Daily Archives: જુલાઇ 3, 2020

અમથો બાંધું તંત … સમજ્યાલાભશંકર ઠાકર 

કવિ, નાટ્યલેખક, નવલકથાકાર, ટૂંકી વાર્તા લેખક, પત્રકાર, આર્યુવેદ ચિકિત્સક લાભશંકર ઠાકર નું વતન સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લાનું પાટડી ગામ હતું તથા એમનો જન્મ ૧૪ જાન્યુઆરી ૧૯૩૫ના રોજ સેડલા ગામ ખાતે થયો હતો. તેમણે ગુજરાતી મુખ્ય વિષય સાથે ઈ. સ. ૧૯૫૭માં સ્નાતક (બી.એ.), ઈ. સ. ૧૯૫૯માં અનુસ્નાતક (એમ.એ.) તથા ઈ. સ. ૧૯૬૪માં શુદ્ધ આયુર્વેદિક કોર્સના ડિપ્લોમાની પદવીઓ હાંસલ કરી હતી. લાભશંકર ઠાકર સાતેક વર્ષ અમદાવાદ શહેરની વિવિધ કોલેજોમાં અધ્યાપક તરીકે રહ્યા હતા અને ત્યારબાદ પોતાના ચિકિત્સાલયમાં આયુર્વેદીય ચિકિત્સક તરીકે વ્યવસાય કરતા રહ્યા.[૧][૨][૩][૪]

તેમની ૮૧મી વર્ષગાંઠના લગભગ એક અઠવાડીયા પહેલા ૬ જાન્યુઆરી ૨૦૧૬ના રોજ અમદાવાદ ખાતે તેમનું અવસાન થયું

સૂરજ આ અમથું ઉગ્યોને અમથું ખીલ્યું ફૂલ … સમજ્યા

અમથું છે આ ઝાકળટીપું, અમથી ઊગી શૂલ … સમજ્યા

અમથું આ પંખી બોલે છે, અમથું ઊડે કાગ … સમજ્યા

અમથું આ એકલતા જેવું, અમથો ખીલ્યો બાગ … સમજ્યા

અમથા આ શબ્દો જાગે છે, અમથો એનો અર્થ … સમજ્યા

અમથી અમથી કરું કવિતા, અમથો બધો અનર્થ … સમજ્યા

તેમ છતાં આ અમથું ના કંઈ અમથો થતો સવાલ … સમજ્યા

ઉપર નીચે નાના મોટા, ફરકે અમથા ખ્યાલ … સમજ્યા

કાગળનો ડૂચો છે અમથો, અમથો આ ઘોંઘાટ … સમજ્યા

અમથા અમથા તારા ઉગે, અમથી સળગે વાટ … સમજ્યા

અમથી અમથી શરૂ થઈ છે, અમથો એનો અંત … સમજ્યા

અમથું અમથું સમજ્યો જે કંઈ, અમથો બાંધું તંત … સમજ્યા

.લાભશંકર ઠાકર 

Leave a comment

Filed under Uncategorized