Daily Archives: જૂન 19, 2020

સાવ એકલતા અડે વરસાદમાં…યામિની વ્યાસ

સાવ એકલતા અડે વરસાદમાં,
યાદનાં ફોરાં પડે વરસાદમાં.

યાદ છેતરબોળ ભીંજાયા હતાં,
બાગના એ બાંકડે વરસાદમાં.

બાળપણમાં કેટલા મોતી ગણ્યા!
થોકડે ને થોકડે વરસાદમાં.

મહેંકતી માટી સમો મહેંકી ઊઠે,
રોટલો પણ તાવડે વરસાદમાં.

ચાંચમાં ટહૂકી લઈ ઝૂમે વિહંગ
નીડ એને ક્યાં જડે વરસાદમાં.

ઘર વિચારેકોણ આ ગાતું હશે?
છાપરે નેવાં દડે વરસાદમાં.………– યામિની વ્યાસ

 

વરસાદ મન મૂકીને વરસી રહ્યો હોય ત્યારે કેટકેટલી યાદોની વણઝાર મનમાં ઊભરાય !! આ એવી ઋતુ છે કે જેમાં જેના રોમે રોમે કૂંપળ ન ફૂટી ઊઠે એને કેવો માનવી કહેવો એ નક્કી કરવું અઘરું થઇ પડે !! યુવાન હૈયાં એકલાં હોય તો ઝૂરી રહે અને સંગાથે હોય તો ઝૂમી ઊઠે એ આ મોસમનો પ્રતાપ !! વ્યક્તિ કોઇપણ હોય, વરસતો વરસાદ એનામાં જરૂર વ્યાકુળતા જન્માવશે, પછી એ પ્રિયજનને મળવાની હોય, બાગના બાંકડે જઇ પલળવાની હોય કે રસ્તાની લારી પર જઇને ગરમ ગરમ દાળવડા ખાવાની હોય !!  બાળક માંડીને દરેક ઉંમરની વ્યક્તિને વરસાદની ભીનાશ ક્યાંક ને ક્યાંક જરૂર સ્પર્શી  જવાની.

વર્ષાઋતુનો નજારો જ કંઇક અદભુત હોય છે. શહેરોમાં વસનારા લોકોએ જરા દૂર સુધી નીકળી જવું પડે. દૂર સુધી  ગોરંભાયેલું આકાશ અને તાજાં જ નહાયેલાં લીલાંછમ્મ વૃક્ષો છેક ઊંડે સુધી આહલાદક અનુભૂતિનો સ્પર્શ કરાવી જાય છે. રસ્તાની બેય બાજુ ઊગી નીકળેલું તાજું ઘાસ, એની સુગંધ અને પક્ષીઓના ગીત સાંભળવા એવી જ ભીની ભીની ઇચ્છા અને કોળી ઊઠેલું દિલ જોઇએ. 

અહીં કવયિત્રીએ પ્રેમીજનની એકલતા અને સ્મરણોના સંસ્પર્શથી માંડીને ગરમાગરમ રોટલાની સુગંધ સુધીનું બધું જ કાવ્યમાં સમાવી લીધું છે. વરસાદ પડે એટલે ઘરની દિવાલો છોડી પ્રિયજનને મળવા નીકળી પડવું અને બગીચાના બાંકડે બેસી વર્ષાની ધારમાં અને પ્યારમાં ભીંજાયા કરવું એ તો સહજ વાત છે, પણ પેલી બાળપણવાળી વાત !! અરે, હાથમાં પડતી ધારોને મોતીની સેરો ગણીને બાળક કેટલું હરખાય છે !! આ નિર્દોષ આનંદનો ક્યાંય જોટો ન જડે. મમ્મી-પપ્પા માંદા પડવાની ચિંતાએ બાળકને ગમે તેટલું રોકે, પણ એ તો આંગણમાં કે અગાસીમાં દોડી જ જવાનું…

આ ઋતુમાં માટીની તાવડી પર શેકાતા રોટલાની મહેક પણ માણવા જેવી છે. રેસ્ટોરંટની કોઇ વાનગીની સુગંધ એની તોલે ન આવે… ગરમાગરમ રોટલો ને તીખું તમતમતું શાક, એક વાર એનો સ્વાદ ચાખી જુઓ તો ખબર પડે !! આ કલ્પન કેવું સરસ પ્રયોજાયું છે. ઘરના છાપરેથી પાણી દડે છે અને ઘર વિચારે છે કે આ કોણ ગાય છે ? આ કેવું સંગીત છે ? વરસાદની વરસતી ધારમાં પક્ષી કોઇ ડાળી પર લપાઇને બેસી ગયું છે અને પછી ટહૂક્યા કરે છે, જાણે પોતાના માળાને સાદ પાડતું ન હોય !!..

વરસતો વરસાદ પાણીના ટીપાં કે ધાર નથી વરસાવતો, એ ધોધમાર સ્મૃતિઓ વહાવે છે..બાળપણની, પ્રેમની અને વૃદ્ધાવસ્થામાં યુવાનીના ઉમંગોની. રોમાંચક અનુભવ આપતી આ ઋતુ જે દિવાલો છોડીને નીકળી પડે છે તેની હૃદયમાં ચમત્કાર સર્જે છે. કુદરતનો નજારો માણવા નીકળી પડવું એ એક જ પોકાર છે આ મોસમનો.. એટલું કરવાથી એકલતાનો ભાગાકાર થઇ જશે, પ્રેમનો ગુણાકાર અને સૃષ્ટિના અનંત વૈભવ સાથે અનુસંધાન થઇ જશે….. આથી વિશેષ માનવીના હૈયાને જોઇએ શું ?

મારું ઘર ને એમાં વરસતી દિવાલો

પલળતા પલળતાં મેં

કાઢ્યા છે કેટલાય દિવસો

પછી ઊઘડ્યું એમાં જ આકાશ

વળી વીજળી ને વાદળ

સાથે મેઘધનુષ્યના રંગો પણ ખરાં જ !!

હવે ખુલી ગયું છે બધું

ક્યાં પૂર્વ પશ્ચિમ, ક્યાં ઉત્તર દક્ષિણ

ચારેકોર લથબથ, લથબથ    સુ શ્રી લતા જ. હિરાણી

 

 

 

Leave a comment

Filed under Uncategorized