Daily Archives: જુલાઇ 12, 2020

ભારત રત્ન શેહનાઈ નવાઝ ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન

મહાન શેહનાઈ વાદક ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાનનો આજે ૧૦૪મો જન્મ દિન. ૨૧ માર્ચ ૧૯૧૬ના રોજ તેમનો જન્મ બિહારના ડૂમરાવ ગામે થયો હતો. ભારતમાં સદીઓથી જાણીતું લોકવાદ્ય આ ઉસ્તાદે દુનિયાભરમાં લોકપ્રિય બનાવ્યું. જે શેરીઓમાં, ખેતરોમાં કે મંગળ પ્રસંગે વગાડતું તે વાદ્ય શેહનાઈને ઉસ્તાદ મંચ પર લાવ્યા. ભારત દેશે ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાનને દેશના સર્વોચ્ચ સન્માન ‘ભારત રત્ન’થી ૨૦૦૧માં નવાજ્યા હતા. સુરતના ચોકબજારના નગીનચંદ હોલમાં પણ તેઓ શેહનાઈ વાદન કરવા આવ્યા હતા, જે વડીલો માટે એક સંભારણું છે.
૧૯૪૭માં દેશ આઝાદ થયો તેની પૂર્વ સંધ્યાએ ઉસ્તાદે દિલ્હીના લાલ કિલ્લા પર શેહનાઈવાદન કર્યું હતું. તેજ રીતે દેશ પ્રજાસત્તાક બન્યો તે ૧૯૫૦ની ૨૬ જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ પણ તેમણે લાલ કિલ્લા પરથી શેહનાઈ પર રાગ કાફી વગાડ્યો હતો. પછી તો વર્ષો સુધી વડાપ્રધાન પંડિત નેહરુ લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કરે ત્યાર બાદ ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાનનું શેહનાઈ વાદન થતું, જે આકાશવાણી – દૂરદર્શન પર પ્રસારિત થતું.

