Daily Archives: જુલાઇ 8, 2020

હિન્દી ફિલ્મોના ગુજરાતી માતા – દીના પાઠક

હિન્દી ફિલ્મોના ગુજરાતી માતા – દીના પાઠક

ગુજરાતી રંગમંચથી માંડી ગુજરાતી-હિન્દી ફિલ્મોમાં અભિનયના અજવાળા પાથરનાર દીનાબેન ગાંધી પાઠક અગર જીવતા હોત તો ૯૮ વર્ષના થાત. ૪ માર્ચ ૧૯૨૨ના રોજ સૌરાષ્ટ્રના અમરેલીમાં તેમનો જન્મ થયો હતો. તેઓ અખિલ હિન્દ મહિલા પરિષદના રાષ્ટ્રીય પ્રમુખ રહી ચૂક્યાં હતાં. છ દાયકાથી વધુ સમય સુધી વિસ્તરેલી તેમની કારકિર્દીમાં દીનાબેને અનેક નાટકો અને ૧૨૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમણે ભવાઈ શૈલીમાં રજૂ થતી ગુજરાતી ફિલ્મ ‘મેના ગુર્જરી’નું સફળ નિર્માણ કર્યું હતું.
દીનાજીની સૌથી લોકપ્રિય ભૂમિકા ‘ગોલમાલ’ અને ‘ખૂબસૂરત’ હતી. આર્ટ સિનેમાના તેઓ ફેવરીટ હતાં. જેમાં તેમણે અનેક યાદગાર ભૂમિકાઓ ભજવી હતી, ‘કોશિશ’, ‘ઉમરાવ જાન’, ‘મિર્ચ મસાલા’ કે ‘મોહન જોષી હાજીર હો’ને એ રીતે યાદ કરી શકાય. દીનાબેને કરેલી યાદગાર ગુજરાતી ફિલ્મોમાં ‘મોટી બા’, ‘મળેલા જીવ’ કે ‘ભવની ભવાઈ’ને યાદ કરી શકાય. તેમણે ભજવેલા જાણીતા નાટકોમાં ઈબ્સનનું ‘ડોલ્સ હાઉસ’, ‘શેણી વિજાનંદ’ કે ગીરીશ કર્નાડ લિખિત અને સત્યદેવ દુબે નિર્દેશિત ‘હયવદન’ યાદ કરી શકાય.
અમરેલીમાં જન્મેલા દીનાબેન ગાંધીને બાળપણથી ફેશન અને ફિલ્મોનું ઘેલું હતું. તેમની કિશોર અવસ્થાથી જ તેઓ નાટકોમાં ભાગ લેતાં અને ઇનામો જીતતાં. યુવાનાવસ્થામાં જ તેઓ ઇન્ડિયન નેશનલ થિયેટર (આઈએનટી)માં જોડાયાં હતાં. મુંબઈમાં કોલેજનું શિક્ષણ લીધું અને વિદ્યાર્થીની રૂપે આઝાદી પહેલાં અંગ્રેજ રાજ સામે અવાજ ઉઠાવવા માટે તેમણે ગુજરાતની લોક નાટ્ય શૈલી ભવાઈનો ઉપયોગ કર્યો હતો. એને કારણે તેઓ ભારતીય જન રંગમંચ (ઇપ્ટા)ના ઘનિષ્ઠ સંપર્કમાં આવ્યાં. તેમના મોટા બેન શાંતા ગાંધી અને નાના બેન તરલા મહેતા સાથે મળી તેમણે ગુજરાતની નવી રંગભૂમિ ઉપસાવવામાં પ્રદાન કર્યું, જેમાં તેમના અન્ય સાથીઓ હતાં, કૈલાશ પંડયા અને દામિની મહેતા.
ચાલીસના દાયકામાં દીનાબેન અભિનિત ગુજરાતી નાટકોનો સમાજ પર પ્રભાવ રહ્યો. જે પ્રેક્ષકો નાટકોથી દૂર હતાં તેઓ તેમના ભવાઈ શૈલીના નાટક ‘મેના ગુર્જરી’ કે બેન શાંતા ગાંધી સાથેના ‘જસમા ઓડણ’ જોવા માટે લાઈનો લગાવતા થયાં હતાં. ૧૯૫૭માં દીનાબેને રાષ્ટ્રપતિ ભવનમાં ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સામે ‘મેના ગુર્જરી’ રજૂ કર્યું હતું, જે ગુજરાતી રંગભૂમિની યાદગાર અને એવી પહેલી ઘટના હતી. તેમણે પડદા પર પહેલી વાર અભિનય ગુજરાતી ફિલ્મ ‘કરિયાવર’ (૧૯૪૮)માં કર્યો હતો, જોકે ત્યાર બાદ તેઓ ફરી નાટકોમાં વ્યસ્ત થઇ ગયાં હતાં. લગભગ બે દાયકા સુધી તેઓ ઇપ્ટા અને શાંતિ બર્ધનના બેલે ગ્રુપમાં કાર્યરત રહ્યાં. ત્યાર બાદ દીનાબેને અમદાવાદમાં પોતાનું નાટ્યજૂથ ‘રંગમંડળ’ બનાવ્યું. આજે પણ દીનાબેનને ગુજરાતી અને હિન્દી રંગભૂમિના પીઢ અને અનુભવી કલાકાર રૂપે યાદ કરાય છે.
