Daily Archives: જુલાઇ 10, 2020

અનુપમ ખેર: અભિનય ઉપરાંત ઘણું બધું

અનુપમ ખેર: અભિનય ઉપરાંત ઘણું બધું
પાંચસોથી વધુ ફિલ્મોમાં અભિનય કરીને જબરી લોકપ્રિયતા મેળવનાર અભિનેતા અનુપમ ખેરનો આજે ૬૫મો જન્મ દિન છે. ૭ માર્ચ, ૧૯૫૫ ના રોજ શિમલામાં તેમનો જન્મ થયો હતો. તેમણે હિન્દી ફિલ્મો ઉપરાંત જાણીતી આંતરરાષ્ટ્રીય ફિલ્મોમાં પણ કામ કર્યું છે અને રંગમંચ પર નાટકો પણ રજૂ કર્યા છે. પાંચ વાર તેમને શ્રેષ્ઠ કોમિક પાત્ર રજૂ કરવાના ફિલ્મફેર એવોર્ડ્સ મળ્યાં છે. તેઓ ભારતીય સેન્સર બોર્ડ, ફિલ્મ એન્ડ ટીવી ઇન્સ્ટીટયુટ અને રાષ્ટ્રીય નાટ્ય શાળાના અધ્યક્ષ રહી ચુક્યા છે. ‘એક્ટર પ્રીપેર્સ’ના હાલ તેઓ અધ્યક્ષ છે. સિનેમા અને કલાના ક્ષેત્રમાં તેમના પ્રદાન માટે ભારત સરકારે તેમને ૨૦૦૪માં પદ્મશ્રી અને ૨૦૧૬માં પદ્મભૂષણના ઈલ્કાબથી નવાજ્યા છે. તેમના પત્ની કિરણ ખેર ચંદીગઢના સાંસદ છે. અનુપમને બે રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ્સ અને આઠ ફિલ્મફેર એવોર્ડ્સ મળ્યાં છે.
શિમલામાં જન્મેલા અનુપમના પિતા કારકૂન હતા અને તેમનો ઉછેર સામાન્ય હતો. શિમલાની ડી.એ.વી. સ્કૂલમાં શિક્ષણ મળ્યું. મુંબઈમાં અભિનેતા રૂપે સંઘર્ષ કરતી વખતે તેઓ રેલવે પ્લેટફોર્મ પર સુતા હતા. તેઓ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના વિદ્યાર્થી પણ રહ્યા છે અને ત્યાંના અધ્યક્ષ પણ બન્યા છે. તેમના શરૂઆતના નાટકો હિમાચલ પ્રદેશ યુનિવર્સીટીમાં રજૂ થતાં હતાં.
અનુપમે તેમની ફિલ્મ અભિનય યાત્રા ‘આગમન’ (૧૯૮૨)થી શરૂ કરી હતી પછી મહેશ ભટ્ટની ‘સારાંશ’ (૧૯૮૪)માં ૨૮ વર્ષના અનુપમે નિવૃત્ત મધ્યમ વર્ગીય મરાઠી વૃદ્ધની ભૂમિકા કરી, જેમણે પોતાનો દીકરો ગુમાવ્યો હોય છે. એ ફિલ્મથી તેમને ઓળખ મળી, ત્યાં સુધી કે તેમના મોટા ભાગના પાત્રો તેમને પોતાની ખરી ઉમરથી મોટી ઉમરના જ મળ્યાં. તેમની ‘ડેડી’ (૧૯૮૯)ની શીર્ષક ભૂમિકા માટે ખેરને શ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મફેર ક્રિટીક્સ એવોર્ડ મળ્યો હતો. તો ‘અ વેડનસ ડે’ની તેમની પોલીસ કમિશ્નરની ભૂમિકા પણ યાદગાર હતી. કોમિક ભૂમિકાઓ સાથે તેમણે ક્યારેક નકારાત્મક ભૂમિકા કરીને પણ માન મેળવ્યું, જેમકે ‘કર્મા’ના ડૉ. ડેંગ. સુપર સ્ટાર શાહરુખ ખાન સાથે તેઓ ઘણી ફિલ્મોમાં આવ્યા, જેમકે ‘ડર’, ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’, ‘ચાહત’, ‘કુછ કુછ હોતા હૈ’, ‘મોહબ્બતેં’, ‘વીર ઝારા’ કે ‘હેપી ન્યુ યર’ યાદગાર હતી.