બિસ્મિલ્લાહ પૈગમ્બર બક્ષ ખાન અને મીથ્થ્નના બીજા દીકરા હતા. તેમનું નામ કમરૂદ્દીન પાડવામાં આવ્યું, પણ તેમના દાદા રસૂલ બક્ષ ખાને તેમના જન્મ થયાની વાત સાંભળીને ઉદગાર કાઢેલા, ‘બિસ્મિલ્લાહ’, બસ ત્યારથી બધાં તેમને બિસ્મિલ્લાહ ખાન કહેતા થઇ ગયાં હતાં. વડીલો ભોજપુરના રાજાના નક્કારખાનામાં મંગળ વાદ્યનું સંગીત વગાડતાં. ભોજપુરના રાજાના ડૂમરાવ મહેલમાં બિસ્મિલ્લાહના પિતા અને અન્ય વડીલો શેહનાઈવાદન કરતાં હતાં.
તેમની છ વર્ષની ઉમરે આ પરિવાર વારાણસી જઈને વસ્યું. તેમના કાકા અલી બક્સ ‘વિલાયતુ’ પાસે બીસ્મિલ્લાહે તાલીમ લીધી. અલી બક્સ વારાણસીના વિશ્વનાથ મંદિર સાથે સંકળાયેલા હતા. બીસ્મિલ્લાહ ખાન એક પાક મુસ્લિમ હતા અને કોમી એકતાના પ્રતિકસમાન હતા. તેઓ આધ્યાત્મિક ગુરુ પ્રેમ રાવત માટે પણ શેહનાઈવાદન કરતા.
સદીઓના લોકવાદ્ય શેહનાઈને એકલે હાથે જાણીતું શાસ્ત્રીય વાદ્ય બનાવવાનું શ્રેય બિસ્મિલ્લાહ ખાનને જાય છે. ભારતીય સંગીતના મંચ મધ્યે શેહનાઈને લાવવાનું માન પણ તેમને મળે છે. ૧૯૩૭માં કોલકાતાના ભારતીય સંગીત સંમેલનમાં તેમણે શેહનાઈવાદન કરીને તેની શરૂઆત કરી હતી. પછી તો તેમને એટલી લોકપ્રિયતા મળી હતી કે બિસ્મિલ્લાહ ખાન અને શેહનાઈ એક બીજાના પર્યાય બની ગયાં હતાં.
આજે બિસ્મિલ્લાહનું નામ ભારતના જાણીતા શાસ્ત્રીય વાદ્યકારોમાં લેવાય છે. તેમણે ભારતમાં જ નહીં લગભગ આખી દુનિયામાં ફરીને શેહનાઈવાદન કર્યું હતું. તેઓ તેમની આ શેહનાઈ વાદન કળા સાથે એવા તો જોડાઈ ગયેલા કે તેઓ તેમના પત્નીના નિધન બાદ પોતાની શેહનાઈને ‘બેગમ’ કહીને ઉલ્લેખતાં. બિસ્મિલ્લાહ ખાનને તેમના ડહાપણ અને શાંતિ ચાહક ફિલસૂફ રૂપે પણ યાદ કરવા જોઈએ. સંગીત દ્વારા શાંતિ અને પ્રેમનો ફેલાવો કરનારા દૂત રૂપે તેમને નવાજવામાં આવતા. તેઓ કહેતા, ‘જયારે અ જગતનો અંત આવી જશે ત્યારે પણ સંગીત તો જીવતું જ રહેશે’. તો એવું પણ કહેતા, ‘સંગીતને કોઈ જાતિ નથી હોતી.’
કન્નડ સુપર સ્ટાર ડૉ. રાજ કુમારની ફિલ્મ માટે ઉસ્તાદે શેહનાઈ વગાડી હતી અને ફિલ્મ સુપર હીટ થઇ હતી. ઉસ્તાદે સત્યજીત રાયની ફિલ્મ ‘જલસાઘર’માં અભિનય કરીને શેહનાઈવાદન કર્યું હતું, તો ‘ગુંજ ઊઠી શેહનાઈ’ ફિલ્મના ગીતોમાં પણ ઉસ્તાદની શેહનાઈ ગુંજે છે. મહાન દિગ્દર્શક ગૌતમ ઘોષે ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન પર ‘સંગે મીલ સે મુલાકાત’ નામની દસ્તાવેજી ફિલ્મ બનાવી હતી.
ઉસ્તાદ બનારસમાં રહેતાં અને સવારે ચાર વાગ્યે ઊઠીને ગંગા કિનારે શેહનાઈનો રીયાઝ કરતા. ત્યારે પણ ચાહકો તેમને ઘેરીને સાંભળતા રહેતાં. તેઓ ઓલિયા પ્રકારના તદ્દન સામાન્ય માનવી જેવું જીવતાં.
તેઓ માંદા પડ્યા અને બનારસની હેરીટેજ હોસ્પિટલમાં દાખલ કરાયા તેના ચાર દિવસ બાદ ૨૧ ઓગસ્ટ, ૨૦૦૬ના રોજ હૃદય રોગના હુમલાથી ૯૦ વર્ષની વયે તેમનું નિધન થયું. ત્યારે દેશે એક દિવસનો રાષ્ટ્રીય શોક પાળ્યો હતો. તેમની છેલ્લી ઈચ્છા પૂરી થઇ શકી નહોતી. તેઓ દિલ્હીના ઇન્ડિયા ગેટ પર જઈને દેશના શહીદોને માન આપવા માટે શેહનાઈ વાદન કરવાની આખરી ઈચ્છા પાળી બેઠા હતા. બનારસના કબ્રસ્તાનમાં લીમડાના વૃક્ષ નીચે તેમની વહાલી શેહનાઈ સાથે ઉસ્તાદને દફનાવાયા ત્યારે સેનાએ ૨૧ તોપોની સલામી આપી હતી. બિસ્મિલ્લાહ ખાનની યાદમાં બિહાર સરકારે ડુમરાઉ નગરમાં એક મ્યુઝીયમ અને ટાઉન હોલ બનાવીને તેની સામે બિસ્મિલ્લાહ ખાનની આદમ કદની પ્રતિમા બનાવીને મુકવાનું ઠરાવ્યું હતું.
જે સંગીત નાટક અકાદમી, નવી દિલ્હી દ્વારા ૧૯૯૪માં ઉસ્તાદનું બહુમાન થયું હતું, તે અકાદમીએ ૨૦૦૭માં તેમની સ્મૃતિમાં ‘બિસ્મિલ્લાહ ખાન યુવા પુરસ્કાર’ જાહેર કર્યો હતો, જે સંગીત, નાટક અને નૃત્યના યુવા કલાકારને આપવામાં આવે છે.
ઉસ્તાદની પાછળ તેમની પાંચ દીકરીઓ, ત્રણ દીકરાઓ, મોટી સંખ્યામાં પુત્રો-પૌત્રીઓ અને પ્રપૌત્રો-પ્રપૌત્રીઓ તથા દત્તક લીધેલી શાસ્ત્રીય સંગીતની નિષ્ણાત દીકરી સોમા ઘોષને વિલાપ કરતા મૂકી ગયા હતા. શોકમાં તો તેમના શેહનાઈવાદનને હમેશા સાંભળતો વિશાળ શ્રોતાવર્ગ પણ હતો. તેમના અનેક સંગ્રહો અને જુગલબંધીઓ હવે ભૂતકાળ બની ગયાં છે, જે અનેક મંગળ પ્રસંગોએ અને લગ્નોત્સવોમાં વર્ષો સુધી વાગ્યા અને વાગતા રહેશે. તેમની જન્મ જયંતીએ ગૂગલ ઉસ્તાદનું ખાસ ડૂડલ બનાવીને ઉસ્તાદની સ્મૃતિ તાજી કરે છે.image.png

