Daily Archives: જુલાઇ 2, 2020

મધુરા શાસ્ત્રીય ગીતોના સર્જક – એસ. એન. ત્રિપાઠી

प्रतिमेत याचा समावेश असू श्‍ाकतो: Gaurang Vyas, मजकूरમધુરા શાસ્ત્રીય ગીતોના સર્જક – એસ. એન. ત્રિપાઠી

શ્રીનાથ ત્રિપાઠી, જેમને આપણે એસ. એન. ત્રિપાઠી નામે ઓળખીએ છીએ, તેઓ હિન્દી ફિલ્મોમાં પચાસેક વર્ષ સુધી સક્રિય સંગીતકાર હતા. જો તેઓ જીવતા હોત તો ૧૦૭ વર્ષના થાત. ત્રિપાઠીજીનો જન્મ ૧૪ માર્ચ, ૧૯૧૩ના રોજ વારાણસીમાં થયો હતો. ત્રીસના દાયકાથી એંશીના દાયકા સુધી તેમનો કાર્યકાળ વિસ્તર્યો હતો. તેઓ માત્ર સંગીતકાર જ નહોતા પણ લેખક, અભિનેતા અને ફિલ્મોના નિર્દેશક પણ હતા. સ્વતંત્ર સંગીતકાર રૂપે ‘ચંદન’ (૧૯૪૨)થી તેઓ આવ્યા હતા. તેમને એ બાબતે માન આપવું જોઈએ કે તેઓ પહેલા એવા સંગીતકાર હતા જેમણે અંગ્રેજોના રાજની સંધ્યાકાળે પહેલી વાર ‘જય હિન્દ’નું સૂત્ર આપ્યું હતું. ફિલ્મ ‘માનસરોવર’ (૧૯૪૬)ના એક ગીતનું મુખડું હતું, ‘જય હિન્દ, જય હિન્દ, જય હિન્દ, યે હિન્દ કી કહાનિયાઁ’. તેમનું કાર્ય મુખ્યત્વે પુરાણ કથાઓ આધારિત ફિલ્મો માટે રહ્યું. હોમી વાડિયાની ફિલ્મ ‘હનુમાન પાતાળ વિજય’ (૧૯૫૧)માં તેમણે હનુમાનની ભૂમિકા નિભાવીને લોકપ્રિયતા મેળવી હતી. ત્રિપાઠી સાહેબે ફિલ્મ નિર્દેશક તરીકે નિરુપા રોય અને ભારત ભૂષણ સાથે ‘રાની રૂપમતી’ અને ‘કવિ કાલિદાસ’ આપીને ‘યાદગાર સિને અનુભવ’ દર્શકોને આપ્યો હતો.

શ્રીનાથ ત્રિપાઠીના પિતાજી દામોદર દત્ત ઠાકુર શાળાના આચાર્ય હતા. શ્રીનાથે અલ્હાબાદમાંથી બી.એસસી.ની ડીગ્રી મેળવીને લખનઉની પંડિત ભાતખંડેની મોરીસ કોલેજ ઓફ મ્યુઝિકમાંથી શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી હતી. ૧૯૩૫માં ત્રિપાઠી મુંબઈ આવ્યા અને બોમ્બે ટોકીઝમાં સંગીત નિર્દેશિકા સરસ્વતી દેવીના સહાયક રૂપે વાયોલીનવાદક રૂપે જોડાયા. ‘ચંદન’ (૧૯૪૨)થી તેમની સંગીતકાર રૂપે સફર શરૂ થઇ. તેમની ‘જનમ જનમ કે ફેરે’નું સંગીત ખુબ લોકપ્રિય બન્યું. તેનું ‘જરા સામને તો આઓ છલિયે’ ગીત બિનાકા ગીતમાલામાં ટોપર બન્યું. તેઓ શાસ્ત્રીય સંગીતના જાણકાર હતા અને તેમના ‘રાણી રૂપમતી’ અને ‘સંગીત સમ્રાટ તાનસેન’ જેવી ફિલ્મોના ગીતો પણ લોકચાહના પામ્યાં. જેમાં રાજસ્થાની લોક સંગીત અને શેહનાઈ જેવા વાદ્યોનો તેમણે સુપેરે ઉપયોગ કર્યો હતો. એમના ગીતોમાં સંવેદના પણ રહેતી અને લોક્ભોગ્યતા પણ સંભાળવા મળતી. તેમની ‘લાલ કિલ્લા’ની રફી સાહેબે ગયેલી બે પ્રાયોગિક ગઝલો ‘ના કિસી કી આંખ કા નૂર હું’ કે ‘લગતા નહીં હે દિલ મેરા’ આજે પણ જાણીતી છે. ઉસ્તાદ આમીર ખાન જેવા શાસ્ત્રીય સંગીતકાર, જેઓ સામાન્ય રીતે ફિલ્મ સંગીતને પસંદ કરતાં હોતા નથી, તેમણે પણ નૌશાદ, એસ.એન. ત્રિપાઠી અને વસંત દેસાઈના તથા થોડે અંશે સી. રામચંદ્રની સારા સંગીતકારોમાં ગણના કરી હતી. ત્રિપાઠીએ ધાર્મિક તથા ફેન્ટસી ફિલ્મોમાં સંગીત આપ્યું હોવાને કારણે એસ.એન. ત્રિપાઠી ‘માયથોલોજીકલ સંગીતકાર’ રૂપે ઓળખાતા.

