Daily Archives: જૂન 26, 2020

સૌમ્ય અભિનેત્રી નંદા

7844e-floweranimationસૌમ્ય અભિનેત્રી નંદા
હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેત્રી નંદાને આ જગત છોડી જવાને છ વર્ષ થયાં. ૨૫ માર્ચ, ૨૦૧૪ના રોજ તેમનું ૭૫ વર્ષની વયે નિધન થયું હતું. વીતેલા વર્ષોની યાદગાર ફિલ્મો સાથે તેઓ સંકળાયેલાં હતાં. ‘જબ જબ ફૂલ ખિલે’, ‘ઇત્તેફાક’, ‘જોરુ કા ગુલામ’, ‘નીંદ હમારી ખ્વાબ તુમ્હારે’, ‘કાનૂન’, ‘પતિ પત્ની’, ‘ગુમનામ’, કે ‘શોર’ના તેમના અભિનય માટે નંદાજીને યાદ કરી શકાય.
તેમના પિતા મરાઠી રંગમંચ અને ફિલ્મોના જાણીતા કલાકાર માસ્ટર વિનાયક હતા. જોકે નંદા માત્ર આઠ વર્ષના હતા ત્યારે તેમના પિતાનું નિધન થયું હતું. ત્યારે તેમનો પરિવાર આર્થિક મુશ્કેલીમાં હતો અને તે કારણે બેબી નંદાએ ફિલ્મોમાં અભિનય કરવો શરૂ કર્યો હતો. બેબી નંદા રૂપે તેમણે ‘મંદિર’ (૧૯૪૮), ‘જગ્ગુ’, ‘અંગારે’ કે ‘જાગૃતિ’ જેવી ફિલ્મો કરી હતી. નાનકડી નંદાએ ફિલ્મોમાં અભિનય કરીને છ ભાઈ-બહેનોને ટેકો આપ્યો અને ભણાવ્યાં. તેમના એક ભાઈ જયપ્રકાશ કર્ણાટકી મરાઠી ફિલ્મોના નિર્દેશક બન્યા તો અભિનેત્રી જયશ્રી તલપડે નંદાના ભાભી થાય. નંદાજીએ હિન્દી ઉપરાંત માતૃભાષા મરાઠીમાં પણ ફિલ્મો કરી છે.
કાકા વી. શાંતારામે નંદાને મોટો બ્રેક આપ્યો અને અનાથ ભાઈ-બહેનની કરુણ કથાવાળી ફિલ્મ ‘તુફાન ઔર દિયા’ (૧૯૫૬)માં લીધાં. નંદાને તેમનું શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનું ફિલ્મફેર એવોર્ડનું નામાંકન ‘ભાભી’ (૧૯૫૭)માં મળ્યું. એમણે દેવ આનંદની ‘કાલા બઝાર’ અને ચોપ્રાની ‘ધૂલ કા ફૂલ’ જેવી ફિલ્મોમાં સહાયક અભિનેત્રીની ભૂમિકા કરી. પછી નંદાએ એલ.વી. પ્રસાદની ‘છોટી બહન’ (૧૯૫૯)માં શીર્ષક ભૂમિકા કરી, જે નાની અંધ બહેન અને તેમના બે મોટા ભાઈઓ બલરાજ સાહની અને રહેમાનની પારિવારિક કથા હતી. એ ફિલ્મ ખુબ સફળ થઇ અને નંદા સ્ટાર બની ગયાં. દેવ આનંદ સાથેની ‘હમ દોનો’ અને ‘તીન દેવિયાં’, હીટ થઇ. પછી તેઓ ગીતો વિનાની ફિલ્મ ‘કાનૂન’માં નાયિકા બન્યાં.
એક મુલાકાતમાં નંદાએ કહ્યું હતું કે ૧૯૫૯-૭૨ના સમયગાળામાં ‘વાઈલ્ડ’ ઈમેજને કારણે તેમણે શમ્મી કપૂર સાથે ફિલ્મો કરી નહોતી. છેક ‘પ્રેમરોગ’માં તેઓ સાથે દેખાયાં હતાં. અન્ય મુલાકાતમાં તેમણે એવું પણ કહ્યું હતું કે ‘મારી અનેક નિષ્ફળ ફિલ્મોમાં મારો અભિનય ખુબ સારો હતો, જેમકે ‘ઉસને કહા થા’, ‘ચાર દિવારી’, ‘નર્તકી’ કે ‘આજ ઔર કલ’. ૧૯૬૦-૬૫ દરમિયાન નંદાને નૂતન બાદ બીજા ક્રમની ફી મળતી હતી, તો ૧૯૬૬-૬૯ દરમિયાન નંદા-નૂતન-વહીદા રહમાનને બીજા ક્રમની ફી મળતી હતી, તો ૧૯૭૦-૭૩ દરમિયાન નંદા-સાધના