ’ને યાદ કરી શકાય. સામાન્ય રીતે તેઓ મદદકર્તા રૂપે દેખાતા પણ કોઈક વાર તેઓ ગંભીર ભૂમિકા પણ કરતા. યશ ચોપ્રા નિર્દેશિત ‘દીવાર’માં ભ્રષ્ટ ઉદ્યોગપતિ રૂપે તેઓ નાયક વિજય બનેલા અમિતાભ બચ્ચન સામે દેખાતા હતા. તેજ રીતે પ્રકાશ મેહરા – અમિતાભની ‘જંઝીર’માં પણ ઈફ્તેખાર યાદગાર ભૂમિકામાં હતા. તેમાંયે કાયદો હાથમાં લેતાં પોલીસ અધિકારી બનેલા અમિતાભને તેઓ જે રીતે ખખડાવતા હતા તે અસરકારક હતું. તે જ રીતે અમિતાભની ‘ડોન’માં પણ તેઓ પ્રભાવક પોલીસ અધિકારી હતા. રાજેશ ખન્ના સામે તેમની યાદગાર ભૂમિકાઓ ‘જોરુ કા ગુલામ’, ‘મેહબૂબ કી મેહદી’, ‘ધ ટ્રેન’, ‘ખામોશી’, ‘સફર’, ‘રાજા રાની’, ‘ઇત્તેફાક’, ‘રાજપૂત’ કે ‘અવામ’માં જોવા મળી હતી.
તે ઉપરાંત પણ ઇફતેખારે ભજવેલી યાદગાર ભૂમિકાઓ આપણે ‘બંદિની’, ‘સંગમ’, મનોજ કુમારની ‘શહીદ’, ‘તીસરી મંઝીલ’, ‘તીસરી કસમ’, ‘જ્હોની મેરા નામ’, ‘હરે રામ હરે કૃષ્ણ’, ‘ગેમ્બલર’ કે ‘શોલે’માં જોઈ હતી. ઈફ્તિખાર અમેરિકાની ટીવી શ્રેણી ‘માયા’ (૧૯૬૭)ના બે એપીસોડમાં પણ દેખાયા હતા. તો અંગ્રેજીમાં બનેલી ફિલ્મો ‘બોમ્બે ટોકીઝ’ (૧૯૭૦) કે ‘સીટી ઓફ જોય’ (૧૯૯૨)માં પણ તેમણે અભિનય કર્યો હતો.
ઈફ્તેખારના બહેન તાજોર સુલતાના (૧૯૨૬-૨૦૦૪) એ વીણાના સ્ક્રીન નામથી ‘તાજમહલ’ માં ‘શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી’નો એવોર્ડ જીત્યો હતો. તે ઉપરાંત તેમણે ‘પાકીઝા’, ‘દો રાસ્તે’, ‘આશીર્વાદ’, ‘પરિચય’ કે ‘શેહઝાદા’માં પણ અભિનય કર્યો હતો.
ઇફતેખારે હન્નાહ જોસેફ નામના કોલકાતાના જ્યુઇશ મહિલા સાથે લગ્ન કરીને તેમને રેહાના અહમદ નામ આપ્યું હતું. તેમને સલમા અને સઈદા નામની બે દીકરીઓ છે. સલમા હાલ લંડનમાં છે. નાની દીકરી સઈદાના નિધનના થોડા જ દિવસોમાં ૪ માર્ચ, ૧૯૯૫ના રોજ ૭૫ વર્ષની વયે ઈફ્તિખારે આ દુનિયા છોડી દીધી. તેમના પત્ની રેહાના અહમદનું નિધન ૨૦૧૩માં થયું હતું.
‘ફેબ્રુઆરીના સિતારા: નરેશ કાપડીઆ’ પુસ્તકમાંથી

Image may contain: 1 person

Leave a comment

Filed under Uncategorized