Daily Archives: જુલાઇ 4, 2020

Happy 4th Julyસુપર શાયર સાહિર લુધિયાનવી

સુપર શાયર સાહિર લુધિયાનવી

હિન્દી-ઉર્દુ ભાષાના કવિ અને હિન્દી ફિલ્મોના સુપર શાયર સાહિર લુધિયાનવી અગર જીવતા હોત તો આજે ૯૯ વર્ષના થાત. ૮ માર્ચ, ૧૯૨૧ના રોજ લુધિયાણામાં જન્મેલા સાહિરનું મૂળ નામ અબ્દુલ હાઈ હતું. તેમની કવિતાઓથી હિન્દી ફિલ્મોના ગીતોમાં અનોખી ભાત પાડતું કાવ્યતત્વ આવ્યું. ‘તાજમહાલ’ અને ‘કભી કભી’ના ગીતો માટે એમ બે વખત શ્રેષ્ઠ ગીતકારના ફિલ્મફેર એવોર્ડ્સ અને ૧૯૭૧માં પદ્મશ્રીના ઈલ્કાબથી સાહિરને નવાજવામાં આવ્યા હતા. ૨૦૧૩માં તેમના ૯૩માં જન્મ દિને સાહિરની યાદમાં ટપાલ ટિકિટ જારી કરાઈ હતી.
પંજાબના લુધિયાણાના કરીમપુરાની લાલ હવેલીમાં સાહીરનો પંજાબી મુસ્લિમ પરિવારમાં ૮ માર્ચ, ૧૯૨૧ના રોજ જન્મ થયો હતો. તેમના માતા સરદાર બેગમે પતિનું ઘર છોડીને એકલા મુસીબતો અને ગરીબીનો સામનો કરીને સાહિરને ઉછેર્યા હતા; જેની અસર તેમના ગીતોમાં વર્તાતી પણ હતી. સાહીરનો જન્મ દિવસ એ વિશ્વ મહિલા દિન પણ છે. તેમણે નારી હૃદયની અનેક મહાન રચનાઓ લખી હતી. ‘ઔરતને જન્મ દિયા મર્દો કો, મર્દોને ઉસે બાઝાર દિયા’ જેવી જલદ ગઝલ સાહિરે ‘સાધના’ ફિલ્મ માટે લખી હતી. તો ‘નયા રાસ્તા’માં રફી સાહેબના ગીતમાં મહિલાઓને સંદેશ હતો, ‘પોંછ કર અશ્ક અપની આંખો સે મુસ્કુરાઓ તો કોઈ બાત બને, સર ઝૂકાને સે કુછ નહીં હોતા, સર ઉઠાઓ તો કોઈ બાત બને.’ સાહિર સાહેબની છેલ્લી ફિલ્મ ‘લક્ષ્મી’ (૧૯૮૨) માટે લખેલી ગઝલનું મુખડું જુઓ: ‘સીતા ભી જહાં સુખ પા ન સકી, તુ ઉસ ધરતી કી નારી હૈ, જો જાલિમ તેરી તકદીર બના, વો જુલમ યુગો સે જારી હૈ’. છેવટ સુધી તેમના વિચારોની દઢતા અહીં જોવા મળે છે.
લુધિયાણાની ખાલસા હાઈસ્કૂલ અને ધવન સરકારી કોલેજમાં સાહિરે પોતાની ગઝલ અને નઝમોથી સૌના દિલ જીત્યાં હતાં. આજે એ કોલેજનું ઓડીટોરીયમ સાહિરના નામે ઓળખાય છે. ૧૯૪૩માં સાહિર લાહોરમાં સ્થાયી થયા. બે વર્ષમાં તેમનો પહેલો ઉર્દુ કાવ્ય સંગ્રહ ‘તલ્ખિયાં’ આવ્યો. સાહિરે ઉર્દૂ મેગેઝીનોનું સંપાદન કર્યું અને પ્રોગ્રેસીવ રાઈટર એસોસિએશનમાં જોડાયાં. તેમના સામ્યવાદી વિચારોના લેખને કારણે પાકિસ્તાન સરકારે તેમનું ધરપકડ વોરંટ પણ કાડ્યું હતું. ત્યારે દેશના ભાગલા પડતાં હિંદુ અને શીખ મિત્રોને યાદ કરીને સાહિર પહેલાં લાહોર અને પછી દિલ્હી ભાગ્યા હતા. ઇસ્લામિક પાકિસ્તાન કરતા સર્વધર્મવાળા ભારતમાં રહેવાનું તેમણે પસંદ કર્યું હતું. બે જ મહિનામાં સાહિર દિલ્હીથી મુંબઈ ગયા, અંધેરીમાં રહ્યાં, જ્યાં એમના પડોસીઓમાંના એક ગુલઝાર અને ઉર્દૂ સાહિત્યકાર કૃષ્ણ ચંદર પણ હતાં. સાહિરના અંગત જીવનમાં કવયિત્રી અમૃતા પ્રીતમ, ગાયિકા સુધા મલ્હોત્રા સહિત મહિલાઓ હતાં, પણ સાહિર આજીવન કુંવારા રહ્યાં. પોતાના કલામય-કવિત્વવાળા સ્વભાવને કારણે સાહિર ઘણીવાર વિવાદ કરતા.