ત્રીજા ક્રમની ફી લેતાં હતાં. નંદા નવોદિતોને પ્રોત્સાહન આપતાં. જયારે શશી કપૂર સફળ નહોતા થયા ત્યારે નંદાએ તેમની સાથે આઠ ફિલ્મો સાઈન કરી હતી. તેમાંય બે ફિલ્મો નિષ્ફળ ગયા બાદની છ ફિલ્મો સફળ થઇ હતી. ‘જબ જબ ફૂલ ખિલે’ માં નંદા વેસ્ટર્ન વિચારો ધરાવતી યુવતી રૂપે હતાં. પાછળથી શશી કપૂરે જાહેર કર્યું હતું કે તેમના ફેવરીટ હિરોઈન નંદા હતાં, તો નંદાએ પણ શશી કપૂર માટે એવું જ કહ્યું હતું. ‘ધ ટ્રેન’ના નિર્માતાને નંદાએ રાજેશ ખન્નાને લેવાનું સૂચવ્યું હતું.
નંદાને ‘ગુમનામ’ની સફળતાએ ટોચ પર મૂક્યાં હતાં. ગીતો વિનાની બીજી ફિલ્મ નંદાએ રાજેશ ખન્ના સાથે ‘ઇત્તેફાક’ કરી હતી, જે માટે પણ તેમને ફિલ્મફેર નામાંકન મળ્યું હતું. જીતેન્દ્ર સાથે નંદાની જોડી ‘પરિવાર’ અને ‘ધરતી કહે પુકાર કે’માં અને સંજય ખાન સાથે ‘બેટી’ અને ‘અભિલાષા’માં જામી હતી. મનોજ કુમાર સાથે ‘શોર’ (૧૯૭૨)ની નાની ભૂમિકા બાદ બે નિષ્ફળ ફિલ્મો કરીને નંદાએ અભિનય કરવો બંધ કર્યો હતો. જોકે પછી પદ્મિની કોલ્હાપુરેની માતાની ભૂમિકામાં નંદાએ ત્રણ ફિલ્મો કરી, ‘આહિસ્તા આહિસ્તા’, ‘મઝદૂર’ અને રાજ કપૂરની ‘પ્રેમ રોગ’. પછી તેઓ નિવૃત્ત થયાં.
નંદા લાંબો સમય લગ્નથી દૂર રહ્યાં, આધેડ વયે ૧૯૯૨માં તેઓ દિગ્દર્શક મનમોહન દેસાઈને પરણ્યા પણ તેના એક જ વર્ષમાં મનજી અગાસીમાંથી પડીને ગુજરી ગયા, નંદાના માતા એક વર્ષમાં ગુજરી ગયાં અને નંદા અપરિણીત જ રહ્યાં. પછી તેઓ એકાકી થઇ ગયાં. માત્ર પરિવાર અને ખાસ મિત્રોને તેઓ મળતાં. વર્ષો પછી નંદા તેમના મિત્ર વહીદા રેહમાન સાથે મરાઠી ફિલ્મ ‘નટરંગ’ (૨૦૧૦)ના પ્રીમિયરમાં દેખાયાં. ૨૫ માર્ચ ૨૦૧૪ના રોજ તેમના વરસોવાના નિવાસસ્થાને ૭૫ વર્ષીય નંદાનું નિધન થયું હતું.
નંદાના જાણીતા ગીતો: ચલી ચલી રે પતંગ (ભાભી), ભૈયા મેરે રાખી કે બંધન કો (છોટી બહન), આહા રીમઝીમ કે યે પ્યારે પ્યારે ગીત લીયે (ઉસને કહા થા), કજરે બદરવા રે (પતિ પત્ની), લિખા હૈ તેરી આંખો મેં, ઐસે તો ન દેખો (તીન દેવિયાં), યે સમા સમા હૈ યે પ્યાર કા, એક થા ગુલ ઔર એક થી બુલબુલ, પરદેસીયોંસે ન અખિયાં મિલાના (જબ જબ ફૂલ ખિલે), જે હમતુમ ચોરી સે (ધરતી કહે પુકાર કે), યે વાદીયાં યે ફિઝાએ બુલા રહી હૈ (આજ ઔર કલ), યું રુઠો ના હસીના, કભી તેરા દામન (નીંદ હમારી ખ્વાબ તુમ્હારે), નૈનો મે નિંદીયા હૈ (જોરુ કા ગુલામ), કિસ લીયે મૈને પ્યાર કિયા, ગુલાબી આંખેં જો તેરી દેખી (ધ ટ્રેન), એક પ્યાર કા નગ્મા હૈ (શોર).
‘માર્ચ માસના સિતારા – નરેશ કાપડીઆ’ પુસ્તકમાંથી

Image may contain: one or more people and people sitting

Leave a comment

Filed under Uncategorized