Daily Archives: જુલાઇ 15, 2020

રફીને યાદગાર ગીતો આપનાર સંગીતકાર – ઇકબાલ કુરેશી

રફીને યાદગાર ગીતો આપનાર સંગીતકાર – ઇકબાલ કુરેશી

પ્રમાણમાં ઓછા જાણીતા પણ મોતી જેવા ગીતો આપનારા સંગીતકાર ઇકબાલ કુરેશીની પુણ્યતિથિ. ૨૧ માર્ચ, ૧૯૯૮ના રોજ તેઓ આ જગત છોડી ગયા તેને પણ આજે બાવીસ વર્ષ થઇ ગયાં. તેમના સંગીતમાં મોહમ્મદ રફીને યાદગાર ગીતો ગાવા મળ્યાં હતાં. ઇકબાલ કુરેશી જેવા રતન પર સમયની ધૂળ ચડી ગઈ છે. પચાસ અને સાંઠના ગીતોના સુવર્ણ દાયકાઓમાં, જયારે ગીતો રેડીઓ દ્વારા શ્રોતાઓ સુધી પહોંચતાં હતાં ત્યારે મોટા મોટા સંગીતકારો ઉપરાંત ઇકબાલ કુરેશી, સી. અર્જુન, સરદાર માલિક જેવા સંગીતકારોના ગીતોને પણ શ્રોતાઓ ફરમાઇસ કરીને સંભાળતા હતાં. એ ગીતો આજે પણ સાંભળવા ગમે છે, ભલે તેની સાથે સંકળાયેલા કલાકારોનાં નામ વિસરાઈ ગયાં હોય.

ઔરંગાબાદમાં જન્મેલા ઇકબાલ કુરેશી નાનપણથી સંગીત તરફ આકર્ષાયા હતા. તેઓ બાળ કલાકાર રૂપે ઔરંગાબાદ રેડીઓ પર જતા. પછી તેઓ હૈદ્રાબાદ ગયા અને ત્યાંની ફાઈન આર્ટ એકેડમી સાથે જોડાયા. જ્યાં તેમનો અભિનેતા ચંદ્રશેખર સાથે અને કવિ માકુમ મોહીનુદ્દીન સાથે સંપર્ક થયો. પછી તેમની બદલી મુંબઈ થઇ અને લેખરાજ ભાકરીએ તેમને ‘પંચાયત’ (૧૯૫૮)ના સંગીતકાર બનાવ્યા. એ ફિલ્મથી અભિનેતા મનોજ કુમારે પણ શરૂઆત કરી હતી. એના ગીતો લોકપ્રિય થતાં, તેમને એવીએમની ફિલ્મ ‘બિંદિયા’ મળી. પણ ફિલ્માલયની ‘લવ ઇન શિમલા’થી મોટી તક મળી, એ જોય મુખર્જી અને સાધનાની પણ શરૂઆત હતી. પછી ‘ઉમર કૈદ’માં તેમણે યાદગાર સંગીત આપ્યું, ‘બનારસી ઠગ’ અને ‘યે દિલ કિસકો દૂં’ આવી. તેમણે ‘ચા ચા ચા’માં પણ બહુ સુંદર ગીતો સર્જ્યાં. પછી ગીતોની ગુણવત્તા ઘટી. તેમણે ભોજપુરી ફિલ્મો સહિત નેવુંના દાયકા સુધી ૨૮ ફિલ્મોમાં સંગીત આપ્યું. તેઓ તેમના કામની જેમજ શારીરિક રીતે પણ ઊંચા હતા. ઇકબાલ છ ફૂટ ચાર ઈંચની ઊંચાઈ ધરાવતા, શેખ મુખ્તારની જેમ જ સિને જગતના સૌથી ઊંચા વ્યક્તિત્વોમાંના એક હતા. કાદરી બિલ્ડિંગ, ઇર્લા, મુંબઈમાં તેઓ રહેતા. ભારતીય લોક રંગમંચ (ઇપ્ટા)ના નાટકો માટે પણ તેમણે સંગીત આપ્યું હતું. તેઓ ન કોઈ રાજકારણમાં કે કોઈ કેમ્પમાં જોડાયા, ન કોઈની પાસે એમણે કામ માંગ્યું. અંતે ‘લખપતિ’ (૧૯૯૧) એમની આખરી ફિલ્મ બની રહી. તેઓ વિનમ્ર અને દયાળુ પ્રકૃતિ ધરાવતા હતા. ૨૧ માર્ચ, ૧૯૯૮ના રોજ મુંબઈમાંથી તેમણે આ જગતને અલવિદા કર્યું હતું.

તેઓ જે ગીતો માટે જાણીતા છે તેવા કેટલાંક ગીતોને તેમની પુણ્યતિથિએ યાદ કરીએ. રફી સાહેબે ગયેલાં, ‘સુબહા ન આઈ, શામ ન આઈ’ અને ‘વો હમ ન થે, વો તુમ ન થે’, ‘તા થૈયા કરતે આના – પંચાયત (૧૯૫૮)’ ફિલ્મનું ગીત હતું. તો મુકેશે ગાયેલું ‘મુઝે રાત દિન યે ખયાલ હૈ – ઉમરકૈદ’, ‘આજ મોસમ કી મસ્તી મેં ગાયે પવન’ રફી-લતાનું યુગલ ગીત ‘બનારસી ઠગ’ માટે બન્યું હતું. ઇકબાલે એજ તર્જ પર ‘એક ચમેલી કે મંડવે તલે’ કે ‘દો બદન પ્યાર કી આગ મેં જલ ગયે’ ફિલ્મ ‘ચા ચા ચા’ માટે બનાવ્યા હતા. ચીનના ૧૯૬૨ના હુમલા બાદ આ સંગીતકારે મહેન્દ્ર કપૂરના સ્વરમાં ‘ચલો સિપાહી ચલો’ બનાવ્યું હતું.
આવા આજે અજાણ્યા પણ સુંદર સર્જન કરનારા સંગીતકારને સલામ કરીએ.
‘માર્ચ માસના સિતારા – નરેશ કાપડીઆ’ પુસ્તકમાંથી.. શુભ સાહિત્ય, સુરતના આભાર સહ..

Image may contain: one or more people and beard

Leave a comment

Filed under Uncategorized