સંગીતકાર એસ ડી બર્મનની ‘નૌજવાન’ અને પછી ‘બાઝી’થી તેઓ સફળ થયા. પછી સાહિર ગુરુ દત્તની ટીમનો હિસ્સો હતા. ‘પ્યાસા’ એમનું સર્વોત્તમ કાર્ય હતું. બર્મન-સાહિરની સંગીતકાર-કવિની જોડી ખુબ જામી. સાહિરે સંગીતકારની ફી કરતા પણ એક રૂપિયો વધુ માંગી કવિનું સન્માન માંગ્યું હતું. સાહિરના ગીતોને રવિ, રોશન, ખૈય્યામ, મદન મોહને સંગીતથી સજાવ્યા. સંગીતકાર બેલડી લક્ષ્મીકાંત પ્યારેલાલે પણ સાહિરના ઉત્તમ ગીતો સજાવ્યા. નિર્માતા-નિર્દેશક બી આર ચોપ્રા અને યશ ચોપ્રા સાથે સાહિરના લાંબા સમયના સંબંધો રહ્યાં. બી.આર. ફિલ્મ્સની ‘ઇન્સાફ કા તરાઝુ’ સાહિરની છેલ્લી ફિલ્મ રહી. સાહિર ઘણી ફિલ્મોના ગીતોથી અમર થયા છે, એમાંની કેટલીક છે, ‘બાઝી’, ‘પ્યાસા’, ‘નયા દૌર’, ‘ફિર સુબહ હોગી’, ‘ગઝલ’, ‘અદાલત’, ‘બરસાત કી રાત’, ‘હમ દોનો’, ‘ગુમરાહ’, ‘હમરાઝ’, ‘ચિત્રલેખા’, ‘’કાજલ’, ‘કભી કભી’, ‘વક્ત’, ‘દાગ’, ‘ઇઝ્ઝત’, ‘દાસ્તાન’ વગેરે.
૧૯૫૮માં દોસ્તોવસ્કીની ‘ક્રાઈમ એન્ડ પનીશમેન્ટ’ નવલકથા આધીરિત બનેલી રમેશ સેહગલની ‘ફિર સુબહ હોગી’ના યાદગાર ગીતો લખ્યાં હતાં. રાજ કપૂર તેમાં મુખ્ય ભૂમિકામાં હતાં. તેનું સંગીત શંકર જયકિશન આપશે એવું મનાતું હતું પણ સાહીરે એવી માંગ કરી હતી કે ખય્યામ તેના સંગીતકાર હોય કારણકે ખય્યામ આ નવલકથાને સારી રીતે જાણતા હતા. એ ફિલ્મના ગીતો કમાલના બન્યાં હતાં, શીર્ષક ગીત સમું ‘વો સુબહા કભી તો આયેગી’માં ઓછામાં ઓછા વાજિંત્રો વપરાયા હતાં. તેનું ‘આસમાં પે હૈ ખુદા ઔર જમી પે હમ’ કે ‘ફિર ના કીજે મેરી ગુસ્તાખ નિગાહો કા ગીલા’ પણ યાદગાર છે. ત્યાર બાદ સાહિર-ખય્યામની જોડીએ ‘કભી કભી’ અને ‘ત્રિશૂલ’ જેવી મહાન ફિલ્મોના ગીત-સંગીત પણ બનાવ્યાં હતાં.
૨૫ ઓક્ટોબર, ૧૯૮૦ના રોજ એકાએક આવેલાં હૃદય રોગના હુમલામાં સાહીરનું ૫૯ વર્ષની વયે નિધન થયું હતું. તેમની ધુમ્રપાન અને શરાબની આદત ભારે પડી. તેમના મિત્ર જાવેદ અખ્તરની હાજરીમાં તેમનું મૃત્યુ થયું. સાહિરને જુહુ મુસ્લિમ કબ્રસ્તાનમાં દફનાવાયા હતા. ૨૦૧૦માં તેમની કબર અન્યો માટે જગ્યા કરવાના હેતુથી ખોદી કઢાઈ હતી.
આગામી રવિવાર, તા. ૧૦ માર્ચે સુરતમાં કોઈ પણ ગીતકાર માટેની સૌથી મોટી એવી ‘સાહિર કે ગીત’ ગાવાની સ્પર્ધા યોજી છે, જે આ શાયરની લોકપ્રિયતાનું પ્રતિક છે.
સાહિર લુધિયાનવીના યાદગાર ગીતો: ઠંડી હવાએ (નૌજવાન), ઔરતને જનમ દિયા મર્દો કો (સાધના), પોંછ કર અશ્ક અપની આંખો સે (નયા રાસ્તા), જાને વો કૈસે લોગ થે જિનકે (પ્યાસા), તકદીર સે બિગડી હુઈ (બાઝી), ઉડે જબ જબ જુલ્ફે તેરી (નયા દૌર), વો સુબહા કભી તો આયેગી (ફિર સુબહા હોગી), રંગ ઔર નૂર કી બારાત (ગઝલ), તુ હિંદુ બનેગા ના (ધુલ કા ફૂલ), ના તો કરવાં કી તલાશ હૈ (બરસાત કી રાત), અલ્લા તેરો નામ (હમદોનો), આપ આયે તો ખયાલે દિલે નાશાદ આયા (ગુમરાહ), સંસાર સે ભાગે ફિરતે હો (ચિત્રલેખા), કિસી પથ્થર કી મુરત સે (હમરાઝ), અય મેરી જોહરા જબી (વક્ત), તોરા મન દર્પન કહલાયે (કાજલ), મેરે દિલ મેં આજ ક્યા હૈ (દાગ), યે દિલ તુમ બિન (ઈજ્જત), મૈ પલ દો પલ કા શાયર અને કભી કભી મેરે દિલ મેં (કભી કભી).
‘માર્ચ માસના સિતારા: નરેશ કાપડીઆ’ પુસ્તકમાંથી

Image may contain: 1 person

Leave a comment

Filed under ઘટના, પ્રકીર્ણ