છેક ૪૪ વર્ષની વયે દીના પાઠક ફિલ્મોમાં પરત થયાં જયારે બાસુ ભટ્ટાચાર્યએ ‘ઉસકી રોટી’ (૧૯૬૬) બનાવી, એ પાત્ર માટે દીનાજીને બંગાળ જર્નાલીસ્ટ એસોસિએશનનો એવોર્ડ મળ્યો હતો. સાંઠના દાયકામાં તેમણે હૃષીકેશ મુખર્જીની ‘સત્યકામ’, કે.એ. અબ્બાસની ‘સાત હિન્દુસ્તાની’ (૧૯૬૯ની એ ફિલ્મ, જેમાંથી અમિતાભ બચ્ચનની શરૂઆત થઇ હતી.), મર્ચન્ટ આઇવરી પ્રોડક્શનની ‘ધ ગુરુ’ જેવી ફિલ્મો કરી. સિત્તેરના દાયકામાં દીનાબેન કલાત્મક અને વ્યવસાયિક ફિલ્મો માટે પહેલી પસંદ બનતા જોવાયાં. તેમણે માતા અને દાદીની જોરદાર ભૂમિકાઓ ભજવી. અહીં તેમની ઈમેજ હિન્દી ફિલ્મોના ‘ગ્રાન્ડ ઓલ્ડ મધર’ રૂપે ઉપસી આવી. જેમાં ગુલઝારની ‘મૌસમ’, ‘કિનારા’ અને ‘કિતાબ’ આવી. બાસુ ચેટરજીની હળવી ફિલ્મો ‘ચિત્તચોર’, ‘ઘરોંદા’ આવી તો શ્યામ બેનેગલની ‘ભૂમિકા’ આવી, જેમાં અભિનેત્રી સ્મિતા પાટીલ સાથે તેઓ દીપી ઉઠ્યા હતાં.
સીત્તેરનો દાયકો પુરો થયો અને દીનાબેન કોમેડી કરતાં જોવા મળ્યાં. હૃષીકેશ મુખર્જીની યાદગાર કોમેડી ‘ગોલમાલ’માં તેઓ અમોલ પાલેકરના માતા બન્યા, એજ અમોલે તેમને ‘અનકહી’ જેવી ક્લાસિક માટે નિર્દેશિત કર્યા. પછીના દાયકામાં નિયમોનું પાલન કરનાર-કરાવનાર કડક મિજાજી માતાનું પાત્ર હૃષીકેશ મુખર્જીની ફિલ્મ ‘ખુબસુરત’ માં કર્યું. તરત જ ગુજરાતી ભાષાની મહાન ફિલ્મ ‘ભવની ભવાઈ’ (૧૯૮૦) આવી. તેજ વર્ષે તેમને સંગીત નાટક અકાદમીનો એવોર્ડ મળ્યો. એંશીના દાયકામાં દીનાબેન જાણીતી ટીવી શ્રેણી ‘માલગુડી ડેઝ’માં દેખાતા હતાં. ૧૯૮૪માં ‘એ પેસેજ ટુ ઇન્ડિયા’માં દેખાયા. તરત તેમની યાદગાર ભૂમિકા કેતન મહેતાની ‘મિર્ચ મસાલા’માં આવી, ગોવિંદ નિહાલાનીની ‘તમસ’ (૧૯૮૬)માં આવ્યાં અને ગુલઝાર સાહેબની ‘ઇજાઝત’ (૧૯૮૭)માં આવ્યાં. તેમણે વધુ એક યાદગાર કોમેડી ભૂમિકા દીપા મહેતાની ‘બોલીવૂડ/હોલીવૂડ’માં કરી અને ૨૩માં ગીની એવોર્ડ્સમાં સહાયક અભિનેત્રીના એવોર્ડ માટે નામાંકિત થયાં.
દીના ગાંધી બલદેવ પાઠક સાથે લગ્ન કરી દીના પાઠક બન્યા હતાં, જેમણે આપણને બે પ્રતિભાશાળી અભિનેત્રીઓ પુત્રી રૂપે આપી, સુપ્રિયા પાઠક અને રત્ના પાઠક. નસીરુદ્દીન શાહ અને પંકજ કપૂર તેમના જમાઈ થાય. ૨૦૦૩ની ‘પિંજર’ ફિલ્મનું શૂટિંગ પુરું કર્યું અને દીનાબેન માંદા પડ્યા, લાંબી બીમારી બાદ ‘પિંજર’ રજૂ થાય તે પહેલાં હૃદય રોગના હુમલાથી તેમના વાંદરા, મુંબઈના ઘરમાં તેમનું નિધન ૧૧ ઓક્ટોબર, ૨૦૦૨ના રોજ ૮૦ વર્ષની વયે થયું.
માર્ચના સિતારા – નરેશ કાપડીઆ

Image may contain: 1 person, selfie and closeup

Leave a comment

Filed under Uncategorized