અનુપમજીએ ‘ઓમ જય જગદીશ’ (૨૦૦૨) ફિલ્મનું નિર્માણ અને નિર્દેશન પણ કર્યું હતું. તો ‘મૈને ગાંધી કો નહીં મારા’ (૨૦૦૫)નું નિર્દેશન કરી તેમાં તેમણે અભિનય પણ કર્યો હતો.
આંતરરાષ્ટ્રીય કક્ષાએ અનુપમ ખેર જે ફિલ્મોથી પરિચિત બન્યા છે તેમાં ગોલ્ડન ગ્લોબ નોમીનેટેડ ‘બેન્ડ ઇટ લાઈક બેકહામ’, ‘બ્રાઈડ એન્ડ પ્રેજ્યુડાઈઝ’, ‘સ્પીડી સિંઘસ’, ‘ધ મિસ્ટ્રેસ ઓફ સ્પાઈસ’, ગોલ્ડન લાયન વિજેતા ‘લસ્ટ’, ‘કોશન’ અને ૨૦૧૨ની ઓસ્કાર વિજેતા ‘સિલ્વર લાઈનીંગ્સ પ્લેબુક’નો સમાવેશ થાય છે. બ્રિટીશ ટીવી સીટકોમ ‘ધ બોય વિથ ધ ટોપનોટ’ (૨૦૧૮)ની સહાયક ભૂમિકા માટે તેનમે બાફ્ટા નોમીનેશન મળ્યું હતું.
અનુપમ ખેરને તેમના ‘સારાંશ’ (૧૯૮૪)ના અભિનય માટે શ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. શ્રેષ્ઠ હાસ્ય અભિનેતાના પાંચ ફિલ્મફેર એવોર્ડ મેળવવાનો તેમનો વિક્રમ છે, જે તેમને ‘રામ લખન’, ‘લમ્હે’, ‘ખેલ’, ‘ડર’ અને ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ માટે મળ્યાં હતાં. ‘નેશનલ એવોર્ડ ફોર સ્પેશીયલ મેન્શન તેમને ‘ડેડી’ (૧૯૮૯) અને ‘મૈને ગાંધી કો નહીં મારા’ (૨૦૦૫) માટે મળ્યાં હતાં.
તેમણે પોતાના જીવન પર તેમણે નાટક ‘કુછ ભી કો સકતા હૈ’ લખ્યું પણ અને તેમાં અભિનય પણ કર્યો છે. ૨૦૦૭માં અનુપમ ખેર અને તેમના સહપાઠી સતીશ કૌશિકે ફિલ્મ નિર્માણ કંપની ‘કરોલ બાગ પ્રોડક્શન’ શરૂ કરીને ‘તેરે સંગ’ ફિલ્મ બનાવી હતી. ૨૦૦૯માં ખેરએ ડીઝનીની ૩ડી એનીમેટેડ ફિલ્મ ‘અપ’માં કાર્લ ફ્રેડરિકશનને હિન્દી અવાજ આપ્યો હતો. ૨૦૧૦માં તેમને પ્રથમ એજયુકેશન ફાઉન્ડેશનના ગુડવિલ એમ્બેસેડર બનાવાયા હતાં, જે બાળકોના શિક્ષણને સુધારવા માટે બનેલી સંસ્થા છે. ૨૦૧૧માં તેમણે મોહનલાલ અને જયાપ્રદા સાથે મલયાલમ ભાષાની રોમાન્ટિક ફિલ્મ ‘પ્રાણાયામ’માં અભિનય કર્યો હતો. તેમણે અનેક મરાઠી અને પંજાબી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. ટીવી