Daily Archives: જુલાઇ 1, 2020

ટચ એન્ડ ગો: પરેશ વ્યાસ

ટચ એન્ડ ગો: નાજુક સ્થિતિ,
જોખમ ય ખરું અને…
કહી ન શકાય કે હવે શું થશે?
કાલ કરતાં વિચાર જુદો છે આજ
થોડોક પ્યાર જુદો છે
મારે અડવું નથી જરાય
તને મારા મનમાં વિકાર જુદો છે
– ભરત વિંઝુડા
ટચ (Touch) એટલે અડવું, સ્પર્શવું, અડકવું, –ને સ્પર્શ કરવો, અડેલું હોવું, ઉપર હાથ કે આંગળી મૂકવી અને કોન્ટેક્ટ (Contact) એટલે પણ એવું જ. કોન્ટેક્ટ એટલે સ્પર્શ, સંપર્ક, સંગ, માહિતી કે મદદ માટે જેનો સંપર્ક સાધી શકાય એવું માણસ, ચેપી રોગના દરદી પાસે જતાં જેને ચેપ લાગવાનો સંભવ હોય એવું માણસ, વીજળીના પ્રવાહ માટેનું જોડાણ, -નો સંપર્ક સાધવો. અને સંપર્ક એટલે? ગુજરાતી લેક્સિકોન કહે છે કે કે ‘સંપર્ક’એટલે સંગ, સંબંધ, સંયોગ, સમાગમ, સહવાસ, પરિચય, સંસર્ગ, સંગતિ, સોબત.
કોવિડ -૧૯ આવે છે અને ઈ. સ. ૨૦૨૦માં માણસ માત્રની જીવન શૈલી ઊલટપૂલટ કરી નાંખે છે. આજકાલ લૉકડાઉન -૪ ચાલે છે. હવે થોડી છૂટછાટ છે. લોકો હરે છે, ફરે છે, ચરે પણ છે. શ્રમિકો બાંધ્યા ભૂખ્યાં મરતાં હતા એટલે સરકાર ઢીલી પડી છે. ભૂખ અને ભૂખનો ડર શ્રમિકને વિસ્થાપિત થવા મજબૂર કરે છે. દેશમાં જવું આટલું પીડા દેશે?- એ એમને ખબર નહોતી. હવે આ મુદ્દે સરકાર અલબત્ત ગોટે ચઢી છે. બાકી લોકોની સ્થિતિ ય સામાન્ય નથી. હવે મેળ શક્ય હશે, મેળાપ હજી શક્ય નથી. ૧૪ વર્ષનાં ક્વોરેન્ટાઇન પછી રામ અયોધ્યા આવે ત્યારે ભરતને માટે ભાઈને ભેટીને મળવું હવે જોખમી છે. સુદામા શ્રીકૃષ્ણ માટે તાંદુલ લાવ્યા હતા તે કોન્ટેકટલેસ ડીલિવરી હતી? જેને આપણે સોશિયલ ડિસ્ટન્સ ઉર્ફે સામાજિક દૂરી કહીએ છીએ એ ખરેખર તો ફીઝિકલ ડિસ્ટન્સ ઉર્ફે શારીરિક દૂરી છે. સામાજિક સંબંધ હવે ઓનલાઈન છે. સોશિયલ મીડિયા થકી સૌનાં સંબંધ અકબંધ છે. એને સોશિયલ ડિસ્ટન્સ કહી શી રીતે શકાય? જો કે આજનો શબ્દ ‘ટચ એન્ડ ગો’ (Touch and Go) મુહાવરો છે; જે આજની સ્થિતિ બયાન કરે છે. ગ્રેટ બ્રિટનનાં પ્રાઇમ મિનિસ્ટર બોરિસ જોહ્નસન કોવિડ -૧૯નો ભોગ બન્યા, હોસ્પિટલમાં વેન્ટિલેટર પર પણ રહ્યા પણ કરમ સંજોગે બચ્યા. બ્રિટિશ રવિવારી અખબાર ‘ઓબ્ઝર્વર’સાથે વાતચીત કરતાં તેઓ બોલ્યા કે ‘તેઓ એક સમયે મૌતની પરમ સમીપે આવી ચૂક્યા હતા, ઈટ વોઝ ટચ એન્ડ ગો…’ અને આ મુહાવરો સમચારનું મથાળું બની ગયો. ગુજરાતી લેક્સિકોન અનુસાર મુહાવરાનો અર્થ થાય છે: અનિશ્ચિત (પરિણામવાળું), જોખમવાળું, ઝડપી હલનચલન, નાજુક પરિસ્થિતિ. લો બોલો! હાલની સ્થિતિ પણ તો બોરિસભાઈએ કીધું એવી જ છે ને?