Image may contain: 1 person

Leave a comment

Filed under Uncategorized

મધુરા ગીતોના સર્જક સંગીતકાર રવિ

મધુરા ગીતોના સર્જક સંગીતકાર રવિ

આપણે જેમને સંગીતકાર રવિ તરીકે ઓળખીએ છીએ તે રવિશંકર શર્મા અગર જીવતા હોત તો આજે ૯૪ વર્ષના થાત. ૩ માર્ચ, ૧૯૨૬ના રોજ દિલ્હીમાં તેમનો જન્મ થયો હતો. તેમણે મુખ્યત્વે હિન્દી અને તમિલ તથા મલયાલમ ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. એક લાંબી સફળતા બાદ આ સંગીતકારે દોઢ દાયકાનો બ્રેક લીધો હતો અને સફળતાપૂર્વક પરત થયા ત્યારે તેમણે ‘બોમ્બે રવિ’ નામ રાખ્યું હતું.
રવિ સાહેબે શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી નહોતી પણ પિતાજીના ભજનો સાંભળીને તેમણે સંગીત શિક્ષણ લીધું હતું. તેમણે જાતે જ હાર્મોનિયમ અને અન્ય શાસ્ત્રીય વાદ્યો વગાડતા શીખી લીધાં હતાં. શરૂઆતમાં તેઓ ઈલેક્ટ્રીશિયન તરીકે કામ કરતા હતા. પચાસના દાયકામાં મુંબઈ જઈને પ્રોફેશનલ ગાયક બનવાનો પ્રયાસ કર્યો. તેઓ બેઘર હતા, શેરીઓની ફૂટપાથ પર રહેતા અને મલાડ રેલવે સ્ટેશન પર રાત્રે સુતા. ૧૯૫૨માં હેમંત કુમારે રવિને ‘આનંદ મઠ’ના ‘વંદે માતરમ’ ગીતના કોરસ ગાયક રૂપે રાખ્યા હતા.
સંગીતકાર બન્યા બાદ પોતાની નૈસર્ગિક શક્તિથી તેમણે જે મધુરા ગીતો સર્જ્યા તે યાદગાર બન્યા. તેમને શ્રેષ્ઠ સંગીતકાર રૂપે જે ફિલ્મો માટે ફિલ્મફેર નામાંકન મળ્યું તેમાં ‘ચૌદહવી કા ચાંદ’, ‘દો બદન’, ‘હમરાઝ’, ‘આંખે’ (૧૯૬૮) અને ‘નિકાહ’નો સમાવેશ થાય છે. તો ‘ઘરાના’ અને ‘ખાનદાન’ માટે તેમને ફિલ્મફેર એવોર્ડ્સ મળ્યાં પણ ખરાં. તેઓ તેમના ‘વક્ત’, ‘નીલકમલ’ અને ‘ગુમરાહ’ના ગીતો માટે પણ હંમેશા યાદ રહેશે.
છેલ્લા પાંચેક દાયકાથી દેશમાં જે પણ પરિવારમાં લગ્ન હોય ત્યાં ‘આજ મેરે યાર કી શાદી હૈ’, ‘બાબુલ કી દુઆએ લેતી જા’, ‘ડોલી ચડ કે દુલ્હન સસુરાલ ચલી’ કે ‘મેરા યાર બના હૈ દુલ્હા’ જેવા રવિના ગીતો યાદ કરાય છે. સુપર શાયર સાહિર લુધિયાનવીની ઘણી મહાન રચનાઓને રવિએ તર્જોમાં ઢાળી છે. મોહમ્મદ રફી સાહેબના શ્રેષ્ઠ ગીતો આપણને રવિના સંગીતમાં મળ્યાં છે, તો મહેન્દ્ર કપૂરને જાણીતા બનાવવામાં પણ રવિની કમાલ હતી. આશા ભોસલેની મહાન કરિયર ઘડવામાં રવિ સાહેબનો ફાળો હતો, ‘તોરા મન દર્પન કહેલાયે’ કે ‘સુન લે પુકાર’ જેવા ગીતો તેમણે ગવડાવ્યાં હતાં. તેમનો લાંબો સંબંધ નિર્માતા-નિર્દેશક બી.આર. ચોપ્રા સાહેબ સાથે રહ્યો હતો. પચાસ અને સાંઠના દાયકાની સફળતા બાદ રવિ ૧૯૭૦થી ૧૯૮૨ સુધી નિષ્ક્રિય થઇ ગયા. ૧૯૮૨માં ‘નિકાહ’ આવી, તેઓ ફરી સફળ થયા અને સલમા આગાને શ્રેષ્ઠ ગાયિકાનો ફિલ્મફેર એવોર્ડ અપાવ્યો. તેઓ મલયાલમ ફિલ્મોમાં ‘બોમ્બે રવિ’ નામે જાણીતા બની ત્યાંના ગાયિકા ચિત્રાજી ને નેશનલ એવોર્ડ અપાવ્યો.
