Daily Archives: જુલાઇ 17, 2020

સરસ પણ અસફળ અભિનેતા: નવીન નિશ્ચલ

સરસ પણ અસફળ અભિનેતા: નવીન નિશ્ચલ

હિન્દી ફિલ્મો અને ટીવીના જાણીતા અભિનેતા નવીન નિશ્ચલની આજે નવમી પુણ્યતિથિ. ૧૯ માર્ચ, ૨૦૧૧ના રોજ તેમનું ૬૪ વર્ષની વયે નિધન થયું હતું. નવીન હમેશા યાદ રહેશે તેમની ‘સાવન ભાદો’, ‘પરવાના’ કે ‘વો મૈ નહીં’ની ભૂમિકાઓ માટે. તેઓ શરૂઆતમાં એકદમ સફળ થયા પણ પછી નિષ્ફળતાના ઘેરામાંથી નીકળી ન શક્યા.
નવીન નિશ્ચલનો જન્મ ૧૧ એપ્રિલ, ૧૯૪૬ના રોજ ત્યારના પંજાબના અને આજના પાકિસ્તાનના લાહોરમાં થયો હતો. ત્યાર બાદ તેઓ બેંગ્લોરમાં ત્યારની કિંગ જ્યોર્જ રોયલ ઇન્ડિયા મીલીટરી કોલેજ જે હવે બેંગ્લોર મીલીટરી સ્કૂલ રૂપે ઓળખાય છે, તેમાં ભણ્યા હતા.
પુણેમાં શરુ થયેલી ફિલ્મ એન્ડ ટીવી ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયાના પહેલા ગોલ્ડ મેડાલીસ્ટ હતા નવીન નિશ્ચલ. તેને કારણે તેઓ ખુબ આગળ જશે એવી ધારણા હતી અને તેમણે અનેક સફળ ફિલ્મોમાં અભિનય કર્યો પણ ખરો, જેમાં ‘વિક્ટોરિયા નં. ૨૦૩’ કે ‘ધુંદ’ કે ‘હસ્તે જખમ’ને યાદ કરી શકાય. ત્યાર બાદ નવીન ચરિત્ર અભિનેતા રૂપે ઉભરી આવ્યા અને ટેલીવીઝન પર તેમણે પોતાનું સ્થાન સફળતાથી જમાવ્યું. તેઓ સુષ્મા શેઠ, શેખર સુમન અને ફરીદા જલાલ સાથે ‘દેખ ભાઈ દેખ’ શ્રેણીમાં કામ કરતા હતા, જે ખુબ સફળ થઇ હતી. નવીનની પંજાબી ફિલ્મો ‘આસરા પ્યાર દા’ (૧૯૮૩) અને ‘માહોલ ઠીક હૈ’ (૧૯૯૯) પણ સફળ થઇ હતી.
નવીન નિશ્ચલના પહેલાં લગ્ન દેવ આનંદની ભાણેજ નીલુ કપૂર સાથે થયા હતા. જે શેખર કપૂરના બેન થાય. ત્યાર બાદ નવીને ગીતાંજલિ, જેઓ વિધવા હતાં, તેમની સાથે ફરી લગ્ન કર્યા હતા. કમનસીબે ૨૩ એપ્રિલ, ૨૦૦૬ના રોજ પોતાના ઘરે ગીતાંજલિએ ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. પોતાના આપઘાતને માટે ગીતાંજલિએ નવીન અને તેમના ભાઈ પ્રવીણને જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો હતો. મુંબઈથી પુણે જતાં માર્ગમાં આવેલા હૃદય રોગના હુમલાને કારણે નવીન નિશ્ચલનું ૧૯ માર્ચ,૨૦૧૧ના રોજ ૬૪ વર્ષની વયે નિધન થયું હતું. તેમના નિધન અંગે ઋષિ કપૂરે કહ્યું હતું, ‘મેં નવીનને ‘આ અબ લૌટ ચલે’ ફિલ્મમાં નિર્દેશિત કર્યો હતો. નવીન એક સરસ દેખાતો અને સારો માણસ હતો. તે સુસંસ્કૃત અને ખુબ સારી રીતે વાતો કરનાર હોવાની મારા પર છાપ છે. વર્ષો પછી શુક્રવારે રાત્રે અમે એકાએક ઓટર્સ ક્લબમાં મળી ગયા. હું ત્યાં વારંવાર જતો નથી હોતો પણ એ એક અજબ યોગાનુયોગ હતો. અમે મળ્યા તેને બીજે દિવસે સવારે નવીન અને નિર્માતા ગાવા (ગુરદીપ સિંઘ) રસ્તા માર્ગે મારા ભાઈ ડબ્બુ (રણધીર કપૂર)ને ત્યાં પુણે શાંત હોળી મનાવવા જવાના હતાં. પણ તેઓ ડબ્બુ સુધી પહોંચે તે પહેલાં નવીને ગાવાને કારનું એસી ધીમું કરવાનું કહ્યું અને નવીન બેવડ વળી ગયા અને મૃત્યુ પામ્યા. બસ એકાએક જ. આ એકદમ આઘાતજનક અને દુ:ખદ છે. નિર્દેશક વિપુલ શાહે જણાવ્યું કે મારા મિત્ર મનમોહન શેટ્ટીની પાર્ટીમાં નવીન નિશ્ચલ નિયમિત આવતા. તેઓ મિતભાષી અને સુસંસ્કૃત માણસ હતા. ‘ખોસલા કા ઘોસલા’ બાદ તેમની કરિયર ફરી ચાલી નહીં તે દુખદ છે. ‘ખોસલા કા ઘોસલા’ના નિર્દેશક દીબાકર બેનર્જીએ જણાવ્યું કે ‘નવીન નિશ્ચલ એક સારા અભિનેતા હતા, ટેક્નીકલી સુપર્બ. તેમની પાસે સરસ સેન્સ ઓફ હ્યુમર હતી. એક અભિનેતાના જીવનમાં બને તે બધાંમાંથી નવીન નિશ્ચલ પસાર થયા હતા. મારું કમનસીબ કે હું નવીનજી સાથે ફરી કામ કરી શકીશ નહિ, જે હું કરવા માંગતો હતો.’
અભિનેત્રી શબાના આઝમીએ નવીન નિશ્ચલ માટે કહ્યું હતું, ‘હું તેમને સારી રીતે યાદ કરું છું. તેમને ઓછા અંકાયા હતા. તેમના સરસ અવાજ અને સડસડાટ બોલવાની અદા સરસ હતી, જે ભાગ્યે જ જોવા મળે છે. લેખ ટંડનની ‘એક બાર કહો’માં તેમનો અભિનય સુઘડ અને યાદગાર હતો. નવીનજીને એકાએક સફળતા અને સ્ટારડમ મળ્યા હતાં અને તેને પાછા પણ ખેંચી લેવાયા હતાં. તે અંગે તેમની પ્રતિક્રિયાઓ મેં જોઈ છે. કયારેક તેઓ તે અંગે કડવા બનતા તો ક્યારેક ફિલસુફી ભર્યા. પણ તેમણે નિષ્ફળતા પચાવી હતી અને આગળ વધ્યા હતા, જે વધુ મહત્વનું છે. નાગેશ કુકૂનૂરની ફિલ્મ ‘બોલીવૂડ કોલિંગ’માં તેઓ વૃદ્ધ બની રહેલા ફિલ્મસ્ટારની ભૂમિકામાં હતા, જે હૃદયસ્પર્શી હતી.
નવીન નિશ્ચલ યાદ રહેશે તેમની ‘સાવનભાદોં’ (૧૯૭૦), ‘પરવાના’, ‘બુડ્ઢા મિલ ગયા’, ‘વિક્ટોરિયા નંબર ૨૦૩’, ‘ધુંદ’, ‘હસ્તે જખમ’, ‘ધરમા’, ‘વો મૈ નહીં’, ‘પૈસે કી ગુડિયા’, ‘ઝોરો’, ‘એક સે બઢકર એક’, ‘દો લડકે દોનો કડકે’, ‘સબૂત’, ‘ધ બર્નિગ ટ્રેન’, ‘એક બાર કહો’, ‘દહશત’, ‘દેશ પ્રેમી’, ‘રાજુ બન ગયા જેન્ટલમૅન’, ‘લહુ કે દો રંગ’, ‘મેજર સાબ’, ‘આ અબ લૌટ ચલે’, ‘હત્યા’, ‘ખોસલા કા ઘોસલા’, અને છેલ્લી ફિલ્મ ‘બ્રેક કે બાદ’ (૨૦૧૦). તેમની ટીવી શ્રેણીઓ: ‘રિસ્તે નાતે’ (૧૯૮૦), ‘દેખ ભાઈ દેખ’ (૧૯૮૩), ‘દાલ મેં કાલા’, ‘વક્ત કી રફતાર’, ‘ફરમાન’ અને ‘આશીર્વાદ’ (૨૦૧૦).

Image may contain: 1 person, closeup

Leave a comment

Filed under Uncategorized