એક મુહાવરા તરીકે ‘ટચ એન્ડ ગો’ શબ્દો સોળમી સદીમાં ઇંગ્લિશ ધર્મગુરુએ યુવા રાજા એડવર્ડ છઠ્ઠાનાં રાજ્યાભિષેક સમયે પોતાનાં સાત ભાગમાં વહેંચાયેલા પ્રવચનમાં કહ્યા હતા. એમણે કહ્યું હતું કે પહેલા હું દરેક વિષયને ટૂંકાણમાં ‘ટચ’ કરીશ અને પછી તે પછી દરેક વિષય પર વિગતે ‘ગો’ (વાત) કરીશ. ટચ એન્ડ ગો-નો મૂળ અર્થ આ હતો. પણ પછી ઓગણીસમી સદીમાં એનાં બીજા બે અલગ અર્થ નીકળ્યા. એક અર્થ હતો: ઉતાવળિયું બેદરકારી ભરેલું કામ. અને બીજો અર્થ જે અત્યારે આપણે અનુભવી રહ્યાં છીએ. જુઓને, અત્યારે સઘળું રામભરોસે છે. અને આ કોરોના વાઇરસ સાવ વાયડો છે. એ ક્યારે ક્યાંથી ટપકી પડે?- કોઈને ખબર નથી. આપણે હાથ ઘસતા રહી જઈએ છીએ અને એ આપણી વાંહે હાથ ધોઈને પડ્યો છે. જરા ચૂક્યા કે ગયા કામથી. જ્યાં જુઓ ત્યાં એકનાં એક સમાચાર. ક્યાં કેટલાં સંક્રમિત થયા? કેટલાં મર્યા?- નાં સમાચારથી આપણે ઓચાઈ ગયા છીએ. આ સાંપ્રત સ્થિતિ ખરેખર ‘ટચ એન્ડ ગો’ છે.
મુહાવરો એટલે રૂઢિપ્રયોગ. એનો શાબ્દિક અર્થ અને મુહાવરત અર્થ અલગ જ હોય. જ્યારે આપણે એમ કહીએ કે ‘રોગ આવે હાથીને વેગે અને જાય કીડીને વેગે’ ત્યારે એનો એ અર્થ એ કે દુઃખ આવે ત્યારે સામટું આવે પણ જાય ત્યારે ધીમે ધીમે, કટકે કટકે જાય. આ મુહાવરામાં રોગનાં આવવા માટે હાથી અને જવા માટે કીડીની ખરેખરી કોઈ ભૂમિકા નથી. પણ દાખલો આપીને વાત કરીએ એટલે સમજાઈ જાય. મુહાવરામાં એવું જ હોય. પણ આજનો આપણો મુહાવરો ‘ટચ એન્ડ ગો’ શાબ્દિક રીતે પણ એટલો જ સટીક છે. જેવો શબ્દાર્થ એવો ભાવાર્થ. અડ્યા એટલે ગયા. ટચ એન્ડ ગો. યૂ સી! અડવું હવે અડવું લાગે છે. ‘અડવું’-નાં બે અર્થ થાય. ‘અડવું’ એટલે સ્પર્શ અને ‘અડવું’ એટલે બેહૂદું, કઢંગુ, શોભા વિનાનું. સરકારને પણ રહી રહીને ડહાપણ ફૂટ્યું છે. સરકાર હવે શેખી મારતી નથી. કહી તો દીધું કે આત્મનિર્ભર બનો. માટે આત્મકાળજી લેવી એ આપણી આત્મિક ફરજ છે. તો હે મેરે પ્યારે દેશવાસીઓ, તાજા અને સાજા રહેવું હોય તો જરૂરી હોય ત્યારે જ ઘરની બહાર જવું. અને એ ય બુકાની બાંધીને. કારણ કે જો સાવધાની હટી તો દૂર્ઘટના ઘટી. ટચ એન્ડ ગો..
શબ્દ શેષ:
“જિંદગી કિંમતી છે. જિંદગી અનિશ્ચિત છે. સાવધાનીથી જીવી લો. કલ હો ન હો.” – અજ્ઞાત
प्रतिमेत याचा समावेश असू श्‍ाकतो: एक किंवा अधिक लोक, लहान मूल, जवळून आणि बाहेरील

Leave a comment

Filed under Uncategorized