રવિ સાહેબે ૧૯૪૬માં લગ્ન કર્યા હતાં, તેમને વીણા અને છાયા રૂપે દીકરી અને અજય રૂપે દીકરો હતો. અજયે મરાઠી અને હિન્દી ફિલ્મોની અભિનેત્રી વર્ષા ઉસગાંવકર સાથે લગ્ન કર્યા છે. ૭ માર્ચ, ૨૦૧૨ના રોજ મુંબઈમાં ૮૬ વર્ષની વયે રવિ સાહેબ આ જગત છોડી ગયા.
રવિને તેમની ફિલ્મો ‘પરિણયમ સુકૃથમ’ માટે નેશનલ એવોર્ડ મળ્યો હતો. તે ઉપરાંત તેમને કેરળ સરકાર દ્વારા અનેક એવોર્ડ્સ મળ્યાં હતાં. ચેન્નાઈમાં તેમને ૨૦૦૬નો સંસ્કૃતિ કલાશ્રી એવોર્ડ અપાયો હતો.
સંગીતકાર રવિના યાદગાર ગીતો: સીએટી કેટ (દિલ્હી કા ઠગ), યે હવા યે નદી કા કિનારા (ઘર સંસાર), સબ કુછ લૂટા કે હોશ મેં આયે (એક સાલ), ચૌદહવી કા ચાંદ હો, મિલી ખાક મેં મોહબ્બત (શીર્ષક), દાદી અમ્મા દાદી અમ્મા માન જાવ (ઘરાના), વો દિલ કહાં સે લાઉં (ભરોસા), બિખરા કે જુલ્ફે ચમન મેં ન જાના, એક વો ભી દિવાલી થી (નઝરાના), સૌ બાર જનમ લેંગે (ઉસ્તાદો કે ઉસ્તાદ), વફા જીન સે કી, મુઝે પ્યાર કી જિંદગી દેને વાલે (પ્યાર કા સાગર), મૈ ખુશનસીબ હું મુજકો (ટાવર હાઉસ), બાર બાર દેખો (ચાઈના ટાઉન), આગે ભી જાને ન તું, અય મેરી જોહરાજબી, વક્ત સે દિન ઔર રાત, હમ જબ સીમટ કે આપ કી (વક્ત) આજા તુજ કો પુકારે મેરા પ્યાર, બાબુલ કી દુઆએ લેતી જા, ઓ રોમરોમ મેં બસને વાલે રામ (નીલકમલ), ચલો ઇકબાર ફિર સે, આપ આયે, ઇન હવાઓ મેં, (ગુમરાહ), હુસ્નવાલે તેરા જવાબ નહીં (ઘરાના), ગરીબો કી સુનો (દસ લાખ), બડી દેર ભઈ નંદલાલા, તુમ્હી મેરે મંદિર (ખાનદાન), ભરી દુનિયા મેં આખીર, ઇસ ભરી દુનિયા મેં, નસીબ મેં જિસકે જો લિખા થા, રહા ગર્દીશો મેં હરદમ, જબ ચલી ઠંડી હવા, લો આ ગઈ ઉનકી યાદ (દો બદન), જિંદગી ઈત્તફાક હૈ (આદમી ઔર ઇન્સાન), યે જુલ્ફ અગર ખુલ કે, મેરે ભૈયા મેરે ચંદા, તોરા મન દર્પણ કહલાયે, છૂ લેને દો નાજુક હોઠોં સે (કાજલ), નીલગગન કે તલે, કિસી પથ્થર કી મુરત સે, ન મુંહ છુપા કે જીઓ, તુમ અગર સાથ દેને કા વાદા કરો (હમરાઝ), તુઝે સૂરજ કહું યા ચંદા (એક ફૂલ દો માલી), ના ઝટકો જુલ્ફ સે પાની (શેહનાઈ), ગૈરો પે કરમ, મિલતી હૈ જિંદગી મેં (આંખે), ચુપકે ચુપકે રાત દિન, દિલ કે અરમાન આંસૂઓ મેં બહ ગયે, (નિકાહ).

Image may contain: 1 person, smiling, closeup

Leave a comment

Filed under Uncategorized