Daily Archives: જૂન 24, 2020

ખુબસુરત અભિનેત્રી પ્રિયા રાજવંશ

ખુબસુરત અભિનેત્રી પ્રિયા રાજવંશ

ખુબસુરત અભિનેત્રી પ્રિયા રાજવંશની આજે ૨૦મી પુણ્યતિથિ છે. ૨૭ માર્ચ, ૨૦૦૦ના રોજ તેમનું ૬૩ વર્ષની ઉમરે અકુદરતી નિધન થયું હતું. તેઓને ચેતન આનંદની ‘હકીકત’, ‘હીર રાંઝા’ કે ‘હંસતે જખ્મ’ જેવી ફિલ્મોથી યાદ કરી શકાય.
વીરા સુંદર સિંઘ નામે શિમલાના શીખ પરિવારમાં ૧૯૩૭માં તેમનો જન્મ. તેમના પિતા સુંદર સિંઘ વન વિભાગના વનરક્ષક હતા. તેમના ભાઈઓ કમલજીત અને પદમજીત સાથે તેઓ શિમલામાં ઉછર્યા અને શિમલાની કોન્વેન્ટમાં તેઓ ભણ્યા હતાં. ત્યાંની સેન્ટ બેડે કોલેજમાં તેઓ ઇન્ટર પાસ થયા હતાં. શિમલા મહાપાલિકામાં તેઓ જોડાયા હતાં. એ દરમિયાન ત્યાંના વિખ્યાત ગેઈટી થિયેટરમાં તેમણે અનેક અંગ્રેજી નાટકો કર્યાં હતાં. તેમના પિતાજીને યુ.એન. એસાઇનમેન્ટ મળતાં તેમને પ્રતિષ્ઠિત રોયલ એકેડમી ઓફ ડ્રામેટિક આર્ટ, લંડનમાં જોડાવાની તક મળી હતી. લંડનમાં ભણતા ૨૨ વર્ષના પ્રિયાનો ફોટોગ્રાફ હિન્દી ફિલ્મોના નિર્દેશક ચેતન આનંદના હાથમાં આવ્યો. ચેતન એટલે દેવ આનંદ અને વિજય આનંદનાં મોટા ભાઈ. તેઓ ત્યારે ‘હકીકત’ (૧૯૬૪) બનાવતા હતા. એ ફિલ્મમાં તેમણે પ્રિયાને કાસ્ટ કરી. ‘હકીકત’ એ ભારતની યાદગાર યુદ્ધ આધારિત ફિલ્મ છે.
તરત જ પ્રિયા તેમના મેન્ટોર ચેતન આનંદ સાથે લાગણીનાં સંબંધે બંધાયા. તેના થોડા સમય પહેલાં જ ચેતન આનંદ તેમના પહેલાં લગ્નથી છુટા થયા હતા. પ્રિયા ચેતનજી કરતાં ઘણાં વર્ષો નાના હતાં અને ખુબ ખુબસુરત હતાં. ત્યાર બાદ પ્રિયાએ માત્ર ચેતન આનંદની જ ફિલ્મોમાં કામ કર્યું. પ્રિયા ચેતનજીની ફિલ્મના તમામ પાસા, જેવાંકે કથા, પટકથા, સંવાદ, ગીતના બોલ અને પોસ્ટ પ્રોડક્શનમાં કાર્યોમાં પણ સાથ આપતાં. ચેતન આનંદે પણ ત્યાર બાદ પ્રિયા નાયિકા ન બન્યા હોય એવી કોઈ ફિલ્મ નહીં બનાવી. પ્રિયા ખુબ પ્રતિભાશાળી અભિનેત્રી હોવા છતાં, તેમનો અંગ્રેજ જેવો ચહેરો અને વેસ્ટર્ન રીતભાત ભારતીય દર્શકોને રીઝવી શક્યો નહીં.
ત્યાર બાદ પ્રિયાએ ત્યારના મોટા હીરો રાજ કુમાર સામે ‘હીર રાંઝા’ કરી, જે હીટ રહી. પછી ‘હસ્તે જખમ’ કરી, જે પ્રિયાની સૌથી સારી ફિલ્મ બની રહી. તે ઉપરાંત તેમણે ‘હિન્દુસ્તાન કી કસમ’ અને ‘કુદરત’માં પણ અભિનય કર્યો. ‘કુદરત’માં તેમની હેમા માલિનીની સમાંતર ભૂમિકા હતી. ‘હાથોં કી લકીરે’ (૧૯૮૫) તેમની છેલ્લી ફિલ્મ બની રહી. પ્રિયાની તમામ ફિલ્મોમાં સંગીતકાર મદન મોહનનું મધુરું સંગીત રહેતું. તેમને તેમના ભાઈ હોલીવૂડના ગ્રેટા ગાર્બો સાથે સરખાવતા કહેતાં કે પ્રિયા ગ્રેટા કરતાં વધુ ખુબસુરત હતાં.
પ્રિયા રાજવંશ અને ચેતન આનંદનાં અંગત સંબંધો રહ્યાં અને તેઓ સાથે જ રહેતાં હતાં. પ્રિયાનો પહેલાં કાલુમલ એસ્ટેટમાં પોતાનો ફ્લેટ હતો પછી મંગલ કિરનમાં તેમનું મોટું હાઉસ પણ હતું. તેમના ભાઈઓ લંડન અને અમેરિકામાં રહેતાં હતાં. તેમની પારિવારિક મિલકત ચંદીગઢમાં પણ હતી.
૧૯૯૭માં ચેતન આનંદનું નિધન થયું, ત્યાર બાદ પ્રિયાને ચેતન આનંદનાં પહેલાં લગ્નનાં બે દીકરાઓ સાથે મિલકત વારસામાં મળી હતી. ૨૭ માર્ચ ૨૦૦૦નાં રોજ પ્રિયાની ચેતન આનંદનાં જુહુનાં રુઈયા પાર્કના બંગલામાં હત્યા કરાઈ હતી. પોલીસે તેમની હત્યાનો આરોપ ચેતનજીના દીકરાઓ કેતન આનંદ અને વિવેક આનંદ તથા તેમના કર્મચારીઓ માયા ચૌધરી અને અશોક ચેન્નાસ્વામી પર મૂક્યો હતો. હત્યાનું કારણ ચેતન આનંદની મિલકત હતું. વકીલે કોર્ટમાં પ્રિયાના હાથે લખાયેલી નોંધ અને વિજય આનંદને લખાયેલા પત્રો રજૂ કર્યા હતાં. એનાથી શંકાસ્પદ સંજોગોમાં પ્રિયાનું મોત નીપજ્યું તે પહેલાં તેઓ કેવાં ભય અને ચિંતામાં જીવતાં હતાં, તે સ્પષ્ટ થતું હતું. જુલાઈ, ૨૦૦૨માં ચારે આરોપીઓ સામે પ્રિયાની હત્યાનો આરોપ સાબિત થતાં તેમને જનમટીપ કરાઈ હતી. જે ચુકાદો ૨૦૧૧માં મુંબઈ હાઈકોર્ટે પણ માન્ય રાખ્યો હતો.
પ્રિયા રાજવંશનાં જાણીતા ગીતો: ખેલો ના મેરે દિલ સે, જરા સી આહટ હોતી હૈ (હકીકત), મિલો ન તુમ તો દિલ ગભરાયે, દો દિલ તૂટે દો દિલ હારે, મેરી દુનિયા મેં તુમ આયે (હીર રાંઝા), હૈ તેરે સાથ મેરી વફા (હિન્દુસ્તાન કી કસમ), બેતાબ દિલ કી તમન્ના યહી હૈ, આજ સોચા તો આંસૂ ભર આયે, તુમ જો મીલ ગયે હો, યે માના મેરી જાં મોહબ્બત સજા હૈ (હસતે જખમ), યે પ્યાર કા નશા (સાહિબ બહાદૂર), બિન બાદલ બીજલી (કુદરત).
‘માર્ચ માસના સિતારા – નરેશ કાપડીઆ’ પુસ્તકમાંથી – શુભ સાહિત્યના આભાર સાથે..

Image may contain: 1 person, closeup

Leave a comment

Filed under Uncategorized