Daily Archives: જૂન 22, 2020

પ્રતિભાશાળી અને સાહજીક – ફારુખ શેખ

પ્રતિભાશાળી અને સાહજીક – ફારુખ શેખ

હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા, ટીવી પ્રેઝન્ટેન્ટર ફારુખ શેખ જીવતા હોત તો આજે ૬૮ વર્ષના થાત. ૧૯૭૭થી ૧૯૮૯ દરમિયાન તેમના સાહજીક અભિનયથી તેઓ ખુબ લોકપ્રિય થયા હતા. તો ૧૯૮૮થી ૨૦૦૨ સુધી તેઓ ટીવી પર લોકપ્રિય રહ્યા. ૨૦૦૮થી ફારુખ ફિલ્મોમાં પરત થયા અને ૨૦૧૩ના તેમના નિધન સુધી સક્રિય રહ્યા. જેને સમાંતર સિનેમાની કહેવાતી હતી તેવી ફિલ્મોમાં તેમણે જે મહાન નિર્દેશકો સાથે કામ કર્યું તેમાં સત્યજીત રાય, મુઝફ્ફર અલી, હૃષીકેશ મુખર્જી અને કેતન મહેતાનો સમાવેશ થાય છે. તેમણે સિનેમાના મોટા તો ટીવીના નાના પડદે કામ કર્યું અને રંગમંચ પર શબાના આઝમી સાથે ‘તુમ્હારી અમૃતા’ જેવું યાદગાર નાટક પણ કર્યું હતું. ટીવી પર ‘જીના ઇસી કા નામ હૈ’ (સીઝન ૧) જેવી યાદગાર ટીવી શ્રેણી રજૂ કરી હતી. ‘લાહોર’ માટે તેમને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો હતો.

ભરુચ જીલ્લાના હાંસોટ ગામે તેમનો ૨૫ માર્ચ, ૧૯૪૮નાં રોજ જન્મ થયો હતો. મુસ્લિમ પિતા મુસ્તફા શેખ અને પારસી માતા ફરીદાનાં તેઓ સંતાન. પિતાજી મુંબઈમાં વકીલ હતા. તેમના જમીનદાર બાપ-દાદાનું વતન હાંસોટ હતું. પાંચ સંતાનોમાંના સૌથી મોટા ફારુખ વૈભવી રીતે ઉછર્યા હતા. મુંબઈની સેન્ટ મેરી સ્કૂલ અને સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં તેઓ ભણ્યા હતા. મુંબઈની સિદ્ધાર્થ કોલેજમાંથી તેઓ કાનૂનનાં વિષયો ભણ્યા હતા. પિતાજીની વકીલ તરીકેની જોરદાર પ્રેક્ટિસ બાદ ફારુખ પણ વકીલ બન્યા પણ ફાવ્યું નહી માટે અભિનેતા બન્યા. તેઓ કોલેજમાં નાટકો કરતાં ત્યારથી રૂપા સાથે દોસ્તી હતી, જે અંતે તેમના જીવનસાથી બન્યા. રૂપાજી કોલેજમાં તેમના જુનિયર હતાં, પણ શબાના આઝમી તેમના ક્લાસમેટ અને સુનીલ ગાવસ્કર તેમના કોલેજના સમકાલીન હતાં. સના અને શાઈસ્તા નામની તેમની બે દીકરીઓ છે. નાના દીકરી સના બાન્દ્રાનાં એન.જી.ઓ. અસીમા સાથે કાર્યરત હતાં અને હવે યુનાઈટેડ વે મુંબઈ એન.જી.ઓ.માં કાર્યરત છે.