શ્રીનાથ ત્રિપાઠી અભિનેતા રૂપે છેક ‘જીવન નૈયા’ (૧૯૩૬)માં દેખાયેલા. ત્યાર બાદ ‘ઉત્તરા અભિમન્યુ’ (૧૯૪૬) અને ‘રામ ભક્ત હનુમાન’માં હનુમાન રૂપે જાણીતા બન્યા હતા. ‘રામ ભક્ત હનુમાન’નું સંગીત પણ તેમનું જ હતું. તેઓ હનુમાન રૂપે દર્શકોના મનમાં એવા વસી ગયા કે ત્યારબાદ ઘણી ફિલ્મોમાં તેઓ હનુમાન તરીકે અભિનય કરતા રહ્યા. હોમી વાડિયાની ‘હનુમાન પાતાળ વિજય’માં તેઓ ફરી ખુબ લોકપ્રિય બન્યા હતા. તો નિર્દેશક રૂપે તેમણે ૧૯૫૭માં કામ શરૂ કર્યું હતું. ‘રાણી રૂપમતી’ એ એમની પહેલી નિર્દેશિત ફિલ્મ, જેનું સંગીત પણ એમણે જ આપ્યું હતું. ત્યાર બાદ એમણે ‘કવિ કાલિદાસ’, ‘પક્ષી રાજ’ તથા ‘રામ હનુમાન યુદ્ધ’ જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું. તો તેમના નિર્દેશનવાળી ભોજપુરી ફિલ્મ ‘બીદેસીયા’ પણ સફળ થઇ હતી. છેક ૧૯૭૬ની ‘નાગ ચંપા’ સુધી તેમણે નિર્દેશન કર્યું હતું. ઈન્ટરનેટ પર ત્રિપાઠીજીના સંગીતવાળી ૭૫ ફિલ્મો, ૨૫ થી વધુ અભિનયવાળી ફિલ્મો અને ૧૮ જેટલી તેમની નિર્દેશિત ફિલ્મોની યાદીઓ છે. ૨૮ માર્ચ, ૧૯૮૮ના રોજ ૭૫ વર્ષની વયે મુંબઈમાં તેમણે પ્રાણ છોડ્યા હતાં.

એસ. એન. ત્રિપાઠીના યાદગાર ગીતો: ઝૂમતી ચલી હવા (સંગીત સમ્રાટ તાનસેન), આ લૌટ કે આજા મેરે મીત, બાત ચલત નઈ ચુનરી, ઉડ જા ભંવર, આજા ભંવર સુની ડગર (રાણી રૂપમતી), નૈન કા ચૈન ચુરા કર લે ગઈ (ચંદ્રમુખી), ઓ પવન વેગ સે ઉડનેવાલે ઘોડે (જય ચિતોડ), તા થૈયા કર કે આના (પંચાયત), પરવર દિગાર-એ-આલમ તેરા હી સહારા (હાતિમતાઈ), જરા સામને તો આઓ છલિયે, જનમ જનમ કે ફેરે (શીર્ષક), ન કિસી કી આંખ કા નૂર હું, લગતા નહીં હૈ દિલ મેરા (લાલ કિલા).
‘માર્ચ માસના સિતારા – નરેશ કાપડીઆ’ – પુસ્તકમાંથી શુભ સાહિત્યના અભાર સહ.

Image may contain: 1 person

2 ટિપ્પણીઓ

Filed under Uncategorized