સફળ અભિનેતા ઈમરાન હાસમી
હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા ઈમરાન હાસમી આજે ૪૧ વર્ષના થશે. ૨૪ માર્ચ, ૧૯૭૯ના રોજ મુંબઈમાં જન્મીને તેઓ ત્યાં જ મોટા થયા છે. તેમને ત્રણ વાર ફિલ્મફેર એવોર્ડના નામાંકન મળ્યાં છે. તેઓ સૌથી જાણીતા અને સૌથી વધુ ફી લેતા અભિનેતાઓમાંના એક છે. મુંબઈ યુનિવર્સીટીના ગ્રેજ્યુએટ ઈમરાન મહેશ ભટ્ટના કેમ્પના ગણાય છે. તેઓ પહેલાં હોરર ફિલ્મ ‘રાઝ’ (૨૦૦૨)ના સહાયક નિર્દેશક બન્યા અને પછી તેઓ અભિનેતા રૂપે ‘ફૂટપાથ’ (૨૦૦૩)ના હીરો રૂપે આવ્યા. થોડા જ સમયમાં હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા બની ગયા. ‘મર્ડર’, ‘ઝહર’ અને ‘ગેન્ગસ્ટર’ જેવી ફિલ્મોથી તેઓ જાણીતા બન્યા. ત્યાર બાદ તેમની કેટલીક ફિલ્મો અસફળ પણ રહી અને ‘આવારાપન’ (૨૦૦૭)થી તેમની ગાડી ફરી સફળતાના પાટા પર આવી ગઈ.
૨૦૦૮નું વર્ષ ઈમરાન માટે સારા વળાંક વાળું રહ્યું, જયારે તેઓ ક્રાઈમ ડ્રામા ‘જન્નત’માં ચમક્યા. ત્યાર બાદ તેમણે અલગ અને અજાણી એવી ભૂમિકાઓ કરીને લોકચાહના મેળવી. જેમાં વધુ એક હોરર ફિલ્મ ‘રાઝ: ધ મિસ્ટ્રી કન્ટીન્યૂઝ’, જીવન ચરિત્ર રૂપી ‘ધ ડર્ટી પિક્ચર’, સાયકોલોજીકલ થ્રીલર ‘મર્ડર ૨’, રોમાન્ટિક કોમેડી ‘દિલ તો બચ્ચા હૈ જી’, ક્રાઈમ થ્રીલર ‘જન્નત ૨’, સુપરનેચરલ થ્રિલર્સ ‘રાઝ ૩’ અને ‘એક થી ડાયન’ આવી. આ બધી ફિલ્મોમાં ઈમરાનના કૌશલના વખાણ થયા. તો અન્ડરવર્લ્ડ ડ્રામા ‘વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈ’ અને પોલીટીકલ થ્રીલર ‘શાંઘાઈ’ માટે તેમને શ્રેષ્ઠ સહાયક અભિનેતાના ફિલ્મફેર એવોર્ડના નામાંકનો મળ્યાં. પછી ફરી નિષ્ફળતાનો દૌર આવ્યો. છેલ્લા બે વર્ષોમાં તેમણે ફરી સંતુલન જાળવ્યું છે. ૨૦૧૬ની બાયોગ્રાફીકલ સ્પોર્ટ્સ ડ્રામા ‘અઝહર’ અને હોરર થ્રીલર ‘રાઝ રીબૂટ’માં પ્રેતાત્માની ભૂમિકા લોકોને ગમી. તો ‘હમારી અધૂરી કહાની’ (૨૦૧૫) અને ‘બાદશાહો’ (૨૦૧૭)માં પણ તેમના વખાણ થયાં હતાં.
૨૪ માર્ચ, ૧૯૭૯ના રોજ મુંબઈમાં અનવર અને મહેરાહ હાસ્મીના મુસ્લિમ પરિવારમાં તેમનો જન્મ. તેઓ મુંબઈની સીડનહામ કોલેજમાં ભણ્યા છે. તેમના પિતાજીએ ‘બહારો કી મંઝીલ’ (૧૯૬૮)માં કામ કર્યું હતું. તેઓ મહેરબાનો મુહમ્મદ અલી (પરદા પરનું નામ ‘પૂર્ણિમા’)ના સંતાન. તેમના પહેલાં પતિ શૌકત હાસમી પાકિસ્તાન જતા રહેલાં. ત્યાર બાદ પૂર્ણિમાએ નિર્માતા-નિર્દેશક ભગવાન દાસ વર્મા સાથે લગ્ન કર્યા હતા. આ પૂર્ણિમાજીના બેન શીરીન મોહંમદ અલી એ નિર્માતા મહેશ ભટ્ટ અને મુકેશ ભટ્ટના માતા થાય. આમ ઈમરાન હાસ્મીના ભટ્ટ બ્રધર્સ અંકલ થાય. ઈમરાન એ નિર્દેશક મોહિત સુરી, અભિનેત્રી પૂજા ભટ્ટ, અભિનેતા રાહુલ ભટ્ટ અને અભિનેત્રી આલિયા ભટ્ટના કઝીન થાય.
ઈમરાને ડીસેમ્બર, ૨૦૦૬માં સાડા છ વર્ષના લાંબા સંબંધો પછી પરવીન સાહાની સાથે ઇસ્લામિક રીતે લગ્ન કર્યા છે. તેમને ત્યાં અયાન હાઝ્મી નામે ૨૦૧૦માં જન્મેલો દીકરો છે. જેને ૨૦૧૪માં પહેલાં સ્ટેજના કેન્સરનું નિદાન થયું હતું. તેના માતા મહેરાહ હાસમીનું ૨૦૧૬માં નિધન થયું. તેની જાણ થતાં, ઈમરાને માત્ર એક જ દિવસનું શૂટિંગ કેન્સલ કર્યું હતું. તેઓ ‘અઝહર’ના શૂટિંગમાં મોડું નહોતા કરવા માંગતા અને મનને રોકેલું પણ રાખવા માંગતા હતા, તેથી બનતી ત્વરાએ તેઓ સેટ પર પરત થયા હતા. ૨૦૧૬માં ઈમરાને પોતાના જીવનચરિત્ર સમાન પુસ્તક ‘કિસ ઓફ લાઈફ’ને પ્રસ્તુત કર્યું હતું.
ઈમરાને એકેડમી એવોર્ડ વિજેતા નિર્દેશક દાનીસ તોનોવીક્સની ફિલ્મ ‘ટાઈગર્સ’માં કામ કર્યું છે જેનો પ્રીમિયર શો ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ, ૨૦૧૪માં થયો હતો. તેઓ રેમો ડીસોઝાની ‘બદતમીઝ’ માટે પણ સાઈન થયાં છે. તેમની તાજી ફિલ્મ ‘કેપ્ટન નવાબ’ છે. ઇમરાન હાસમી શાહરૂખ ખાન નિર્મિત બિલાલ સિદ્દીકીની ‘નેમસેક બુક’ પર આધારિત ટેલીવિઝન શ્રેણી ‘ધ બાર્ડ ઓફ બ્લડ’નું શૂટિંગ કરી રહ્યાં છે જે ‘નેટફ્લીક્ષ’ પર રજુ થશે.
‘માર્ચ માસના સિતારા – નરેશ કાપડીઆ’ પુસ્તકમાંથી