પરના ટોક-શોમાં પણ તેઓ ઘણી વાર જોવા મળે છે. તેઓ ‘ડર્ટી પોલીટીક્સ’ ફિલ્મમાં ઓમ પુરી અને જેકી શ્રોફ સાથે જોવા મળ્યા હતા. ૨૦૧૪માં તેઓ બ્રિટીશ ફિલ્મ ‘શોન્ગ્રામ’માં જોવા મળ્યાં જે ૧૯૭૧ના બંગલા દેશની આઝાદીના યુદ્ધને વર્ણવતી ફિલ્મ હતી. ૨૦૧૬માં અનુપમ ખેર એબીપી ન્યુઝ ની દસ્તાવેજી ટીવી શ્રેણી ‘ભારતવર્ષ’, જે પ્રાચીન ભારતથી ૧૯મી સદીના ભારતની યાત્રાનું વર્ણન છે, તેના સુત્રધાર રૂપે જોવા મળતા હતા. તેજ વર્ષે તેમણે તેમની પહેલી ટીવી ફિલ્મનું નિર્માણ કર્યું, ‘ખ્વાબો કી ઝમીન પર’. તો ‘સે ના સમથીંગ ટુ અનુપમ અંકલ’ ટીવી શોનું હોસ્ટિંગ તેમણે કર્યું. ‘સવાલ દસ કરોડ કા’, ‘લીડ ઇન્ડિયા’, અને ‘ધ અનુપમ ખેર શો – કુછ ભી હો સકતા હૈ’ જેવી હીટ ટીવી શ્રેણી પણ તેમણે આપી છે.
અનુપમ ખેર કાશ્મીરી પંડિત છે, ત્યાંના પંડિતો માટે તેઓ સતત તેમના મંતવ્યો આપે છે. તેમના સાથી અભિનેત્રી કિરણ ખેર સાથે તેમણે ૧૯૮૫માં લગ્ન કર્યા છે, તેમનો સાવકો દીકરો સિકંદર ખેર પણ અભિનેતા છે. ૩૧ ઓક્ટોબર, ૨૦૧૮ના રોજ તેમણે ફિલ્મ એન્ડ ટીવી ઇન્સ્ટીટયુટના અધ્યક્ષ રૂપે રાજીનામું આપતા જણાવ્યું હતું કે અમેરિકન ટીવી શો ‘ન્યુ એમસ્ટેર્ડમ’ માટે અમેરિકામાં વધુ સમય આપવો પડશે.
છતાં, અનુપમ ખેર યાદ રહેશે તેમની એવોર્ડ પાત્ર ભૂમિકાઓ વડે; જે તેમના ‘શ્રેષ્ઠ અભિનેતા’ રૂપે ‘સારાંશ’, સહાયક અભિનેતા રૂપે ‘વિજય’, હાસ્ય ભૂમિકા માટે ‘રામ લખન’, ‘લમ્હેં’, ‘ખેલ’, ‘ડર’ કે ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ કે ક્રિટીક્સ એવોર્ડ ‘ડેડી’ માટે રજુ મેળવ્યાં હતાં. તો તેમની ‘જનમ’, ‘દિલ’, ‘સૌદાગર’, ‘હમ આપ કે હૈ કૌન’, ‘ચાહત’, ‘સ્પેશિયલ ૨૬’ માટે તેમને એવોર્ડનું નામાંકન મળ્યું હતું. ‘૧૯૪૨ એ લવ સ્ટોરી’ કે ‘હસીના માન જાયેગી’ માટે તેમને સ્ક્રીન એવોર્ડ્સ પણ મળ્યાં હતાં.
સૂરતમાં ૨૦૧૬ના રાષ્ટ્રીય પુસ્તક મેળામાં તેઓ તેમના પુસ્તક ‘ધ બેસ્ટ થિંગ અબાઉટ યુ, ઇસ યુ’ની ગુજરાતી આવૃત્તિનું વિમોચન કરવા માટે આવ્યા હતા.
‘માર્ચ માસના સિતારા: નરેશ કાપડીઆ’ પુસ્તકમાંથી

Image may contain: 1 person, closeup

Leave a comment

Filed under Uncategorized