કિશોરાવસ્થાથી ફારુખ ઇપ્ટાનાં નાટકોમાં સાગર સરહદી જેવા નિર્દેશક સાથે પ્રવૃત્ત હતા. ૧૯૭૩માં તેઓ લો કોલેજના છેલ્લા વર્ષમાં હતા ત્યારે એમ.એસ. સથ્યુએ તેમનો ‘ગર્મ હવા’ ફિલ્મ માટે સંપર્ક કર્યો હતો. બલરાજ સાહની સાથે ફારુખ સહાયક ભૂમિકામાં હતા. એ ફિલ્મ હિન્દી સિનેમાની કલાત્મક ફિલ્મોની આધારશિલા મનાય છે. તેમને એ ફિલ્મ માટે રૂ. ૭૫૦નો પગાર મળ્યો હતો. તેઓ રેડીઓ પર ક્વિઝ માસ્ટર રૂપે લોકપ્રિય થયા અને દૂરદર્શન પર ‘યુવાદર્શન’ અને ‘યંગ વર્લ્ડ’ જેવા કાર્યક્રમોમાં ભાગ લઇને ફારુખ ઘરેઘર જાણીતા બન્યા હતા. ઉત્તર પ્રદેશથી મુંબઈ આવેલાં ટેક્સી ડ્રાઈવર રૂપે ‘ગમન’માં તેમણે યાદગાર ભૂમિકા કરી હતી. ત્યાર બાદ એમણે સત્યજીત રાયની ‘શતરંજ કે ખિલાડી’, ‘નૂરી’, ચશ્મે બદદૂર’, ઉમરાવ જાન’, ‘બઝાર’, ‘સાથ સાથ’, ‘રંગબિરંગી’ ‘કિસી સે ના કેહના’ અને ‘બીવી હો તો ઐસી’ (૧૯૮૮) જેવી યાદગાર ફિલ્મો કરી. ‘કથા’માં તેમની થોડી નકારાત્મક ભૂમિકા પણ હતી. પછી ‘યશ ચોપ્રાની ‘ફાસલે’ (૧૯૮૫) થી ૧૯૯૭ સુધી તેમની ફિલ્મો ચાલી નહીં.
શબાના આઝમી સાથે ફારુખ શેખ ‘લોરી’, ‘એક પલ’ અને ‘અંજુમન’ ફિલ્મો અને નાટક ‘તુમ્હારી અમૃતા’માં દેખાયા. દીપ્તિ નવલ સાથે તેમની જોડી જામી હતી. તેમણે સાત ફિલ્મો સાથે કરી, ‘ચશ્મે બદદૂર’, ‘કથા’, ‘સાથ સાથ’, ‘કિસી સે ના કેહના’, ‘રંગબિરંગી’, ‘ટેલ મી ઓ ખુદા’ અને ‘લિસન.. અમયા’. ટાઈમ્સની એક મુલાકાતમાં તેમણે કબુલ્યું હતું કે તેઓ કમર્શિયલી સફળ અભિનેતા નહોતા જેનો તેમને રંજ રહ્યો. છેલ્લે તેમણે ‘સાસ બહુ ઔર સેન્સેક્સ’ (૨૦૦૮) અને ‘લાહોર’ (૨૦૦૯) કરી હતી. ‘ક્લબ ૬૦’ (૨૦૧૩) એમની છેલ્લી ફિલ્મ બની રહી.
નેવુંના દસકના અંતે ફારુખે સંખ્યાબંધ ટીવી શ્રેણીમાં કામ કર્યું. મહાન કવિ અને સ્વાતંત્ર્ય સેનાનીના જીવન પર બનેલી બાયો-પીક ‘કહકશા – હસરત મોહિની’ માં તેઓ શીર્ષક ભૂમિકામાં હતા. અહીં પણ દીપ્તિ તેમના પત્નીની ભૂમિકામાં હતાં. ઝી પર ‘અહા’, ‘સોની પર ‘ચમત્કાર’ કે સ્ટાર પ્લસ પર ‘જી મંત્રીજી’ એમાં યાદ કરી શકાય. ૧૯૮૫-૮૬ માં દૂરદર્શન પરની શરદબાબુ લિખિત જાણીતી શ્રેણી ‘શ્રીકાંત’માં પણ તેમણે અભિનય કર્યો હતો. ‘લાઈફ ઓકે પર ‘દો દિલ એક જાન’ના આરંભના હપ્તાઓમાં ફારુખ હિરોઈનના પિતા રૂપે દેખાયા હતાં. વિવિધ ભારતી પર ‘ક્વિટ ક્વિઝ’ શો તેમણે કર્યો હતો.
શબાના સાથેના તેમના નાટક ‘તુમ્હારી અમૃતા’એ ૨૦૧૨માં વીસ વર્ષ પુરા કર્યા હતાં. તો તેની સિક્વલ સમું નાટક ‘આપકી સોનિયા’ તેમણે સોનાલી બેન્દ્રે સાથે કર્યું હતું. બર્નાર્ડ શોના ‘પીગ્મીલીયન’ (આપણી ‘સંતુ રંગીલી’) પરથી તેમણે ‘અઝહર કા ખ્વાબ’ (૨૦૦૪) નાટકનું નિર્દેશન પણ કર્યું હતું. ‘જીના ઇસી કા નામ હૈ’ જેવી માતબર ટીવી શ્રેણીના ફારુખ હોસ્ટ હતાં, જેમાં તેમણે અનેક ફિલ્મ કલાકારોની મુલાકાત લીધી હતી. તેમની સેન્સ ઓફ હ્યુમર અને વિનમ્રતા એ કાર્યક્રમનું ઘરેણું હતું.
૨૭ ડીસેમ્બર, ૨૦૧૩ના રોજ દુબઈમાં હાર્ટ એટેકથી ફારુખ શેખનું નિધન થયું હતું. તેઓ ત્યાં વેકેશન માટે ગયા હતા અને કાયમી વેકેશન પર ઊતરી ગયા. તેમને અંધેરીના ચાર બંગલો કબ્રસ્તાનમાં તેમના માતાજીની કબરની બાજુમાં દફનાવાયા હતા.

ફારુખ શેખના યાદગાર ગીતો: સિને મેં જલન આંખો મેં તુફાન, આપ કી યાદ આતી રહી – ગમન, આજા રે – નૂરી, ઇન આંખો કી મસ્તી કે, ઝીંદગી જબ ભી તેરી બઝ્મ મેં, દિલ ચીઝ ક્યા હૈ – ઉમરાવ જાન, કાલી ઘોડી દ્વાર ખડી – ચશ્મે બદદૂર, તુમ કો દેખા તો યે ખયાલ આયા, કયું ઝીંદગી કી રાહ મેં, પ્યાર મુજસે જો કિયા તુમને, યે તેરા ઘર યે મેરા ઘર – સાથ સાથ, ફિર છીડી બાત બાત ફૂલોં કી, દિખાઈ દિયે યુ કી બેખુદ કિયા – બાઝાર.
‘માર્ચ માસના સિતારા – નરેશ કાપડીઆ’ પુસ્તકમાંથી – શુભ સાહિત્યના આભાર સાથે..

Image may contain: 1 person, eyeglasses and closeup

Leave a comment

Filed under Uncategorized